સ્વસ્થ ભારત, સ્વચ્છ ભારત, હરિયાળું ભારતનું આપણું સપનું આ ગૌ-આધારિત ઉદ્યોગ પરિપૂર્ણ કરે છે : ડૉ. વલ્લભભાઈ કથીરિયા | Dr. Vallabhbhai Kathiria

માત્ર દૂધ આધારિત નહીં પણ ગોબર અને ગોમૂત્ર આધારિત અર્થવ્યવસ્થાનો ખ્યાલ દરેક ઉદ્યોગ-સાહસિકો, રોકાણકારો, પાંજરાપોળ-ગૌશાળાને આવે એ જરૂરી છે અને આ દરેકને એક સાથે એક મંચ પર લાવવાનું કામ થઈ રહ્યું છે - ડૉ. વલ્લભભાઈ કથીરિયા (Dr. Vallabhbhai Kathiria)

    ૨૯-મે-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Vallabhbhai Kathiria
 
 
ડૉ. વલ્લભભાઈ કથીરિયા (Dr. Vallabhbhai Kathiria) ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI)ના સ્થાપક છે, જેના દ્વારા આ ગૌ-ટેક એક્સ્પો ૨૦૨૩  ( Gau Tech 2023 ) નું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ ભાજપના પૂર્વ સંસદસભ્ય અને કેન્દ્રીય કામધેનુ આયોગના પૂર્વ ચેરમેન પણ રહ્યા છે. ગાય વિશે તેમનો ખૂબ ઊંડો અભ્યાસ અને ગૌ-સેવામાં તેમનો બહોળો અનુભવ છે. આ મુલાકાતમાં તેમણે આ એક્સ્પો વિશે અને ગૌ-આધારિત ઉદ્યોગ વિશે વિગતે વાત કરી છે...
 
 
ગૌ-ટેક એક્સ્પો ૨૦૨૩નું આયોજન કરવા પાછળનું કોઈ વિશેષ કારણ ? | Gau Tech 2023
 
ગાયનું ધાર્મિક મહત્ત્વ લોકોને ખબર છે. ગૌ-પૂજન કરે છે પણ ગૌ-વિજ્ઞાન હજી લોકોને ખબર નથી. શાસ્ત્રોમાં આ બધી વાત છે જ પણ આપણે ભૂલી ગયા છીએ, જેના કારણે ગાય પણ દુ:ખી થાય છે અને આપણે પણ દુ:ખી છીએ. અમે ૧૦ વર્ષ આમાં ખેડાણ કર્યું છે. આપણા સાધુ-સંતો અને શાસ્ત્રોમાંથી ગો-વિજ્ઞાન ગૌ-ધન વિશે ખૂબ જાણ્યું. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ કહેતા કે ગાયને અર્થવ્યવસ્થા સાથે કઈ રીતે જોડી શકાય ? આ જો કરી શકો તો આગળ વધાય. આ દિશામાં આગળ વધવનો આ એક પ્રયાસ છે
 
આપણે ગાયને પાંજરાપોળ સુધી સીમિત કરી દીધી છે. તેને બિચારી માનીએ છીએ. પાંજરાપોળમાં હજાર ગાયો હોય તો પણ તેને ડોનેશનની જરૂર પડે છે. આના પરથી વિચાર આવ્યો કે ગાયના દૂધ કરતાં પણ વધારે ગૌમૂત્ર અને ગોબર આધારિત અર્થવ્યવસ્થા ફાયદાકારક છે. આવનારા સમયમાં ગૌમૂત્ર અને ગોબર આધારિત ઉદ્યોગોનું મહત્ત્વ સમજાશે અને એના માટે જ આ ગૌ-ટેક એક્સ્પો ૨૦૨૩ (Gau Tech 2023) નું આયોજન થયું છે. આ એક શરૂઆત છે.
 
શું આ એક્સ્પો ગાય આધારિત ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો, ગૌપ્રેમીઓ, પાંજળાપોળોને એક મંચ પર એકત્રિત કરવાનો પ્રયાસ છે ?
 
ગાય અમુક સમય પછી દૂધ નથી આપતી પણ ગૌમૂત્ર અને ગોબર જીવે ત્યાં સુધી આપે છે. ગાય એટલે માત્ર ગૌમાતા નહીં પણ તેમાં આખા ગૌવંશનો સમાવેશ થાય છે. ગાય-વાછરડાથી લઈને નંદી-બળદ... સુધી બધાનો ગૌવંશમાં સમાવેશ થાય છે. માત્ર દૂધ આધારિત નહીં પણ ગોબર અને ગોમૂત્ર આધારિત અર્થવ્યવસ્થાનો ખ્યાલ દરેક ઉદ્યોગ-સાહસિકો, રોકાણકારો, પાંજરાપોળ-ગૌશાળાને આવે એ જરૂરી છે અને આ દરેકને એક સાથે એક મંચ પર લાવવાનું કામ થઈ રહ્યું છે. આ સંદર્ભે ગૌ-શાળા અને ગૌ-સેવા કરનારી સંસ્થાઓના અનેક પ્રશ્નો છે. અમારી સામે અનેક પ્રશ્નો આવે છે. આથી વિચાર આવ્યો કે આ દરેક પ્રશ્નોનો જવાબ સૌને સરળતાથી મળી રહે એટલે GCCI (ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ)ની સ્થાપના થઈ. ગૌવંશની સેવા કરનારાઓ સેવાની સાથે થોડી આવક મેળવે, તેમને આ સંદર્ભની અર્થવ્યવસ્થાની જાણ થાય એ માટે આ ગૌ-ટેક એકસ્પો યોજવાનો વિચાર આવ્યો.
 

gau tech 2023 rajkot 
 
શું ગૌ-આધારિત ઉદ્યોગો રોજગારી આપી શકે છે? દૂધ-ઉત્પાદન સિવાય કયા ઉદ્યોગોનો સમાવેશ કરી શકાય ?
 
અમે ગૌ-આધારિત ઉદ્યોગોનું લિસ્ટ બનાવ્યું છે જે ગૌ-દૂધથી લઈને ગૌ-મૂત્ર, ગોબર સુધી, ગૌ-આધારિત ખેતીથી લઈને ગૌ-આધારિત ખાતર સુધી, ગૌ-ઔદ્યોગિક પાર્કથી લઈને કૌશલ વિકાસ કેન્દ્ર સુધી... ખૂબ લાંબુ છે. જો થોડું ધ્યાન આપી આ દિશામાં કામ કરીશું તો ગૌ-આધારિત ઉદ્યોગ થકી એક કરોડ કરતાં વધારે રોજગારીનું સર્જન આરામથી કરી શકાય તેમ છે અને આ સંદર્ભની બધી જ માહિતી આ મેળા થકી આપવાનો પ્રયાસ થયો છે.
 
સ્વસ્થ ભારત, સ્વચ્છ ભારત, હરિયાળું ભારતનું આપણું સપનું આ ગૌ-આધારિત ઉદ્યોગ પરિપૂર્ણ કરી શકે ?
 
મહિલાઓ અને યુવાનો ગૌ-આધારિત ઉદ્યોગમાં જોડાયાં છે. અનેક સ્ટાર્ટ અપ શરૂ થયા છે, અનેક ઉદ્યોગો આ સંદર્ભે વિકસ્યા છે. આપણી સામે રખડતા ઢોરનો પ્રશ્ન આવે છે, જેને સાચવી શકાય છે. આ રખડતાં ઢોરોનું ગૌમૂત્ર-ગોબર એકત્રિત કરી તેમાંથી પ્રોડક્ટ બનાવતી કંપનીઓ ઊભી થઈ શકે છે. આ સંદર્ભનો એક આખો ઉદ્યોગ ઊભો થઈ શકે છે, જે દેશની જીડીપી વધારી શકે એમ છે. બાયો-ખાતરની આપણી જરૂરિયાત પૂરી કરી શકાય તેમ છે. અનેક ઔષધિઓ બની શકે તેમ છે. ગૌશાળાઓ આત્મનિર્ભર બની શકે છે. સ્વસ્થ ભારત, સ્વચ્છ ભારત, હરિયાળું ભારતનું આપણું સપનું આ ગૌ-આધારિત ઉદ્યોગ પરિપૂર્ણ કરે છે.
 
ગૌવંશની રક્ષા માટેનો સચોટ ઉપાય તમને કયો લાગે છે ?
 
ગાય દૂધ આપે ત્યાં સુધી રાખવામાં આવે પછી તેને પાંજરાપોળમાં કે છૂટી છોડી દેવાય છે. જો ગોબર અને ગૌમૂત્ર આધારિત ઉદ્યોગનો વિકાસ થશે તો દૂધ ન આપનારી ગાયોનાં ગોબર અને મૂત્રમાંથી પણ આવક મેળવી શકાશે. આવક થશે તો દૂધ ન આપનારી ગાયો પણ લોકો રાખશે. ગૌવંશની રક્ષાનો આ જ સચોટ ઉપાય છે.
 
ગૌ-ટૂરિઝમ એટલે શું? શું ગૌ-આધારિત ટૂરિઝમ વિકસાવી શકાય?
 
આમાં આદર્શ ગૌ-શાળા બનાવવાનો કોન્સેપ્ટ છે. લોકો ગૌ-શાળાની મુલાકાતે આવે એટલે તેને ગૌવંશ અને ગૌ-આધારિત ઉદ્યોગોની સચોટ માહિતી મળી રહે. અહીં આ વિગતોને સમજાવવાવાળા હોય, ગૌ-શાળાના અલગ અલગ વિભાગો હોય, પંચગવ્યનું ઉત્પાદન થતું હોય, પ્રદર્શની હૅાલ હોય, ઓર્ગેનિક રેસ્ટોરેન્ટ હોય, અહીં ગાય-આધારિત પ્રોડક્ટ વેચાતી હોય, મીની થિયેટર હોય જ્યાં ગાય આધારિત નાની-નાની ફિલ્મનું પ્રસારણ થતું હોય, યુવાનો-બાળકો-મહિલાઓ-વડીલો અહીં આવે, બે ત્રણ કલાક સમય ફાળવે, તેમને ગાયમાતા વિશેની માહિતી પણ મળી જાય અને એક દિવસનો પ્રવાસ પણ થઈ જાય. ગુજરાતમાં આવી ગૌશાળાઓ છે. શરૂઆત થઈ છે. ગૌ-આધારિત ટૂરિઝમ વિકસી શકે તેમ છે.
 
આ એક્સ્પોની ફળશ્રુતિ શું ?
 
આ એક્સ્પોથી લોકોનું ગોવંશ તરફનું માઇન્ડ સેટ બદલાશે. આ બીજ વાવવાનું કામ થયું છે. ગાય એટલે માત્ર દૂધ નહીં એવો વિચાર આપવાનું કામ થયું છે. અહીં આવીને ઘણાં લોકોને આ ઉદ્યોગમાં જોડાવાનું કે આ સંદર્ભનુ નવું સ્ટાર્ટઅપ કરવાનો વિચાર આવશે. આ એક્સ્પો થકી અનેક ઉદ્યોગસાહસિકો ગૌશાળાઓ સાથે જોડાશે. ગૌમૂત્ર અને ગોબર ઉદ્યોગનો વિચાર લોકો સુધી પહોંચે અને સામાન્ય માણસ પણ આ દિશામાં કામ કરવા, આર્થિક ઉપાર્જન કરવાનું વિચારશે અને નવા સ્ટાર્ટઅપ શરૂ કરશે. રખડતાં ઢોરની સમસ્યાનું સમાધાન આ ગૌમૂત્ર-ગોબર આધારિક ઉદ્યોગના વિકાસમાં છુપાયેલું છે.
  
આપનો સંદેશ ?
 
લોકો સાચા અર્થમાં ગાયને સમજે, ગૌ માતાને અને ગૌ સંસ્કૃતિને સમજે, ગૌ-આધારિત સંસ્કૃતિવાળા સમાજનું નિર્માણ થાય. ગૌ વિશ્વમાતા છે. સર્વ સુખપ્રદા છે. કોઈ ધર્મ પૂરતી સીમિત નથી. ગાય સર્વને સર્વ સુખ આપનારી છે. આ બે વાત સિદ્ધ થાય એ જ સંદેશ છે.
 
 
 
 
 
 
 
 

હિતેશ સોંડાગર

હિતેશ સોંડાગર સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધના સાપ્તાહિકનું સોશિયલ મીડિયાનું કામ સંભાળે છે.