પ્રકરણ - ૨ | આ દીકરીમાં તેજ છે, તરવરાટ છે અને તરખાટ પણ છે. મને તો એનું નામ અહલ્યા જ સૂઝે છે

27 May 2024 16:08:20

ahilyabai holkar 2
 
 
૩૧ મી મે - ઈ.સ. ૧૭૨૫
 
જેઠ સુદ - સાતમ અને શક ૧૬૪૭નો દિવસ.
 
ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્રના ઓરંગાબાદથી સવાસો કિલોમીટર દૂર આવેલા બીડ તાલુકાનું પંખીના માળા જેવું ચોંડી ગામ. ગામની આસપાસ ઊંચા ઊંચા પહાડો અને ખળખળ વહેતી નદી. ગામમાં તમામ સૌ ખૂબ જ સુખ અને શાંતિથી હળીમળીને રહે. ગામના પાદરની પાસે એક શિવજીનું મંદિર અને મંદિરની પાછળ જ એક મોટા ફળિયાવાળું નાનકડું ખોરડું. એ ખોરડું માણકોજી શિંદેનું. માણકોજી તેમની પત્ની સુશીલા શિંદે સાથે અહીં રહે. મૂળ ધનગર એટલે કે ભરવાડ. તેમની પાસે થોડાંક ઘેટાં-બકરાં હતાં અને એક નાનકડું ખેતર પણ હતું. એના આધારે નાનુ મોટું ખેતીકામ કરીને પોતાનો જીવનનિર્વાહ ચલાવે. માણકોજી અને સુશીલા શિવજીના અખંડ ભક્ત. ખૂબ જ સંસ્કારી. પ્રામાણિક અને ધર્મભીરુ દંપતી. માણકોજી વળી એ નાનકડાં ગામના મુખી પણ હતા.
 
સાંજના સાત વાગ્યા હતા. ભગવાન શિવના મંદિરે ઝાલર વાગી રહી હતી. એવે વખતે માણકોજીના નાનકડા ખોરડામાં ભારે ચહલ-પહલ મચી હતી. તેમની પત્ની સુશીલાને વેણ ઊપડી હતી. ગામના દાઈમાતા અને બીજી બે મહિલાઓ એમને પ્રસૂતિ કરાવી રહ્યાં હતાં. માણકોજી બહાર ફળિયામાં બાંધેલી બકરી પાસે બેઠાં બેઠાં એના માથે હાથ પસવારી રહ્યા હતા. તેમના મનમાં ભારે ઉચાટ હતો. પત્નીની દર્દભરી ચીસો એમને વિહ્વળ કરી રહી હતી.
 
શિવમંદિરની ઝાલર બંધ થઈ અને જયકાર ગુંજ્યો, `હર...હર મહાદેએએએએવવ.....!' અને એ જ ટાણે દાઈમાતા બહાર આવ્યાં.
 
માણકોજી, મોઢું મીઠું કરાવો, `મુલગી આહે.. દીકરીના પિતા બની ગયા તમે.'
 
`મહાદેવની કૃપા દાઈ મા! દીકરી અને સુશીલાની તબિયત તો સારી છે ને! કંઈ મુશ્કેલી નથી ને?'
 
`બેય સારાં છે. દીકરી તો એવી હુષ્ટપુષ્ટ છે કે વાત ના પૂછો. જાણે ભગવાન શિવની સાક્ષાત કૃપા અવતરી છે તમારા ઘરે. વર્ણે શ્યામ છે પણ તેજ એટલું કે આંખો અંજાઈ જાય.'
 
`મહાદેવ હર...!' માણકોજીએ ઉપર જોઈને બે હાથ જોડ્યા. ભગવાનનો આભાર માનતાં માનતાં પત્નીને જોવા અંદર ગયા. દીકરીને હાથમાં લઈને એ પણ ધન્ય ધન્ય થઈ ગયા. છ દિવસ બાદ દીકરીની છઠ્ઠીની વિધિ હતી. શિવમંદિરના પૂજારીબાપા ટીપણું લઈને બેઠા હતા અને દીકરીની રાશી જોઈ રહ્યા હતા.
 
અંદરના ઓરડામાં મહિલાઓ બેઠી બેઠી છઠ્ઠીનાં ગાણાં ગાઈ રહી હતી અને બહાર કેટલાક પુરુષો મોઢું મીઠું કરી રહ્યા હતા.
પૂજારીબાપાએ ટીપણું જોઈને કહ્યું, `જેઠ સુદ- સાતમ અને શક ૧૬૪૭ના શુભ દિને, શુભ ઘડીએ જન્મેલી આ દીકરીમાં સાતેય પવિત્ર નદીઓના જળ જેવી પવિત્રતા છે. રાશિ આવે છે મેષ. અ.લ અને ઈ. બોલો શું નામ રાખવું છે?'
 
`તમે જ કહો પૂજારી બાપા! દીકરીના ગુણ જોઈને તમે જે નામ આપો એ જ સાચું.'
 
પૂજારી બાપાએ બે ઘડી આંખો મીંચી. એમની આંખ સામે છ દિવસની દીકરીની કુંડળીના આંકડા રમી રહ્યા હતા. એ અનાયાસ બોલી ઊઠ્યા, `આ દીકરીમાં તેજ છે, તરવરાટ છે અને તરખાટ પણ છે. એનામાં પ્રેમ પણ છે અને પવિત્રતા પણ છે. એની કુંડળીના આંકડા તો કહે છે કે, એના ભાગ્ો રાજમહેલ અને રાજકુમાર છે. ચંદ્રમા એનો શીતળ સ્વભાવ બતાવે છે તો રાશિમાં રહેલો તપતો સૂર્ય એનો રાજયોગ બતાવે છે. આખી દુનિયામાં તમારા વંશનું નામ રોશન કરશે આ દીકરી. એ શ્રેષ્ઠ પુત્રી બનશે, ઉત્તમ પત્ની બનશે અને ઉચ્ચસ્તરની માતા પણ બનશે. એની તુલના કોઈ સાથે નહીં થાય. આ બધું જોતાં મને તો એનું નામ અહલ્યા જ સૂઝે છે.'
 
`વાહ ખૂબ સરસ નામ છે....!' એક પાડોશી બોલ્યા, `અહલ્યા તો બહુ પુણ્યશાળી નામ છે! સૃષ્ટિની પવિત્રતમ પાંચ કન્યાઓમાં એક છે. પ્રભુ શ્રી રામના સાક્ષાત્‌‍ આશીર્વાદ જેમના પર ઊતર્યા હતા એ પવિત્રતમ સન્નારી છે. ખૂબ સરસ નામ આપ્યું પૂજારીજી.'
 
માણકોજી અને સુશીલા પણ દીકરીના નામથી ખૂબ ખુશ થયા. બધાંય મોં મીઠું કરીને છૂટાં પડ્યાં.
 
***
 
ઈ.સ ૧૭૩૦.
 
શક સંવત ૧૬૫૨
 
ચોંડી ગામના ઝાડવા પરથી પસાર થઈ રહેલી હવાની કાંધ પર બેસીને સમય પણ વહેવા લાગ્યો. અહલ્યા સુસંસ્કારી માતા-પિતાની છત્રછાયામાં ઉછરવા લાગી હતી. દિવસો, મહિનાઓ અને વરસ વીતતાં ચાલ્યાં. અહલ્યા હવે પાંચ વર્ષની થઈ ગઈ હતી. આટલી નાની ઉંમરમાં અહલ્યા ખૂબ જ સમજણ પ્રાપ્ત કરી ચૂકી હતી. એનાં માતા રોજ પ્રાતઃકાળે શિવમંદિરે જતાં, તેમની સાથે અહલ્યા પણ જતી. આમ એ પણ શિવભક્તિમાં લીન બની હતી.
 
તેનામાં ધર્મ, કર્મ અને જ્ઞાન, સાહસ, નીડરતા, હિંમત, પ્રમાણિકતા વગેરે અનેક સદ્ગુણોનો સંગમ રચાયો હતો.
માણકોજી ઘેટા-બકરાં ચરાવવા જતા ત્યારે નાનકડી અહલ્યાને પણ સાથે લઈ જતા. સુંવાળી કેશરાશીવાળી બકરી અને બકરીના બચ્ચાઓ સાથે અહલ્યા ખૂબ રમતી અને એમને લાડથી રાખતી. એ બકરીઓ સાથે ઓતપ્રોત થઈ ગઈ હતી. એ નાની ઉંમરમાં એના પિતાને મોટા પ્રશ્નો પૂછતી, `બાપુજી, બકરીને પણ આપણા જેમ જ જીવ હોય, એને પણ આપણી જેમ ખુશી થાય, દુઃખ થાય? '
 
માણકોજી કહેતા, `માત્ર બકરીને નહીં બેટા, તને આ સૃષ્ટિ પર જે કોઈ પણ પશુ, પંખી, જંતુ દેખાય છે એ બધામાં જીવ હોય. બધાને આનંદ, સુખ, દુઃખ અને પીડા બધું ય થાય.'
 
`એટલે કીડી, મકોડા, કબૂતર, હાથી, સિંહ બધાંને?'
 
`હા, દીકરી. બધાંને જીવ છે!'
 
`તો તો પછી આપણે પડી જઈએ કે કોઈ મારે અને આપણને વાગ્ો એમ આ પશુ-પંખી, જીવ-જંતુઓને પણ વાગતું હશે, દુઃખ થતું હશે ખરું ને?'
 
`હા બેટા!'
 
`તો ય કેટલાક લોકો કેમ શિકાર કરે છે બાપુજી? કાલે જ મેં એક જણને સસલાને મારતાં જોયો હતો.'
 
`એ પાપ કહેવાય બેટા! પણ કેટલાંક લોકો સમજતા નથી. આપણે એવું ના કરવું. બને ત્યાં સુધી એમને અટકાવવા.'
`ભલે બાપુજી!' અહલ્યાએ બકરીના બચ્ચાને ગળે વળગાડતાં કહ્યું.
 
એ દિવસથી અહલ્યામાં જીવ માત્ર માટે અનુકંપા પ્રકટ થઈ ગઈ હતી. સમય વહેતો જતો હતો. ધીમે ધીમે અહલ્યા માતા-પિતા અને અન્ય લોકો પાસેથી વધારે ને વધારે સમજ અને જ્ઞાન પ્રાપ્ત કરવા લાગી. પ્રકૃતિની ગોદમાં રહેતી હોવાને કારણે પ્રકૃતિ પ્રત્યે પણ એને ભારોભાર પ્રેમ પ્રગટ્યો હતો અને સાથે સાથે સાહસિકપણું પણ દૃઢ થયું હતું.
 
એક દિવસ માણકોજીએ દીકરીને કહ્યું, `બેટા, મને લાગે છે કે તારે ધનુર્વિદ્યા પણ શીખવી જોઈએ.'
 
અહલ્યાએ કહ્યુ, `પણ બાપુજી, ધનુષબાણ તો બીજાને હણવા માટે ઉપયોગમાં લેવાય છે, એ શીખીને શું ફાયદો? એનાથી તો બીજાને પીડા જ થવાની છે ને!'
 

lokmata 
 
 
કિશોર વયની દીકરીનો આ સવાલ સાંભળી માણકોજી ખૂબ આનંદિત થયા અને એને સમજાવ્યું, `બેટા, તારો પ્રશ્ન ખૂબ સાચો છે. પરંતું તું એક દિવસ કહેતી હતી ને કે કોઈકે સસલાને માર્યું હતું. આ દુનિયામાં એવા કેટલાયે પાપીઓ છે જે બીજાને દુઃખ પહોંચાડે છે. બીજાને હણે છે. એવા પાપીઓનાં પાપ વધી જાય ત્યારે આપણે એમને હણવા જોઈએ એવો ઈશ્વરનો આદેશ છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગીતામાં કહ્યું છે કે, જ્યારે જ્યારે આ પૃથ્વી પર અધર્મ વધી જાય, પાપીઓ વધી જાય ત્યારે તેમના સંહાર માટે હું અવતાર ધારણ કરીશ. માત્ર કૃષ્ણ જ નહીં ભગવાન પરશુરામ, શ્રી રામ બધાએ પાપીઓને હણવા માટે શસ્ત્રો ઉપાડ્યાં હતાં. માટે આપણે પણ આપણા ધર્મના રક્ષણ માટે, પાપીઓથી પોતાને અને અન્યને બચાવવા માટે જરૂર પડે તો શસ્ત્ર ઉપાડવાં જોઈએ. માટે જ તારે ધનુર્વિદ્યા શીખવી જોઈએ.'
 
`અરે, વાહ બાપુજી! તમે તો સરસ સમજાવ્યું. ટૂંકમાં પાપીઓને હણવામાં કોઈ પાપ નથી એમ જ ને?'
 
`વાહ તો તારા માટે દીકરી. તું ઝડપથી સમજી ગઈ.' અને બંને બાપ-દીકરી ખડખડાટ હસી પડ્યાં.
 
બીજા જ દિવસથી નાનકડી અહલ્યાએ ધનુર્વિદ્યા પણ શીખવા માંડી. થોડા જ સમયમાં તેણે આ વિદ્યામાં પણ મહારત હાંસલ કરી લીધી. એ સાત વર્ષની ઉંમરની થઈ ત્યાં સુધીમાં તો એણે એવું ઘણું બધું શીખી લીધું હતું જે એની ઉંમરના બાળકોને બોલતાં પણ નહોતું આવડતું. અહલ્યા એની આ જ તેજસ્વિતા અને ચપળતાને કારણે સૌમાં અલગ તરી આવતી હતી. એ સમયમાં દીકરીઓના શિક્ષણ માટે બહુ જાગૃતિ નહોતી છતાં પણ તેનાં માતા-પિતાએ તેને પ્રાથમિક શિક્ષણ તો અપાવેલું જ.
એક દિવસની વાત છે. અહલ્યાની માતાએ એને કહ્યુ, `દીકરી, આજે તો કંસાર બનાવ.'
 
અહલ્યાએ કહ્યુ, `મા, રોટલો અને શાક તો હું બનાવી શકું છું. પણ કંસાર મને નથી આવડતો.'
 
`નથી આવડતો તો શીખી જા. ચાલ, હું તને શીખવાડું.' કહીને માતાએ એની સામે કંસાર બનાવ્યો. કંસાર ચાખીને અહલ્યા બોલી ઊઠી, `અરે, વાહ બહુ જ મીઠો કંસાર બન્યો છે. પણ મા કંસાર બનાવવાનું બહું અઘરું લાગ્ો છે. સાચું કહું તો કંટાળો જ આવે છે!'
 
માતા બોલી, `બેટા, હવે તો તારી લગ્નની ઉંમર થઈ. બધું જ શીખી જવું પડશે. જેમ તું ધનુર્વિદ્યા શીખી, લખતાં-વાંચતા શીખી, ભજન શીખી એમ બધા પ્રકારનું ભોજન પણ શીખી જવાનું છે. કારણ કે આપણે રહ્યાં ગરીબ માણસો. આપણને તો રાંધતાંય આવડવું જોઈએ અને ઘેટાં-બકરાં ચરાવતાંય આવડવું જોઈએ. કંસાર બનાવી શકીશ તો જ સંસાર બનાવી શકીશ સમજી! તને કંઈ થોડો રાજકુંવર મળવાનો છે તે આરામ કરવા દેશે! આમ કંટાળો લાવ્યે તારા જેવી ગરીબ ઘરની દીકરીને ના પાલવે. ચાલ...!'
 
`હા, એ વાત સાચીમા! હવે તો કંસાર હું જ બનાવીશ.' અહલ્યાએ પ્રેમથી કહ્યું.
 
અત્યંત સંસ્કારી અને હોશિયાર દીકરી હતી છતાં માતાના હૃદયમાં ચિંતા હતી કે ગરીબ ઘરની દીકરી છે ક્યાં જઈને પરણશે, કેવું ઘર મળશે? અને બીજુ કેટલુંયે કરવું પડશે. પણ એ ચિંતાનું કોઈ કારણ નહોતું. કારણ કે વિધાતાએ એના માટે એક મોટા મહેલનું નિર્માણ કરી રાખ્યું હતું. એને કંસાર ના આવડે તોયે સંસાર ચાલે એવું એક માગું હવે એના આંગણે આવવા તત્પર બન્યું હતું. એના ગામમાં જેટલાં ઘર નહોતાં એટલા દાસ-દાસીઓ, નોકર-ચાકરો એની આગળ પાછળ ફરવાના હતા. બધું જ ગોઠવાઈ ચુક્યું હતું. હવે સમય દેવતા આગળ આવીને આ ખખડધજ ખોરડે સોનાના ટકોરા મારે એટલી જ વાર હતી.
 
***
 
(ક્રમશઃ)
 
 
પ્રકરણ – ૧ | શૂરવીર સૂબેદાર મલ્હારરાવ હોળકરનો દીકરો તોફાની અને અસંસ્કારી પાક્યો 
 
Powered By Sangraha 9.0