ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેના સંબંધોમાં ૨૦૨૬નું વર્ષ એક સુવર્ણ અક્ષરે લખાનારું વર્ષ સાબિત થયું છે. નવી દિલ્હીમાં આયોજિત ૧૬માં ભારત-ઈયુ શિખર સંમેલનમાં જે 'ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ' (FTA) પર મહોર મારવામાં આવી છે, તેને ખુદ વૈશ્વિક નેતાઓએ 'મધર ઓફ ઓલ ડીલ્સ' તરીકે ઓળખાવી છે. આ સમજૂતી પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી, ભારતની વિદેશનીતિ અને ભારતનું વધતું વૈશ્વિક પ્રભુત્વ જવાબદાર છે.
વૈશ્વિક અર્થતંત્રમાં એક નવો અધ્યાય
આ સમજૂતીનું મહત્વ એ વાતથી સમજી શકાય છે કે ભારત અને યુરોપિયન યુનિયન મળીને વિશ્વના કુલ જીડીપીનો ૨૫ ટકા હિસ્સો ધરાવે છે અને વૈશ્વિક વ્યાપારમાં તેમનું એક-તૃતીયાંશ યોગદાન છે. જ્યારે વિશ્વની બે સૌથી મોટી લોકશાહી અર્થવ્યવસ્થાઓ હાથ મિલાવે છે, ત્યારે તેની અસર માત્ર બે પક્ષો સુધી સીમિત રહેતી નથી, પરંતુ સમગ્ર વિશ્વના બજાર પર પડે છે.
યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વૉન ડેર લેયેને આ સમજૂતીને ૨ અબજ લોકોના વિશાળ બજાર તરીકે ગણાવી છે. ઉલ્લેખનીય છે કે આ વાટાઘાટો અનેક ઉતાર-ચઢાવ બાદ, ૨૦૨૨માં પુનઃ વેગ પકડીને આખરે ૨૦૨૬માં તેના અંતિમ તબક્કે પહોંચી છે, જે બતાવે છે કે ભારતે આ માટે ખૂબ મહેનત કરી છે. ૨૧મી સદી ભારતની છે. આ અમૃતકાળ છે. ૨૦૪૭ સુધીમાં ભારત એક નવી ક્ષિતિજ પર હશે. આ તેની શરૂઆત છે.
સંરક્ષણ અને સુરક્ષા
'મધર ઓફ ઓલ ડીલ્સ' માત્ર કાપડ કે ગાડીઓના વ્યાપાર પૂરતી સીમિત નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈયુ નેતાઓએ એક વ્યુહાત્મક સંરક્ષણ અને સુરક્ષા ભાગીદારી (SDP) પર પણ હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતીથી ભારતીય કંપનીઓ માટે યુરોપિયન યુનિયનના ૧૫૦ અબજ યુરો ધરાવતા વિશાળ 'SAFE' સંરક્ષણ કાર્યક્રમમાં ભાગ લેવાના દ્વાર ખુલી ગયા છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ નોંધ્યું છે કે ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્રે આ ભાગીદારી ભારતના ૭૭મા પ્રજાસત્તાક પર્વના અવસરે થવી એ ભારતની બંધારણીય યાત્રા અને વૈશ્વિક શાંતિ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું મોટું સીમાચિહ્ન છે.
ભારત, ઉત્પાદન અને નિકાસ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું છે કે આ FTA ભારતની 'મેક ઇન ઇન્ડિયા' ઝુંબેશ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે ગેમચેન્જર સાબિત થશે. આ ડીલના કારણે ભારતીય નિકાસકારોને યુરોપિયન બજારોમાં સરળ પ્રવેશ મળશે, ખાસ કરીને એવા ક્ષેત્રોમાં જ્યાં અત્યાર સુધી ઊંચી ડ્યુટીને કારણે સ્પર્ધા મુશ્કેલ હતી.
ટેક્સટાઇલ અને તૈયાર કપડાં: ભારતના કાપડ ઉદ્યોગ માટે યુરોપ એક મોટું બજાર બનશે.
હીરા-ઝવેરાત અને લેધર: આ ક્ષેત્રના વેપારીઓને યુરોપના સમૃદ્ધ દેશોમાં પોતાના ઉત્પાદનો મોકલવા માટે આર્થિક રાહતો મળશે.
એન્જિનિયરિંગ અને પ્રોસેસ્ડ ફૂડ: કૃષિ આધારિત ખાદ્ય પદાર્થો અને એન્જિનિયરિંગ માલના નિકાસમાં મોટો ઉછાળો આવવાની અપેક્ષા છે.
સામાન્ય માણસ અને વેપારીઓને પણ ફાયદો
આ સમજૂતીની સૌથી મહત્વની બાબત એ છે કે તે સામાન્ય ગ્રાહક અને મધ્યમ વર્ગ માટે મોંઘી ગાડીઓ અને ટેકનોલોજી સસ્તી બનાવશે. ભારતે યુરોપિયન કારો પરની ઇમ્પોર્ટ ડ્યુટી (જે હાલમાં ૭૦% થી ૧૧૦% છે) ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ૧૫,૦૦૦ યુરોથી વધુ કિંમતની લિમિટેડ કારો પરની ડ્યુટી તાત્કાલિક ઘટીને ૪૦% થઈ શકે છે અને ભવિષ્યમાં તે ૧૦% સુધી નીચે આવશે. આ ઉપરાંત, ગ્રીન એનર્જી અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે યુરોપિયન એકમો ભારતમાં આવવાથી સ્થાનિક સ્તરે રોજગારીની લાખો તકો ઉભી થશે.
ભારત સરકારની વિદેશનીતિની સફળતા
આ ડીલ એ ભારત સરકારની 'નેશન ફર્સ્ટ' (રાષ્ટ્ર પ્રથમ) વિદેશનીતિનું પરિણામ છે. અમેરિકન ટેરિફ અને ચીન તરફથી ઊભા થતા આર્થિક પડકારો વચ્ચે ભારતે જે રીતે યુરોપિયન યુનિયન સાથે સંતુલિત અને મજબૂત સંબંધો સ્થાપ્યા છે, તે વિશ્વના અન્ય દેશો માટે અભ્યાસનો વિષય છે. આ FTA બ્રિટન અને EFTA (The European Free Trade Association) સાથે થયેલા અગાઉના કરારોને પૂરક બનાવશે અને ભારતની આર્થિક રણનીતિમાં નિર્ણાયક વળાંક લાવશે.
અને છેલ્લે…
'મધર ઓફ ઓલ ડીલ્સ' ભારતના આત્મનિર્ભર બનવાના સંકલ્પને સાકાર કરનારી છે. વૈશ્વિક અર્થતંત્રના એન્જિન સમાન છે. આ ડિલ્સ આગામી દાયકાઓમાં ભારત અને યુરોપના લોકો માટે સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે. ભારત ૨૦૨૬માં જે ગતિએ આગળ વધી રહ્યું છે, તેને જોતા કહી શકાય કે આ સમજૂતી ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે.