પ્રકરણ – ૩ | આ છોકરી મને ખૂબ ગમી ગઈ છે. હું એને મારી પુત્રવધૂ બનાવીશ

અહલ્યા રાજીના રેડ થઈ ગઈ. એ દોડીને તરત જ ખેતરની ઝૂંપડીમાંથી તીર-કામઠું લઈ આવી અને બોલી, `જુઓ, હું તમને બતાવું કે હું કેવી તીરંદાજી કરું છું. બોલો, ક્યાં નિશાન તાકું!"

    ૦૩-જૂન-૨૦૨૪   
કુલ દૃશ્યો |

ahilyabai holkar 3


ઈ.સ. ૧૭૩૩, સંવત ૧૬૫૫
 
સવારના પહોરમાં ખખડધજ બારણે ટકોરા પડ્યા. ટકોરા સાથે સાથે જ એક અવાજ પણ અંદર દાખલ થયો, `અહલ્યા, અલી અહલ્યા... જલદી ઊઠ. બકરીઓ ચરાવવા નથી જવાનું કે શું?'
 
અહલ્યા પથારીમાંથી સફાળી બેઠી થઈ ગઈ. એને ખબર નહોતી કે એ સવારે એના બારણે જે ટકોરા વાગ્યા હતા એ સોનાના ટકોરા હતા, દરવાજે ભલે એની સખી ઊભી હતી પણ હકીકતમાં એ કિસ્મત હતી. એની કિસ્મત એને બોલાવી રહી હતી.
 
અહલ્યા બારણું ખોલી બહાર ગઈ અને બોલી, `અરે, સખી! શું કરું ? મા-બાપુ વહેલા ગામતરે ગયા એમાં ઊઠવામાં મોડું થઈ ગયું. ચાલ જલદી હવે ઉપડીએ મેદાનમાં.' અને એણે ફટાફટ મોં ધોઈને ફળિયામાંથી બધી જ બકરીઓ વાળી લીધી. સખી ચંદા અને અહલ્યા પોતપોતાની બકરીઓ લઈને ચોંડી ગામથી દૂર લીલાછમ્મ ઘાસવાળાં મેદાને જઈ ચડી.
 
***
 
ઈ.સ. ૧૭૩૩ના એ જ અરસામાં ઓરંગાબાદના બીડ તાલુકામાં માધવરાવ પેશવાની સેનાના ડેરા તંબુ તણાયેલા હતા. પડછંદ વ્યક્તિત્વના માલિક, કસાયેલા, કદાવર બાંધાના અને શૂરવીર સૂબેદાર મલ્હારરાવ હોળકર પણ માધવરાવ પેશવાની સાથે જ હતા. મલ્હારરાવ હોળકર એટલે માધવરાવ પેશવાના સૂબેદાર. બંને મહાનુભાવોના તંબુ પણ પાસ પાસે જ બંધાયેલા હતા. માધવરાવ પેશવાના તંબુ પર મરાઠા શાસનનો જરીવાળો પટ્ટો ભગવો ધ્વજ લહેરાઈ રહ્યો હતો અને મલ્હારરાવના તંબુ પર સરદાર કદમબાંડીનો ધ્વજ ફરકતો હતો.
 
આ એક યુદ્ધની છાવણી હતી. તેમ છતાં અહીં યુદ્ધનો જરા સરખો પણ ઓછાયો દેખાતો નહોતો. યુદ્ધ છાવણીમાં સામાન્ય રીતે પ્રસરેલી ઉત્ત્ોજનાનો અહીં સંપૂર્ણપણે અભાવ હતો. માંડલિક નામના એક સેનાપતિ પાસેથી મહેસૂલની લેણી ચોથાઈ તલવારોના ખણકાટ વિના જ મળી જતાં સેનામાં આનંદનું વાતાવરણ પ્રસરેલું હતું. સાંજે વાળુ કર્યા બાદ સૈન્યના બધા જ વીર યોદ્ધાઓ અહીં વીરરસના ગીત-સંગીત-ડાયરાનો આનંદ માણવા ભેગા થતા હતા. શમશેર ચલાવતા શૂરવીરોનો સાહિત્ય અને સંગીતનો રસ એની ચરમસીમા પર પહોંચી જતો. મરાઠાઓનાં પરાક્રમોની ગાથા વર્ણવતા `પોવાડા' ગાઈને ચારણો સૌનું મનોરંજન કરતા હતા. રાત્રી કવિઓ, ચારણો તેમજ ગઢવીઓ મશાલના અજવાળામાં છત્રપતિ શિવાજી મહારાજનો જય જયકાર કરી આનંદમાં ઉમેરો કરતા. ક્યારેક શિવબાવની ગાઈને બધાને રાજી કરતા તો ક્યારેક બાજીપ્રભુ દેશપાંડેનાં પરાક્રમોની ગાથા કહીને એકએક જણની નસોમાં શૂરવીરતા ભરતા હતા. રાત આમ જ ઉત્સાહથી પસાર થઈ જતી હતી અને સર્વત્ર માત્ર અને માત્ર ઉમંગ જ છવાયેલો રહેતો હતો.
 
***
 
વહેલી સવારનો સૂરજ બીડની પૂર્વ દિશામાંથી ડોકિયું કરી રહ્યો હતો. બીડની પશ્ચિમે તંબુ તાણીને રહેતા શ્રીમંત માધવરાવ પેશવા અને સૂબેદાર મલ્હારરાવ હોળકર ઘોડા પર બેસીને આ પ્રદેશની સમૃદ્ધિ અને જુદી જુદી પરંપરાનાં ગામડાંઓ જોવા માટે નીકળી પડ્યા હતા. તેમને કોઈ ઓળખી ના જાય એટલા માટે તેમણે વેશપલટો પણ કરી લીધો હતો.
 
એક પછી એક પહાડ અને મેદાનો જોતાં જોતાં, અવનવાં ગામો જોતા જોતા તેઓ આગળ વધી રહ્યા હતા. આમ ને આમ બપોર થઈ ગયા. પૂર્વ દિશાએ ઊગી નીકળેલો સૂરજ બરાબર માથે આવીને બેઠો હતો. સખત તાપ વરસી રહ્યો હતો. એવા સમયે બંને મહાનુભાવો ચોંડીથી થોડે દૂર આવેલા મેદાનમાં આવી પહોંચ્યા. બંને શૂરવીરો પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા અને તરસ પણ ખૂબ લાગી હતી. એમની એક તરફ લાંબાં મેદાન હતાં એની પાછળ પહાડ અને બીજી તરફ ખુલ્લાં લીલાછમ્મ ખેતરો.
 

ahilyabai holkar 3 
 
માધવરાવ બોલ્યા, `સૂબેદાર, જરા દૂર નજર માંડોને, ક્યાંય કોઈ કૂવો કે જળાશય હોય તો જુઓ !'
 
`શ્રીમંત, મને પણ ખૂબ તરસ લાગી છે. બહુ દૂર નજર દોડાવી પણ ક્યાંય જળનાં એંધાણ દેખાતાં નથી.'
 
`તો ચાલો, થોડા આગળ જઈએ! ત્યાં દૂર કોઈક મનુષ્ય હોય એવું લાગ્ો છે.' દૂર દેખાતી બે માનવઆકૃતિઓ જોઈને શ્રીમંતે કહ્યું. બંનેએ ઘોડો મારી મૂક્યો અને મેદાને પહોંચ્યા.
 
એ મેદાનમાં અહલ્યા અને એની સખી ચંદા બકરીઓ ચરાવી રહી હતી. અહલ્યા એ વખતે બકરીના બચ્ચા સાથે મસ્તી કરી રહી હતી. મલ્હારરાવ એને જોતા જ રહી ગયા. કોણ જાણે કેમ આ સ્હેજ શામળી છોકરી પ્રત્યે એમના હૃદયમાં પુત્રીવત્ પ્રેમ ઊભરાઈ આવ્યો હતો.
 
બંને ઘોડેસવારોને આમ ચૂપચાપ ઊભેલા જોઈને અહલ્યાએ જ પૂછ્યું, `કેમ મહેમાન શું જોઈ રહ્યા છો?'
 
મલ્હારરાવ તરત જ વિચારતંદ્રામાંથી બહાર આવ્યા. તેમણે કહ્યુ, `બેટા, અમને ખૂબ તરસ લાગી છે. પાણીની શોધમાં છીએ! અહીં ક્યાંય પાણી મળશે ?!'
 
`હાસ્તો, મળશે જ ને. કેમ ના મળે. વટેમાર્ગુને પાણી ના આપીએ એવા નગુણા અમે નથી. અમારા ચોંડી ગામના નાકનો સવાલ છે. ચાલો, ત્યાં અમારાં ખેતર છે. ત્યાં પાણીનાં માટલાં ભરી જ રાખ્યાં છે. તમને પાણી પાઈશ.'
 
આઠ-નવ વર્ષની નાનકડી છોકરી જે હિંમતથી વાત કરી રહી હતી એ જોઈને બંને શૂરવીરોને નવાઈ લાગી. બંને એની પાછળ દોરાયા. થોડે આગળ જઈને અહલ્યાએ પૂછ્યું, `મહેમાનો, તમે કયા ગામના છો?'
 
`દીકરી, બાજુના જ ગામમાં રહીએ છીએ અને વેપારી છીએ.'
 
તરત જ અહલ્યાએ કહ્યુ, `ના જણાવવું હોય તો ના જણાવશો. પણ જૂઠું ના બોલો. જૂઠું બોલવું પાપ છે!'
 
`એમ કેમ કહે છે બેટા?'
 
`કારણ કે તમે બાજુના ગામનાય નથી લાગતા કે વેપારીય નથી લાગતા!'
 
`તો... તો પછી તને અમે કોણ લાગીએ છીએ?' મલ્હારરાવ છોકરીની હોશિયારીથી અભિભૂત થઈ ગયા હતા. તેમણે એની વધારે પરીક્ષા કરવા પૂછ્યું.
 
અહલ્યાએ ચાલતાં ચાલતાં જ કહ્યું, `તમે તો શ્રીમંતની અથવા તો સરદાર મલ્હારરાવની સેનાના સૈનિકો લાગો છો?'
 
`અરે, તું શ્રીમંતને અને મલ્હારરાવને ઓળખે છે?'
 
`હા, મારા પિતાજી કહેતા હતા કે, શ્રીમંત માધવરાવ પેશવા અને સૂબેદાર મલ્હારરાવ ખૂબ સારા શાસક અને માણસો છે.
 
તેઓ એમ પણ કહેતા હતા કે બીડમાં તેમના લશ્કરના તંબુ તણાયા છે.'
 
`હા, પણ તેમના તંબુ બીડમાં હોય એટલે અમે એમના સૈનિકો જ હોઈએ એવું કોણે કહ્યું?'
 
અહલ્યા ખડખડાટ હસવા માંડી અને બોલી, `એમાં કોઈ શું કહે? માત્ર સમજવાનું હોય! હું મારી બુદ્ધિથી અંદાજ લગાવી રહી છું કે તમે સૈનિકો જ છો. કારણ કે આપણે ત્યાં આવી ભરાવદાર મૂછો સૈનિકો જ રાખે છે. વેપારી કદી આવી મૂછો રાખતા નથી.'
 
આટલી વાત ચાલી ત્યાં જ ખેતર આવી ગયું. અહલ્યાએ કહ્યુ, `લો ત્યારે, સૈનિકો, હવે ઘોડેથી હેઠા ઉતરો, હું તમારા માટે ભોજન અને પાણી લાવું છું.'
 
સૂબેદાર મલ્હારરાવ હોળકર તો આ ઘાટીલી, શ્યામવર્ણી, ચબરાક છોકરી પર વારી ગયા હતા. તેમને થયું કેટલી ચતુર દીકરી છે. અને અદબ પણ કેવી રાખે છે, વાહ. વિચારતાં વિચારતાં એમણે શ્રીમંત સામે જોયું અને ઘોડા પરથી નીચે ઊતરીને ખેતરમાં ઢાળેલા ખાટલા પર બેઠા.
 
મલ્હારરાવને છોકરી સાથે વાત કરવાની મજા પડી રહી હતી. તેમણે પૂછ્યું, `છોકરી, તું શેના આધારે કહે છે કે અમે વેપારી નથી?'
 
`એક તો મૂછો અને બીજી વાત એ કે વેપારીઓ કદી ગામ છોડીને આ રીતે ઘોડા પર સવાર થઈને જંગલમાં ભટકે નહીં.'
`અરે દીકરી, અમે કંઈ ભટકતા નથી. અમે તો રસ્તો ભૂલી ગયા છીએ.'
 
`ઠીક છે, હું પરાણે સત્ય નહીં કહેવરાવું. તમે બેસો! હું પાણી લઈને આવું.' આમ બોલીને અહલ્યા અને ચંદા દૂર મૂકેલા માટલામાંથી બે લોટા પાણી ભરીને લાવ્યાં. શ્રીમંત અને મલ્હારરાવે પાણી પીને લોટો પાછો આપ્યો. શ્રીમંત બોલ્યા, `સૂબેદાર, છોકરી ટક્કરની મળી છે. આજે તો તમારા મુખે સત્ય ઓકાવીને જ રહેશે.'
 
વાતો ચાલતી હતી ત્યાં જ બંને છોકરીઓ પાછી આવી. બંનેના હાથમાં પતરાળાનાં બે પાંદડાં હતાં. એમાં એક એક રોટલો અને ડુંગળીનું દડબું મૂકેલું હતું. બંને શૂરવીરોને એ આપતાં અહલ્યાએ કહ્યું, `લો, મહેમાનો! બપોર ખૂબ થઈ ગઈ છે. જમી લ્યો.'
 
`ના, ના, અમારે નથી જમવું.'
 
`નથી કેમ જમવું. જમવાનો વખત છે. તમે અમારા મહેમાન છો. અને એ ય સાંભળી લો કે વેપારી કદી કોઈ વસ્તુની ના પાડે નહીં.'
 
`દીકરી, ખરેખર તારા સંસ્કાર ખૂબ ઉચ્ચ છે.'
 
`હા, પણ તમે કેવા છો. દીકરી પણ કહો છો અને પારકી કરી નાંખો છો. નથી સાચું કહેતા કે નથી દીકરીનું માન રાખી જમતા.'
આખરે મલ્હારરાવે અને શ્રીમંતે હાર માનવી પડી અને તેમણે ભોજન કર્યું. ભોજન પછી પાણી પીતાં પીતાં મલ્હારરાવે કહ્યુ, `બેટા, તું સાચી છો. અમે વેપારી નથી. પણ જે છીએ એ તને પછી કહીશું. પહેલાં તું કહે કે તારું નામ શું છે?'
`મારું નામ અહલ્યા છે.'
 
`અને માતા-પિતાનું નામ!'
 
`મારા પિતાજી માણકોજી શિંદે અને માતા સુશીલા શીંદે. અમે ભરવાડ છીએ. ઘેટાં-બકરાં પણ ચરાવીએ છીએ અને આ નાનકડું ખેતર પણ છે. અમે આ ચોંડી ગામમાં જ રહીએ છીએ અને મારા બાપુજી આ ગામના મુખી પણ છે.'
 
`તો તો એમણે લડાઈમાં પણ ભાગ લીધો હશે?'
 
`હાસ્તો! ઘણી લડાઈઓમાં!'
 
`અને તું? તું શું શું શીખી છે?' મલ્હારરાવ ખૂબ જ રસપૂર્વક અને જુદા આશયથી અહલ્યાને બધું પૂછવા લાગ્યા હતા.
અહલ્યાએ કહ્યું, `મને બધું જ આવડે. મારી મા કહે છે કે અમે ગરીબ માણસો છીએ. એટલે બધું આવડવું જરૂરી છે. અમને ક્યાં મહેલ કે નોકર-ચાકર મળવાના છે. એટલે હું ઘોડેસવારી, તીરંદાજી, તલવારબાજી બધું જ શીખી છું. પણ મારા પિતાજી મને કોઈ દિવસ લડાઈમાં લઈ નથી જતા.'
 
`અરે, એ તો ખોટું કહેવાય. તને આટલું બધું આવડતું હોય તો તને તો શ્રીમંતે સૈનિકોની સરદાર બનાવવી જોઈએ.' માધવરાવ પેશવાએ કહ્યું.
 
અહલ્યા રાજીના રેડ થઈ ગઈ. એ દોડીને તરત જ ખેતરની ઝૂંપડીમાંથી તીર-કામઠું લઈ આવી અને બોલી, `જુઓ, હું તમને બતાવું કે હું કેવી તીરંદાજી કરું છું. બોલો, ક્યાં નિશાન તાકું!'
 
મલ્હારરાવે આસપાસ જોયું અને એક બુલબુલ તરફ આંગળી ચીંધતાં બોલ્યા, `પેલી બુલબુલ બેઠી છે ને એને નીચે પાડી બતાવ.'
 
અહલ્યાના હાથ અચાનક નીચે આવી ગયા. એણે કહ્યું, `ના, એનું નિશાન હું નહીં લઈ શકું?'
 
`કેમ નથી આવડતું?'
 
`આવડે તો છે પણ આપણી મજા માટે બિચારી બુલબુલને શા માટે મારવી જોઈએ ? એણે આપણું શું બગાડ્યું છે ? હું તો કહું છું કે કોઈ નિર્દોષ જીવની હત્યા જ ના કરવી જોઈએ. મને માફ કરો. હું એને નહીં મારું!' અહલ્યાની વાત સાંભળીને મલ્હારરાવ ખાટલામાંથી સફાળા બેઠા થઈ ગયા. હવે એમનાથી ના રહેવાયું. એ બોલી ઊઠ્યા, `ધન્ય છે તને, દીકરી, ધન્ય છે. શું સંસ્કાર આપ્યા છે તને તારાં મા-બાપે. વાહ.... બહુ સરસ. મારે હાલ જ તારાં માતા-પિતાને મળવું છે!'
 
`પણ મહેમાનો, મારાં માતા-પિતા તો ગામતરે ગયાં છે. અત્યારે એ ઘરે નથી.'
 
`ઠીક છે. અમે પછી આવીશું.' આમ બોલીને મલ્હારરાવે અહલ્યાના માથે હાથ ફેરવ્યો, `આવજે બેટા, આજે તેં મારા ગળાની તરસ કે ભૂખની આગ જ નહીં, મારા હૈયાની આગ પણ ઠારી દીધી છે. હું બે દિવસ પછી તારા પિતાને મળવા આવીશ.'
નાનકડી અહલ્યાને મલ્હારરાવની વાતમાં કંઈ સૂઝ ના પડી. એણે કહ્યું, `હા...હા... જરૂર આવજો. આપણે બધા સાથે ભોજન કરીશું. હર હર મહાદેવ! આવજો.'
 
`મહાદેવ હર.... આવજે બેટા!'
 
શ્રીમંત માધવરાવ પેશવા અને મલ્હારરાવ હોળકર ઘોડા પર બેસીને પોતાની છાવણી તરફ પાછા વળ્યા. રસ્તામાં મલ્હારરાવે શ્રીમંતને કહ્યું, `શ્રીમંત, ગૌતમા સાચું કહેતી હતી કે જેમનાં છોકરાં પહેલાં તોફાની, અસંસ્કારી હોય એને જીવનમાં એવું પાત્ર મળી જ રહે છે જે એમનું નામ રોશન કરી દે. આજે મને મારા તોફાની ખંડેરાવ માટે એ પાત્ર મળી ગયું. આ છોકરી મને ખૂબ ગમી ગઈ છે. હું એને મારી પુત્રવધૂ બનાવીશ. આ છોકરી મારા હોળકર પરિવારનું નામ જરૂર રોશન કરશે. અમારા વંશને ઇતિહાસમાં અમર કરી દેશે.'
 
`સાચી વાત છે તમારી ! આ કન્યા નથી, આ તો કન્યારત્ન છે રત્ન. હર મહાદેવ કરીને આગળ વધો.' શ્રીમંતે હરખથી કહ્યું.
 
(ક્રમશઃ)
 
***
 
 
 

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.