મ્યાનમારમાં ગૃહયુદ્ધ - ચીનું ષડયત્ર અને ભારત પર નિશાન...!!

વર્ષ ૨૦૨૧માં મ્યાનમારની સેનાએ આંગ સાંગ સુ કિની લોકતાંત્રિક સરકાર પાસેથી સત્તા આંચકી લીધા પછી સતત ચાલી રહેલા ગૃહયુદ્ધમાં હજારો લોકો માર્યા ગયા છે.

    ૧૮-ડિસેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

myanmar 
 
 
 
# બ્રહ્મદેશ મ્યાનમારમાં અઢી વર્ષથી ગૃહયુદ્ધ કેમ ચાલી રહ્યું છે..?
# મ્યાનમારમાં હિંસક સંઘર્ષ, ભારત ઉપર ઘૂસણખોરીનું સંકટ | Myanmar
# મ્યાનમારમાં ગૃહયુદ્ધ : હજારો શરણાર્થીઓ જીવ બચાવવા માટે ભારતમાં ઘૂસી આવ્યા...
 
 
લગભગ સો વર્ષો પૂર્વે ભારતવર્ષનો જ એક ભાગ રહેલો તત્કાલીન બ્રહ્મદેશ એટલે કે આજનો મ્યાનમાર તેના આરંભકાળથી જ રાજકીય અસ્થિરતાનો ભોગ બનેલો છે. અંગ્રેજ-કોંગ્રેસની યુતિએ બનાવેલા ઇસ્લામિક દેશ પાકિસ્તાનમાં આરંભકાળથી જે અસ્થિરતા, અરાજકતા અને આતંક વ્યાપેલાં છે તેવાં જ બૌદ્ધપંથી મ્યાનમારમાં પણ અસ્થિરતા, અરાજકતા અને હિંસાચાર ઘર કરી ગયાં છે. વર્ષ ૨૦૨૧માં મ્યાનમારની સેનાએ આંગ સાંગ સુ કિની લોકતાંત્રિક સરકાર પાસેથી સત્તા આંચકી લીધા પછી સતત ચાલી રહેલા ગૃહયુદ્ધમાં હજારો લોકો માર્યા ગયા છે.
 
મ્યાનમારમાં આંગ મિન હલાઈંગ નામના તાનાશાહના નેતૃત્વમાં સૈન્યશાસન - જૂન્ટા શાસન - ચાલી રહ્યું છે. સૈન્યશાસનને દૂર કરવા માટે છેલ્લાં અઢી વર્ષોથી કેટલાંક સંગઠનો સશસ્ત્ર સંઘર્ષ કરી રહ્યાં છે. આમ સેના અને વિદ્રોહી જૂથો વચ્ચે ચાલી રહેલા ગૃહયુદ્ધમાં હજારો નિર્દોષ લોકો, સૈનિકો અને વિદ્રોહીઓ માર્યા ગયા છે. ટચૂકડા દેશ મ્યાનમારમાં તાંગ નેશનલ લિબરેશન આર્મી (TNLA) આરાકાન આર્મી (AA) અને મ્યાનમાર નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ આર્મી (MNDAA) આ ત્રણ વિદ્રોહી સમૂહોએ `થ્રી બ્રધરડ એલાયન્સ' નામનું એક સશસ્ત્ર ગઠબંધન બનાવ્યું છે. આ ગઠબંધન `ઓપરેશન 1027' નામના સશસ્ત્ર અભિયાન અંતર્ગત સૈન્યશાસન સામે હિંસક સંગ્રામ ખેલી રહ્યું છે. આ ત્રણ વિદ્રોહી સમૂહો ઉપરાંત પીપલ્સ ડિફેન્સ કોર્સ, ચિનલેન્ડ ડિફેન્સ ફોર્સ, બર્મા કમ્યુનિસ્ટ પાર્ટી સહિતનાં અન્ય સશસ્ત્ર જૂથોનું બનેલું `નેશનલ યુનિટી ગવર્નમેન્ટ' નામનું વિદ્રોહી ગઠબંધન પણ મ્યાનમારમાં સૈન્ય શાસન સામે સંઘર્ષ કરી રહ્યું છે.
 
અઢી વર્ષથી મ્યાનમારમાં સૈન્યશાસન તથા વિદ્રોહીઓ વચ્ચે ચાલી રહેલું ગૃહયુદ્ધ ગત માસમાં પરાકાષ્ટાએ પહોંચ્યું હતું. આ ગૃહયુદ્ધને પરિણામે મ્યાનમારમાં સૈન્યશાસનની પકડ ઢીલી પડી છે. વિદ્રોહીઓએ ચીન સરહદે આવેલા શાન રાજ્ય ઉપર તથા ભારત સરહદે આવેલા ચીન રાજ્ય ઉપર પોતાનું વર્ચસ્વ - શાસન પ્રસ્થાપિત કરી દીધું છે. આ બે પ્રાંતોમાં આવેલા ૧૫૦થી વધુ સૈન્ય થાણાંઓ તથા ૬ મહાનગરો ઉપર આજે વિદ્રોહીઓનો ધ્વજ ફરકે છે. આ ગૃહયુદ્ધમાં બંને પક્ષે અનેક લોકો હણાયાં હતાં. નવેમ્બરમાં વિદ્રોહીઓની આક્રમકતા એટલી ભીષણ હતી કે, હજારો સૈનિકો પોતાના જીવ બચાવવા ભારતમાં શરણાર્થી બનીને ઘૂસી આવ્યા છે. આ શરણાર્થીઓ મિઝોરમમાં ઘૂસી આવ્યા હોવાથી તેમના માટે ભારત સરકારને શરણાર્થી શિબિરો ઊભા કરવા પડ્યા છે.
 
વિસ્તારવાદી ચીન પાકિસ્તાન તથા શ્રીલંકાની જેમ મ્યાનમારને પણ હડપ કરવા માંગતું હોવાથી તે મ્યાનમારના વિદ્રોહીઓને શસ્ત્રાર્થ સહિત સર્વ પ્રકારની સહાય કરે છે તે સર્વવિદીત છે, પરંતુ ચીન મ્યાનમારના ઘૂસણખોર શરણાર્થીઓને પોતાની ભૂમિ ઉપર પ્રવેશવા દેતું ન હોવાથી ભારત ઉપર શરણાર્થીઓનાં ધાડેધાડાં ઊતરી આવ્યાં છે. આમ, ચીનના ષડયંત્રને કારણે મ્યાનમારમાં થઈ રહેલા હિંસાચારના પરિણામે સંકટ ભારતના માથે આવ્યું છે.
 
મ્યાનમારના વિદ્રોહીઓ એટલા તો હિંસક છે કે, સૈન્ય સામે બે જ વિકલ્પ હોય છે ઃ શરણાગતિ અથવા મૃત્યુ. પરંતુ આ બંને વિકલ્પો ઉપરાંત સૈનિકો તથા પ્રજાને જીવ બચાવવા ભારતમાતાનું શરણ લેવું એ વધુ અનુકૂળ વિકલ્પ લાગતો હોવાથી આજે હજારો મ્યાનમારવાસીઓ શરણાર્થી બનીને ભારતમાં ઘૂસી આવ્યા છે. જે સૈનિકો ભાગી છૂટવામાં નિષ્ફળ ગયા છે તે પૈકી મોટા ભાગનાને મારી નાખવામાં આવ્યા છે તો ૪૦૦થી વધુ સૈનિકોએ વિદ્રોહીઓ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે.
 
મ્યાનમારમાં સત્તા માટે ચાલી રહેલા હિંસાચારને પગલે ભારતમાં થઈ રહેલી ઘૂસણખોરી સામે ભારત સરકાર સંપૂર્ણપણે સજાગ છે. શરણાર્થી બનીને આવેલા ઘૂસણખોરોને માનવીય સહાયતા પૂરી પાડવામાં આવે છે, તેની સાથોસાથ આ શરણાર્થીઓને પાછા મોકલવાની પ્રક્રિયા પણ સતત ચાલી રહી છે. આમ છતાં નવેમ્બર તથા ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં આ ઘૂસણખોરીમાં થયેલી અસાધારણ વૃદ્ધિ ભારત માટે ચિંતાનો વિષય એટલા માટે પણ છે કે, ભારતમાં કોંગ્રેસી શાસનમાં ઘૂસી આવેલા મ્યાનમારના રોહિંગ્યા મુસ્લિમોએ દેશભરમાં જે હિંસાચાર કર્યો છે તેના આપણે સાક્ષી છીએ. મોદી સરકારે દેશમાં વધુ રોહિંગ્યા ઘૂસી ન જાય તેવી સાવધાની રાખી છે. આમ છતાં આજે પૂર્વોત્તર સીમા ઉપર શરણાર્થીઓનું સંકટ મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...