પ્રકરણ ૨ | ...અને ઉમાકાન્તે આજીવન લગ્ન નહીં કરવાનો નિર્ણય કર્યો

આપ્ટે માસ્તરે શાંતિથી કહ્યું, ‘સાહેબ ! મને માફ કરો. તમે મારા કરતાં મોટા છો. તમારું અપમાન કરવાની મારી લગીરેય કલ્પના નથી, છતાંય કહું છું કે જે શાળામાં લોકમાન્ય ટિળક જેવા મહાન દેશભક્તનું નામ લેવાની પણ મનાઈ હોય એ શાળામાં એક પળ પણ રહેવાની મારી પોતાની ઇચ્છા નથી.’ આવો સણસણતો જવાબ આપી, પોતાનું રાજીનામું આચાર્યના મેજ પર મૂકી તેઓ શાળાની બહાર ચાલ્યા ગયા.

    ૧૦-માર્ચ-૨૦૨૩
કુલ દૃશ્યો |

Babasaheb Apte Jivani
 

 

પ્રથમ પ્રચારક બાબાસાહેબ આપ્ટે । Babasaheb Apte Jivani । પ્રકરણ - ૨

 
કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવામાં, ગમે તેટલાં દુ:ખો સહવામાં કે દૃઢતાપૂર્વક મુશ્કેલીઓનો સામનો કરવામાં બાબાસાહેબ ક્યારેય પાછા પડ્યા નથી. સંઘ પહેલાંના એમના જીવનમાં એમની ઇચ્છાશક્તિની પરીક્ષા લેતો એક પ્રસંગ બન્યો : ૧૯૧૯માં બાબાસાહેબના પિતા શ્રી કેશવરાવનું આકસ્મિક મૃત્યુ થયું. મા, બહેન, નાના ભાઈ સૌ સડક પર આવી ગયાં હોય એમ લાગ્યું, પણ માએ હિંમત ન હારી. એમણે ઉમાકાન્તનો અભ્યાસ ચાલુ રાખ્યો. ૧૯૨૦માં ઉમાકાન્તે મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. યવતમાળના લોકનાયક અણે સાથે ઉમાકાન્તનો સારો પરિચય હતો. ઉમાકાન્ત એમને ઘરે જતા. એમને અનેક પ્રશ્નો પૂછતા અને એમના ઘરેથી સારાં સારાં પુસ્તકો લાવી વાંચતા. મૅટ્રિક પાસ કર્યા પછી કુટુંબના ભરણપોષણ માટે નોકરી કરવી એમને માટે જ‚રી બની ગઈ. બાપુજી અણેની ભલામણથી એમને વર્ધા જિલ્લાની ધામણ ગામની શાળામાં શિક્ષકની નોકરી મળી ગઈ. નોકરી તો મળી ગઈ, પરંતુ ઉમાકાન્તે પોતાના મનની વાત એમની માતાને કહી હતી. એમણે સંકલ્પ કર્યો હતો: તેઓ લગ્ન નહિ કરે. કેવળ પૈસા કમાવવામાં જ જીવન ન વીતાવતાં, જીવનને દેશ માટે સમર્પિત કરી દેશે. એમને માતાના આશીર્વાદ પણ મળ્યા હતા.
 
શિક્ષણકાર્યને વ્યવસાય તરીકે સ્વીકારનાર ઉમાકાન્તને બીજા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ‘આપ્ટેજી’ કહી બોલાવતા હતા. તેઓ કેવળ પગારખાઉ શિક્ષક ન હતા. વિદ્યાર્થીઓમાં દેશભક્તિના સંસ્કાર જાગે, તેઓ દેશના વાસ્તવિક ઇતિહાસને જાણે અને એમનામાં સ્વાભિમાન જાગે એ માટે આપટે માસ્તર હંમેશાં પ્રયત્ન કરતા રહેતા હતા. આ દૃષ્ટિ ધ્યાનમાં રાખી તેઓ બાળકોને ઇતિહાસ અને રામાયણ-મહાભારતની વાતો અત્યંત રોચક રીતે કહેતા હતા. વિદ્યાર્થીઓના તો શિક્ષક બની ગયા હતા, પણ આ બધાને કારણે બીજા શિક્ષકોના મનમાં એમના માટે ઈર્ષ્યા પેદા થઈ, ચાડીચુગલી શ‚ થઈ. આપટે માસ્તરે તો સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું, ‘બાળકોના મનમાં મુડદાલ માહિતી ભરવાને હું શિક્ષણકાર્ય માનતો નથી. શિક્ષણથી તો બાળકનો સર્વાંગી વિકાસ થવો જોઈએ. ઈર્ષ્યાગ્રસ્ત ટીકા-ટિપ્પણીમાં ઘી ન હોમતાં એમણે એમનું શિક્ષણકામ ચાલુ રાખ્યું.
 
હવે આવી ૧લી ઑગસ્ટ, ૧૯૨૪. આપ્ટે માસ્તરના જીવનમાં નવો વળાંક લાવનારો દિવસ. એ દિવસે લો. મા. ટિળકની પુણ્યતિથિ પ્રસંગે એમણે એક પ્રભાવી કાર્યક્રમ કર્યો. વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક સહભાગી બન્યા. દેશભક્તિનાં ગીતો, ભાષણો, લેખોનું વાંચન અને ગીતાના બે અધ્યાયોનું વાંચન વગેરેથી એક અત્યંત ચૈતન્યપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ થયો. વરિષ્ઠ સરકારી અમલદારોના કાને આ વાત પહોંચી. મુખ્ય શિક્ષક પર પત્ર આવ્યો. સરકાર વિરોધી આ કાર્યક્રમ રોકો કે પછી એનાં પરિણામ ભોગવવા તૈયાર રહો. ગભરાયેલ મુખ્ય આચાર્યે આપ્ટે માસ્તરને શાંતિથી તેમજ ખરી-ખોટી સંભળાવી સમજાવવા પ્રયત્ન કર્યો. આપ્ટે માસ્તરે શાંતિથી કહ્યું, ‘સાહેબ ! મને માફ કરો. તમે મારા કરતાં મોટા છો. તમારું અપમાન કરવાની મારી લગીરેય કલ્પના નથી, છતાંય કહું છું કે જે શાળામાં લોકમાન્ય ટિળક જેવા મહાન દેશભક્તનું નામ લેવાની પણ મનાઈ હોય એ શાળામાં એક પળ પણ રહેવાની મારી પોતાની ઇચ્છા નથી.’ આવો સણસણતો જવાબ આપી, પોતાનું રાજીનામું આચાર્યના મેજ પર મૂકી તેઓ શાળાની બહાર ચાલ્યા ગયા. એમના મનમાં દુર્બળ વિચારે સ્પર્શ પણ કર્યો ન હતો. કારંજા વિદ્યાલયના અનુભવો પછી દેશભક્તિના માર્ગે નીકળેલ ઉમાકાન્તની આ પ્રકરણથી પરીક્ષા થઈ ગઈ.
 
વાસ્તવિકતા તો એ હતી કે એ સમયે ઉમાકાન્ત સમગ્ર પરિવારના આધારસ્તંભ હતા. પોતાના ખર્ચ જેટલા પૈસા રાખી બાકીનો પગાર એ પોતાનાં માતાને મોકલી આપતા હતા. નાના ભાઈનો અભ્યાસ ચાલુ હતો, ઘરમાં બહેન હતી. આ જવાબદારીઓનો વિચાર કરતાં, વ્યાવહારિક નજરે તો રાજીનામું આપવું એ એક રીતે તો એક અવિચારી પગલું હતું, પરંતુ પરિવાર સંબંધી વિચાર કરી એમણે એમના મનને નબળું ન પડવા દીધું. તેઓ એમની પ્રામાણિક માન્યતાઓ પર અડગ રહ્યા.
 
નાગપુરમાં આગમન...
 
ઉમાકાન્ત આપ્ટેનું આ સમયનું આયુ કેવળ ૨૧ વર્ષનું હતું ! બધી વાતો વિચારી એમણે નાગપુર જવાનો નિર્ણય કર્યો. સપ્ટેમ્બર ૧૯૨૪માં નાગપુર આવી ગયા. નોકરી મેળવતાં ખાસ કાંઈ મુશ્કેલી નડી નહીં. શ્રી માધવરાવ પાધ્યેના દેશસેવક મુદ્રણાલયમાં કામ મળી ગયું. શ્રી પાધ્યેના દેશસેવક પ્રેસમાંથી ‘ઉદ્યમ’ નામક એક માસિક પત્રિકા પણ નીકળતી હતી. નોકરી અને કુટુંબના ભરણપોષણ માટે પૈસા મોકલવાની વ્યવસ્થા થઈ ગઈ. આ સમય સુધી બાબાસાહેબના હૃદયમાં દેશભક્તિની જ્યોતિ જ્વલંત રીતે પ્રગટી ગઈ હતી. ‘બર્વ અને મોડક’ નામક પોતાના બે મિત્રો સાથે એમણે નાગપુરના સીતાબર્ડી વિસ્તારમાં એક મકાનના ત્રીજા માળની એક ઓરડી ભાડે લીધી. બાબાસાહેબ અહીં કેટલાંક વર્ષો રહ્યા તો પણ આ ઓરડીને એક ઐતિહાસિક મહત્ત્વ મળી ગયું. યુવાન બાબાસાહેબને સ્વાભાવિકપણે જ થયું કે માતૃભૂમિની સ્વતંત્રતા માટે કાંઈક કરવું જોઈએ. પોતાની જેમ જ બીજા યુવાનોના હૃદયમાં પણ રાષ્ટ્રભક્તિની જ્યોતિ પ્રગટાવવી જોઈએ.
 
દેશભક્તિપૂર્ણ વિચારોની આપ-લે થાય એ દૃષ્ટિએ, આ ઓરડીમાં યુવકોની આવ-જા થાય એ દૃષ્ટિએ એમણે પ્રયાસો શરુ કર્યા. સંજોગવશ અમે ભિશિકર પરિવારના લોકો એ દિવસોમાં સીતાબર્ડીમાં નોર્મલ સ્કૂલના બંગલામાં રહેતા હતા. મારા પિતાજી સરકારી શિક્ષક પ્રશિક્ષણ વિદ્યાલયના પ્રમુખ હતા. મારા ઘરેથી બાબાસાહેબનું મકાન કેટલીક મિનિટોના અંતરે હતું. મારા મોટાભાઈ શ્રી નાના લક્ષ્મીકાંત પરમાનંદ ભિશિકર સાથે બાબાસાહેબને ઓળખાણ થઈ. આપટેજીને ત્યાં નાના આવવા-જવા લાગ્યા. પટવર્ધન હાઈસ્કૂલ સીતાબર્ડીમાં એક પ્રસિદ્ધ સરકારી શાળા હતી. એ શાળામાં સારાં ભણેલાં ગણેલાં કુટુંબોનાં મેધાવી અને પુરુષાર્થી બાળકો અભ્યાસ કરતાં હતાં. એ બાળકોને ભણવાનો, રમવાનો અને ચર્ચા કરવાનો શોખ રહેતો. આવાં કેટલાંક બાળકો આપ્ટેજીની ઓરડી પર આવવા - જવા લાગ્યાં અને આપ્ટેજી એમની સાથે વાતચીત કરવા લાગ્યા. બાબાસાહેબે ખબર નહીં પણ ક્યાંકથી બ્રિટિશ સરકારે જપ્ત કરેલ કેટલીય પુસ્તિકાઓ મેળવી લીધી હતી. એમાંની કેટલીક પુસ્તિકાનાં નામ : પસંદગીના સંકલિત લેખ, જોસેફ મૈજિની, ૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ (સાવરકર) અને કીચકવધ (કૃ. પ. ખાડિલકર).
 
સશસ્ત્ર ક્રાંતિકારીઓમાંથી અનેક ક્રાંતિકારીઓનાં જીવનચરિત્ર પ્રકાશિત કરનાર ‘ચાંદ’ માસિક પત્રિકાનો એક દળદાર વિશેષાંક પણ એમના પુસ્તક સંગ્રહમાં હતો. ‘જોસેફ મૈજિની’ નામક પુસ્તકની સાવરકરે લખેલી પ્રેરણાસ્પદ પ્રસ્તાવના તો એ દિવસોમાં અનેક યુવકોને મોઢે હતી. દેશભક્તિ પેદા કરનાર આ સાહિત્ય આપટે યુવા વિદ્યાર્થીઓમાં વહેંચતા હતા. આ સંબંધી એમનો તલસાટ એટલો બધો હતો કે સાવરકરકૃત ‘સ્વાતંત્ર્ય સંગ્રામ’ (વોર ઑફ ઇન્ડિપેન્ડન્સ)ની ટાઈપ પ્રતો એમણે પોતે જ ટાઈપ કરી હતી. પુસ્તકનાં વિભિન્ન પ્રકરણોના છૂટા કાગળો વિદ્યાર્થીઓને આપવામાં આવતા. આ ક્રમ અવિરત ચાલતો હતો.
 
વરિષ્ઠજનની યાદો
 
સૌભાગ્યવશ બાબાસાહેબના બે નજદીકના મિત્રો શ્રી નાના ભિશિકર અને શ્રી પ. ર. ખાંડેકર પાસેથી કેટલીક અત્યંત મહત્ત્વપૂર્ણ માહિતી મળી છે. શ્રી ખાંડેકર સંયોગવશ પોતાની દીકરીને ઘરે આવ્યા હતા. નાના સાથે એમને ગાઢ મિત્રતા હતી. શાળામાં એ નાનાના સહપાઠી હતી. મારી પણ એમની સાથે ઓળખાણ થઈ ગઈ. નાનાનો નાનો ભાઈ પુણેમાં રહે છે એ એમને ખબર હતી. ૯૦ વર્ષની આયુ હોવા છતાં મારું સરનામું મેળવી મારા ઘરે પધાર્યા. અમે બંને તુરત જ પરસ્પર એકબીજાને ઓળખી ગયા. એમણે મને બાથમાં લીધો. નાનાની યાદો આવવા લાગી. લગભગ ૭૫ વર્ષ પુરાણી એ યાદો યાદ કરવામાં અમે તલ્લીન બની ગયા. થોડા સમય પછી માનનીય શ્રી મોરોપંત પિંગળે પુણે આવ્યા ત્યારે એમને લઈ હું ખાંડેકરને મળવા ગયો. ખુલ્લા મને ચર્ચા થઈ. આ મુલાકાતમાં મોરોપંતે એમને કહ્યું, ‘બાબાસાહેબ નાગપુર આવ્યા અને થોડા સમય પછી સંઘમાં પ્રવેશ્યા. આપ એ સમયના સાક્ષી છો. આપને એ સમય વિશે જે કાંઈ યાદ હોય એનું ટાંચણ કરી બાપુને સોંપી દો. શક્ય હોય તો આ પ્રવાસમાં આ કામ પૂરું કરી દો.’ ખાંડેકરજી કહે, ‘ઉંમરને કારણે મારી યાદશક્તિ કંઈક નબળી પડતી જાય છે, છતાંય હું પ્રયાસ કરું છું.’ પુણે છોડતા પહેલાં તેઓ એક દિવસ મારે ત્યાં આવ્યા. મારા હાથમાં એક બંડલ મૂકી દીધું. એમાં લખેલી માહિતી આ પ્રકારે છે :
 
પટવર્ધન હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવ્યા પછી મારી પહેલી મિત્રતા નાના ભિશિકર સાથે થઈ. નાના દ્વારા જ હું શ્રી આપટેના નજીકના સંપર્કમાં આવ્યો. આપટે એ દિવસોમાં ‘ઉદ્યમ’ કાર્યાલયમાં કામ કરતા હતા. આ પત્રિકાના માલિક શ્રી માધવરાવ પાધ્યે હતા. આપટે એમના મિત્ર શ્રી બર્વ સાથે બૂટી બિલ્ડિંગના ત્રીજા માળે રહેતા હતા. હું, નાના અને મારા જેવા કેટલાક યુવાન મિત્રો ત્યાં એકત્રિત થતા હતા. શ્રી આપટે અને નાનાને સાવરકર જેવા ક્રાંતિકારીઓ પ્રત્યે વિલક્ષણ આકર્ષણ હતું. સાવરકર તો જાણે એમના માટે દેવતા હતા. સ્વાતંત્ર્યવીર સાવરકરના મોટા ભાઈ શ્રી બાબારાવ એ દિવસોમાં અચૂક નાગપુર આવતા હતા. અમે એમને મળવા જતા હતા. એમના પ્રખર દેશભક્તિપૂર્ણ વિચારો સાંભળવાનું અમને સૌભાગ્ય મળ્યું હતું.
આપ્ટે પાસે ભારતીય ઇતિહાસ તથા બીજાં અનેક દેશોના ઇતિહાસનાં પુસ્તકો હતાં. સાવરકૃત ‘૧૮૫૭નો સ્વાતંત્ર્ય સંગ્રામ’ અને જોસેફ મૈજિની જેવી સરકારે પ્રતિબંધિત કરેલ પુસ્તિકાઓ પણ આપ્ટેના સંગ્રહમાં હતી.
 
(ક્રમશ:)
 
 
આ જીવનગાથાના અન્ય પ્રકરણ...