અકસ્માત થવાના ૧૫ કારણો આજે બધાએ જાણવા જોઇએ | જાણી લો અકસ્માતથી બચી શકો છો!

ગુજરાતના અમદાવાદ (કર્ણાવતી)માં એસ.જી હાઈવે પર આવેલ ઇસ્કોન બ્રિજ પર જે ઘટના ઘટી તે દુર્ભાગ્યપૂણ છે પણ આ સંદર્ભે આવો જાણીએ કે અકસ્માત થાય છે કેમ? તજજ્ઞોએ આ કારણો શોધ્યા છે. આવો જાણીએ અને થોડા જાગૃત થઈએ અને અકસ્માત ઘટાડીએ...

    ૨૧-જુલાઇ-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Reasons for road accidents in india 
 
 
અકસ્માત...એક્સિડન્ટની સંખ્યા વધી રહી છે. ૨૦૨૪ સુધીમાં દેશમાં થતા અકસ્માતોની સંખ્યા ઘટાડવા સરકાર કામ કરી રહી છે. સરકારથી લઈને નાગરિક સુધી બધાએ આ માટે જાગૃત થવાની જરૂર છે. ગુજરાતના અમદાવાદ (કર્ણાવતી)માં એસ.જી હાઈવે પર આવેલ ઇસ્કોન બ્રિજ પર જે ઘટના ઘટી તે દુર્ભાગ્યપૂણ છે પણ આ સંદર્ભે આવો જાણીએ કે અકસ્માત થાય છે કેમ? તજજ્ઞોએ આ કારણો શોધ્યા છે. આવો જાણીએ અને થોડા જાગૃત થઈએ અને અકસ્માત ઘટાડીએ...
 

અકસ્માત થવાના ૧૫ કારણો....। Reasons for road accidents in india

 
#૧ નશો કરી ગાડી ચલાવવી
 
આ સૌથી મોટું કારણ છે. લોકો નશો કરીને ગાડી ચલાવે છે જેના કારણે અકસ્માત થાય છે. આમ તો નશો કરવો જ ન જોઇ અને ડ્રાઈવિંગ કરતી વખતે - પહેલા કે પછી કોઇ પણ પ્રકારના નશાથી દૂર રહેવું જોઇએ. દારૂ, ડ્રગ્સનું સેવન કરનારા પોતાનું જીવન તો બર્બાદ કરે જ છે પણ તેમની એક ભૂલના કારણે અન્ય લોકોનું જીવન પણ જોખમાય છે.
 
#૨ ડ્રાઈવિંગ વખતે મોબાઇલ પર વાત કરવી
 
આ સૌથી સામાન્ય અને સૌથી ભયંકર ભૂલ છે. સામાન્ય એટલા માટે કે તમે બજારમાં નીકળો એટલે અનેક લોકો આ ભૂલ કરતા તમને જોવા મળશે અને ભયંકર એટલા માટે કે આ ભૂલના કારણે દુનિયામાં અનેક અકસ્માતો થયા છે અને થઈ રહ્યા છે. કોઇનો કોલ એટલો બધો પણ અગત્યનો નથી હોતો કે તમે સ્વયંનું અને અન્યનું જીવન જોખમમાં નાખી ચાલુ વાહને કોઇની સાથે વાત કરો. કોલ અગત્યનો હોય તો ગાડી બાજુમાં ઉભી રાખીને પણ વાત કરી જ શકાય છે. પણ આપણે સમજતા નથી.
 
#૩ ઝડપથી ગાડી ચલાવવી
 
આજે યુવાનોમાં ઝડપથી ગાડી ચલાવવાનો ટ્રેન્ડ છે, જે ઘણીવાર અકસ્માતો સર્જે છે. ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે જેટલી ગાડીની સ્પીડ વધારે હશે તેટલું તેના પરનું નિયત્રંણ ઓછુ થશે. દરેક રોડ પર સ્પીડ લિમિટ હોય છે. તેનું ધ્યાન રાખો.
 
#4 અનુભવની કમી
 
ગાડી ચલાવવાનો અનુભવ હોવો જરૂરી છે. અનુભવથી જજમેન્ટ આવે છે. ભૂલ ઓછી થાય છે. ક્યાં ઝડપથી ચલાવી, ક્યાં ધીમી ચલાવી, ક્યાંથી ઓવેરટેક થઈ શકે...! આ બધુ અનુભવથી જ આવે. એટલે જ પહેલા ગાડી બરાબર શીખવી જોઇએ પછી કોઇ મેદાનમાં ખૂબ પ્રેક્ટિસ કરવી જોઇએ પછી ધીરે ધીરે ટ્રાફિકમાં ગાડી ચલાવાની શરૂઆત કરવી જોઇએ. અનુભવી ડ્રાઈવર પાસે બેસીને શીખવું પણ જોઇએ.
 
#૬ રાત્રે ગાડી ચલાવવી
 
રાત્રે ગાડી ચલાવવી વધુ પડકાર જનક હોય છે. રાત્રે ગાડી ચલાવતી વખતે વધારે ધ્યાન આપવાની જરૂર પડે છે. રાત્રે દેખાતું ઓછુ હોય છે અને એમાય સામેથી આવતી ગાડીઓની લાઈટ પણ આંખોમાં પડતી હોય છે. ઘણીવાર અંદાજ લગાવી ગાડી ચલાવવી પડતી હોય છે. આમાં જો ઊંઘ આવતી હોય તો ગાડી ચલાવવી વધારે પડકાર જનક બને છે. રાત્રે ઊંઘની ઝપકી આવી જવાથી અકસ્માતો થયા હોય તેના અનેક દાખલા ઓ છે. માટે રાત્રે ગાડી સાવચેતીથી ચલાવવી અને ઊંઘ આવતી હોય તો થોડો રેસ્ટ કરી ઊંઘ ખેંચી લેવી વધારે યોગ્ય છે.
 
#૭ વરસાદ કે ધુમ્મસના કારણે
 
વરસાદ કે ધુમ્મસ કે ઝાંકળના કારણે દૂર સુધી જોઇ શકાતું નથી. ડ્રાઈવરે ખૂબ ધ્યાનથી ગાડી ચલાવવી પડે છે.. વરસાદમાં ખાડાં હોય, પાણી ભરાયા હોય ત્યારે તો વધારે કાળજી રાખવી પડે છે. આવા સમયે ગાડીની લાઈટ હંમેશાં ચાલુ રાખવી જોઇએ. ગાડી ધીમે ચલાવવી જોઇએ. ખૂબ સાવચેતી રાખવી જોઇએ.
 
#૮ ટ્રાફિક સિગ્નલ તોડવાથી...
 
લોકોને ઉતાવળ ખૂબ હોય છે. ટ્રાફિક સિગ્નલ ખુલવામાં માત્ર ૫ સેકન્ડ બાકી હોય તોય લોકો એ પાંચ સેકન્ડની રાહ જોઇ શકતા નથી. પરિણામે ધણીવાર અકસ્માત થાય છે. ઘણા લોકોને ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવું ગમતું નથી. તેઓ ત્યાંથી નીકળવાનો તાગ મેળવતા હોય છે અને તક મળે એટકે ગાડી દોડાવી નીકળી જતા હોય છે. આના કારણે પણ અકસ્માતો થાય છે.
 
#૯ રોંગ સાઈટમાં ગાડી ચલાવવી
 
બહુ ફરવું ન પડે એટલા માટે લોકો રોંગ સાઈડમાં ગાડી ચલાવતા હોય છે. આ બેદકારી ધણીવાર ભારે પડી શકે છે.
 
#૧૦ ખરાબ રસ્તાના કારણે
 
રોડ પર ખૂબ ખાંડા હોય અથવા ભૂવા પડવાથી પણ અકસ્માતો સર્જાય છે. આવા સમયે આપણે જ ગાડી ધ્યાનથી ચલાવવી જોઇએ. બેલેન્સ બગડે નહી અને આપણા નિયત્રંણમાં ગાડી આગળ વધે તેનો ખ્યાલ રાખવો જોઇએ.
 
#૧૧ રોડ રેસિંગ
 
આજના યુવાનોને રેસિંગ કરવી ગમતી હોય છે. આ રેસિંગમાં અકસ્માતો સર્જાય છે. આના કારણે વાહનચાલકનો જીવ તો જોખમાય છે પણ સાથે સાથે રાહદારીઓ પણ અકસ્માતનો ભોગ બને છે.
 
#૧૨ રોડ પર સ્ટંટ કરવાથી
 
સોશિયલ મીડિયા પર છવાઈ જવા આજના યુવાનો રીલના રવાડે ચડ્યા છે અને રોજ નીતનવા વીડિયો બનાવે છે. કેટલાંક યુવાનો આ માટે બેધડક થઈને રોડ ઉપર કોઇપણ સુરક્ષા વગર સ્ટંટ કરતા હોય છે. આના કારણે પણ અકસ્માત સર્જાય છે. આ માટે પોલીસ તો સખત પગલાં ભરી જ રહી છે આપણે પણ થોડા જાગૃત થવાની જરૂર છે.
 
#૧૩ પ્રાણીઓના કારણે
 
કુતરું હોય, વાંદરૂ હોય કે નીલ ગાય હોય...આમના કારણે પણ અકસ્માતો થાય છે. ધણીવાર અચાનક જ આવા પ્રાણીઓ વાહનની સામે આવી જાય છે અને વાહન ચાલક ગાડી પરથી પોતાનું નિયત્રંણ ગુમાવી દે છે અને અકસ્માત સર્જાય છે.
 
#૧૪ જૂની ગાડીઓના કારણે
 
આપણે ગાડી તો ચલાવીએ છીએ પણ તેને વ્યવસ્થિત પણ રાખવી જરૂરી છે. યોગ્ય સમય-અંતરે ગાડીની સર્વિસ કરાવવી જરૂરી છે. જૂની ગાડી હોવાથી તેમા નુકશાન થવાથી કે ગાડીનો કોઇ ભાગ અચાનક તૂટી જવાથી પણ અકસ્માત થતા હોય છે.
 
#૧૫ ટાયર ફાટવાથી
 
અહીં આપણે મોટી ભૂલ કરીએ છીએ. ગાડીના ટાયર જૂના થાય એટલે જ્યાં સુધી તે ફાટે નહી ત્યાં સુધી બદલતા જ નથી. અને બદલવાના થાય તો કોઇ કંપનીના ટાયરની જગ્યાએ નકલી ટાયર લગાવી ચલાવી લઈએ છીએ. આવું ન કરવું જોઇએ. ટાયર ફાટવાથી પણ અકસ્માત થતા હોય છે. ટાયરની કાળજી લો. હવાનું દબાણ યોગ્ય રાખો. આ ખૂબ જરૂરી છે.

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...