માનવીની માનસિકતા બગાડવા કોણ ષડ્‌યંત્ર રચી રહ્યું છે?!

22 Mar 2023 14:21:03

Communist Agenda in India 
 

`વોક (Woke)' નામે વકરતો વામપંથ (7) । Communist Agenda in India

 
 
કલ્પના કરો કે દુનિયાની તમામ ગટરોને જોડીને ભેગી કરી દેવામાં આવે તો શું થાય? તો તો દુનિયાની મોટામાં મોટી નદી કરતાં કેટલાય ગણા મોટા કદવાળી વિકરાળ ગટરનદી બને. તેને નદી કહેવી એ પણ ઉચિત ગણાય કે?
 
બસ આ જ રીતે છેલ્લી બે સદીઓથી પશ્ચિમથી પેદા થયેલ વિકૃત વિચારરૂપી પ્રદુષણનું નાળું પોતાના પટનો (પહોળાઈમાં અને ઊંડાઈમાં પણ..) સતત વિસ્તાર કરતું કરતું આજે પ્રત્યેક વ્યક્તિની માનસિકતાને પ્રદૂષિત કરવા ધસમસી રહ્યું છે.
અત્યંત ખેંચાણ ધરાવતી આ મહાગટર, જેના કારણે અસ્તિત્વ ધરાવે છે તેવી ચાર બાબતોનું વર્ણન કઈક આવું છે..
 
૧, વામપંથ અને પોસ્ટમોડર્નિઝમ
(આ છે.. સમગ્ર પ્રદૂષણનું ઉદ્ભવસ્થાન.)
 
૨, ક્રિટીકલ રેસ થીયરી
(આ છે.. ઉપરોક્ત પ્રદુષણનો જથ્થો તેના ઉદ્ભવસ્થાનથી લઈને જ્યાં મોટાં મોટાં નગરો-મહાનગરો વસ્યાં છે, મોટાં મોટાં શૈક્ષણિક સંસ્થાનો આવેલાં છે તેવાં સ્થાનોને આવરી લેતો સતત પ્રવાહિત થતો રહે તે માટેનું પ્રવાહી માધ્યમ.)
 
૩, વોકેઈઝમ
(આ છે.. આ ઉપરોક્ત પ્રદૂષિત પ્રવાહ તો અતિ અમૂલ્ય છે તેવું પ્રથમ નજરે જ લાગવા લાગે તે માટે તે પ્રવાહની બંને બાજુએ બાંધવામાં આવેલ લોકભોગ્ય કિનારો. જ્યાં છે- અતિ મનોરંજક સાધનો-રાઈડસવાળો ગેઈમ્સ ઝોન, ઠેરઠેર કૃત્રિમ પ્લાસ્ટિકનાં વૃક્ષો વચ્ચે વચ્ચે ગોઠવેલાં કૃત્રિમ પ્રાણીઓ, વૃક્ષો પર જાત જાતના અવાજો કાઢતાં કૃત્રિમ પક્ષીઓ, તમામ પ્રકારની ખાણીપીણીના સ્ટોલ, સિનેમાઘરો, ટહેલવા માટે, કૂદવા-રમવા માટે કુદરતી ઘાસનેય ઝાંખું પાડે તેવું પ્લાસ્ટિકીયું ઘાસ વગેરે વગેરે..)
 
૪, જૂઠને સાચું ઠેરવતાં પરોક્ષ/પ્રત્યક્ષ જન આંદોલન કે સંસ્થાગત વિમર્શ દ્વારા તમામ રાષ્ટ્રીય સંસ્થા-સંસ્થાનોનો વિધ્વંસ. [ઉદા.- આ લેખમાં વિમર્શ ઉભા કરીને `ઇક્વાલિટી લેબ્સ' નામનું ગ્રુપ કેવાં - કેવાં વિધ્વંસાત્મક ત્મક જુઠ્ઠાણાં ફેલાવી રહ્યું છે તેની વિગતે વાત છે.]
 
(આ છે.. સતત વધતા પ્રદૂષણના કારણે કિનારા પરનાં મોટાં નગરો-મહાનગરોને મોટાં મોટાં શૈક્ષણિક સંસ્થાનોને થનાર ભયાનક રોગો, ગૂંગળામણ, પ્લાસ્ટિક વગેરેના માધ્યમથી કદી ન બુઝાય એવી આગ અને અંતે થનાર સર્વનાશ.)
 
હમણાં એક અખબારના માધ્યમથી જાણવા મળ્યું કે, બેંક ઓફ અમેરિકાએ પોતાના વાર્ષિક રિપોર્ટમાં એવું જાહેર કર્યું છે કે, `અમે મૂડીવાદી છીએ.' બેન્કના વડા બ્રાયન મોયનિહાને રિપોર્ટમાં એવો ખુલાસો કર્યો છે કે, `જ્યારે સંસદે અમને પૂછ્યું કે, બેંક મૂડીવાદી છે? ત્યારે અમે જવાબ આપ્યો હતો કે, `હા'. આવું કેમ પૂછવું પડ્યું હશે? જે અમેરિકાને આખું વિશ્વ મૂડીવાદી કહી રહ્યું છે, માની રહ્યું છે, મૂડીવાદી ગણી રહ્યું છે, તે અમેરિકામાં આવો પ્રશ્ન? શું બેંક મૂડીવાદીના વિકલ્પે કદાચ પોતાને `સમાજવાદી' પણ કહી શકે છે તેવી અપેક્ષા હશે? ખરેખર અમેરિકાને થયું છે શું?
 
એક બાજુ સારા સમાચાર એ છે કે, ભારતમાં દિકરીઓ STEM (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ) ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે અનેક અવરોધોને પાર કરીને આ દિશામાં સારી પ્રગતિ પ્રાપ્ત કરી રહી છે, તેમનું એનરોલમેન્ટ વર્ષોત્તર વધતું જઈ રહ્યું છે. ભારત સરકારની પહેલ એવી `ગતિ' (જેન્ડર એડવાન્સમેન્ટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્સ્ટિટ્યૂશન્સ) અને `કિરણ' (નોલેજ ઇન્વોવોલ્વમેન્ટ રિસર્ચ એડવાન્સમેન્ટ થ્રૂ નર્ચરીંગ) યોજનાઓ વગેરે જેવાં સકારાત્મક પગલાંના કારણે પરિપક્વ પરિવર્તનની દિશામાં પ્રગતિ પ્રાપ્ત થઈ રહી છે.
 
સાથે સાથે અમેરિકાના STEM ક્ષેત્રમાં ભારતથી થઈ રહેલાં આવાં બ્રેઈન-ડ્રેઈનનું પ્રમાણ સતત વધી રહ્યું છે, તેનો ભરપૂર લાભ અમેરિકા ઉઠાવી રહ્યું છે, છતાં હાર્વર્ડ યુનિવર્સિટીએ ભારતીય STEM તરફ નિશાન સાધ્યું છે. અને આમ હાર્વર્ડ યુનિવર્સિટી અમેરિકાના પગ પર જ એટલે કે `ટેક-સેક્ટર' પર કુહાડો મારી રહી છે. યોગાનુયોગે અમેરિકાના ટેક-સેક્ટરના પ્રાણરૂપ `ટેક-સ્ટાર્ટ અપ'ની ફાઇનાન્સર `સિલિકોન વેલી બેંક'નું ઉઠમણું થઈ જતાં અમેરિકાના બેંકગ ક્ષેત્રનું તો ઠીક, પરંતુ તેના કરતાં વધુ ગંભીર બાબત એ છે કે, `ટેક-સ્ટાર્ટ-અપ' કપનીઓનું ભાવિ અદ્ધરતાલ થઈ ગયું છે.
 
આ હાર્વર્ડ યુનિવર્સિટીના વોકેઈઝમ થકી સંચાલિત થઈ રહેલા બદલાયેલા `વોક અમેરિકા'ની ધૂંધળી તસવીર ભાવિ અમેરિકાની તાસીર બતાવે છે.
 
અગાઉ આ સ્તંભમાં `Cisco કપની'ને કાનૂની ચૂંગાલમાં સંડોવવામાં મળેલ સફળતાને પગલે સિલિકોન વેલીની બધી જ ટેક કપનીઓ પર અસહ્ય દબાણ ઉભું કરનાર યુ.એસ. બેઝ્ડ `ઇક્વાલિટી લેબ્સ' નામના ગૃપની વાત કરેલી. મૂળ તમિલનાડુથી અમેરિકામાં જઈ ત્યાં કાર્ડિઓલોજિસ્ટ બનેલા ભારતીય સજ્જ્નના ઘરે કેલિફોર્નિયામાં જન્મેલાં થેન્મોઝી સૌંદરારાજને આ `ઇક્વાલિટી લેબ્સ'ની સ્થાપના કરેલી. `બ્લેક હિસ્ટોરી મંથ'ની નકલરૂપે `દલિત હિસ્ટોરી મંથ'ની શરૂઆત પણ તેઓએ કરેલી. તેઓએ પોતાની દલિત ઓળખવાળી `વિક્ટિમ' ભૂમિકાની અદાકારી દ્વારા વ્હાઈટ અમેરિકનોને એવું માનવા બાધ્ય કર્યાં છે કે, વ્હાઈટ અમેરિકનો જ ખરેખરા ગુનેગાર છે. તેઓના પૂર્વધારણાયુક્ત સર્વે આધારિત `તથ્યો'વાળા ગપગોળાઓમાં આવીને વશીભૂત થઇ ગયેલા વ્હાઈટ અમેરિકનોના જોરે તેઓ ભારત વિરુદ્ધની મુહિમ ચલાવવામાં સફળ છે. અમેરિકામાં વ્હાઈટ અને બ્લેક `રેસ' આધારિત છે, પરંતુ ભારતમાં દલિત હિન્દુ હોવું અને દલિતેતર હિન્દુ હોવું એ `રેસ' આધારિત નથી, કારણ કે શ્રદ્ધેય આંબેડકરજી સ્વયં `સૌ એક જ છે' તેવું નિશ્ચયપૂર્વક કહી ચૂક્યા છે. તેમ છતાં વિદેશની ધરતી પર થેન્મોઝી સૌંદરારાજન અમેરિકાના `બ્લેક'ની સરખામણી ભારતના `તથાકથિત દલિત' સાથે કરીને ભારતને નીચું દેખાડવાની સાજિશ રચી રહ્યાં છે. આ કામ માટે તેઓની સાથે યુ.એસ. બેઝ્ડ કેટલાંય સંગઠનો પણ જોડાયાં છે. આમ તેઓનું `ઈક્વાલિટી લેબ્સ' `કાસ્ટ' મુદ્દે ઓથોરિટી બની બેઠુ છે.
 
`ઇક્વાલિટી લેબ્સ' અમેરિકન કપનીઓને તેમના ભારતીય નોકરિયાતોનું `કાસ્ટ સેન્સસ' કરાવવાની ફરજ પાડી રહ્યું છે. આવાં `કાસ્ટ સેન્સસ'ના નામે અને મેનેજમેન્ટને જાગૃત કરવાના નામે ગોઠવાઈ રહેલ સંખ્યાબંધ `ટ્રેનીંગ વર્કશોપ' એ તેમની આવકનાં મહત્વનાં સાધનો બન્યાં છે. વાસ્તવમાં આ પ્રવૃત્તિના લીધે દાવ ઉપર લાગેલ છે- સર્વ સાધારણ ભારતીય નોકરિયાતો અને ભારતની આબરૂ.
 
આ `ઈક્વાલિટી લેબ્સ'નાં જુઠ્ઠાણાં કાર્નેગી એન્ડાઉનમેન્ટના રીપોર્ટ થકી છડેચોક ખૂલ્લાં પડી ગયાં છે. આ રીપોર્ટ એ સચ્ચાઈ જણાવી રહ્યો છે કે, અમેરિકાના અંદાજે ૪.૨ મિલિયન પૈકીનાં મોટા ભાગનાં ભારતીય લોકો વ્યક્તિગત રીતે પોતાને જ્ઞાતિની ઓળખથી કાયમ દૂર રાખે છે. માત્ર ૧ ટકો હિન્દુઓએ જ એવું જણાવ્યું છે કે, તેઓ દલિત છે કે શિડ્યુલ કાસ્ટમાં છે. આ ૧ ટકા પૈકીના માત્ર ૫ ટકાથી પણ ઓછાં દલિતોએ પોતે જ્ઞાતિગત અવમાનના સહન કરી રહ્યાં હોવાનું જણાવેલ છે. વળી તેમાંથી મોટા ભાગનાંઓએ તો એવું જણાવ્યું છે કે, આવી જ્ઞાતિગત અવમાનના ભારતીય નહીં, બિનભારતીય લોકો દ્વારા જ આચરવામાં આવેલી છે. આ સત્ય છે તો પછી `ઈક્વાલિટી લેબ્સ'નાં જુઠ્ઠાણાં કેમ આટલાં હાવિ થઈ ગયાં છે? એક મોટુ કારણ એ છે કે, BBC, NPR, Bloomberg, The New York Times, The Washington Post જેવાં સ્થાપિત પબ્લિકેશન્સ દ્વારા `ઈક્વાલિટી લેબ્સ'ના અહેવાલોને વિશેષરૂપે બઢાવી-ચઢાવીને `મેઈન સ્ટ્રીમ મીડિયા કવરેજ'માં સ્થાન આપવામાં આવે છે.
એવું દ્રઢપણે કહેવાય છે કે, આ `ઈક્વાલિટી લેબ્સ', ઓમિદયાર નેટવર્ક સંબંધિત ડાબેરી નોન-પ્રોફિટ સંસ્થાઓના મજબૂત નાણાંકીય આધાર પર કૂદી રહી છે.
 
`ઇક્વાલિટી લેબ્સ'નો ખરો દબદબો તો ત્યારે દેખાઈ આવે છે જ્યારે ૨૦૧૮માં ટ્વીટરના તત્કાલિન ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જેક ડોર્સે ભારત આવેલા ત્યારે મહિલા પત્રકારો, કર્મશીલો સાથેના પોઝમાં તેઓએ `ઇક્વાલિટી લેબ્સ'નું પોસ્ટર હાથમાં પકડેલું, જેમાં લખ્યું હતું, `Smash Brahminical Patriarchy'. ભારતની ઓળખને જાતિ સાથે જોડવામાં ગળાડૂબ હોવું એ જ `ઇક્વાલિટી લેબ્સ'ની ઓળખ છે.
 
BAPSની સામે પણ આ `ઇક્વાલિટી લેબ્સ' દ્વારા કાનૂની પગલાં ભરવામાં આવ્યાં ત્યારે, આખી દુનિયા જે હિન્દુ અમેરિકન લોકોને યુ.એસ. ઈન્ડસ્ટ્રી અને રાજનીતિમાં સશક્ત સ્થાને બેઠેલી તાકાત તરીકે ઓળખતું હતું, આ કથિત તાકાતને બચાવ પક્ષે આવવું પડ્યું, એટલું જ નહીં આ તાકાત, જાહેર જનતાની નજરે પણ શંકાસ્પદના દાયરામાં આવી ગઈ. (જૂઠો હોય કે ભલે સાચો પણ કેમ ન હોય..) `લેબર લૉ' અંતર્ગત ગુનાનો આરોપ લગાવવામાં આવ્યો એક સંસ્થા તરીકે BAPS પર, પણ તેના આધારે આખીય હિન્દુ કમ્યુનિટીને કેવી રીતે ગુનાહિત ઠરાવી શકાય? એક સંસ્થા કે એક વ્યક્તિ પર લગાવેલા આરોપો આખી કમ્યુનિટી પર આરોપિત કરવા એ યોગ્ય ગણાતું હોય તો `બ્લેક લાઈવ્ઝ મેટર' મૂવમેન્ટ જેની હત્યાના કારણે શરૂ થઈ તે જ્યોર્જ ફ્લોઈડના કિસ્સાથી આખા અમેરિકી ઈસાઈ કમ્યુનિટીને જવાબદાર કેમ ન ઠેરવવામાં આવી? ના, પણ અમેરિકામાં આવા આરોપો માત્રને માત્ર હિન્દુઓ પર જ કરવામાં આવશે, આવું થવાનું કારણ છે- નર્યા હિન્દુદ્વેષી `ઇક્વાલિટી લેબ્સ'ના નેટવર્કિંગની જડબેસલાક સફળતા.
 
ઉપરોક્ત મુદ્દાઓએ તરી આવતો `ઇક્વાલિટી લેબ્સ'નો મૂળભૂત એજન્ડા કેટલો સ્પષ્ટ છે! જુઓને હમણાં જ હોળીનો રંગોત્સવ આપણે સૌએ આનંદથી ઉજવ્યો. આવા ઉત્સાહ સ્વરૂપે હિન્દુ આસ્થા અને ઓળખ પ્રદર્શિત થતી હોય ત્યારે `ઇક્વાલિટી લેબ્સ' સહન કરી શકે કે? ચૂપ બેસી શકે કે? અગાઉ હોળી સંદર્ભે `ઇક્વાલિટી લેબ્સ'ના બ્લોગનું ટાઈટલ હતું કે, Why Do We Say No To Holi? A Guide To Challenge Casteism. ત્યાં અમેરિકામાં બેઠે બેઠે `જાતિ'ને હોળીનું નાળિયેર બનાવવાની વિભાજનકારી વૃત્તિ તો જુઓ ! હદ છે ને! પ્રહ્લાદનો વાંક શું હતો? આ સાવ નાના નિર્દોષ બાળકની હત્યા પર ઉતારું હોલિકા સહિતના રાક્ષસોનું મહિમામંડન કરીને `ઇક્વાલિટી લેબ્સ'ને શું પામવું છે? ક્યાં મૂલ્યો પ્રસ્થાપિત કરવાં છે? અરે રાક્ષસોને દલિત ચિતરીને `ઇક્વાલિટી લેબ્સ'ને કથિત દલિતોની કઈ ઓળખ ઉભી કરવી છે?
 
(સંદર્ભ- ૩જું પ્રકરણ, `સ્નેક્સ ઇન ધ ગંગા')
 
(ક્રમશ:)
 
 
આ શ્રેણીના અન્ય લેખો વાંચવા અહીં ક્લિક કરો.. 
 
Powered By Sangraha 9.0