ધર્મસ્થલાને બદનામ કરવાનું 'અર્બન નક્સલીઓ'નું ષડયંત્ર: SITની તપાસમાં થયો પર્દાફાશ

    ૧૨-ડિસેમ્બર-૨૦૨૫   
કુલ દૃશ્યો |
ધર્મસ્થલા (Dharmasthala) ભારત દેશના કર્ણાટક રાજ્યના દક્ષિણ કન્નડ જિલ્લામાં આવેલું એક પ્રસિદ્ધ અને અનોખું તીર્થસ્થળ છે. તે તેની આધ્યાત્મિકતા, શ્રી મંજુનાથ મંદિર (ભગવાન શિવનું મંદિર) અને અનન્ય જૈન-હિંદુ ધાર્મિક વ્યવસ્થા માટે જાણીતું છે. આ વ્યવસ્થામાં વૈષ્ણવ પૂજારી માધવ બ્રાહ્મણો દ્વારા પૂજા કરવામાં આવે છે અને મંદિરનું સંચાલન એક જૈન પરિવાર દ્વારા થાય છે. આ સ્થળ નેત્રાવતી નદીના કિનારે વસેલું છે.

૨૯ જુલાઈ ૨૦૨૫, મંગળવાર. નેત્રાવતી નદીના કિનારે સાઇટ નંબર ૧ પર ખોદકામનું કામ શરૂ થયું. માસ્ક પહેરેલા સફાઈ કર્મચારી, જેની ઓળખ હજી સુધી ગુપ્ત રાખવામાં આવી હતી, તેણે SIT ને ૧૩ એવી જગ્યાઓની નિશાનદેહી (ઓળખ) આપી હતી. આ જગ્યાઓ પર તેણે લાશો દફનાવવાનો દાવો કર્યો હતો. પહેલા દિવસે, સાઇટ નંબર ૧ પર લગભગ ૬ કલાક સુધી ખોદકામ ચાલ્યું. મજૂરોએ ૧૫ ફૂટ ઊંડો ખાડો ખોદ્યો, પરંતુ ન કોઈ લાશ મળી, ન હાડપિંજર, કે ન માનવ હાડકાં.

૩૦ જુલાઈ ૨૦૨૫, બુધવાર. પહેલા દિવસની નિષ્ફળતા પછી, SIT દ્વારા ચાર નવી જગ્યાઓ – સાઇટ નંબર ૨, ૩, ૪ અને ૫ પર ખોદકામ શરૂ કરવામાં આવ્યું. સવારથી સાંજ સુધી ૧૨ થી ૧૫ ફૂટ ઊંડા ખાડાઓ ખોદવામાં આવ્યા. સાઇટ ૩, ૪ અને ૫ પર પણ કોઈ હાડપિંજર કે મૃતદેહ મળ્યો નહીં.

આ બધું ત્યારે શરૂ થયું, જ્યારે આ વિસ્તારના એક પ્રતિષ્ઠિત ધાર્મિક સ્થળ ધર્મસ્થલામાં પોતાને પૂર્વ સફાઈ કર્મચારી તરીકે ઓળખાવનાર એક વ્યક્તિએ દાવો કર્યો કે તેમણે એક પ્રભાવશાળી પરિવાર અને તેમના કર્મચારીઓના કહેવા પર અહીં સેંકડો મૃતદેહોને દફનાવ્યા હતા. આ પછી કર્ણાટકના આ ધર્મસ્થલા મંદિરમાં કથિત સામૂહિક દફનવિધિનો મામલો હવે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. તપાસ SIT ને સોંપવામાં આવી અને હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની ઝીણવટભરી તપાસના અંતે જે તારણ સામે આવ્યું છે કે આ ધર્મસ્થળા વિરુદ્ધનું એક સુનિયોજિત ષડયંત્ર હતું. SIT દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલા ૩૯૦૦ પાનાના રિપોર્ટમાં આ સમગ્ર ઘટનાને” ગણતરીપૂર્વકનું સમજી વિચારેને ઘડાયેલું ષડયત્ર” ગણાવીને ફરિયાદકર્તા સહિત છ એક્ટિવિસ્ટોને આરોપી બનાવવામાં આવ્યા છે, જેના પગલે હવે ધર્મસ્થળને બદનામ કરનારાઓ પર જ કાયદાની તલવાર લટકી રહી છે.

ઘટના શું છે?

ધર્મસ્થલા સામૂહિક દફન કેસની શરૂઆત એક પૂર્વ સફાઈ કર્મચારી ચિન્નૈયાના નિવેદનથી થઈ હતી. ચિન્નૈયાએ મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવ્યું, જેમાં તેણે દાવો કર્યો હતો કે તેને વર્ષ ૧૯૯૫ થી ૨૦૧૪ના સમયગાળા દરમિયાન ધર્મસ્થલા મંદિર પરિસરમાં ૨૦૦થી વધુ મૃતદેહોને દફનાવવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. તેના જણાવ્યા મુજબ, આ મૃતદેહોમાં માર્ગ અકસ્માતો, હત્યાઓ અને શંકાસ્પદ મૃત્યુનો ભોગ બનેલા લોકોનો સમાવેશ થતો હતો. તેણે એવો પણ આરોપ લગાવ્યો કે કંઇક છુપાવવા માટે આ મૃતદેહોનો ગુપ્ત રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. ચિન્નૈયાએ આ દાવાને સમર્થન આપવા માટે એક માનવ ખોપરી પણ પુરાવા તરીકે રજૂ કરી હતી, જેને તેણે તે જ પરિસરમાંથી મેળવવાનો દાવો કર્યો હતો.

આ આક્ષેપોથી ધર્મસ્થલા મંદિરના લાખો ભક્તોમાં ભારે આક્રોશ ફેલાયો અને રાજકીય હલચલ મચી ગઈ. વધતા લોકઆક્રોસ અને દબાણ વચ્ચે કર્ણાટક સરકારે તાત્કાલિક કાર્યવાહી કરીને વરિષ્ઠ અધિકારી પ્રણબ મોહંતીના નેતૃત્વમાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી. ચિન્નૈયાની ફરિયાદના આધારે પોલીસે કેસ પણ નોંધ્યો.

કેવી રીતે બહાર આવ્યું આખુ ષડયંત્ર?

SIT ની તપાસની શરૂઆત ચિન્નૈયા દ્વારા ઓળખાયેલા સ્થળો પર ખોદકામથી થઈ. ૨૯ જુલાઈથી ધર્મસ્થળ સ્નાન ઘાટની નજીક અને જંગલની અંદર ૧૩ સંભવિત દફન સ્થળો પર ખોદકામનું કાર્ય શરૂ થયું. અધિકારીઓએ ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર (GPR) જેવી અદ્યતન ટેકનોલોજીનો પણ ઉપયોગ કર્યો. જોકે, જેમ જેમ તપાસ આગળ વધી તેમ તેમ ચિન્નૈયાની વાર્તાને સાબિત કરતો કોઈ પુરાવો SITને મળ્યો નહીં. ખોદકામ છતાં એક પણ માનવ અવશેષ કે હાડપિંજર હાથ લાગ્યું નહીં, જેનાથી આ કેસની પ્રામાણિકતા પર સવાલો ઊભા થવા લાગ્યા.

તપાસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ફોરેન્સિક રિપોર્ટમાં ચિન્નૈયા દ્વારા રજૂ કરાયેલી માનવ ખોપરીની હકીકત સામે આવી. રિપોર્ટમાં ખુલાસો થયો કે આ ખોપરી કોઈ ગુનાના સ્થળની નહીં, પરંતુ એક મેડિકલ રિસર્ચ સેન્ટર (પ્રયોગશાળા) ની હતી. આ ખુલાસાથી સમગ્ર કેસનો આધાર જ હચમચી ગયો અને SITની તપાસની દિશા બદલાઈ ગઈ.

ખોપરીનો પુરાવો ખોટો સાબિત થતાં, SIT એ ૨૩ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ ખોટી ગવાહી આપવાના આરોપમાં મુખબિર ચિન્નૈયાની ધરપકડ કરી. ચિન્નૈયાએ મેજિસ્ટ્રેટ સમક્ષ અંતે પોતાનો ગુનો કબૂલ્યો અને જણાવ્યું કે એક્ટિવિસ્ટોએ તેને ખોટા નિવેદનો આપવા માટે પૈસા આપીને, દબાણ કરીને અને તાલીમ આપીને મજબૂર કર્યો હતો.

તપાસમાં ત્રણ મુખ્ય એક્ટિવિસ્ટો:

તપાસમાં ત્રણ મુખ્ય એક્ટિવિસ્ટો મહેશ શેટ્ટી તિમારોડી, ટી. જયંત અને ગિરીશ મટ્ટનવર વચ્ચેના ગાઢ સંબંધો પણ સામે આવ્યા. તપાસમાં જાણવા મળ્યું કે ફરિયાદ નોંધાવતા પહેલા ચિન્નૈયાએ ઉજીરેમાં તિમારોડીના ઘરે શરણ લીધી હતી. તિમારોડીના ઘરેથી ચિન્નૈયાના મીડિયા ઇન્ટરેક્શન સાથે સંકળાયેલા વિડિયો ક્લિપ્સ, ઇલેક્ટ્રોનિક ડેટા અને અન્ય ૪૪ મહત્ત્વપૂર્ણ વસ્તુઓ મળી આવી હતી. SITનું માનવું છે કે ષડયંત્રની મીટિંગ તિમારોડીના ઘરે જ થઈ હતી. ચિન્નૈયાની ધરપકડ બાદ ટી. જયંતે તેને ત્રણ દિવસ સુધી પોતાના ઘરે આશ્રય આપ્યો હતો અને તેણે સ્વીકાર્યું હતું કે તે ગિરીશ મટ્ટનવરના નિર્દેશો પર કામ કરી રહ્યો હતો. ગિરીશ મટ્ટનવરે એપ્રિલ ૨૦૨૫માં ચિન્નૈયાની મુલાકાત જયંત સાથે કરાવી હતી. SIT ના મતે, મટ્ટનવરે જ ખોપરીને દિલ્હી લઈ જવાની યોજના બનાવી હતી અને તેમના પર મંદિરના પ્રમુખ ડી. વીરેન્દ્ર હેગડેને બદનામ કરવાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. આમ, SIT તપાસમાં પુરાવાઓની ગેરહાજરી, ખોપરીનો મેડિકલ સોર્સ અને એક્ટિવિસ્ટો વચ્ચેના સંકલનથી સ્પષ્ટ થયું કે આ મામલો સામૂહિક દફનનો નહીં, પરંતુ ખોટા આરોપો લગાવાનું સુનિયોજિત ષડયંત્ર હતું.

કોર્ટે શું કહ્યું ?

SIT ની તપાસના મુખ્ય તારણોને આધારે બેલતંગડી કોર્ટમાં એક વિગતવાર ફરિયાદ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. ૩૯૦૦ પાનાના આ રિપોર્ટમાં કેસના તમામ પાસાઓની તપાસ કર્યા બાદ ધર્મસ્થલ મંદિર પ્રશાસનને 'ક્લીન ચિટ' આપવામાં આવી છે. SIT એ તારણ આપ્યું કે સમગ્ર મામલો ધર્મસ્થલા વિરોધી કાર્યકરો દ્વારા રચવામાં આવેલું એક સુનિયોજિત ષડયંત્ર હતું. SIT એ ફરિયાદકર્તા-ગવાહ ચિન્નૈયા સહિત છ લોકોને મુખ્ય આરોપી બનાવ્યા છે, જેમાં મહેશ શેટ્ટી તિમારોડી, ગિરીશ મટ્ટનવર, જયંત, વિઠ્ઠલ ગૌડા અને સુજાતા ભટ્ટનો સમાવેશ થાય છે. તપાસમાં સામે આવ્યું કે આરોપીઓને ખોટા નિવેદનો આપવા માટે નાણાં આપવામાં આવ્યા હતા, તેમના પર દબાણ લાવવામાં આવ્યું હતું અને તેમને તાલીમ પણ આપવામાં આવી હતી. SIT એ ષડયંત્રના પુરાવા તરીકે વિડિયો ક્લિપ્સ, બેંક ટ્રાન્ઝેક્શનના પુરાવા, ઇલેક્ટ્રોનિક ડેટા અને ગવાહોના નિવેદનો કોર્ટમાં રજૂ કર્યા છે. SIT એ તમામ આરોપીઓની ધરપકડ કરવા માટે કોર્ટ પાસેથી મંજૂરી માંગી છે.

જોકે, આ બધી જાણ એક્ટિવિસ્ટોને થઈ એટલે તેઓ તરત જ કર્ણાટક હાઈકોર્ટ પહોંચ્યા અને સમગ્ર મામલો રદ્દ કરાવવાની માંગ કરી. તેમનો તર્ક છે કે પોલીસે FIR નોંધતા પહેલા મેજિસ્ટ્રેટની યોગ્ય પરવાનગી લીધી નહોતી, જે તેમના મતે સંજ્ઞેય (cognizable) ગુના માટે જરૂરી હતી. તેમણે એવો પણ આરોપ મૂક્યો કે SIT દ્વારા તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. રસપ્રદ વાત એ છે કે આ એ જ એક્ટિવિસ્ટો છે જેમણે પહેલા આ મામલામાં FIR નોંધાવવા માટે અભિયાન ચલાવ્યું હતું.

'અર્બન નક્સલીઓ'નું ષડયંત્ર?

ભાજપના નેતા બી.વાય. વિજયેન્દ્રએ આ સમગ્ર ષડયંત્ર માટે 'અર્બન નક્સલીઓ' અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નજીકના લોકોને જવાબદાર ગણાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે જે ગેંગ ધર્મસ્થળ પર આરોપ લગાવી રહી હતી, હવે તે જ SITની ચાર્જશીટમાં આરોપી તરીકે સામે આવી છે. તેમણે આ સમગ્ર ઘટનાને ધર્મસ્થલા મંદિર અને તેની આસ્થા પરનું ષડયંત્ર ગણાવ્યું હતું. બેલતંગડીની એડિશનલ સિવિલ કોર્ટે SIT દ્વારા રજૂ કરાયેલા ફરિયાદ રિપોર્ટ પર સંજ્ઞાન લેવા અને આગળના આદેશ માટે ૨૬ ડિસેમ્બરની તારીખ નક્કી કરી છે. જો કોર્ટ ધરપકડની મંજૂરી આપશે, તો આરોપી એક્ટિવિસ્ટોની ધરપકડ ગમે તે સમયે થઈ શકે છે.

અને છેલ્લે…!

ધર્મસ્થલા સામૂહિક દફન કેસની શરૂઆત ભલે ધર્મસ્થળ મંદિરના સંચાલન પરના ગંભીર આક્ષેપોથી થઈ હોય, પરંતુ SITની વિસ્તૃત તપાસે આ કેસને એક સુનિયોજિત ષડયંત્ર ગણાવ્યું છે. એક મેડિકલ રિસર્ચ સેન્ટરની ખોપરીને હત્યાના પુરાવા તરીકે રજૂ કરવી અને મુખ્ય ગવાહનું પોતાના જ નિવેદનથી ફરી જવું એ સ્પષ્ટ દર્શાવે છે કે આ આખી વાર્તા ધર્મસ્થલાને બદનામ કરવાના હેતુથી ગઢવામાં આવી હતી. ધર્મસ્થળને બદનામ કરનારા એક્ટિવિસ્ટો હવે SITની ચાર્જશીટમાં ફસાયા છે.

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...