બાંગ્લાદેશમાં બળવો થયો છે. સત્તાપલટો થયો છે. વડાપ્રધાન શેખ હસીનાએ ગયા મહિનાથી દેશવ્યાપી હિંસાને પગલે સોમવારે (5 ઓગસ્ટ 2024) રાજીનામું આપ્યું છે. શેખ હસીના તેની બહેન શેખ રિહાન્ના સાથે વડાપ્રધાન નિવાસ 'ગણ ભવન' છોડીને ભારત પહોંચી ગયા છે. શેખ હસીનાના રાજીનામા બાદ બાંગ્લાદેશના આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાને ઢાકામાં પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું, “વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. દેશને ચલાવવા માટે વચગાળાની સરકારની રચના કરવામાં આવશે. જેના વડા નોબલ પ્રાઈસ વિજેતા મોહમ્મદ યૂનુશને બનાવાયા છે.
બાંગ્લાદેશમાં જુલાઈ મહિનાથી જ સરકારી નોકરીઓમાં અનામત નાબૂદીને લઈને હિંસક વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા, આવામાં સુપ્રીમ કોર્ટે આરક્ષણ નાબૂદ કરવાનો નિર્યણ કર્યો આ પછી વિરોધ પ્રદર્શનો થોડા દિવસો માટે બંધ થયા, પરંતુ ઓગસ્ટમાં આ વિરોધ પ્રદર્શન ફરી શરૂ થયા. હજારો ઇસ્લામિક કટ્ટરપંથીઓએ દેશમાં લાદવામાં આવેલા કર્ફ્યુનું ઉલ્લંઘન કર્યું અને ઢાકાના રસ્તાઓ પર રેલી કાઢી. વડાપ્રધાનના નિવાસસ્થાન પર હુમલો પણ કર્યો. આ વિરોધ સાથે ઇસ્લામિક કટ્ટરપંથીઓ સતત વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. આ કટ્ટરપંથીઓએ ઘણા પોલીસકર્મીઓ્ની હત્યા પણ કરી. આ ઉપરાંત અનેક હિન્દુ પરિવારોની પણ હત્યા કરવામાં આવી. આખરે હિંસાના દોર વચ્ચે શેખ હસીનાને આ કટ્ટરવાદી વિરોધીઓ સામે ઝુકવું પડ્યું અને રાજીનામું આપવાની ફરજ પડી.
આ હિંસામાં સેંકડો લોકોના મોત થયા છે
બાંગ્લાદેશની આ હિંસામાં અત્યાર સુધીમાં 14 પોલીસકર્મીઓ સહિત લગભગ 300 કરતા વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. હિંસામાં હજારો લોકો ઘાયલ થયા છે. બાંગ્લાદેશમાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે સમગ્ર દેશમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. આ સાથે જ બાંગ્લાદેશના સંસ્થાપક બંગબંધુ મુજીબુર રહેમાનની મૂર્તિઓ પણ તોડી પાડવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ઈસ્લામિક કટ્ટરપંથી બંગબંધુ મુજીબુર રહેમાનની પ્રતિમા પર ચડતો જોવા મળી રહ્યો છે.
શું છે સમગ્ર મામલો
બાંગ્લાદેશમાં પ્રદર્શનકારીઓ આરક્ષણ પ્રથાને સંપૂર્ણ રીતે નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે. અહીં આરક્ષણ હેઠળ 30 ટકા સરકારી નોકરીઓ 1971માં બાંગ્લાદેશની આઝાદી માટે લડનારા સ્વતંત્રતા સેનાનીઓના પરિવારો માટે આરક્ષિત કરવામાં આવી છે. કટ્ટરપંથી વિરોધીઓના મતે, શેખ હસીનાની પાર્ટી "અવામી લીગ" સાથે જોડાયેલા લોકોને જ વર્તમાન આરક્ષણ નિયમોનો લાભ મળી રહ્યો છે, જેના માટે તેઓએ શેખ હસીના સરકાર પ્રત્યે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત પ્રદર્શનકારીઓ અનામત સંદર્ભે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી પણ નારાજ છે. તેમની માંગ છે કે સ્વતંત્રતા સેનાનીઓના પરિવારોને સરકારી નોકરીઓમાં આપવામાં આવતી અનામત સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે. બાંગ્લાદેશના પૂર્વ આર્મી ચીફ ઈકબાલ કરીમે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ ઉઠાવવામાં આવેલા પગલાને લઈને સરકારની આકરી ટીકા કરી છે. બાંગ્લાદેશના વર્તમાન આર્મી ચીફે પણ આ પ્રદર્શનકારીઓને સમર્થન આપ્યું છે, જેના કારણે દેશમાં રમખાણોની આગ વધુ ભડકી રહી છે.
પાકિસ્તાન અને આઈએસઆઈએ હિંસા ભડકાવી હતી?!
બાંગ્લાદેશમાં હિંસા ભડકાવવા પાછળ પાકિસ્તાન અને તેની ગુપ્તચર સંસ્થા ISIનો હાથ છે કે કેમ તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. અનેક અહેવાલો અનુસાર બાંગ્લાદેશમાં 'છાત્ર શિવીર' નામના વિદ્યાર્થી સંગઠને આ હિંસાને વેગ આપ્યો છે. આ વિદ્યાર્થી સંગઠન બાંગ્લાદેશમાં પ્રતિબંધિત સંગઠન જમાત-એ-ઈસ્લામીની શાખા છે, જેને પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈનું સમર્થન છે.
શું બાંગ્લાદેશ કટ્ટરવાદ તરફ આગળ વધી રહ્યું છે?
બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓ સામે વધતો કટ્ટરવાદ અને હિંસાની ઘટનાઓ નવી નથી. અત્યાર સુધી હિંસાની આવી ઘટનાઓ મર્યાદિત વિસ્તારોમાં ઘટતી હતી, પરંતુ સમગ્ર બાંગ્લાદેશમાં પહેલીવાર આવી હિંસા ભડકી છે. છેલ્લા એક દાયકામાં બાંગ્લાદેશમાં જમાત-એ-ઈસ્લામી, હિફાઝત-એ-ઈસ્લામ જેવા કટ્ટરપંથી સંગઠનોનો પ્રભાવ ઝડપથી વધ્યો છે અને આ સંગઠનો દબાણની રણનીતિ કરીને સરકારના ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો બદલવામાં પણ સફળ રહ્યા છે. બાંગ્લાદેશના વિવિધ વિસ્તારોમાં તેમનો પ્રભાવ સતત વધી રહ્યો છે, તેથી હિન્દુઓ પર પણ ખતરો વધી રહ્યો છે. 2021ના રિપોર્ટ અનુસાર, છેલ્લા એક દાયકામાં અહીં લઘુમતીઓ પર 3679 વખત હુમલા થયા છે. આ સમયગાળા દરમિયાન ધાર્મિક સ્થળોમાં તોડફોડ અને સશસ્ત્ર હુમલાના 1678 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત હિંદુ સમુદાયને નિશાન બનાવતી અનેક ઘટનાઓ ઘટી છે. ખાસ કરીને 2014ની ચૂંટણીમાં અવામી લીગની જીત બાદ હિન્દુ સમુદાયને નિશાન બનાવીને મોટા પાયે હિંસક ઘટનાઓ બની હતી, જે અત્યાર સુધી ચાલુ છે.
તમને જણાવી દઈએ કે કટ્ટરપંથી દેખાવકારોનું સમર્થન કરતા બાંગ્લાદેશના આર્મી ચીફ જનરલ વકાર-ઉઝ-ઝમાને શેખ હસીનાના રાજીનામા બાદ આ સંદર્ભે દેશના મુખ્ય પક્ષો સાથે બેઠક કરી છે. તેમનું કહેવું છે કે 18 સભ્યોની વચગાળાની સરકારની દરખાસ્ત કરવામાં આવી છે. સેના આ સરકાર બનાવશે. જે હત્યાઓ થઈ છે તેમને ન્યાય મળશે. આંદોલનકારીઓની માંગણી પૂરી કરશે અને દેશમાં શાંતિ પાછી લાવશે.