અબ કી બાર જ્ઞાનેશકુમાર પર વાર | SIR કે ચૂંટણી પંચ નહિ, રાહુલ ગાંધીનું અસલી નિશાન જ્ઞાનેશકુમાર!

જ્ઞાનેશકુમારની ભૂતકાળની ભૂમિકા, ચૂંટણી પંચ અંગેના આક્ષેપો અને રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓના વલણના આધારે આ લેખમાં સમગ્ર મુદ્દાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

    ૧૬-ઓક્ટોબર-૨૦૨૬   
કુલ દૃશ્યો |

gyanesh-kumar-sir-vivad-rajniti
 
 
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને હાલ સમગ્ર વિપક્ષ દેશદ્રોહી સાબિત કરી ચૂંટણી કમિશનરના પદેથી હટાવવા ધમપછાડા કરી રહ્યો છે. વિપક્ષના આ ધમપછાડાનું કારણ ચૂંટણીપંચના સદસ્યો અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વચ્ચેના મતભેદોની અફવા છે. તાજેતરમાં જ ઇન્ડિયન એક્સપ્રેસ નામના અંગ્રેજી દૈનિકમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને ચૂંટણી પંચના અન્ય સદસ્યો વચ્ચે મતદાતા યાદી સંબંધિત નિર્ણયોને લઈ મતભેદ હતા એવો અહેવાલ પ્રકાશિત થયો હતો. અહેવાલ મુજબ ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ પાછલા ૧૦ મહિનામાં ઓછામાં ઓછી ૧૪ વખત જ્ઞાનેશકુમારના નિર્ણયો અને આદેશો પર ઔપચારિક વિરોધ નોંધાવ્યો હતો.
 
હવે કોંગ્રેસ અને વિપક્ષો આ અહેવાલને આધાર બનાવી ચૂંટણી પંચ, વિશેષ કરીને જ્ઞાનેશકુમારની નિષ્પક્ષતા પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીની પોતાની જૂની મતચોરીની કેસેટને ગલી-ગલીએ વગાડી જ્ઞાનેશકુમારને દેશદ્રોહી ગણાવી રહ્યાં છે. પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે, મતભેદો કઈ સંસ્થામાં નથી હોતા? અને જો આ મતભેદો ગંભીર હોત તો પછી ચૂંટણી પંચના તમામ નિર્ણયો સામૂહિક સહમતી વગર કેવી રીતે થયા? માટે આવા અહેવાલ માત્રથી વોટ ચોરી અને ચૂંટણી પરિણામોમાં હેરફેરના કોંગ્રેસ અને વિપક્ષોના આરોપો એકદમ પાયાવિહીન અને મનઘડંત છે એ આપોઆપ સાબિત થઈ જાય છે. અને વિપક્ષ જો આ મુદ્દે આટલો જ ગંભીર હોય તો પછી સમગ્ર મુદ્દાને ન્યાયાલયમાં લઈ જતાં તેમને કોણે રોકયા છે?પરંતુ વિપક્ષ એ જાણે છે કે, માત્ર કોઈ દૈનિકના અહેવાલવાળો તર્ક ન્યાયાલયમાં ટકી શકે નહિ. તેના માટે ચોક્કસ પુરાવા જોઈએ. જે ન તો રાહુલ ગાંધી પાસે છે કે ન તો વિપક્ષો પાસે. માટે જ તેઓ આ મુદ્દાને ન્યાયાલયને બદલે સડક પર લઈ જઈ લોકતંત્ર ખતરામાં હોવાનો ખોટો વિમર્શ ચલાવી જનતાને ભ્રમમાં નાખી પોતાનો હેતુ સિદ્ધ કરવા માંગે છે.
 
કોંગ્રેસ-રાહુલને જ્ઞાનેશકુમાર કેમ ખટકે છે?
 
અત્રે ઉલ્લેખનીય છે કે, આ વિવાદનું તત્કાલીન કારણ ભલે SIR (Special Intensive Revision) મુદ્દે ચૂંટણીપંચના કથિત મતભેદ હોય પરંતુ, આ કહાનીની બીજી બાજુ પણ છે, જે ખૂબ ઓછા લોકો જાણે છે. વાસ્તવમાં જ્ઞાનેશકુમાર કોંગ્રેસની આંખોમાં હંમેશાથી કણાની માફક ખૂંચે છે. જ્ઞાનેશકુમાર ચૂંટણી પંચમાં આવ્યા તે પહેલાં અનેક મહત્ત્વપૂર્ણ પ્રશાસનિક પ્રક્રિયાનો ભાગ રહી ચૂક્યા છે. જે દેશની રાજનીતિ અને જાહેર જીવનના ખૂબ જ સંવેદનશીલ મુદ્દા રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાંથી ધારા ૩૭૦ હટાવવાની પ્રક્રિયા હોય, જમ્મુ-કાશ્મીરનું પુનર્ગઠન હોય, ત્રણ તલાકનો કાયદો હોય કે પછી અયોધ્યા શ્રીરામ મંદિર ટ્રસ્ટના ગઠનની પ્રશાસનિક પ્રક્રિયા હોય. તમામ મુદ્દે જ્ઞાનેશકુમારે મહત્ત્વની ભૂમિકા નિભાવી છે ત્યારે વિપક્ષોને અને વિશેષ કરીને કોંગ્રેસને જ્ઞાનેશકુમારની આ ભૂમિકાથી પેટમાં ચૂક ન ઉપડે તો જ નવાઈ કારણ કે, તે તેમની મુસ્લિમ તુષ્ટિકરણની રાજનીતિ સાથે બંધબેસતી નથી. હવે આ મુદ્દે થોડી વિગતવાર ચર્ચા કરીએ જેથી વાચકો સામે ચિત્ર વધુ સ્પષ્ટ થાય.
 
૩૭૦ હટાવવાના નિર્ણયમાં મહત્ત્વની ભૂમિકા
 
જ્ઞાનેશકુમારની પ્રશાસનિક કારકીર્દિનો સૌથી ચર્ચિત અધ્યાય જમ્મુ-કાશ્મીર છે. ૨૦૧૬માં તેઓને ગૃહમંત્રાલયના જમ્મુ-કાશ્મીર ડિવિઝનમાં સંયુક્ત સચિવ બનાવવામાં આવ્યા હતા. ૨૦૧૯માં જ્યારે ધારા ૩૭૦ હટાવવાની અને જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠનની તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે તેઓ અહીં મહત્ત્વપૂર્ણ દાયિત્વ સંભાળી રહ્યા હતા. ૨૦૧૯માં તેઓએ જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠન વિધેયકના ડ્રાફ્ટિંગમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી, જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવા માટેની જમીન તૈયાર કરી હતી અને દેશને ખબર જ છે કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનો સૌથી વધુ વિરોધ કોણે કર્યો હતો. બસ, ત્યારથી જ તેઓ કોંગ્રેસ સહિત કથિત સેક્યુલરવાદી પક્ષો અને દિમાગી નકસલીઓની આંખમાં આવી ગયા હતા.
 
ત્રણ તલાક કાનૂને જ્ઞાનેશકુમારને દુશ્મન બનાવી દીધા
 
ગૃહ મંત્રાલયમાં રહેતા જ્ઞાનેશકુમારનું કામ માત્ર જમ્મુ-કાશ્મીર પૂરતું જ મર્યાદિત રહ્યું ન હતું. ૨૦૧૯માં ત્રણ તલાકને અપરાધ ગણવાના કાનૂનની તૈયારીમાં પણ તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. ફાઇનાન્સિયલ એક્સપ્રેસના અહેવાલ મુજબ તેઓ ત્રણ તલાક સંબંધિત કાનૂની ડ્રાફ્ટિંગ સાથે જોડાયેલા અધિકારીઓમાં પણ સામેલ રહ્યા છે. એટલે કે એક જ સમયગાળા દરમિયાન તેઓ દેશના બે અત્યંત સંવેદનશીલ વિધેયક અને સામાજિક મુદ્દા સાથે જોડાયેલા પ્રશાસનિક કાર્યનો ભાગ રહ્યા છે. આ બંને મુદ્દાનો કોંગ્રેસે સડકથી સંસદ સુધી કેટલો વિરોધ કર્યો હતો તે કોઈનાથી છૂપું નથી.
 
શ્રીરામ મંદિર ટ્રસ્ટની પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા
 
શ્રી રામજન્મભૂમિ અયોધ્યામાં શ્રીરામલલાનું મંદિર દાયકાઓથી દેશના સનાતનીઓ અને ભાજપનો મુખ્ય મુદ્દો રહ્યો છે. કોંગ્રેસને અર્શ પરથી ફર્શ પર શ્રીરામ જન્મભૂમિ આંદોલન જ લાવ્યું છે. આ આંદોલને હિન્દુ સમાજને પુનઃસંગઠિત કરવામાં અતિ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. અયોધ્યા મામલે સર્વોચ્ચ ન્યાયાલયના ચુકાદા બાદ, શ્રીરામમંદિર નિર્માણની દિશામાં સૌથી મહત્ત્વપૂર્ણ કદમ શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રનું ગઠન હતું. ૨૦૨૦માં જ્ઞાનેશકુમાર ગૃહમંત્રાલયના વધારાના સચિવ હતાં ત્યારે તે એ વિશેષ વ્યવસ્થા સાથે જોડાયેલા હતા. તેઓએ ટ્રસ્ટની ગઠન પ્રક્રિયામાં મહત્ત્વપૂર્ણ પ્રશાસનિક ભૂમિકા નિભાવી હતી અને કોંગ્રેસનો શ્રીરામદ્રોહ કોઈનાથી છૂપો નથી. કોંગ્રેસ ક્યારેય કોઈ રામભક્તને સાંખી શકી નથી, ન તો સાંખી શકશે. કોંગ્રેસ તેને બદનામ કરવા ગમે તે હદે જઈ શકે છે. જ્ઞાનેશકુમારની પાછળ પડી જવાના કારણોમાંનું આ પણ એક છે.
 
પશ્ચિમ બંગાળ ચૂંટણી દીદીની દાદાગીરી પર લગામ
 
પ. બંગાળમાં લેફ્ટ- મમતાના રાજમાં ચૂંટણીઓ માત્ર હિંસા અને ડર અને તુષ્ટિકરણથી જ જીતવામાં આવતી હતી. પરંતુ ૨૦૨૬ની પ. બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલાં જ્ઞાનેશકુમારે પોતાની સત્તાનો ઉપયોગ કરી હિંસા અને ડરના ચુનાવી દબાણ પ્રત્યે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી. ગેરકાયદેસર રહેતાં બાંગ્લાદેશી નાગરિકોનાં નામ હટાવી મતદારયાદીનું શુદ્ધીકરણ કર્યું, જેનું પરિણામ આજે દેશ સમક્ષ છે. સ્વાભાવિક છે કે, તેમની આ નિષ્પક્ષતા પરાજિત મમતા દીદી અને કોંગ્રેસથી સહન જ ન થાય. માટે જ ચૂંટણીઓ દરમિયાન એકબીજાને પાડી દેવાના હાકલા પડકારા કરતા દીદી અને દાદી (સોનિયા ગાંધી) ઇન્ડી એલાયન્સની બેઠકમાં જ્ઞાનેશકુમારનાં છાજિયાં લઈ રહ્યાં છે.
 
તો ભાજપ ૩૦૩ થી ૨૦૪ બેઠક પર ન આવી જાત
 
સૌથી મહત્ત્વનો મુદ્દો કોંગ્રેસ અને વિપક્ષો દ્વારા એવો વિમર્શ ચલાવવામાં આવે છે કે, જ્ઞાનેશકુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચે ચૂંટણીઓમાં ભાજપ માટે કામ કરી તેને જીતાડ્યું છે. પરંતુ સત્ય શું છે?
 
જ્ઞાનેશકુમાર ૨૦૨૪માં ચૂંટણીપંચના સદસ્ય બન્યા. તે પહેલાં ૨૦૧૪માં ભાજપે ૨૮૨ બેઠકો અને ૨૦૧૯માં ૩૦૩ બેઠકો જીતી સંપૂર્ણ બહુમતીવાળી સરકાર બનાવી પરંતુ ૨૦૨૪માં જ્ઞાનેશકુમારના ચૂંટણી પંચના અધ્યક્ષપદે યોજાયેલ ચૂંટણીઓમાં ભાજપની બેઠકો ઘટી ૨૪૨ થઈ ગઈ ત્યારે જો ખરેખર જ્ઞાનેશકુમારે ભાજપ માટે મત ચોરી કરી હોત તો ૨૦૨૪માં ભાજપના તમામ નેતાઓના દાવા પ્રમાણે ૩૫૦+ બેઠકો આવત. નહિ કે ભાજપે ગઠબંધનની સરકાર બનાવવા મજબૂર બનવું પડ્યું હોત.
૨૦૨૪ના પ્રથમ ચરણમાં બિહારમાં SIR થયું. જ્યારે બીજા ચરણમાં પ. બંગાળ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, કેરળ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ગોવા, અંડમાન-નિકોબાર, લક્ષદ્વીપ, પોંડિચેરીમાં થયું. આમાંથી પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ છે. આ પાંચ રાજ્યોમાંથી ભાજપ માત્ર આસામ, બંગાળમાં જ ચૂંટણી જીતી. જ્યારે બિહારમાં JDUના નેતૃત્વમાં ચૂંટણી લડી જીતી હતી. જ્યારે કેરળમાં કોંગ્રેસ, તમિલનાડુમાં કોંગ્રેસ ગઠબંધનવાળી TVK, પોંડિચેરીમાં AINRCની સરકાર બની છે ત્યારે જ્ઞાનેશકુમારે SIR કરાવી ભાજપને ફાયદો કરાવ્યાનો વિપક્ષનો વિમર્શ આપોઆપ ધ્વસ્ત થઈ જાય છે.
 
અને છેલ્લે...
 
ભારતીય ચૂંટણી પંચ વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં નિષ્પક્ષ ચૂંટણી સંચાલન માટે જાણીતું છે. અમેરિકા સુધીની મહાસત્તાઓએ તેની કામગીરીને વખાણી છે. છતાં કમભાગ્યે વિપક્ષોને તેની રાજનીતિમાં જ રસ છે? ચૂંટણી પંચ જેવી સ્વતંત્ર સંસ્થાઓ પર વારંવાર પ્રશ્ન ઉઠાવવા અને વિવિધ રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય મંચો પર તેને બદનામ કરવી એ દેશના લોકતંત્ર માટે ખતરો નથી? દેશના નાગરિકોએ વિપક્ષોની દેશમાં ભ્રમ ફેલાવી અસંતોષ ઊભો કરી, બાંગ્લાદેશવાળા રસ્તે સત્તા મેળવવાના ષડયંત્રથી સાવધાન થઈ જવાની જરૂર છે.

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...