એ મિસ્ર ક્યાં છે?
મિસ્ર (Egypt) નામનો એક જૂનો દેશ (જૂનું `નેશન') ફરાહો રાજાઓનો આ દેશ, જેણે એક જમાનામાં ક્યારેક પિરામિડ બનાવ્યા હતા તથા મડદાંને સુરક્ષિત રાખવા માટે મમી પણ તેઓએ જ બનાવેલાં, તેમના સમયમાં ગણિત અને વિશેષરૂપે રેખાગણિતનો પણ ખાસ્સો વિકાસ થયેલો.
આવા સમૃદ્ધ મિસ્ર `નેશન' પર જર્મનીથી સેમેટીક બર્બર જાતિઓ ચઢી આવી, મિસ્ર પર કબજો કરી લીધો. મૂળ ફરાહોનું મિસ્ર નાશ પામ્યું. કેટલાક સમય પછી પેલી બર્બર જાતિઓ ઉપર ફારસ (Persia)ની સેના ચઢી આવી, મિસ્ર પર પર્શિયનોએ પોતાનો અધિકાર જમાવી દીધો. પર્શિયન `નેશન'નો ઉદય થતાંની સાથે જ અગાઉનું બર્બર જાતિઓના શાસનવાળું મિસ્ર તેની રહી સહી ઓળખ ગુમાવીને અસ્ત પામ્યું. આગળ જતાં ત્યાં રોમનો સિકંદર પોતાની સેના લઈને પહોંચી ગયો. તેણે પર્શિયનોએ સ્થાપિત કરેલા `નેશન'નો પણ ધ્વંસ કર્યો. ત્રીજી વાર `નેશન' નષ્ટ પામ્યું. પર્શિયનોનું મિસ્ર હવે બૃહદ રોમનો હિસ્સો બની ગયું. ત્યારબાદ મુસ્લિમ (અરબ) આક્રમણકારીઓએ પોતાની સેના લઈને રોમના આ હિસ્સા પર હુમલો કર્યો. આ બર્બર આક્રમણ સામે ચોથું, રોમનોનું `નેશન'; પત્તાના મહેલની જેમ ખરી પડ્યું. હાલ પાંચમું `નેશન' `મુસ્લિમ નેશન' ત્યાં ઉભું છે, જ્યાં સુધી નવું આક્રમણ ન થાય ત્યાં સુધી! જ્યારે જ્યારે.. રાજા-શાસન બદલાતાં રહ્યાં ત્યારે ત્યારે.. સેનાની શક્તિના આધાર પર ત્યાં જૂનાં `નેશન' બરબાદ થયાં, નવાં જન્મ્યાં.
એક જ જગ્યાએ ચાર નેશન બન્યાં અને બગડ્યાં
૧) મૂળ મિસ્ર વખતે, ૨) સેમેટિક ટ્રાઈબ્સ વખતે, ૩) પર્શિયનો વખતે, ૪) સિકંદર (Alexander) વખતે અને અરબો (મુસલમાનો) વખતે, એમ પાંચેય વખતે નવાં નવાં લખાયેલાં જડબેસલાક નિયંત્રણોના લીધે ઉપાસના, સંસ્કૃતિ, વિચાર, પરંપરા ભાષા બધું જ ધરમૂળથી બદલાઈ ગયું. પ્રજાનો `સ્વ' નિર્મૂળ થયો. મિસ્રવાસીઓનો વંશ તો બહુમતી સાથે જળવાયો, પણ `સ્વ'નો નાશ થયેલો હોઈ નવાં નવાં `નેશન' બન્યાં તો ખરાં, પણ ઝડપથી તેનો વિનાશ પણ થતો રહ્યો. આજે મૂળ ફરાહો સંસ્કૃતિ, ફરાહો વિચાર, ફરાહો પરંપરા મ્યુઝિયમમાં પણ સચવાયેલી જોવા મળતી નથી.
ભારતીય સંદર્ભમાં આપણે તુલના કરીને જોઈએ તો ધ્યાનમાં આવશે કે, ત્યાં પશ્ચિમી જગતમાં (આપણા ત્યાં વિકસી એવી) `રાષ્ટ્ર ' જેવી કોઈ સંકલ્પનાનો વિચાર જ થયો નથી. રાષ્ટ કહેતાંની સાથે દાર્શનિક-આધ્યાત્મિક ભાવજગત ખડું થાય તેવું પશ્ચિમમાં થવું સંભવ નથી, કારણ કે ત્યાં ભૌતિક-આર્થિકથી આગળ વધીને વિચારવાના કોઈ કામને સ્હેજ પણ મહત્વ જ નથી.
`નેશન ' એટલે જાણે પેલા પોપટની ડોક
પેલી જૂની કથાની જેમ અસંખ્ય પ્રયત્નો, જુદાં જુદાં અસ્ત્ર-શસ્ત્રોનો ઉપયોગ કર્યા પછી પણ એક રાક્ષસ મરતો જ ન હતો, કોઈએ કહ્યું કે, રાક્ષસ અમર નથી, તેનો આત્મા ક્યાંક બીજા દેહમાં છે, તે દેહનો નાશ થતાંની સાથે જ કશું જ કર્યા વિના રાક્ષસ નાશ પામશે. શોધ શરૂ થઈ, ધીરે ધીરે રહસ્યો ખૂલતાં ગયાં કે, કોઈ એક નિશ્ચિત દિશામાં આગળ વધીને વચ્ચે આવતા કેટલાક પર્વતો ઓળંગીને, કેટલીક નદીઓ પાર કર્યા પછી આવતા ગાઢ જંગલમાં કોઈ એક વૃક્ષની કોઈ એક ડાળી પર માળો બાંધીને રહેતા પોપટની ડોક મરડી કાઢવાથી રાક્ષસ મરી જશે. આમ પોપટની ડોક મરડી દેતાંની સાથે જ રાક્ષસનો નાશ થયો. બસ આ જ રીતે દાર્શનિકતા-આધ્યાત્મિકતાના આધાર વિનાનાં, નર્યા ભૌતિક-આર્થિક આધારે ફૂલેલાં ફાલેલાં `નેશન'નો આત્મા પોપટની જેમ રાજા-સત્તા-સૈન્યમાં રહેલો હોવાથી નાશ પામ્યો.
રાજા-સત્તા-સૈન્યનો નાશ થતાં જ `નેશન'નો નાશ થાય છે. આપણા રાષ્ટ સિવાય બધાં જ `નેશન'ની આ જ સ્થિતિ હતી, છે, પણ તેમાં બદલ આવે તેવું ભારત ઈચ્છે છે, કારણ કે ભારત `નેશન' નથી, રાષ્ટ્ર છે. રાષ્ટ્ર છે તેથી સૌના કલ્યાણ માટે તત્પર છે.
ઈરાન, ગ્રીક, રોમ, સ્પાર્ટા, પર્શિયા (ફારસ) આ બધાંનો ઈતિહાસ; થોડા ઘણા ફેરફારો સાથે પણ મૂળભૂત રીતે એક જ જેવા કથાનકવાળો જોવા મળશે. તમામ કથાઓનો અંત એવો જ જોવા મળશે કે, જ્યાં ભૂગોળ તો સચવાયેલી હશે પણ ઈતિહાસ દટાઈ ગયેલો હશે, માનવો હશે પણ માનવતા મૂરઝાયેલી હશે. મૂલ્યો પોતાનું મૂલ્ય ખોઈ બેઠાં હશે અને સંસ્કૃતિનો સત્યાનાશ થઈ ગયેલો હશે. જ્યાં સેના-શાસનના માધ્યમથી નવું `નેશન' જન્મ લેશે અને જૂનું `નેશન' દમ તોડતું - તરફડતું કાયમ માટે વિશ્વફલકેથી નામશેષ થઈ જશે.
શાસન અને કન્વર્ઝન છતાં `રાષ્ટ' યથાવત્
શાસન અને કન્વર્ઝન, એવા બેવડા પ્રહારોથી હજારેક વર્ષનાં ઈસાઈ અને ઈસ્લામનાં ક્રૂર શાસન-સૈન્ય-રાજ્ય પણ ભારતીય `રાષ્ટ્ર 'ભાવનો નાશ કરી શક્યાં નહીં. ભારતીય ઇતિહાસમાં હિન્દુ રાજ્યો-શાસન નામશેષ થઈ ગયાં, પરંતુ `રાષ્ટ્ર'નો ભાવ સર્વત્ર અંતરંગ જીવનમાં બનેલો રહ્યો, સચવાયેલો રહ્યો, અક્ષુણ્ણ રહ્યો. હિન્દુ રાષ્ટ જીવતું-જાગતું રહ્યું. માનવજીવનની સાર્થકતામાં, માનવીય મૂલ્યોમાં, મનુષ્યત્વમાં, હિન્દુ સમાજ `રાષ્ટ'ના રૂપમાં મૃત્યુંજય રહ્યો.
એક બાજુ મઝહબ-રીલીઝન - બીજી બાજુ સંપ્રદાય
`મઝહબ-રિલિજન'નું ભાષાંતર `સંપ્રદાય', કરવામાં આવે છે, મોટું મોટું સમજવા માટે આ ભાષાંતર ઠીક છે, પણ તે સાચું ભાષાંતર નથી. ભારતની બહાર ઉભા થયેલા `મઝહબ-રિલિજન' સેમેટિક હોઈ તેને સંપ્રદાય સાથે સરખાવી શકાય નહિ. અહીં ભારતમાં `રાષ્ટ્ર 'ની કલ્યાણકારી માનસિકતાને કારણે આપણે ત્યાં ઉભા થયેલા સંપ્રદાયો; ૧) વિશ્વના `મઝહબ-રિલિજન' પ્રત્યે સન્માનનો ભાવ રાખે છે અને ૨) સમસ્ત વિશ્વના પ્રત્યેક વ્યક્તિનું શુભ-મંગળ ઈચ્છે છે.
આનાથી વિપરીત `રાષ્ટ્ર 'ની કલ્યાણકારી માનસિકતાના અભાવના અંધકારમાં ભારત બહારના `મઝહબ-રિલિજન' સેમેટિક હોઈ ૧) પરસ્પર ઘોર અસહિષ્ણુ છે, ૨) માત્ર ને માત્ર પોતાના અનુયાયીઓના કલ્યાણની જ કામના કરવાવાળા સંકુચિત છે, ૩) અન્યનું કલ્યાણ કરતા દેખાય ત્યારે તેની પાછળનું કારણ કન્વર્ઝનનો બદઈરાદો હોય છે અને ૪) `મઝહબ-રિલિજન'ને ન માનનારને તેઓ શત્રુ કે વિરોધી સમજે છે.
સેમેટિકની સંકુચિતતા
વિશ્વમાં અનેક `નેશન' (એટલે કે મોટી સત્તાઓ) ક્યાંક `મઝહબ-રિલિજન'નો અને ક્યાંક `ભાષા'નો અંચળો ઓઢીને બન્યાં, પણ `રાષ્ટ'ભાવની વ્યાપકતાના અભાવમાં પોતાની જ સંકુચિત વૃત્તિ - negativityના કારણે નાશ પામ્યાં.
પોપ/ખલિફાકેન્દ્રિત નેશન
ઉદાહરણ તરીકે વિશ્વ આખામાં જીસસ (Jesus)ને માનવાવાળા લોકોનું એક સામ્રાજ્ય ઉભું કરવા પોપ (Pope)ના નેતૃત્વમાં માનવતા ઉપર ભિષણ અત્યાચારો આચરવામાં આવ્યા. જેના કારણે અંતે ઈસાઈ દેશો કેથોલિક (Catholic) અને પ્રોટેસ્ટન્ટ (Protestant) એવા બે ફાંટામાં વહેંચાઈ ગયા. આજે તો આવા અનેક ફાંટા છે. તેવું જ સાતમી સદીમાં આવેલા ઇસ્લામનું થયું. ઈસ્લામમાં પણ ઇસ્લામના ખલીફા આખા ય વિશ્વમાં ઈસ્લામ ફેલાવે અને આખા વિશ્વને ઇસ્લામના નિયંત્રણ નીચે લાવી દે તે માટે ખલીફાને સંપૂર્ણ સત્તા આપવામાં આવી. કમાલ પાશાએ ખલીફાને પદભ્રષ્ટ કર્યા. એ ખલીફાને પાછા બેસાડવા ભારતના મુસ્લિમોએ ખિલાફત આંદોલન કરેલું. ત્યારે ભારતના મૂળનિવાસીઓને (હિન્દુઓને) તો તુર્કસ્તાનમાં ખલીફા રહે કે ના રહે એની સાથે શું લેવા-દેવા? છતાં ખિલાફત આંદોલન વખતે મલબારમાં હજારો હિન્દુઓની કત્લેઆમ મુસ્લિમોએ કરેલી). જિહાદને નામે આખું વિશ્વ રક્તરંજિત થયું છે. અંતે ઈસ્લામમાં માનવાવાળાઓ સૌ જૂદાં જૂદાં `નેશન' તરીકે અનેક ટૂકડાઓમાં વહેંચાઈ ગયા. આજે શિયા અને સુન્ની એક બીજાના લોહીના તરસ્યા છે. ઈરાક અને ઈરાન બંને મુસ્લિમ દેશો હોવા છતાં, બંને વચ્ચે થયેલા યુદ્ધ અને તેના કારણે થયેલી ખૂનામરકીથી કોણ અજાણ છે? માત્ર મઝહબના આધાર પર `નેશન' બનાવવાની સંકુચિતતા એટલે ભારતના ઘરઆંગણે નાદાર અવસ્થાએ પહોંચેલું પાકિસ્તાન.
ભાષાકેન્દ્રિત નેશન
વિશેષરૂપે પશ્ચિમમાં `મઝહબ-રિલિજન'ની કટ્ટરતાથી ય વધુ કટ્ટરતા ભાષાના કારણે પેદા થયેલી જોવા મળે છે. `મઝહબ-રિલિજન' એક હોય તો પણ માત્ર ને માત્ર ભાષાભેદના કારણે `નેશન' બન્યાં હોય તેવા અનેક દાખલા મોજૂદ છે.
પોતાને ઈસાઈ માનવાવાળાં સ્પેન અને પોર્ટુગલ બંને `નેશન' એકબીજાને અડોઅડ હોવા છતાં પરસ્પર અસ્પૃશ્ય છે, બંનેની ભાષાઓ સ્પેનિશ અને પોર્ટુગાલી, અલગ હોવાના કારણે તેમના વચ્ચેની શત્રુતા જગજાહેર છે. આ જ રીતે ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ નિકટના દેશો છે તો પણ ભાષાના કારણે અલગ અલગ છે. જર્મન અને ફ્રાન્સ પણ ઈસાઈ હોવા છતાં પોતાના ભાષા-અહંકારના કારણે અલગ છે. ઈટાલી, રોમાનિયા, હંગેરી, બલ્ગેરીયા સ્વિટ્ઝરલેન્ડ, ડેનમાર્ક, ચેક સ્લોવાકિયા વગેરે દેશો ઇસાઈ છે, છતાં સાથે રહી શકતા નથી.
ભાષા આધારિત `નેશન', અને `નેશન' `નેશન' વચ્ચે શત્રુતાવાળી આ સંકુચિતતા પશ્ચિમમાં જોવા મળે છે. ઉર્દૂ અને બાંગ્લા, આ ભાષાભેદના કારણે પાકિસ્તાન બે ટૂકડામાં વહેંચાઈ ગયું. કટ્ટર ઈસ્લામ પણ પાકિસ્તાનને તૂટતું બચાવી શક્યો નહિ, કારણ કે ભાષાથી ઉપર ઉઠીને જોડવાવાળું તત્ત્વ `રાષ્ટ્ર ' હોય છે, એવા `રાષ્ટ' તત્ત્વની સંકલ્પનાથી વિશ્વ અજાણ છે.
`રાષ્ટ્ર ' અણનમ
Linguistic Nationalismની માનસિકતાથી ભારત અનેક `નેશન'નો સમૂહ છે, તેવું પ્રસ્થાપિત કરતી Multinational
Theory ઊભી કરીને ભારતને વિભાજિત કરવાનું ષડયંત્ર અંગ્રેજોએ રચેલું, તેઓએ તો ભારત માટે એવો ઢોલ પીટવાનો શરૂ કરી દીધો કે, India is a Subcontinent, India is union of Republic, India is Group of Seventeen Nations આમ, શબ્દોની માયાજાળ રચી, આવા અનેક પ્રયત્નો કર્યા, પરંતુ તેમનું ધાર્યું થઈ શક્યું નહીં. જો કે પેલી કહેવત છે ને કે, પોદળો પડે તો ધૂળ લીધા વિના ન રહે, તે પ્રમાણે `Linguistic Nationalism' થકી ભારતમાં ભાષાવાર `નેશન' તો ન બની શક્યાં, પરંતુ ભાષા આધારિત રાજ્યરચનાની વિકૃત માનસિકતા પેદા થઈ ગઈ.
આ ભાષાની આગને એટલો તો પવન આપવામાં આવ્યો કે, ભાષાના મુદ્દે આજે ઘણી જગ્યાએ એક રાજ્ય બીજા રાજ્યનું દુશ્મન બનેલું જોવા મળે છે. આજે સંકુચિતતાવશ વિશ્વમાં ભાષાવાર રાજ્યો `નેશન' બની ગયેલાં જોવા મળે છે ત્યારે ભારત આજે પણ `રાષ્ટ્ર' તરીકે અણનમ છે.
(ક્રમશઃ)