
વર્તમાન યુગમાં ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા માત્ર મનોરંજનના સાધનો નથી રહ્યા, પરંતુ તે રાષ્ટ્રીય સુરક્ષાનો અભિન્ન હિસ્સો બની ગયા છે. હમણાં જ રશિયાની પુતિન સરકારે અમેરિકી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવા કે WhatsApp, YouTube, Facebook અને Instagram પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવીને દુનિયાના દેશોને અને તેની સરકારોને ચોંકાવી દીધા છે. આ પ્રતિબંધ પાછળ રશિયાનો મુખ્ય તર્ક એ છે કે વિદેશી ટેક કંપનીઓ રશિયન કાયદાઓનું પાલન કરવામાં નિષ્ફળ રહી છે અને નાગરિકોનો સંવેદનશીલ ડેટા વિદેશી સર્વર પર સંગ્રહિત કરી રહી છે, જે રાષ્ટ્રીય સુરક્ષા માટે મોટું જોખમ છે. રશિયાની સંચાર એજન્સી 'રોસકોમનાદજોર' એ આ વેબસાઈટ્સના ડોમેન નામોને રાષ્ટ્રીય DNS સિસ્ટમમાંથી હટાવીને તેમને રશિયન ડિજિટલ સ્પેસમાંથી હટાવી દીધા છે.
રશિયાના આ આકરા પગલા પાછળનો હેતુ માત્ર સુરક્ષા પૂરતો જ સિમિત નથી, પરંતુ તે પોતાની સ્વદેશી એપ્સ, ખાસ કરીને ‘MAX’ ને પ્રોત્સાહન આપીને દેશના ૧૦ કરોડથી વધુ યુઝર્સને સ્વનિર્ભર બનાવવા માંગે છે. રશિયન સત્તાધીશોનું માનવું છે કે વિદેશી એપ્સ ઘણીવાર પ્રોપેગેન્ડા ફેલાવવા અને જાસૂસી કરવા માટેનું માધ્યમ બને છે. રશિયા હવે 'સૉવરેન ઇન્ટરનેટ' કાયદા હેઠળ પોતાનું અલગ અને સુરક્ષિત ડિજિટલ માળખું ઊભું કરી રહ્યું છે, જેથી પશ્ચિમી દેશોના કોઈ પણ આર્થિક કે ડિજિટલ દબાણ સામે તે અડીખમ રહી શકે. આ પ્રક્રિયામાં તેમણે માત્ર સોશિયલ મીડિયા જ નહીં, પણ બીબીસી અને ડોઇચે વેલે જેવા આંતરરાષ્ટ્રીય ન્યૂઝ પોર્ટલ્સ પર પણ પ્રતિબંધ લગાવ્યો છે, જે દર્શાવે છે કે રશિયા વિદેશથી આવતા માહિતીના પ્રવાહ પર સંપૂર્ણ સરકારી નિયંત્રણ ઈચ્છે છે.
આ પરિસ્થિતિ ભારત માટે પણ વિચારણાનો વિષય છે. ભારતમાં હાલમાં અબજો યુઝર્સ WhatsApp, YouTube અને Facebook જેવી એપ્સ પર નિર્ભર છે. જોકે આ એપ્સ સુવિધાજનક છે, પણ ભારતનો ડેટા વિદેશી કંપનીઓના હાથમાં હોવો એ ચિંતાજનક તો છે જ. નિષ્ણાતોનું માનવું છે કે ભારતે પણ આ દિશામાં રશિયાની જેમ સખત વલણ અપનાવવાની જરૂર છે. ભારતમાં વિકસેલી Arattai અને Zoho જેવી સ્વદેશી એપ્સ પાસે તે સામર્થ્ય છે કે તેઓ વૈશ્વિક સ્તરની સુવિધાઓ આપી શકે. જો ભારત સરકાર વિદેશી એપ્સ પર કડક નિયંત્રણો લાદે અથવા ચોક્કસ શરતોના પાલન વગર તેમને કામ કરવા ન દે, તો સ્વદેશી એપ્સને વિકસવાની મોટી તક મળશે. ભારત જો પોતાની ડિજિટલ ઇકોસિસ્ટમ મજબૂત બનાવશે, તો તે સાચા અર્થમાં 'આત્મનિર્ભર' બની શકશે.
રશિયાનો આ નિર્ણય દુનિયાને એ સંદેશ આપે છે. એ સંદેશ એવો છે કે, આવનારા સમયમાં જે દેશ પાસે પોતાની ટેકનોલોજી અને ડેટા પર નિયંત્રણ હશે, તે જ સુરક્ષિત રહેશે. ભારત માટે પણ આ યોગ્ય સમય છે કે આપણે વિદેશી કંપનીઓના ભરોસે રહેવાને બદલે આપણી પોતાની 'ડિજિટલ દીવાલ' મજબૂત કરીએ. સ્વદેશી એપ્સનો ઉપયોગ વધારવો એ માત્ર પસંદગીનો વિષય નથી, પરંતુ તે દેશની સુરક્ષા અને અસ્મિતા માટે અનિવાર્ય છે. ભારતના નાગરિકે પણ નાગરિક કર્તવ્ય સમજીને સ્વદેશી એપ્સ તરફ વળવું પડશે.