પશ્ચિમ બંગાળમાં 'બાબરી'નું પુનરાવર્તન
પશ્ચિમ બંગાળનું રાજકારણ અલગ રીતે ચાલે છે. ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણી પૂર્વે જે પ્રકારના સમીકરણો રચાઈ રહ્યા છે તે લોકશાહી અને સામાજિક સૌહાર્દ માટે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. સર્વોચ્ચ અદાલતે રામ જન્મભૂમિ વિવાદનો અંત લાવીને દેશમાં વર્ષો જૂના સંઘર્ષ પર પૂર્ણવિરામ મૂક્યું હતું. તેમ છતાં, બંગાળમાં ' સેક્યુલરિઝમ'ના નામે મુગલકાલીન માનસિકતાને જીવંત રાખવાના પ્રયાસો થઈ રહ્યાં છે. હમણાં જ મુર્શિદાબાદના બેલડાંગામાં અયોધ્યાની વિવાદિત બાબરી મસ્જિદ જેવી જ પ્રતિકૃતિ બનાવવાની જાહેરાત અને તેની પાછળ ખેલાઈ રહેલી રાજનીતિ દેશ માટે, બંગાળ માટે ચિંતાજનક છે. આ માત્ર ધાર્મિક આસ્થાનો વિષય નથી, પરંતુ મમતા બેનર્જીની વોટબેંકને મજબૂત કરવાની એક ચાલાક રણનીતિનો હિસ્સો છે.
સાંપ્રદાયિક તણાવ પેદા કરવાનો આ એક સુનિયોજિત પ્રયાસ
આ સમગ્ર વિવાદના કેન્દ્રમાં છે ભરતપુરના 'નિલંબિત' ટીએમસી ધારાસભ્ય હુમાયૂં કબીર. હુમાયૂં કબીરે જનતા ઉન્નયન પાર્ટી (JUP) ની સ્થાપના કરી છે અને તેમણે જાહેરાત કરી છે કે તેઓ મુર્શિદાબાદમાં ૫૦ થી ૫૫ કરોડના ખર્ચે 'બાબરી મસ્જિદ'નું નિર્માણ કરશે. ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ હજારો લોકોની હાજરીમાં આ મસ્જિદનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આશ્ચર્યની વાત એ છે કે, જ્યારે દેશ એક ભવ્ય રામ મંદિરના નિર્માણ સાથે આગળ વધી રહ્યો છે, ત્યારે હુમાયૂં કબીર જેવા નેતાઓ મુસ્લિમ મતદારોને રીઝવવા માટે જૂના જખમોને ફરી તાજા કરી રહ્યા છે. તેમણે જાહેરમાં ધમકી આપી છે કે દુનિયાની કોઈ તાકાત આ મસ્જિદનું નિર્માણ રોકી શકશે નહીં. આ ઘટનાક્રમ સ્પષ્ટ કરે છે કે શહેરમાં એક નવી ‘બાબરી મસ્જિદ’ ઊભી કરીને સાંપ્રદાયિક તણાવ પેદા કરવાનો આ એક સુનિયોજિત પ્રયાસ છે.
"જે ગાય દૂધ આપે તેની લાત પણ ખાવી પડે."
વિશેષજ્ઞો અને રાજકીય વિશ્લેષકો માને છે કે હુમાયૂં કબીરનું ટીએમસીમાંથી નિલંબન એ માત્ર એક 'નાટક' છે. મમતા બેનર્જી પોતે જાહેરમાં કહેતા આવ્યા છે કે, "જે ગાય દૂધ આપે તેની લાત પણ ખાવી પડે." અહીં દૂધ આપતી ગાય એટલે મુસ્લિમ વોટબેંક. હુમાયૂં કબીરે પોતે સ્વીકાર્યું છે કે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં યુસુફ પઠાણને જીતાડવા માટે મમતા દીદીએ જ તેમને હિન્દુ વિરોધી અને ઉશ્કેરણીજનક નિવેદનો આપવાની સૂચના આપી હતી. હુમાયૂં કબીરે કહ્યું હતું કે 'તેઓ હિન્દુઓને ભાગીરથી નદીમાં ડૂબાડી દેશે.' આ બયાન પર ટીએમસીએ તેમને ક્યારેય કડક સજા કરી નથી. તેથી, આ મસ્જિદના બહાને કબીર જે મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ કરી રહ્યા છે, તેનો સીધો ફાયદો અંતે તો ટીએમસીને જ મળવાનો છે. આ આગામી વિધાનસભાની ચૂંટણી માટે એક રણનીતિ છે, જેમાં એક તરફ મમતા પોતાની 'સેક્યુલર' છબી બચાવવા કબીરને દૂર કરે છે, તો બીજી તરફ પડદા પાછળથી તેમને મુસ્લિમ મતો અંકે કરવા માટે પ્રોત્સાહન આપે છે.
હુમાયૂં કબીર એ ટીએમસીનો 'પ્લાન-બી' છે
આ રણનીતિ પાછળનું સૌથી મોટું કારણ છે 'હિન્દુ એકતાનો ડર'. ૨૦૧૪ પછી બંગાળમાં હિન્દુત્વની લહેર જોવા મળી છે અને ભાજપની વધતી જતી તાકાતે મમતા સરકારની ઊંઘ ઉડાવી દીધી છે. સંદેશખાલીમાં હિન્દુ મહિલાઓ પર થયેલા અત્યાચારો અને આર.જી. કર મેડિકલ કોલેજની ઘટનાએ હિન્દુ મતોને એકજૂથ કર્યા છે. જ્યારે હિન્દુઓ એકત્રિત થાય છે ત્યારે ટીએમસીની સત્તા જોખમમાં મૂકાય છે. આ હિન્દુ એકતાને તોડવા અને મુસ્લિમોને એક કરવા માટે 'બાબરી' જેવો સંવેદનશીલ મુદ્દો ફરીથી ઉછાળવામાં આવ્યો છે. ભાજપે આક્ષેપ કર્યો છે કે હુમાયૂં કબીર એ ટીએમસીનો 'પ્લાન-બી' છે. મુર્શિદાબાદ જેવા મુસ્લિમ બહુલ જિલ્લાઓમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને રક્ષણ આપવું અને તેમને વોટબેંક તરીકે વાપરવી એ મમતા સરકારની જૂની પદ્ધતિ રહી છે.
આ એક સુનિયોજિત કાવતરું છે
હુમાયૂં કબીરે જે 'બાબરી યાત્રા' ની જાહેરાત કરી હતી, તે દર્શાવે છે કે તેઓ સમગ્ર રાજ્યમાં આ વિવાદને લઈ જવા માંગે છે. જોકે પરીક્ષાઓને કારણે આ યાત્રા મોકૂફ રખાઈ છે, પરંતુ ૫૦,૦૦૦ લોકો સાથે કૂચ કરવાની તેમની જીદ બંગાળમાં શાંતિ ભંગ કરવાના ઈરાદાઓને સ્પષ્ટ કરે છે. પશ્ચિમ બંગાળના ભાજપ અધ્યક્ષ શમિક ભટ્ટાચાર્યના મતે, આ એક સુનિયોજિત કાવતરું છે જેના દ્વારા પશ્ચિમ બંગાળને 'મિનિ પાકિસ્તાન' માં ફેરવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. મમતા સરકાર દ્વારા વક્ફ એમેન્ડમેન્ટ એક્ટનો વિરોધ અને સીએએ (CAA) સામેનો હોબાળો પણ આ જ તુષ્ટિકરણની રાજનીતિનો ભાગ છે.
વિકાસ કે બાબરી મસ્જિદ??
પશ્ચિમ બંગાળમાં જે ખેલાઈ રહ્યું છે તે લોકશાહીના નામે તુષ્ટિકરણનો ખતરનાક ખેલ છે. મુસ્લિમ મતો મેળવવા માટે રાષ્ટ્રીય સુરક્ષા અને સામાજિક એકતાને દાવ પર લગાડવામાં આવી રહી છે. હુમાયૂં કબીરને ટીએમસીમાંથી સસ્પેન્ડ કરવા એ માત્ર એક નાટક છે અને ચૂંટણી પછી તેઓ ફરીથી ટીએમસીના શરણે જાય તેવી પૂરી શક્યતા છે. બંગાળના હિન્દુઓએ આ વિભાજનકારી રાજનીતિને સમજીને એકજૂથ રહેવાની જરૂર છે, નહીં તો મુર્શિદાબાદમાં બની રહેલી આ નવી 'બાબરી' માત્ર એક ઇમારત નહીં પણ બંગાળની સાંસ્કૃતિક ઓળખને ભૂંસી નાખવાનું પ્રતીક બની જશે. ૨૦૨૬ની ચૂંટણીમાં જનતાએ નક્કી કરવાનું છે કે તેઓ વિકાસ અને સુરક્ષા ઈચ્છે છે કે બાબરી જેવી મસ્જિદ??