ગૌ-ટેક 2023 - ગાય આધારિત ઉદ્યોગોનું મહત્ત્વ સમજાવતો વિશ્વનો પહેલો અને સૌથી મોટો ગૌ -ટેક એક્સ્પો | Gau Tech 2023

Gau Tech 2023 | ભારતને વિશ્વગુરુ બનવું હશે તો ચલો ગાય કી ઓર... ચલો ગાંવ કી ઓર... ચલો પ્રકૃતિ કી ઓર...નું સૂત્ર અપનાવવું પડશે અને ૨૪થી ૨૮ મે ૨૦૨૩ દરમિયાન રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ગૌ-આધારિત વિશ્વાના સૌથી મોટા એક્સ્પોથી તેની શરૂઆત થઈ ગઈ છે.

    ૨૯-મે-૨૦૨૩   
કુલ દૃશ્યો |

gau tech 2023 rajkot 
 
 

Gau Tech 2023 | ગાય આધારિત ઉદ્યોગોનું ભવિષ્ય ખૂબ જ ઊજળું છે

`GAU TECH 2023 ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા ગાય આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા ૨૪થી ૨૮ મે ૨૦૨૩ દરમિયાન રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આપણા સામાજિક જીવનમાં ગાયની ઉપયોગીતા અને ગાય આધારિત અર્થતંત્રનું, ગાય આધારિત ઉદ્યોગોનું મહત્ત્વ સમજાવતો વિશ્વનો પહેલો અને સૌથી મોટો ગૌ-ટેક એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે આવનારા સમયમાં ગૌ-ધન, ગોબરથી ગોલ્ડની ગાય આધારિત અર્થવ્યવસ્થાને વેગ આપશે...
 
અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારે ભારત એક સમૃદ્ધ દેશ હતો. અંગ્રેજો જાણતા હતા કે આ દેશ પર રાજ કરવું હશે તો પહેલાં તેની સમૃદ્ધ અર્થવ્યવસ્થા તોડવી પડશે, જેના ભાગરૂપે એક સર્વે થયો અને અંગ્રેજાેને જાણવા મળ્યું કે ભારતને તોડવું હોય, કંગાલ કરવું હોય તો ભારતની કૃષિ વ્યવસ્થા તોડવી પડે અને આ કૃષિ વ્યવસ્થાનું કેન્દ્રબિંદુ ગાય છે. ભારતીય સમાજ અને સંસ્કૃતિનું કેન્દ્રબિંદુ પણ ગાય છે. આથી વિશ્વગુરુ ભારતને તોડવા અંગ્રેજોએ ગાયને નિશાન બનાવી અને પછી જે થયું તે ઇતિહાસ છે. આજે કહેવાય છે કે ભારતને વિશ્વગુરુ બનવું હશે તો ચલો ગાય કી ઓર... ચલો ગાંવ કી ઓર... ચલો પ્રકૃતિ કી ઓર...નું સૂત્ર અપનાવવું પડશે અને ૨૪થી ૨૮ મે ૨૦૨૩ દરમિયાન રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ગૌ-આધારિત વિશ્વાના સૌથી મોટા એક્સ્પોથી તેની શરૂઆત થઈ ગઈ છે.
 
આ ગૌ-ટેક એક્સ્પોનું આયોજન ગાય આધારિત ઇન્ડસ્ટ્રિઝમાં નવા ઉદ્યોગ-સાહસિકો અને રોકાણકારોને આકર્ષવાના ઉદ્દેશ સાથે કરવામાં આવ્યું હતું. આ એકસ્પોમાં દેશ-વિદેશના સાહસિકોએ તેમના વિચારો, નવીનતાઓ, પડકારો અને મંતવ્યો રજૂ કર્યાં હતાં. ગાય આધારિત વિવિધ ઉદ્યોગો માટે સેમિનારની સાથે ખાસ ગાય સંબંધિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એટલું તો સ્પષ્ટ છે કે આ એક્સ્પો ગૌ-આધારિત ઉદ્યોગ ક્ષેત્રે કામ કરવા ઇચ્છુક સાહસિકોને યોગ્ય માર્ગદર્શન આપનારો સાબિત થયો છે.
 
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ગૌ-આધારિત ઉદ્યોગોનો વિકાસ થઈ રહ્યો છે. આજે બાયોગેસ, CNG, CO2, હાઇડ્રોજન જેવા જૈવિક ઈંધણ ગોબર (છાણ), ગૌમૂત્રમાંથી બનાવવામાં આવે છે. ગાય આધારિત ઉત્પાદનોમાંથી મેળવેલ પંચગવ્ય (દૂધ, દહીં, ઘી, મૂત્ર અને ગોબર) શ્રેષ્ઠ આયુર્વેદિક દવા છે. દેશી ગાયોના A2 દૂધ અને માખણ, ઘી અને છાશ તેમજ ઔષધીય ઘીની માંગ દેશ-વિદેશમાં થઈ રહી છે. ગૌમૂત્ર અને ગાયના છાણમાંથી જૈવિક ખેતી માટે બાયોપેસ્ટીસાઇડ્સ અને બાયો ફર્ટિલાઇઝર્સ તેમજ સ્વચ્છ પર્યાવરણ માટે વિવિધ દવાઓ, સેનિટાઈઝર અને વિવિધ ઘરગથ્થુ સૌંદર્ય પ્રસાધનો, ગૌમૂત્ર અને ગોબરના ઉત્પાદનોએ મહિલાઓ અને યુવાનો માટે રોજગાર સાથે ઉદ્યોગ સાહસિકતાની તકો ઊભી કરી છે. આવા સમયે આ એક્સ્પો ગૌ-આધારિત ઉદ્યોગોને આવનારા સમયમાં વધુ વેગ આપનારો સાબિત થશે.
 
આ એક્સ્પો ગૌમૂત્ર અને ગોબરમાંથી બનેલ વિવિધ વસ્તુને જોઈને લાગે કે ગૌમૂત્ર અને ગોબર કાચા માલ તરીકે ગૌશાળામાં ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ ઔદ્યોગિક હેતુઓ માટે કરી શકાય છે. આનાથી દેશના સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, ગ્રીન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયાના વિઝનને વેગ મળી શકે છે. ગાયનો અર્થ માત્ર દૂધ જ નહીં પરંતુ ગાય આધારિત ઉદ્યોગના માધ્યમ તરીકે ગૌમૂત્ર અને ગોબરથી જીડીપી વધારી શકાય છે એવું આ એક્સ્પોના ૨૦૦થી વધારે સ્ટોલની મુલાકાત લો એટલે જરૂર લાગે...!
 

gau tech 2023 rajkot 
 

દૂઝણી ગાય માત્ર જ મૂલ્યવાન નથી પણ તેનુ ગોબર અને મૂત્ર પણ એટલું જ મૂલ્યવાન છે : પુરુષોત્તમભાઈ રૂપાલા

 
આ એક્સ્પોની મુલાકાત બાદ કેન્દ્રીય મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું કે ભારતમાં ઘઉં-ચોખા-મકાઈના ઉત્પાદનની કિંમત કરતાં દૂધના ઉત્પાદનની કિંમત વધી જાય છે. ગાયને માત્ર દૂધના ઉત્પાદનની દૃષ્ટિએ જોવામાં આવે છે પરંતુ ગૌ-વંશનું ૨૦ વર્ષનું આયુષ્ય ગણીએ તો તેના ગોબર-મૂત્રના ઉત્પાદનનું મૂલ્ય પણ દૂધ ઉત્પાદન જેટલું જ આવશે. એટલે ગાય માત્ર દૂઝણી જ મૂલ્યવાન નથી પણ તેનું ગોબર અને મૂત્ર પણ એટલું જ મૂલ્યવાન છે. દૂધની જેમ હવે ગોબર-ધનની ઇકોનોમી પણ આવી રહી છે. ગાય આધારિત ઉદ્યોગોનું ભવિષ્ય ખૂબ જ ઊજળું છે. ભગવાન કૃષ્ણ કહેતા કે મારા શરણે આવશો તો હું તમારી રક્ષા કરીશ. આ પાછળનો તેમનો ભાવ એવો હતો કે મારી જેમ ગાય પાળશો તો ગાય તમારું જીવન નિર્વાહ ચલાવશે. તેમણે કહ્યું કે પહેલા યુવાનો ગૌમૂત્ર અને ગોબર-છાણનું નામ સાંભળી નાકનું ટીચકું ચડાવતા. આ ગૌ-એક્પોમાં મોટાભાગના યુવાનો ગૌ-ઉત્પાદનો સાથે સંકળાયેલા જોવા મળે છે. અત્યાર સુધી ગાયના માત્ર દૂધ આધારિત નાના મોટા ઉદ્યોગો ચલણમાં હતા પણ આ ગૌ-ટેક એક્સ્પો બાદ હવે ગોબર અને ગૌમુત્ર ઉત્પાદિત વ્યવસાયોમાં તેજી આવશે. તેમણે પોતાના ગામઠી અંદાજમાં જણાવ્યું હતું કે પોદળો પડે ત્યાંથી કંઈક લઈને જ ઊઠે છે તેવી કાઠિયાવાડી કહેવતને ખરા અર્થમાં સાર્થક કરતો આ મેળો આવનારા સમયમાં ગોબર અને ગૌમૂત્ર આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપનાર બની રહેશે.
 

gau tech 2023 rajkot 
 
ગૌ-ટેક એક્સ્પો ૨૦૨૩માં મહાનુભાવોની ઉપસ્થિતિ અને તેમના વિચાર
 
આ એક્સ્પોમાં આર્ષ વિદ્યા મંદિરના પરમાત્માનંદજીએ જણાવ્યું હતું કે, આ આપણા માટે ગૌરવકાળ છે. ભારત માત્ર તેના આર્થિક વિકાસના કારણે નહીં પણ તેની સંસ્કૃતિ અને સંસ્કારની મહાનતાના કારણે વિશ્વગુરુ બનશે અને આ સંસ્કૃતિ અને સંસ્કારના મૂળ ગૌમાતામાં રહેલા છે.
 
એસ.જી.વી.પી. ગુરુકળના વરિષ્ઠ સંતશ્રી પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, આ વિશ્વનો સૌથી શ્રેષ્ઠ એક્સ્પો છે. જેના એક-એક સ્ટોલમાં ગૌમાતાની કૃપાનો વરસાદ વરસી રહ્યો છે. ભારત અનેક પ્રતિભાઓથી સમૃદ્ધ દેશ છે અને પ્રતિભા ગાયના દૂધ અને ઘીના સેવનથી આવી છે.
 
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળાએ આ એક્સ્પો સંદર્ભે કહ્યું કે સરકારી નીતિઓ ગૌવંશ અને ગૌ પાલકોના હિતમાં છે માટે યુવાનોને આકાર લઈ રહેલી ગૌ આધારિત ઉદ્યોગ ઇન્ડસ્ટ્રીઝમાં સહભાગી બનવું જોઈએ.
 
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું હતું કે, આ એક અનોખો એક્સ્પો છે. ગાય એ માત્ર સાંસ્કૃતિક કે ધાર્મિક ષ્ટિએ જ આપણી માતા નથી પણ આર્થિક ઉપાર્જન કરીને આપણું જતન કરનારી માતા છે.
 
ઈફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી આપણે ગાયની માત્ર પૂજા કરતા હતા હવે સેવા કરવાની છે, જેનાથી સશક્ત ભારતનું નિર્માણ થશે. ગૌ-આધારિત ટેક્નોલોજી અને ઉત્પાદનો થકી મોટી રોજગારીનું સર્જન કરી શકાય તેવું આ એક્સ્પોમાં જોવા મળ્યું છે.
 
પૂર્વ શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ કહ્યું કે, માનવસમાજના તમામ રોગના ઉપચાર માટે દેશી ગાય શ્રેષ્ઠ છે. જે માનવસભ્યતાને ઈશ્વરની ભેટ છે. ૨૦૦૮-૦૯માં આર.એસ.એસ.ની ગૌ ગ્રામયાત્રા બાદ ગૌ જાગૃતિ આવી.
 
આ એક્સ્પોમાં સાંસદશ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા અને શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, પ્રણામી સંપ્રદાયના શ્રી કૃષ્ણમણીજી તેમજ અન્ય સંતગણ, પૂર્વ ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ, રાજકીય-સામાજિક-ધાર્મિક તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
 

gau tech 2023 rajkot
 
 
ગોબરમાંથી પ્રોડક્ટ બનાવી મહારાષ્ટ્રના જંગલમાં ઊભી કરી રોજગારી
 
આઈઆઈટીમાંથી ઉચ્ચ અભ્યાસ કરનાર ભાગ્યશ્રી અને તેમના પતિ જિતેન્દ્ર ભાખરે શહેરી વિસ્તારમાં નોકરી કરવાને બદલે નાગપુર-છત્તીસગઢની હદ પાસે જંગલ-વિસ્તારમાં ગૌશાળા ખોલી. અહીં તેમણે વિવિધ પ્રયોગો કરીને ગાયના ગોબરમાંથી દીવા બનાવવા શું શું મટીરિયલ વાપરી શકાય તેની ફોર્મ્યુલાની શોધ કરી તેમજ ખાસ ડાઈ બનાવી, જે સફળ રહેતાં ધીરે ધીરે મૂર્તિ, ઘડિયાળ, નેમ પ્લેટ સહિતની ૩૦૦ વસ્તુ બનાવી શક્યા. તેઓએ આ તમામ ડાઈ અને પ્રોડક્ટનો વિચાર જંગલમાં આવેલાં ગામોની મહિલાઓ સુધી પહોંચાડ્યા તેમને તાલીમ આપીને રોજગાર પૂરો પાડ્યો. અત્યારે તેમની ડાઈ ને ફોર્મ્યુલા દરેક જન સુધી પહોંચાડીને જ્યાં જ્યાં ગાય છે ત્યાં તેમના ગોબરમાંથી દૂધ કરતાં પણ વધુ આવક મળે તેવો પ્રયાસ કરી રહ્યા છે.
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...