જસીમ મોહમ્મદ ચલાવી રહ્યો હતો ‘નરેન્દ્ર મોદી અધ્યયન કેન્દ્ર’ના નામે કથિત નકલી ટ્રસ્ટ, FIR દાખલ

CBIના મતે આ મામલો મુખ્યત્વે વડાપ્રધાનના નામ અને સરકારી પ્રતીકોના અનુચિત ઉપયોગ વિશે છે, જેના કારણે જાહેર જનતામાં ખોટો ભ્રમ ફેલાયો હતો.

    ૨૮-ઓક્ટોબર-૨૦૨૫   
કુલ દૃશ્યો |

Centre for Narendra Modi Studies - CNMS
 
 
અલીગઢ (ઉત્તર પ્રદેશ): દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામનો અને પ્રતીકોનો કથિત ગેરકાયદેસર ઉપયોગ કરીને 'નરેન્દ્ર મોદી અધ્યયન કેન્દ્ર' (Centre for Narendra Modi Studies - CNMS) નામનું ટ્રસ્ટ ચલાવવાના મામલે કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ અલીગઢના જસીમ મોહમ્મદ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. વડાપ્રધાન કાર્યાલય (PMO) તરફથી મળેલી ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.
 
સંપૂર્ણ ઘટનાક્રમ...
 
પ્રાપ્ત માહિતી અનુસાર, અલીગઢના એક વકીલ, મુસ્તાક અહેમદ હુસૈન, દ્વારા ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ PMOને એક વિગતવાર ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે જસીમ મોહમ્મદ નામનો વ્યક્તિ કોઈપણ સરકારી કે PMOની પૂર્વ મંજૂરી વિના 'સેન્ટર ફોર નરેન્દ્ર મોદી સ્ટડીઝ' નામનું કેન્દ્ર ચલાવી રહ્યો છે. વકીલે આ કૃત્યને Emblems and Names (Prevention of Improper Use) Act, 1950નું ઉલ્લંઘન ગણાવ્યું હતું.
 
આ ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈને PMOએ તપાસ CBIને સોપી હતી. ત્યારબાદ CBIએ પ્રાથમિક તપાસ શરૂ કરી.
 
તપાસમાં શું બહાર આવ્યું?
 
 
CBIની તપાસમાં જાણવા મળ્યું કે:
 
ગેરકાયદેસર નોંધણી: જસીમ મોહમ્મદે ૨૫ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ ઈન્ડિયન ટ્રસ્ટ એક્ટ, ૧૮૬૦ હેઠળ 'નરેન્દ્ર મોદી અધ્યયન કેન્દ્ર' તરીકે નોંધણી કરાવી હતી, પરંતુ તેના માટે કેન્દ્ર સરકાર કે PMOની કોઈ જરૂરી પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હતી.
જાહેર જનતામાં ભ્રમ: CBIનું કહેવું છે કે આ ટ્રસ્ટ દ્વારા વડા પ્રધાનના નામ અને તસવીરોનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેનાથી સામાન્ય જનતામાં એવો ભ્રમ ફેલાયો કે આ કેન્દ્રને સરકાર અથવા PMOનું સમર્થન પ્રાપ્ત છે, જે કાયદાનું ઉલ્લંઘન છે.
'નરેન્દ્ર મોદી અધ્યયન કેન્દ્ર'નો દાવો: આ ટ્રસ્ટ રાષ્ટ્રીય નીતિ પર સંશોધન કરવાનો દાવો કરતું હતું અને તેની વેબસાઈટ પર તેનો સરનામું અલીગઢના કિલા એન્કલેવ, રામગઢ-પંજૂપુર ખાતેનું હતું. જોકે, વેબસાઈટ પર કેન્દ્રનો જે ફોટો હતો, તેમાં માત્ર બાઉન્ડ્રી વોલ અને ગેટ જ દેખાતા હતા.
 
કંગના રનૌત કનેક્શન 
 
જસીમ મોહમ્મદે પોતાના આ કથિત નકલી રિસર્ચ સેન્ટરને યોગ્ય દર્શાવવા માટે ભાજપના સાંસદ અને ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતનો પણ ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું છે.
 
ટ્રસ્ટની વેબસાઈટ પરના એક વીડિયોમાં કંગના રનૌત, આ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘રાષ્ટ્ર પ્રથમ: નરેન્દ્ર મોદીનું સમર્થન કરતી જોવા મળી હતી. કંગનાએ આ પુસ્તકને પોતે સંકલિત અને સંપાદિત કર્યું હોવાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણોનો સંગ્રહ છે, જે દરેક બાળકને ભણાવવો જોઈએ. જોકે, CBIની FIR અંગે કંગના રનૌત તરફથી હજુ સુધી કોઈ બયાન આવ્યું નથી.
 
CBI દ્વારા FIR દાખલ
 
CBIએ આ મામલાની સંપૂર્ણ તપાસ કરવા માટે રાઉઝ એવન્યુ જિલ્લા અદાલતના મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પાસેથી ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ મંજૂરી માંગી હતી, મંજૂરી મળ્યા બાદ CBIએ ૨૪ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ જસીમ મોહમ્મદ વિરુદ્ધ ગુનો નોંધીને FIR દાખલ કરી છે અને તપાસ માટે નિરીક્ષકની નિમણૂક પણ કરી છે. હાલમાં આ મામલે પોલીસ અને CBI દ્વારા આગળની તપાસ ચાલી રહી છે
 
આ સંદર્ભે આરોપી અને 'નમો અધ્યયન કેન્દ્ર'ના વ્યવસ્થાપક ટ્રસ્ટી પ્રોફેસર જસીમ મોહમ્મદનું કહેવું છે કે:
 
'સેન્ટર ફોર નરેન્દ્ર મોદી સ્ટડીઝ'ની શરૂઆત ૨૦૨૧માં નિયમ-કાયદા અનુસાર જ કરવામાં આવી હતી. ત્યાર પછી તેનું નામ બદલીને 'સેન્ટર ફોર નમો સ્ટડીઝ' કરવામાં આવ્યું હતું અને તે નોંધાયેલું છે. તેમણે દાવો કર્યો હતો કે અગાઉની CBI તપાસમાં તમામ આરોપો પાયા વગરના જણાયા હતા અને તેમને તમામ પુરાવા ઉપલબ્ધ કરાવાયા છે. આ કેન્દ્ર કોઈની પાસેથી કોઈ પણ પ્રકારનું ફંડ લેતું નથી અને તેઓ CBIની તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે.
 
જોકે, CBIના મતે આ મામલો મુખ્યત્વે વડાપ્રધાનના નામ અને સરકારી પ્રતીકોના અનુચિત ઉપયોગ વિશે છે, જેના કારણે જાહેર જનતામાં ખોટો ભ્રમ ફેલાયો હતો. CBI જસીમ મોહમ્મદના વ્યાપક નેટવર્ક અને સંબંધોની પણ તપાસ કરી રહી છે.

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...