પરદેશના એક રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક વખત દાવાનળ ફાટી નીકળ્યો. સેંકડો કિલોમીટર્સમાં ફેલાયેલાં વૃક્ષો, છોડવાઓ તેમજ ઘાસ બળીને ભસ્મ થઈ ગયાં. આગને ઠારતાં પણ થોડાક દિવસો લાગી ગયા. આગ સંપૂર્ણપણે ઠરી ગઈ પછી એ વિસ્તારના રેન્જ ફોરેસ્ટ આફિસર પોતાના માણસો સાથે વન્ય જીવોની કેટલી ખુવારી થઈ છે તેનો અંદાજ લગાવવા માટે નીકળ્યા. ઉદ્યાનની વચ્ચે પહોંચતા એમણે એક વિચિત્ર દ્રશ્ય જોયું. બળીને સાવ ઠૂંઠા થઈ ગયેલા એક ઝાડ નીચે એક વિશાળ પક્ષી ઊભાં ઊભાં જ સળગી ગયું હતું. જાણે કોલસો જ બની ગયું હતું.
ફોરેસ્ટ આફિસરે પોતાની લાકડીથી એ પંખીને આડું પાડ્યું. જેવું પંખી આડું પડ્યું કે તરત એની પાંખ નીચેથી ચીં... ચીં... કરતાં ત્રણ નાનકડાં અને થોડાંક નબળાં પડી ગયેલાં બચ્ચાં નીકળી આવ્યાં. બધાના આશ્ચર્ય વચ્ચે આટલી ભીષણ આગ વચ્ચે પણ એ જીવતાં રહ્યાં હતાં. એની માતાની પ્રેમાળ પાંખો નીચે એમને બરાબર રક્ષણ મળી શક્યું હતું. પેલી પક્ષી-માતાને ખબર જ હતી કે આગ બધે ફેલાવાની જ છે. એ ધારત તો ઊડીને દૂર પણ જઈ શકી હોત, પરંતુ પોતાનાં બચ્ચાંને નોધારાં છોડી દેવાને બદલે એણે એમને પોતાની પાંખો નીચે ગોઠવી દીધાં હશે.
જ્યારે અગ્નિની ઝાળ એને અડકી હશે ત્યારે પણ એ જરાક પણ હલી નહીં હોય, કારણ કે જો એ હલી જાય તો પાંખ નીચેથી બચ્ચાં બહાર આવી જાય. એ એમ જ ઊભાં ઊભાં જ સળગી ગઈ હશે. એનો નિશ્ચય કેવો દ્રઢ અને અડગ હશે ? એણે નક્કી કરી જ લીધું હશે કે એને મરવાનું જ છે, કારણ કે નાનકડી ત્રણ જિંદગીઓને હજુ જીવવાનું બાકી હતું...
***
આપણા અનેક અવતારો, મહાન પુરુષો તેમજ સરહદ પરના બહાદુર જવાનોએ આપણે શાંતિની જિંદગી જીવી શકીએ એ માટે આવી જ રીતે અગન-પિછોડી ઓઢી લીધી છે ને ? એ દૈવી પાંખોના આપણે હંમેશ ઋણી રહીશું.