ગૌરવ । કૃષિના ઋષિ દાદા લાડ…પદ્મશ્રી મેળવનાર સંઘના પ્રથમ પ્રચારક

આવો જાણીએ શ્રીરંગ દેવબા લાડ એટલે કે દાદા લાડ કોણ છે અને તેમણે એવું તે શું કર્યું કે તેઓને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે.

    ૧૧-ફેબ્રુઆરી-૨૦૨૬   
કુલ દૃશ્યો |

padmashri-pracharak-rss
 
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પાયામાં એક જ મંત્ર રહેલો છે… ‘આ રાષ્ટ્રની સેવા કાજે જીવન સમર્પિત કરવું.’ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કાર્યપદ્ધતિમાં ‘પ્રચારક’ એ માત્ર એક દાયિત્વ નથી, પરંતુ રાષ્ટ્રયજ્ઞમાં સ્વયંને હોમી દેવાની એક અવિરત અને અનામ સાધના છે. સંઘના પ્રચારક હોવું એટલે વ્યક્તિગત સુખ, નામ, અને કીર્તિના મોહનો ત્યાગ કરીને સમષ્ટિના કલ્યાણ માટે જીવન ખપાવી દેવું. અહીં આ વાત એટલે કરી, કારણ કે સંઘના એક પ્રચારક રાષ્ટ્રીય સ્તરે પોંખાયા છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬ના પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી, તેમાં એક એવું નામ ચમક્યું છે, જેણે સંઘના સંસ્કારોને શાખાના મેદાનથી રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચાડ્યા છે. તે નામ છે - શ્રીરંગ દેવબા લાડ, જેમને આખું વિશ્વ આદરથી ‘દાદા લાડ’ તરીકે ઓળખે છે.
 
ભારતના જાહેર જીવનના ઇતિહાસમાં કદાચ આ પ્રથમ ઘટના છે કે જ્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક સક્રિય પ્રચારકને તેમના કૃષિ ક્ષેત્રના અપ્રતિમ અને નવતર પ્રયોગો માટે રાષ્ટ્રના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મશ્રી’થી સન્માનિત કરવામાં આવ્યા હોય. આ સન્માન માત્ર એક વ્યક્તિનું સન્માન નથી, પણ સંઘના એ સંસ્કારનું સન્માન છે જે આજે શતાબ્દીનો ઉંબરો ઓળંગીને શિખરે પહોંચ્યા છે. આવો જાણીએ શ્રીરંગ દેવબા લાડ એટલે કે દાદા લાડ કોણ છે અને તેમણે એવું તે શું કર્યું કે તેઓને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે.
 
દાદા લાડ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જ્યેષ્ઠ પ્રચારક છે. તેઓ હાલમાં ભારતીય કિસાન સંઘની અખિલ ભારતીય ટીમના સદસ્ય છે અને અખિલ ભારતીય કિસાન સંઘના પશ્ચિમ ક્ષેત્ર ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવાના સંગઠન મંત્રી તરીકે પણ દાયિત્વ સંભાળી રહ્યા છે. એક પ્રચારક તરીકે તેમણે વર્ષો સુધી સંઘના સંગઠન કાર્યમાં પોતાનું જીવન હોમી દીધું. સંઘના પ્રશિક્ષણે તેમને અનુશાસન, નિરીક્ષણ અને લોકસંપર્કની અદ્‌ભુત શક્તિ આપી. ૧૯૮૮માં તેમને ભારતીય કિસાન સંઘમાં જોડાવાનું સૂચન મળ્યું અને ત્યાંથી જ ખેડૂત અને ખેતર સાથે તેમનો ગાઢ નાતો બંધાયો. ભારતીય કિસાન સંઘમાં જોડાયા બાદ તેમણે કૃષિને જ પોતાની સાધના બનાવી દીધી. મહારાષ્ટ્રના લાતુર અને પરભણીના માલસોના ગામના નિવાસી એવા દાદા લાડ માટે કિસાન સંઘમાં કામ કરવું એ માત્ર સંગઠન પૂરતું મર્યાદિત નહોતું, પણ ખેડૂતના આંસુ લૂછવાનો એક માર્ગ હતો.
 
તેમણે જોયું કે, કપાસ પકવતો ખેડૂત મહેનત તો ખૂબ કરે છે, પણ આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યો છે. સંઘના સ્વયંસેવકની દૃષ્ટિએ તેમણે સમસ્યાના મૂળમાં જઈને ઉકેલ શોધવાનું નક્કી કર્યું. અને પછી વર્ષોના પ્રયોગો અને સાતત્યપૂર્ણ નિરીક્ષણના અંતે તેમણે એક એવી પદ્ધતિ વિકસાવી જે આજે કૃષિજગતમાં ‘દાદા લાડ પદ્ધતિ’ તરીકે પ્રચલિત થઈ છે.
 
દાદા લાડ દ્વારા વિકસિત પદ્ધતિ સાવ સરળ છતાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સજ્જ છે. આ પદ્ધતિની મુખ્ય વાત એ છે કે, કપાસના છોડ પર બેસતાં જીંડવાં પૈકી જે જીંડવાં અવિકસિત અને નાનાં હોય તેને ચૂંટી કાઢીને છોડ પરથી દૂર કરવામાં આવે છે. આ પાછળનો તર્ક એ છે કે જો નાનાં અને નબળાં જીંડવાં દૂર કરવામાં આવે, તો છોડ દ્વારા ખેંચાતું બધું જ પોષણ માત્ર મોટાં અને સ્વસ્થ જીંડવાંને મળે છે. પરિણામે, મોટાં જીંડવાંનો વિશેષ વિકાસ થાય છે અને જે પોષક દ્રવ્યો વ્યર્થ જતાં હતાં, તેનો મહત્તમ લાભ ઉત્પાદન વધારવામાં મળે છે.
 
આ સંશોધનનાં પરિણામો આશ્ચર્યજનક છે. દાદા લાડ પદ્ધતિ અપનાવવાથી ખેડૂતોને અગાઉ કરતાં પાંચથી સાત ગણો પાક પ્રાપ્ત થાય છે. જે જમીનમાં એક સિઝનમાં માંડ ૬ ક્વિન્ટલ કપાસ થતો હતો, ત્યાં આજે ખેડૂતો ૩૦થી ૪૦ ક્વિન્ટલ સુધીનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ પદ્ધતિની અધિકૃતતા એટલી મજબૂત છે કે ICAR (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ) દ્વારા તેને માન્યતા આપવામાં આવી છે. પરભણી સ્થિત કૃષિ યુનિવર્સિટીએ તેમની આ અસાધારણ સેવા માટે તેમને કૃષિની માનદ ડોક્ટરેટ (D.Sc.) પદવીથી સન્માનિત કર્યા છે.
 

padmashri-pracharak-rss 
 
પદ્મશ્રીની જાહેરાત થયા પછી દાદા લાડે જે શબ્દો કહ્યા તે દરેક સ્વયંસેવકે હૃદયસ્થ કરવા જેવા છે. તેમણે કહ્યું કે, ‘આ સન્માન મારું વ્યક્તિગત નથી, પણ સમગ્ર કિસાન સમાજનું છે. આ પુરસ્કાર થકી કૃષિની વધુ પાક લેવાની વાતને ગતિ મળશે. પુરસ્કારના નામે મારી ટેકનિક વધુ ખેડૂતો સુધી પહોંચશે અને તેમના જીવનમાં સમૃદ્ધિ આવશે.’ આ સંઘના એક પ્રચારકનો નિર્મોહી ભાવ છે. તેમણે પોતાની સફળતાનું શ્રેય ભારતીય ક્સાિન સંઘને આપતાં જણાવ્યું કે, ‘મને બાળપણથી જ ખેતીમાં રુચિ હતી, પણ સંગઠને તક આપી એટલે હું ખેડૂતોની વેદના સમજી શક્યો.’
 
સાથે સાથે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૃષ્ટિ (વિઝન)ની પણ પ્રશંસા કરતાં જણાવ્યું કે, ‘વર્તમાન સરકાર જમીન સાથે જોડાયેલા એવા લોકોની કદર કરી રહી છે, જેઓ અત્યાર સુધી હાંસિયામાં ધકાયેલા હતા. સમાજના નીચલા સ્તરથી લઈને ઉપર સુધીના તમામ તબક્કાઓને આગળ લઈ જવાની આ નીતિ ખરેખર પ્રશંસનીય છે.’
 
દાદા લાડનો ભાવ એકદમ સાચો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં પદ્મ પુરસ્કારોની વ્યાખ્યા બદલાઈ છે. હવે લ્યુટિયન દિલ્હીના ડ્રોઈંગ રૂમમાં બેસતા લોકો નહીં, પણ જમીન પર પરસેવો પાડતા ‘અનામ નાયકો’ Unsung Heroesને અચૂક સન્માન મળે છે. દાદા લાડ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
 
સંઘના પ્રચારક જ્યારે પદ્મશ્રી મેળવે છે, ત્યારે તે એક મોટો વૈચારિક સંદેશ આપે છે. અત્યાર સુધી ડાબેરી અને કથિત લિબરલ બૌદ્ધિકોએ એવી છબી ઊભી કરી હતી કે, સંઘ માત્ર શાખાઓ ચલાવી જાણે. વિજ્ઞાન, અર્થજગત જેવા વિષયોમાં એમની ચાંચ ના ડૂબે. પરંતુ દાદા લાડ જેવા પ્રચારકોએ સાબિત કરી બતાવ્યું છે કે, સંઘના સંસ્કારો જ્યારે કૃષિમાં ઊતરે છે, ત્યારે તે વિજ્ઞાન બને છે અને જ્યારે સમાજ સેવામાં ઊતરે છે, ત્યારે તે રાષ્ટ્રના વિકાસનું એન્જિન બને છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકના લાખો ખેડૂતો આજે દાદા લાડની પદ્ધતિથી આત્મનિર્ભર બની રહ્યા છે. ખેડૂતોની આત્મહત્યા રોકવા માટે દાદાએ જે આર્થક સદ્ધરતાનો માર્ગ ચીંધ્યો છે, તે જ સાચી દેશભક્તિ છે.
 
સંઘના પ્રચારકને પદ્મશ્રી મળવો એ વૈશ્વિક સ્તરે એ વાતની સ્વીકૃતિ છે કે રાષ્ટ્રનિર્માણના પાયાના કાર્યમાં સંઘના સ્વયંસેવકો દરેક ક્ષેત્રમાં શ્રેષ્ઠ અને ક્રાંતિકારી યોગદાન આપી રહ્યા છે. દાદા લાડે વિક્સાવેલી ‘કપાસ ક્રાંતિ’ આજે માત્ર ખેતરોમાં જ નહીં, પણ લાખો ખેડૂતોના રસોડામાં સમૃદ્ધિ અને આશાના દીવા પ્રગટાવી રહી છે. તેમની આ યાત્રા સાબિત કરે છે કે જ્યારે સંઘના સંસ્કારો અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો સમન્વય થાય છે, ત્યારે કેવાં વિરાટ પરિવર્તનો જન્મે છે.
 
પરંતુ, દાદા લાડ તો એક એવા તેજસ્વી પ્રતિનિધિ છે જે આજે રાષ્ટ્રની નજરમાં આવ્યા છે. વાસ્તવમાં, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં આવા હજારો અનામ પ્રચારકો, સ્વયંસેવકો અને કાર્યકર્તાઓ છે, જેઓ કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિની ભૂખ વગર, મૌન રહીને રાષ્ટ્રના પુનઃનિર્માણનું કાર્ય કરી રહ્યા છે. આ એવા સેવકો છે જેઓ ઉચ્ચ ગુણવત્તા ધરાવતા વૈજ્ઞાનિકો છે, પ્રખર ડૉક્ટરો છે, કુશળ એન્જિનિયરો છે અને મૌલિક વિચારકો છે. તેઓ ઈચ્છત તો વિદેશમાં જઈને કરોડોના પેકેજ મેળવી શક્યા હોત અથવા વૈશ્વિક મંચો પર નામના મેળવી શક્યા હોત, પરંતુ તેમણે માતૃભૂમિની રક્ષા અને સમાજની સેવા કાજે મૌન રહીને કાર્ય કરવાનું સ્વીકાર્યું. આદિવાસી વિસ્તારોના અંતરિયાળ ખૂણાઓથી લઈને સરહદનાં ગામડાં સુધી સંઘના આ મૌન સાધકો શિક્ષણ, આરોગ્ય અને સ્વાવલંબનના એવા પ્રકલ્પો ચલાવી રહ્યા છે જેનો કોઈ જોટો જડે તેમ નથી.
 
દાદા લાડને મળેલો આ પદ્મ પુરસ્કાર એ તમામ મૌન તપસ્વીઓનું પ્રતિનિધિત્વ કરે છે, જેઓ ભારતને ફરીથી ‘વિશ્વગુરુ’ બનાવવા માટે પોતાનું જીવન હોમી રહ્યા છે. સૌરાષ્ટ્રથી લઈને મહારાષ્ટ્ર અને સમગ્ર ભારતવર્ષના લાખો ખેડૂતો માટે દાદા લાડ આજે માત્ર એક પ્રચારક નથી, પણ એક ‘કૃષિ ૠષિ’ છે. રાષ્ટ્ર નિર્માણના આ મહાયજ્ઞમાં તેમનું જીવન અને તેમનું સંશોધન આવનારી પેઢી માટે એક એવું પ્રેરણાનું ઝરણું બની રહેશે જે ક્યારેય સુકાશે નહીં. સાચા અર્થમાં, આ પુરસ્કાર એ દાદા લાડના બહાને ભારતની એ મૌન ક્રાંતિનું સન્માન છે, જેનું નેતૃત્વ સંઘના આવા અનેક વિદ્વાન અને સમર્પિત પ્રચારકો કરી રહ્યા છે. જેમ પાયાનો પથ્થર દેખાતો નથી પણ આખી ઇમારતનો ભાર ઝીલે છે, તેમ આ અનામ પ્રચારકો પણ ભારતના ઉજ્જવળ ભવિષ્યના સાચા શિલ્પીઓ છે. આ અવસરે દાદા લાડને સાધના પરિવાર ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવે છે.
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...