# ભારત દેદીપ્યમાન બની રહ્યો છે - . ડૉ. જયંતીભાઈ ભાડેસીયા
# સંઘ વિચાર સાથે આગળ વધીશું તો ભારત જરૂર વિશ્વગુરૂ બનશે - સંતશ્રી લલિતકિશોરશરણદાસજી
# સુરેન્દ્રનગર ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ- સૌરાષ્ટ્ર પ્રાંત સંઘ શિક્ષા વર્ગનું આયોજન
# રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - સૌરાષ્ટ્ર પ્રાંત સંઘ શિક્ષા વર્ગ સામાન્ય સમારોહ યોજાયો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આયોજિત સૌરાષ્ટ્ર પ્રાંતનો પ્રથમ વર્ષ - સંઘ શિક્ષા વર્ગનો સમાપન સમારોહ ૨૭ મે ૨૦૨૪ના રોજ સુરેન્દ્રનગરના ભક્તિનંદન સર્કલ ખાતેના મેદાનમાં યોજાયો હતો. ૧૨ મે ૨૦૨૪ના રોજ પ્રારંભ થયેલ આ વર્ગમાં શિક્ષાર્થીઓને શારીરિક, બૌધિક, શ્રમ અનુભવ, સેવા સંપર્ક અને પ્રચાર સંદર્ભનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. તારીખ ૨૭ મે, ૨૦૨૪ - સોમવારના રોજ આ વર્ગનો સાર્વજનિક સમારોહ સપન્ન થયો હતો. જેમાં અતિથિ વિશેષ તરીકે નિમ્બાર્ક પીઠ મોટા મંદિર લીંબડીના પરમ પૂજનીય શ્રી લલિતકિશોરશરણદાસજી મહારાજ તથા મુખ્ય વક્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - પશ્ચિમ ક્ષેત્રના માનનીય સંઘચાલક શ્રી ડોક્ટર જયંતિભાઈ ભાડેસિયા ઉપસ્થિત રહ્યા હતા.
સંઘ વિચાર સાથે આગળ વધીશું તો ભારત જરૂર વિશ્વગુરૂ બનશે - સંતશ્રી લલિતકિશોરશરણદાસજી
આ પ્રસંગે પૂજ્ય સંતશ્રી લલિતકિશોરશરણદાસજી એ જણાવ્યું હતું કે સંયમ અને નિયમ જરૂરી છે. આજે અધ્યાત્મને આચરણમાં ઉતારવું જીવનમાં ખૂબ જ આવશ્યક છે. સંઘના ધ્યેયોને સાકાર કરવા એ આપણું કર્તવ્ય છે. સંઘ વિચાર સાથે આગળ વધીશું તો ભારત જરૂર વિશ્વગુરૂ બનશે. આપણે સમસ્યાનું સમાધાન મેળવવું હશે તો તેના મૂળ સુધી પહોંચવું પડશે. સનાતન ધર્મ ‘સર્વે ભવન્તુ સુખીનઃ’ ના ધ્યેયમંત્ર સાથે આગળ વધી રહ્યો છે. આ સૌને સાથે લઈને ચાલનારી પરંપરા છે.
તેમણે જણાવ્યું કે દેશની રક્ષા માટેના કાર્યમાં આપ સૌ જોડાયા છો તે બદલ ખૂબ અભિનંદન, ભારતની ભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. તેમણે જનાવ્યું કે મંદિરની સંપત્તિ રાષ્ટ્ર માટે અર્પણ થાય, તે સમાજમાં પીડિત લોકો માટે ઉપયોગી થવી જોઇએ. આજે આહાર અને વિહારમાં અશુદ્ધિના પરિણામ જોવા મળી છે, જે ચિંતાજનક છે. વિભક્ત કુટુંબ આપણી રાષ્ટ્રીયતા માટે ઘાતક સાબિત થઈ રહ્યું છે. વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ દેશ ભારત છે, આ ભાવના કેળવી રાષ્ટ્ર કલ્યાણ માટે સૌ સાથે મળીને સક્રિય બને અને રાષ્ટ્રના ઉત્થાન માટે જાગરણ કરીએ. તેમણે જણાવ્યું કે સંઘની શાખાઓનો વ્યાપ વધે અને બધા લોકો પોતાના પરિવારને સંઘ સાથે જોડે.
ભારત દેદીપ્યમાન બની રહ્યો છે - . ડૉ. જયંતીભાઈ ભાડેસીયા
સમાપન કાર્યક્રમના મુખ્ય વક્તા મા. ડૉ. જયંતીભાઈ ભાડેસીયાએ જણાવ્યું હતું કે આ શતાબ્દી ભારતની શતાબ્દી છે. સંઘ પોતાના કાર્યના ૧૦૦ વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે. આપણે મહારાણી અહલ્યાબાઈ હોલકરની ત્રીશતાબ્દી વર્ષ ઉજવી રહ્યા છીએ. આજે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના ધર્મપત્ની પૂજ્ય રમાબાની પુણ્યતિથિ છે. ભારતનો સૂર્યરથ આગળ વધી રહ્યો છે. પરમ પૂજ્ય સુદર્શનજી કહેતા કે અપણે સંક્રાંતિકાળમાંથી પસાર થઈ રહ્યા છે, ઉષાનું પ્રભાત થઇ રહ્યું છે. ભારત દેદીપ્યમાન બની રહ્યો છે.
ઇતિહાસ પર નજર કરીએ તો 1962માં હિંદી ચીની નારા વચ્ચે ભારતની પીઠમાં ખંજર ભોંકી કપટી ચીનનો મલીન ઈરાદો જગ જાહેર થયો હતો. આજે ડોકલામમાં ભારતની સબળ સ્થિતિ દુનિયાએ જોઈ છે. પહેલા ઘઉં બહારથી આયાત કરવામાં આવતા, હવે આપણે ખાદ્યાન્ન ક્ષેત્રે સ્વનિર્ભર બની ગયા છીએ. IMF, WORLD BANK પાસેથી મદદની રાહ જોતું ભારત હાલ દુનિયાની પાંચમી આર્થિક શક્તિ સ્વરૂપે ઉભરી રહ્યું છે. આજે ભારત જમીન, જળ, અવકાશ ક્ષેત્રે ઊંચી ઉડાન ભરી વિશ્વને અચરજ પમાડી રહ્યું છે.ચંદ્રયાન -૩ તેનું ઉદાહરણ છે..
ભારતે કોરોનાકાળ જેવી વિકટ પરિસ્થિતિમાં સમાજની સજ્જન શકિત, વિવિઘ સેવા ભાવિ સંસ્થાઓના સહયોગથી રાહત મેળવી તેમજ ભારતના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલી સંપૂર્ણ સ્વદેશી રસીનો આવિષ્કાર કરીને માત્ર ભારત માટે જ નહિ પરંતુ વિશ્વના અનેક દેશોમાં રસી પહોંચાડીને વસુધૈવ કુટુમ્બકમની ભાવના ઉજાગર કરી છે..
પાંચસો વર્ષના સંઘર્ષ કાળને યાદ કરીને તેઓએ જણાવ્યું હતું કે ગુલામીના પ્રતીકને દુર કરી શ્રી રામ લલાને પૂનઃ પ્રતિષ્ઠિત કરી રાષ્ટ્ર ચેતના જગાવવાનું કાર્ય થયું એ આપણાં સૌ માટે સૌભાગ્યની વાત છે. ૩૭૦ ની કલમ હોય કે CAA નું અમલીકરણ હોય કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- ૨૦૨૦, અવકાશ ક્ષેત્રમા ઉપગ્રહની વાત હોય કે આધુનિક સંપૂર્ણ સ્વદેશી સબમરીન હોય કે યુધ્ધ જહાજની વાત, ભારતીય કલા, વિવિઘ ક્ષેત્રમા કામ કરતા વ્યક્તિઓને વિવિઘ સરપાવથી લઈને રાષ્ટ્રની સુરક્ષા, આતંકવાદનો સંપૂર્ણ સફાયો કરવાની નીતિ,રાષ્ટ્રનું સ્વાભિમાન વધે તેવી ઘટનાઓ આપણે અનુભવી રહ્યા છીએ.
સંઘની શતાબ્દી નિમિતે પંચ પરિવર્તનનો ઉલ્લેખ કરીને તેઓએ જણાવ્યું હતું કે સામાજિક સમરસતા વ્યવહારમાં આવે, પર્યાવરણ સુરક્ષા માટે પ્લાસ્ટિક મુક્ત ભારત, જલ સંરક્ષણ, વૃક્ષારોપણ બાબતે જન જાગરણ અભિયાન, વર્તમાન વિભક્ત કુટુંબો વધી રહ્યા છે ત્યારે કુટુંબ પ્રબોધન દ્વારા સંયુક્ત કુટુંબ, ઘર સભા, ભારતીય જીવન શૈલી અને પરંપરા જાળવી રાખવા જરૂરી છે.
તેમણે જણાવ્યું કે સ્વદેશી ભાવ જાગરણ કરી VOCAL FOR LOCAL ના સૂત્રને વ્યવહારિક જીવનમાં લાવવવું જરૂરી છે. રાષ્ટ્રની ઉન્નતી માટે નાની નાની બાબતોમાં આપણું કર્તવ્ય ચૂકાય નહીં તે અંગે સજાગ રહો.
આ સમાપન સમારોહમાં મંચ પર સંત શ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વર શ્રી લલિતકિશોરશરણદાસજી મહારાજ, મા. ડૉ. જયંતીભાઇ ભાડેશિયા, મા. મુકેશભાઈ મલકાણ(પ્રાંત સંઘચાલકજી, સૌરાષ્ટ્ર પ્રાંત,વર્ગના સર્વાધિકારી શ્રી શામજીભાઈ દુધાત્રા, વર્ગ કાર્યવાહ શ્રી રાકેશભાઈ શેઠ સહિત સમાજના ગણ માન્ય લોકો ઊપસ્થિત રહ્યા હતા.
368 - શિક્ષાર્થી અને વર્ગ...
• ઉપસ્થિત સ્થાન 171
• ઉપસ્થિત તાલુકા 58
• ઉપસ્થિત નગર 12
• વિદ્યાર્થી શિક્ષાર્થી 216
• વ્યવસાયી શિક્ષાથી 152
• કુલ શિક્ષાર્થી 368
• કુલ શિક્ષક 34
• પ્રબંધક 45 પુર્ણ સમય
• પ્રબંધક 40 અંશ કાલીન
વિશેષ કાર્યક્રમો અને સંઘ શિક્ષાવર્ગની સાથે સાથે...
- યોગનિદ્રા, શ્રમ સાધના, સેવા પ્રશિક્ષણ, માધુકરી યોજના, પ્રચાર વિભાગનું પ્રશિક્ષણ, માતૃ હસ્તે ભોજન, સેવા, પ્રાથમિક ઉપચાર વિશે શિક્ષાર્થીઓને જાણવા મળ્યું.
- શ્રેણી સહ સંઘ પરિચય – શિક્ષણ આપવામાં આવ્યું
- સ્કૂલસંચાલક, શિક્ષક પ્રાધ્યાપક, ડોક્ટર ,વકીલ, સમાજ અગ્રણી, સેવાકાર્યકર્તા, પત્રકાર વિગેરે શિક્ષાર્થી તરીકે હાજર હતા.
- સંઘ શિક્ષાવર્ગની વ્યવસ્થા 23 વિભાગો અંતર્ગત કરવામાં આવી હતી.
- સંઘ શિક્ષા વર્ગમાં આવેલ શિક્ષાર્થીઓમાં વિદ્યાર્થી,અધિવક્તા, ચિકિત્સક, કર્મચારી, એંજીનિયર, કારખાનેદાર, ખેડૂત, વેપારી શ્રેણના શિક્ષાર્થીઓએ ભાગ લીધેલ હતો.
- સમગ્ર સુરેન્દ્રનગરના તમામ જ્ઞાતિ, જાતી, વર્ગમાંથી ભોજનની રોટલી મેળવી શિક્ષાર્થીઓએ ભોજન કર્યું હતું.
- સુરેન્દ્રનગરની આજુબાજુના 30 કિલોમીટર સુધીના ગામોમાંથી રાત્રી ભોજનમાં રોટલા અને ભાખરીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
- રાત્રી રક્ષક તરીકે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના કાર્યકર્તાઓએ જવાબદારી નિભાવી હતી.
- વર્ગ દરમિયાન 35 જેટલા સફાઈ કર્મી બંધુ અને ભગિનીઓએ વર્ગની મુલાકાત અને સમૂહભોજનમાં ભાગ લીધો અને ઉપસ્થિત અધિકારી સાથે વાર્તાલાપ પણ કર્યો હતો.