સંઘશતાબ્દી વર્ષ । રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મોટી તૈયારી: 1 લાખ હિંદુ સંમેલન યોજાશે, ગૃહ સંપર્ક અભિયાન થકી ઘરે ઘરે પહોંચશે!

સુનીલ આમ્બેકરે જણાવ્યું કે ગૃહ સંપર્ક અભિયાન યોજના અંતર્ગત દરેક પ્રાંતમાં 25 થી 40 દિવસ સુધીનું વિશેષ અભિયાન ચલાવવામાં આવશે.

    ૨૯-ઓક્ટોબર-૨૦૨૫   
કુલ દૃશ્યો |

RSS Centenary: 1 Lakh Hindu Sammelans, Grah Sampark Abhiyan Details
 
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેની શતાબ્દી વર્ષની તૈયારીઓને લઈને દેશવ્યાપી યોજના પર કામ કરી રહ્યું છે. આ જ ક્રમમાં, સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક 30 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી આયોજિત કરવામાં આવશે. આ બેઠકમાં ચિંતનની સાથે-સાથે આવનારા કાર્યક્રમોની દિશા નક્કી કરવામાં આવશે.
 
સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આમ્બેકરએ જણાવ્યું કે બેઠકમાં સરસંઘચાલક, સરકાર્યવાહ સહિત કુલ 407 વરિષ્ઠ કાર્યકર્તાઓ જોડાશે. બેઠકમાં શતાબ્દી વર્ષથી જોડાયેલા અનુભવોની આપ-લે કરવામાં આવશે અને નવી નીતિ અને વિષયો પર વિસ્તારથી ચર્ચા થશે. આ દરમિયાન સંઘના ગૃહ સંપર્ક અભિયાન અને બસ્તી-મંડળ સ્તર પર થનારા હિંદુ સંમેલનોની રૂપરેખા પર પણ વિચાર કરવામાં આવશે. સંઘનું લક્ષ્ય દેશભરમાં એક લાખથી વધુ હિંદુ સંમેલનો આયોજિત કરવાનું છે.
 
સુનીલ આમ્બેકરે જણાવ્યું કે ગૃહ સંપર્ક અભિયાન અંતર્ગત સમાજના વિશિષ્ટજનો સાથે સંવાદ અને સંપર્ક સ્થાપિત કરવામાં આવશે. આ સાથે જ ગુરુ તેગ બહાદુર જીના 350મા શહીદી વર્ષ અને ભગવાન બિરસા મુંડાની 150મી જયંતિ પર વિશેષ સાહિત્ય અને કાર્યક્રમોની તૈયારી પર પણ ચર્ચા થશે.
 
સંઘ યુવાનોને સંગઠન સાથે જોડવા માટે વિશેષ કાર્યક્રમો કરવાની યોજના બનાવી રહ્યું છે. હિંદુ ઓળખ પર પૂછાયેલા સવાલના જવાબમાં આમ્બેકરે કહ્યું કે જે વ્યક્તિ આ દેશને માતૃભૂમિને માને છે, તે હિંદુ છે. અને આ વાત સંઘની નથી પણ આપણા પૂર્વજોએ કહેલી વાત છે. સનાતન ધર્મ, સંસ્કૃતિ અને માતૃભૂમિની રક્ષા કરનારો દરેક વ્યક્તિ હિંદુ છે.
 
શું છે ગૃહ સંપર્ક અભિયાન યોજના?
 
સુનીલ આમ્બેકરે જણાવ્યું કે ગૃહ સંપર્ક અભિયાન યોજના અંતર્ગત દરેક પ્રાંતમાં 25 થી 40 દિવસ સુધીનું વિશેષ અભિયાન ચલાવવામાં આવશે. આ દરમિયાન સ્વયંસેવકો પત્રક અને પુસ્તિકાઓ લઈને ઘરે-ઘરે જશે અને સમાજના તમામ વર્ગો સાથે સંવાદ સ્થાપિત કરશે.
 
આ અભિયાનનો ઉદ્દેશ્ય ‘પંચ પરિવર્તન’ના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો છે. જેમાં કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા, પર્યાવરણ સુરક્ષા, સ્વનો બોધ અને નાગરિક કર્તવ્યોનું પાલન જેવા વિષયો સામેલ છે.
 
મા. મોહનજી ભાગવત કરશે સંવાદ
 
સુનીલ આમ્બેકરે જણાવ્યું છે કે શતાબ્દી વર્ષના કાર્યક્રમ દરમિયાન માં. સરસંઘચાલક મોહનજી ભાગવત દેશભરના પ્રવાસ કાર્યક્રમોમાં ભાગ લેશે. આ દરમિયાન તેઓ વિવિધ સાર્વજનિક સભાઓ અને સંવાદોમાં સંઘના વિષયો પર પોતાના વિચાર વ્યક્ત કરશે. મા. મોહનજી આગામી 8 અને 9 નવેમ્બરના રોજ બેંગલુરુ, 21 ડિસેમ્બરના રોજ કોલકાતાની સાથે-સાથે 7 અને 8 ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં સંવાદ કાર્યક્રમમાં શામિલ થશે.

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...