…જ્યારે સાવરકરજીએ અંગ્રેજોનો જાપતો તોડી સમુદ્રમાં ઝંપલાવ્યું | Vinayak Damodar Savarkar

જે દિવસે સાવરકરજીએ અંગ્રેજોની બંદીને તોડી સમુદ્રમાં ઝંપલાવ્યું હતું એ દિવસ હતો ૮મી જુલાઈ ૧૯૧૦. પોતાના આ પ્રયાસમાં સાવરકરજી ભલે અસફળ થયા પણ તેમની સમુદ્રમાં મારેલી એ છલાંગનું એક ઐતિહાસિક મહત્વ છે.

    ૦૮-જુલાઇ-૨૦૨૩   
કુલ દૃશ્યો |

Vinayak Damodar Savarkar
 
 

વીર સાવરકરની ઐતિહાસિક છલાંગ – ૮ જુલાઈ ૧૯૧૦ | Vinayak Damodar Savarkar

 
અંગ્રેજો સામે લડાયેલ ભારતના સ્વાધીનતા સંગ્રામમાં વીર વિનાયક દામોદર સાવરકનું યોગદાન અદ્વિતિય છે. તેમણે પોતાના જીવને જોખમમાં નાખી દેશ-વિદેશમાં ક્રાંતિકારીઓ તૈયાર કર્યા. જેનાથી અંગ્રેજો ખૂબ હેરાન હતા. આથી બ્રિટિશ શાસન સાવરકરજીની લંડનમા ધરપકડ કરે છે અને ત્યાંની અદાલત સાવરકરજીને હિન્દના હવાલે કરવાનો આદેશ આપે છે. મોરી નામના જહાજ દ્વારા તેમને મુંબઈ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી કે જેથી ભારતમાં સાવરકરજી પર કેસ ચલાવવામાં આવે અને તેમને સજા કરવામાં આવે…
 
When Savarkar jumped...
 
પણ સાવરકર કાયદાના જાણકાર હતા. કાયદા વિશે તેમને સારી સમજ હતી. તેમણે બ્રિટનમાં રહી આંતરરાષ્ટ્રીય કાયદાઓનું બરોબર અધ્યન કર્યુ હતું. ૮ જુલાઈ ૧૯૧૦ના રોજ તેમને મુંબઈ લઈ જતું જહાજ ફ્રાંસના માર્સેલ્સ બંદરે પહોંચ્યુ ત્યારે સાવરકરજીએ એક સાહસિક પગલું ભર્યુ. તેમણે સુરક્ષાકર્મીઓને કહ્યુ કે શૌચાલય જવું છે. સુરક્ષાકર્મી તેમને શૌચાલય સુધી લઈ ગયા અને દરવાજાની બહાર ઊભા રહી ગયા.
 
મહત્વની વાત એ છે કે શૌચાલયમાં એક બાકોરું હતું જે માર્સેલ્સ બંદરની તરફ હતું. આથી સાવરકરજીએ આ બાકોરું જોઇ સમુદ્રનું સટીક અનુમાન લગાવી ત્યાંથી જ સમુદ્રમાં છલાંગ લગાવી દીધી.
 
શૌચાલયમાં ઘણીવાર થઈ આથી સુરક્ષાકર્મીઓને શંકા ગઈ અને તેમણે દરવાજો તોડી નાંખ્યો. પણ ત્યાં સુધીમાં તો ખૂબ સમય વીતી ગયો હતો. બાકોરામાંથી સમુદ્ર પાર કરીને ફ્રાંસની ધરતી તરફ સાવરકજી આગળ વધી રહ્યા હતા. આ જોઇ સુરક્ષા કર્મીઓએ બૂમો મારી અને પોતાના સાથીઓને બોલાવ્યા. એવું કહેવાય છે કે આ સુરક્ષાકર્મીઓએ અહીંથી ગોળીઓ પણ ચલાવી હતી.
 
The historic jump of Vinayak Damodar Savarkar....
 
કેટલાંક સૈનિકોએ વહાણમાં રહેલી એક નાનકડી હોડી સમુદ્રમાં ઉતારી અને સાવરકજીનો પીછો પણ કર્યો. પણ સાવરકરજી ખૂબ આગળ નીકળી ગયા હતા. ઝડપથી તરીને તેઓ સમુદ્રના કિનારે પહોંચી ગયા અને તેમણે તરત જ સ્વયંને ફ્રાંસની પોલિસના હવાલે કરી દીધા અને રાજનૈતિક શરણની માંગ કરી. આંતરરાષ્ટ્રીય કાયદાઓના જાણકાર હોવાથી સાવરકરજીને ખબર હતી કે તેમણે ફ્રાંસની ધરતી પર કોઇ અપરાધ નથી કર્યો એટલે ફ્રાંસની પોલીસ તેમની ધરપકડ તો કરી શકે છે પણ ધરપકડ કરી તેમને અન્ય કોઇ દેશની પોલીસને સોંપી ન શકે. આ જાણકારીના કારણે જ તેમણે આ સાહસી પગલું ભર્યું હતું. તેમણે ફ્રાંસની ધરતી પર પગ મૂકવાની સાથે જ સ્વયંને સ્વતંત્ર જાહેર કરી દીધા. થોડીવારમાં બ્રિટિશ પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ અને સાવરકરજીને બંદી બનાવ્યા. આથી સાવરકરજીએ આંતરાષ્ટ્રીય કાયદાની જાણકારી ફ્રાંસની પોલીસને જણાવી અને કહ્યું કે કોઇ અન્ય દેશના નાગરિકે પરવાનગી વગર ફ્રાંસની ધરતી પર પગ મૂકવો એક અપરાધ છે અને એજ માત્ર અપરાઘ તેમણે કર્યો છે પણ ફ્રાંસની પોલીસ સાવરકરજીની ભાષા કદાચ સમજી ન શકી અને બ્રિટિશ પોલીસના દબાણ હેઠળ સાવરકરજીને બ્રિટીશ પોલીસને સોંપી દીધા.
 
આ પછી તો મુંબઈ લઈ જઈ સાવરકરજી પર કેસ ચલાવવામાં આવ્યો અને સાવરકરજીને આજીવન કેદની સાથે દેશનિકાલની સજા સંભળાવવામાં આવે છે અને તેમની મિલકત પણ જપ્ત કરવાનું ફરમાન કરવામાં આવે છે.
 
જે દિવસે સાવરકરજીએ અંગ્રેજોની બંદીને તોડી સમુદ્રમાં ઝંપલાવ્યું હતું એ દિવસ હતો ૮મી જુલાઈ ૧૯૧૦. પોતાના આ પ્રયાસમાં સાવરકરજી ભલે અસફળ થયા પણ તેમની સમુદ્રમાં મારેલી એ છલાંગનું એક ઐતિહાસિક મહત્વ છે. આ પછી જ ભારતની ગુલામીની વાત વૈશ્વિક ચર્ચાનો વિષય બની હતી…
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...