એક ગુરુના બે શિષ્યો હતા, જેમાંનો એક ભણવામાં ખૂબ જ નિપુણ, જ્યારે બીજો સામાન્ય હતો, પરિણામે પહેલા શિષ્યને દરેક જગ્યાએ પ્રશંસા અને સન્માન મળતું, જ્યારે બીજા શિષ્યની દરેક જગ્યાએ ઉપેક્ષા થતી. એક દિવસ બીજો શિષ્ય અકળાઈને ગુરુજી પાસે પહોંચ્યો અને કહ્યું, ગુરુજી, તમે મારી સાથે અન્યાય કરી રહ્યા છો, હું એ શિષ્યની પહેલાંથી જ તમારી પાસે શિક્ષણ મેળવી રહ્યો છું. તેમ છતાં તમે એને મારાથી વધારે શિક્ષણ આપ્યું છે.
ગુરુજી થોડો સમય મૌન રહ્યા બાદ બોલ્યા, `ચાલ, તને એક વાર્તા સંભળાવું. એક યાત્રી ક્યાંક જઈ રહ્યો હતો. રસ્તામાં તેને તરસ લાગી. તેને એક કૂવો મળ્યો, પરંતુ કૂવા પર ઘડો તો હતો, પરંતુ દોરડું ન હતું માટે તે આગળ નીકળી ગયો. થોડા સમય બાદ એ જ કૂવા પર અન્ય એક તરસ્યો યાત્રી આવ્યો. તેણે ઘડો જોયો, પરંતુ દોરડું તો હતું નહીં, તેણે આજુબાજુ નજર દોડાવી. કૂવાની બાજુમાં જ મોટું મોટું ઘાસ ઊગ્યું હતું. તેણે તે ઘાસ ઉખેડી દોરડું વણવાનું શરૂ કરી દીધું. થોડાક જ સમયમાં દોરડું તૈયાર થઈ ગયું. જેના વડે તેણે કૂવામાંથી પાણી ખેંચી પોતાની તરસ છીપાવી. હવે તું મને ઉત્તર આપ, તરસ કયા યાત્રીને વધારે લાગી હતી? શિષ્યએ જવાબ આપ્યો બીજા ક્રમાંકના યાત્રીને.
ગુરુજીએ કહ્યું, `તરસ બીજા ક્રમાંકના યાત્રીને વધારે લાગી હતી એવું આપણે એટલા માટે કહી શકીએ, કારણ કે તેણે તરસ છિપાવવા પરિશ્રમ કર્યો. તેવી જ રીતે તારા સહપાઠી જ્ઞાન મેળવવાની તરસ છે, જેને છિપાવવા તે સતત પરિશ્રમ કરતો રહે છે. જ્યારે તું એટલો પરિશ્રમ કરતો નથી. ગુરુજીની આ વાતથી શિષ્યને તેના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હતો.