બલિદાન દિવસ - એ ક્રાંતિકારીઓ જેમણે પોતાના સાથીઓના સહારે અંગ્રેજોની ટ્રેન લૂટી લીધી હતી

કાકોરીની આ દાસ્તાન છે. ક્રાન્તિના આ નિષ્ફળ પ્રયાસ છતાં આ ક્રાન્તિવીરોને સલામ કરવી પડે કેમ કે તેમણે અંગ્રેજો સામે લડવાની હિંમત બતાવી હતી.

    ૧૮-ડિસેમ્બર-૨૦૨૩   
કુલ દૃશ્યો |

 
 
સરફરોસી કી તમન્ના અબ હમારે દિલ મેં, દેખના હે જોર કિતના બાજુ-એ-કાતિલ મેં હૈ. આ ગીત યાદ છે ને? આ લખનાર રામ પ્રસાદ બિસ્મિલની આજે જન્મજયંતિ છે. આઝાદીની લડાઈમાં જો સૌથી અલગ વિચારધાર ધરાવતા આ પહેલા ક્રાંતિકારી હોય શકે. જેણે અંગ્રેજો સામે હિંસક આંદોલન કર્યુ.  તેમના ક્રાંતિકારી જીવન વિશે અનેક વાતો છે, કિસ્સાઓ છે, પણ આજે કાકોરીની એ ઘટના યાદ આવે છે જેણે એ સમયે અંગ્રેજોને માત આપી હતી. આવો આજે તે ઘટનાને યાદ કરીએ...
 

બિસ્મિલ-અશફાક-આઝાદની ત્રિપુટીના તરખાટની યાદ અપાવતું સ્થળ કાકોરી

ભારતને અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્ત કરાવવા માગતા ક્રાન્તિકારીઓએ ટ્રેન લૂંટીને અંગ્રેજ સરકારને હચમચાવી નાખવાની યોજના ઘડી અને એ યોજનાને 9 આગસ્ટ, 1925ના દિવસે સફળતાપૂર્વક પાર પાડીને આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો હતો.
 
ભારતના આઝાદીના ઇતિહાસમાં કાકોરી અનોખું સ્થાન ધરાવે છે. કાકોરી ઉત્તર પ્રદેશમાં લખનૌ પાસે આવેલું છે. સહારનપુરથી લખનૌના રેલ્વે માર્ગ પર કાકોરી આવેલું છે. અંગ્રજો માટે લખનૌ બહુ મહત્ત્વનું કેન્દ્ર હતું અને લખનૌની આફિસે પહોંચાડવા માટે રોકડ રકમ સહારનપુરથી લખનૌ જતી ટ્રેનમાં મોકલાતી. ભારતને અંગ્રેજોની ચુંગાલમાંથી મુક્ત કરાવવા માગતા ક્રાન્તિકારીઓએ આ રકમ લૂંટીને અંગ્રેજ સરકારને હચમચાવી નાખવાની યોજના ઘડી અને એ યોજનાને 9 આગસ્ટ, 1925ના દિવસે સફળતાપૂર્વક પાર પાડીને આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો હતો. હિન્દુસ્તાન રીપબ્લિકન એસોસિયેશનના ક્રાન્તિકારીઓના આ પરાક્રમે આખા દેશમાં દેશભક્તિની એક લહેર પેદા કરી દીધી હતી ને આ પરાક્રમ કાકોરી લૂંટ તરીકે ઇતિહાસમાં અમર થઈ ગઈ.
 
કાકોરી લૂંટના સૂત્રધાર રામપ્રસાદ બિસ્મિલ, ચંદ્રશેખર આઝાદ અને અશફાકુલ્લાહ ખાન હતા. અંગ્રેજોને ભારતમાંથી ખદેડવા હોય તો હિંસક ક્રાંતિ કરવી પડે એ વિચારધારામાં માનતા આ ક્રાન્તિવીરો હિન્દુસ્તાન રીપબ્લિકન એસોસિયેશન સાથે સંકળાયેલા હતા. હિન્દુસ્તાન રીપબ્લિકન અસોસિયેશનની સ્થાપના રામપ્રસાદ બિસ્મિલે કરી હતી. પછીથી તેમાં ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, સુખદેવ થાપર જેવા લોકો જોડાયા. આ ક્રાન્તિકારીઓને ગાંધીજીની અહિંસાની લડતમાં વિશ્ર્વાસ નહોતો. એ લોકો અંગ્રેજો સામે લડીને તેમને ભગાડવા માગતા હતા. એ માટે શસ્ત્રો જોઈએ અને શસ્ત્રો ખરીદવા નાણાં જોઈએ તેથી તેમણે અંગ્રેજોની રોકડ લૂંટવાની યોજના બનાવી.
 
બિસ્મિલે અંગ્રેજો પોતાની રોકડ કઈ રીતે મોકલે છે તેનો અભ્યાસ શરૂ કર્યો અને તેમાંથી ખબર પડી કે ટ્રેનો દ્વારા રોકડ મોકલવાની પદ્ધતિ સામાન્ય છે. ગાર્ડના ડબ્બામાં સીલ કરેલા થેલામાં આ રોકડ મોકલાતી. ગાર્ડ પાસે બંદૂક રહેતી પણ મોટા ભાગે એક ટ્રેનમાં એક જ ગાર્ડ રહેતો તેથી ટ્રેનમાં લૂંટ ચલાવવી સરળ હતી. બિસ્મિલે એ પછી કઈ ટ્રેનમાં લૂંટ સરળતાથી ચલાવી શકાય તેમ છે તેનો અભ્યાસ શરૂ કર્યો ને તેમાં ઈસ્ટર્ન રેલ્વેની લાઇનો સલામત લાગી. ઈસ્ટર્ન લાઇનની ટ્રેનોમાં તેમણે સહારનપુરથી લખનૌ ટ્રેન પસંદ કરી કેમ કે લખનૌ મોટું કેન્દ્ર હતું ને ત્યાં મોટા પ્રમાણમાં રોકડ મોકલાતી હોવાની ધારણા હતી.
 

 
આ યોજનાને બીજા ક્રાન્તિવીરોએ વધાવી લીધી અને 9 આગસ્ટ, 1925ના રોજ લખનૌથી 14 કિલોમીટર દૂર આવેલા કાકોરી અને અમલનગર વચ્ચે ટ્રેન લૂંટવી એવું નક્કી કરી લીધું. યોજના પ્રમાણે રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લાહ ખાન, રાજેન્દ્ર લાહિરી, ચંદ્રશેખર આઝાદ, સચિન્દ્ર બક્ષી, કેશવ ચક્રવર્તી, મન્મથનાથ ગુગ, મુરારીલાલ ગુગ, મુકુન્દીલાલ ગુગ અને બનવારીલાલ નંબર 8 ડાઉન ટ્રેનમાં સહરાનપુરથી બેઠા. ટ્રેન જેવી કાકોરી નજીક પહોંચી કે એક ક્રાન્તિવીરે ચેઈન ખેંચી. ટ્રેન ઊભી રહી એ સાથે જ આ ક્રાન્તિવીરો ગાર્ડના ડબ્બા તરફ ધસ્યા. આ વિસ્તારમાં આસપાસનાં ગામોનાં લોકો પોતાને નજીક પડે એ રીતે ઊતરવા માટે ચેઈન ખેંચે એ ઘટના બહુ સહજ હતી તેથી ગાર્ડ નિરાંતે બેઠો હતો. આ ક્રાન્તિવીરો ગાર્ડના ડબ્બામાં ઘૂસ્યા એ સાથે જ તે ચોંકયો. બંદૂક તેના હાથમાં જ હતી ને તેણે ગભરાટમાં ઘોડો દબાવી દીધો. આ ગોળી કોઈ ક્રાન્તિવીરને તો ના વાગી પણ નીચે ઊભેલા એક મુસાફરને વાગી ને એ મોતને ભેટ્યો. સામે 10 ક્રાન્તિકારીઓ હતા તેથી ગાર્ડને બીજી ગોળી છોડવાની તક જ ના મળી. તેની પાસેથી બંદૂક આંચકીને તેને બાંધી દેવાયો ને રોકડ ભરેલા થેલા ઉપાડીને ક્રાન્તિવીરો છૂ થઈ ગયા. માત્ર સાત મિનિટના ગાળામાં આ આખી લૂંટની યોજનાને પાર પડાઈ હતી. ક્રાન્તિવીરો 8000 રૂપિયાની રોકડ લૂંટી ગયા હતા અને અંગ્રેજોનું નાક વાઢી ગયા હતા. એ જમાનામાં 8000 રૂપિયા બહુ મોટી રકમ મનાતી.
 
બિસ્મિલ અને તેમના સાથીઓએ આ લૂંટમાં એક વાતનું ખાસ ધ્યાન રાખ્યું હતું કે ટ્રેનમાં બેઠેલા કોઈ ભારતીય પાસેથી એક રૂપિયાની પણ લૂંટ ના કરાય અને કોઈ ભારતીયને જરા સરખી ઈજા ના થાય. અંગ્રેજોએ તેમના સંગઠનની ઈમેજ લૂંટારાઓના સંગઠનની બનાવી હતી. તેમણે પોતે લૂંટારા નહીં પણ દેશની આઝાદી માટે લડનારા ક્રાન્તિવીરો છીએ તેવો મેસેજ જાય તેનું ધ્યાન રાખીને યોજના ઘડી હતી ને આ ઉદ્દેશમાં એ લોકો સફળ પણ થયા. આ લૂંટના કારણે દેશભરમાં ઉત્સાહની લહેર ફેલાઈ ગઈ હતી. આ દેશમાં અંગ્રેજોનું નાક વાઢનારા લોકો પડ્યા છે તેવો અહેસાસ લોકોને થયો અને બિસ્મિલ તથા તેમના સાથીઓ હીરો બની ગયા હતા.
 
અંગ્રેજો આ લૂંટથી ભૂરાંટા થઈ ગયા હતા. તેમની ઇજ્જત સરેઆમ લૂંટાઈ હતી ને લોકોમાં તેમની ધાક રહે એ માટે આ લૂંટ કરનારા લોકોને સજા કરાવવી જરૂરી હતી. અંગ્રેજોએ આ ક્રાન્તિવીરોને પકડી લેવા માટે પોતાની તમામ તાકાત કામે લગાડી દીધી. અંગ્રેજો સામ, દામ, દંડ, ભેદમાં હોંશિયાર હતા. કમનીસીબી એ છે કે આ દેશમાં પૈસાને ખાતર વેચાઈ જનારા લોકો એ વખતે પણ હતા. તેના કારણે અંગ્રેજો પાસે બહુ ઝડપથી આ લૂંટમાં કોણ કોણ સામેલ હતા તેની માહિતી આવી ગઈ.
 
અંગ્રેજોએ તેમને પકડવા પોતાની તમામ તાકાત કામે લગાડી દીધી અને 26 સપ્ટેમ્બર 1925ના રોજ બિસ્મિલ સહરાનપુરમાંથી પકડાયા. બિસ્મિલે મોં ના ખોલ્યું પણ અંગ્રેજો પાસે બીજા લોકો સુધી પહોંચવાના બીજા રસ્તા પણ હતા. ધરપકડોનો દોર ચાલુ રહ્યો ને અંગ્રેજોએ આ સંગઠનના 40 લોકોની ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલી દીધા. એક મહિના પછી અશફાકુલ્લાહ ખાન પકડાયા એ સાથે જ મોટા ભાગના ક્રાન્તિવીરો અંદર થઈ ગયા.
 

 
 
એ પછી આ કેસમાં ક્રાન્તિવીરો સામે લૂંટ અને હત્યા સહિતના આરોપો હેઠળ કેસ ચાલ્યો. આ દેશમાં ક્રાન્તિ સફળ ના થઈ તેનું કારણ એ છે કે આપણામાંથી જ ગદ્દારો પેદા થઈ જતા હતા. કાકોરી કેસમાં પણ એવું થયું. વીરભદ્ર તિવારી, જ્યોતિશંકર દીક્ષિત અને શિવચરણલાલ ફૂટી ગયા હતા ને તેમણે ગદ્દારી કરી અંગ્રેજોને બધી માહિતી આપી દીધી. બનારસીલાલ અને ઈન્દુભૂષણ મિત્રા તાજના સાક્ષી બની ગયા. પછીથી બનવારીલાલ પણ તાજના સાક્ષી બની જતાં એ બધાંને બે વરસની સજા થઈ. એ પછી બાકીના 28 લોકો સામે કેસ ચાલ્યો. બિસ્મિલે પોતાનો બચાવ પોતે કર્યો. કોર્ટે લાંબી સુનાવણી પછી બિસ્મિલ, અશફાક, રાજેન્દ્ર લાહિરી અને રોશનસિંહને ફાંસીની સજા આપી. બાકીનાને જનમટીપ થઈ. આ સજા સામે અપીલ કરાઈ ને દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો પણ દયાની અરજીઓ ફગાવી દેવાઈ. પછી 19 ડિસેમ્બર, 1927ના રોજ ચારેયને ફાંસી આપી દેવાઈ.
 
ચંદ્રશેખર આઝાદ અંગ્રેજોના હાથમાં કદી આવ્યા નહીં. એ ભગતસિંહ સાથે રહીને લડતા રહ્યા. 27 ફેબ્રુઆરી 1931ના રોજ એ અલાહાબાદમાં પોતાના સાથી સુખદેવ રાજને મળવા ગયા હતા ત્યારે કોઈએ બાતમી આપી દીધી. આઝાદ આલ્ફ્રેડ પાર્કમાં હતા ને પોલીસે તેમને ઘેરી લીધા. આઝાદ બહાદુરીથી લડ્યા ને સુખદેવને ભગાડીને ત્રણ પોલીસોને મારી નાખ્યા. પછી લાગ્યું કે પકડાઈ જવાશે ત્યારે તેમણે પોતાને જ ગોળી મારીને શહીદી વહોરી લીધી.
 
"કાકોરી ટ્રેન એક્શન"ની આ દાસ્તાન છે. ક્રાન્તિના આ નિષ્ફળ પ્રયાસ છતાં આ ક્રાન્તિવીરોને સલામ કરવી પડે કેમ કે તેમણે અંગ્રેજો સામે લડવાની હિંમત બતાવી હતી. 
 

કેવી રીતે પહોંચશો ?

રાજ્ય : ઉત્તરપ્રદેશ
શહેર : લખનૌ
 
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી 14 કિલોમીટર દૂર આવેલું કાકોરી ઝરદોરી કામ અને દશેરી કેરીઓ માટે પ્રખ્યાત છે. અહીંનાં કબાબ પણ જાણીતા છે. ઉર્દૂ શાયરી અને સાહિત્યનો ગઢ કાકોરી કાદિરીયા કલંદરી સૂફી સંતો માટે પ્રખ્યાત છે. અંગ્રેજોના વખતમાં સૌથી વધારે અધિકારીઓ પેદા કરનારા શહેર તરીકે કાકોરી ખ્યાતનામ હતું. લખનૌની તહઝીબ હજુય અહીં જળવાયેલી છે.

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...