પાથેય । હરિ ઇચ્છા । ઉપરવાળાનો હાથ અને હૈયું બંને બહુ મોટાં છે

અંકલનો હાથ તો બહુ મોટો હતો. એમણે મુઠ્ઠી ભરીને ચોકલેટ આપી તો મારો આખો ખોબો ભરાઈ ગયો.

    ૨૮-મે-૨૦૨૫   
કુલ દૃશ્યો |

gujarati prasang
 
 
એક સ્ત્રી પોતાના નાના બાળકને સાથે લઈને કરિયાણાની દુકાને ખરીદી કરવા ગઇ. સ્ત્રી ખરીદી કરી રહી હતી ત્યારે નાનો બાળક વેપારીની સામે જોઈને હસતો હતો. વેપારીને બાળકનું આ નિર્દોષ હાસ્ય ખૂબ ગમ્યું. જાણે કે આખા દિવસનો થાક ઊતરતો હોય એમ લાગતું હતું. વેપારીએ બાળકને પોતાની પાસે બોલાવ્યો. બાળક જેવો વેપારી પાસે ગયો એટલે વેપારીએ નોકર પાસે ચોકલેટની બરણી મંગાવી. ઢાંકણ ખોલીને બરણી બાળક તરફ લંબાવી અને કહ્યું, `બેટા, તારે જેટલી ચોકલેટ જોઈતી હોય એટલી તારી જાતે લઈ લે.' છોકરાએ જાતે ચોકલેટ લેવાની ના પાડી. વેપારી વારંવાર બાળકને ચોકલેટ લેવા કહેતો રહ્યો અને બાળક દરેક વખતે ના પાડતો રહ્યો.
 
બાળકની મા દૂર ઊભી ઊભી આ ઘટના જોઈ રહી હતી. થોડીવાર પછી વેપારીએ પોતે બરણીમાં હાથ નાખીને એક મુઠ્ઠી ભરીને ચોકલેટ બાળકને આપી. બાળકે પોતાના બંને હાથનો ખોબો ધરીને વેપારીએ આપેલી ચોકલેટ લઈ લીધી. વેપારીનો આભાર માનીને કૂદતો કૂદતો પોતાની મા પાસે જતો રહ્યો.
 
દુકાનેથી પાછા ફરતી વખતે માએ બાળકને પૂછ્યું, `બેટા, તને પેલા કાકા ચોકલેટ લેવાનું કહેતા હતા તો પણ તું ચોકલેટ કેમ નહોતો લેતો?' છોકરાએ પોતાનો હાથ માને બતાવતાં કહ્યુ, `જો મમ્મી, મારો હાથ તો બહુ જ નાનો છે. મેં મારી જાતે જ બરણીમાં હાથ નાખીને ચોકલેટ લીધી હોત તો મને બહુ ઓછી ચોકલેટ મળત. અંકલનો હાથ તો બહુ મોટો હતો. એમણે મુઠ્ઠી ભરીને ચોકલેટ આપી તો મારો આખો ખોબો ભરાઈ ગયો.'
 
આપણા હાથ કરતાં ઉપરવાળાનો હાથ અને હૈયું બંને બહુ મોટાં છે, માટે માગવાને બદલે શું આપવું એ એના પર છોડી દેવું જોઈએ. આપણી જાતે લેવા જઇશું તો નાની મુઠ્ઠી ભરાય એટલું મળશે અને એના પર છોડી દઈશું તો ખોબો ભરાય એટલું મળશે.

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...