અમેરિકાના નેવાડાના સૂમસામ રણની વચ્ચે એક એવી જગ્યા છે જેના વિશે સાંભળતા જ મનમાં અનેક સવાલો થાય… એ જગ્યા છે 'એરિયા 51'. લાસ વેગાસના ઝગમગાટથી લગભગ 134 કિલોમીટર દૂર આવેલા આ લશ્કરી મથકને દુનિયાની સૌથી ભેદી જગ્યા માનવામાં આવે છે. અહીં સામાન્ય માણસો માટે પ્રવેશના દરવાજા કાયમ માટે બંધ છે અને તેની સુરક્ષામાં રાત-દિવસ સશસ્ત્ર જવાનો પહેરો ભરે છે. નવાઈની વાત તો એ છે કે, વર્ષો સુધી અમેરિકી સરકારે એ સ્વીકારવાની પણ ના પાડી દીધી હતી કે આવી કોઈ જગ્યા અસ્તિત્વમાં છે! બસ, આ જ છૂપી વાતોએ અનેક 'કોન્સ્પિરેસી થિયરી'ને જન્મ આપ્યો. લોકોમાં એવી ચર્ચા છે કે અમેરિકાએ અહીં પરગ્રહીઓ (એલિયન્સ) અને તેમના તૂટી પડેલા સ્પેસક્રાફ્ટ એટલે કે યુએફઓ (UFO) છુપાવી રાખ્યા છે. 1980ના ગાળામાં જ્યારે કેટલાક પાઇલોટ્સને આકાશમાં અજીબોગરીબ ચમકતી વસ્તુઓ દેખાઈ, ત્યારે આ રહસ્ય વધુ ઘેરું બન્યું.
આ કિસ્સામાં સૌથી મોટો ધડાકો ત્યારે થયો જ્યારે રોબર્ટ લેઝર નામના એક શખ્સે દાવો કર્યો કે તેણે પોતે એરિયા 51ની અંદર કામ કર્યું છે. તેણે તો ત્યાં સુધી કહી દીધું કે તેણે ત્યાં નવ જેટલા પરગ્રહી યાન જોયા છે અને અમેરિકી વૈજ્ઞાનિકો તેની ટેકનોલોજી સમજીને ('રિવર્સ એન્જિનિયરિંગ' દ્વારા) નવા હથિયારો બનાવવાની કોશિશ કરી રહ્યા છે. જોકે, રોબર્ટના દાવા કેટલા સાચા હતા એ આજે પણ એક સવાલ છે, પણ એરિયા 51 પાછળનું અસલી સત્ય હજુ સુધી રણની રેતીમાં દટાયેલું જ છે.
તાજેતરમાં એરિયા 51 અને એલિયન્સ વિશે ફરી એકવાર વૈશ્વિક ચર્ચા જાગી છે, જેનું મુખ્ય કારણ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું નિવેદન અને વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો લેટેસ્ટ આદેશ છે. ફેબ્રુઆરી 2026માં રિલીઝ થયેલા એક પોડકાસ્ટમાં બરાક ઓબામાએ ચોંકાવનારો દાવો કરતા કહ્યું હતું કે એલિયન્સ વાસ્તવિક છે, પરંતુ તેઓ એરિયા 51માં રાખવામાં આવ્યા નથી. ઓબામાના આ નિવેદન બાદ જિજ્ઞાસા વધી કે જો એરિયા 51માં નથી, તો તે ક્યાં છે? આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ બાબતને ગંભીરતાથી લેતા પેન્ટાગન અને અન્ય સંરક્ષણ એજન્સીઓને કડક આદેશ આપ્યો છે. ટ્રમ્પે જણાવ્યું છે કે યુએફઓ (UFO), યુએપી (UAP) અને પરગ્રહી જીવન સાથે જોડાયેલી તમામ ગોપનીય ફાઈલોને ઓળખીને તેને જાહેર કરવામાં આવે. ટ્રમ્પના મતે, આ મામલે લોકોમાં જબરદસ્ત રસ છે અને તે જાણવું જરૂરી છે કે અમેરિકી સરકાર આ વિશે શું છુપાવી રહી છે. જો આ ફાઈલો ખરેખર જાહેર થશે, તો કદાચ માનવ ઇતિહાસની સૌથી મોટી શોધ અથવા સૌથી મોટું કૌભાંડ સામે આવી શકે છે.
એરિયા 51ના ઇતિહાસ પર નજર કરીએ તો, આ સ્થળ મૂળભૂત રીતે કોલ્ડ વોર એટલે કે શીત યુદ્ધ દરમિયાન સોવિયત યુનિયનની જાસૂસી કરવા માટે અત્યાધુનિક વિમાનોના પરીક્ષણ માટે બનાવવામાં આવ્યું હતું. 2013માં જ્યારે સીઆઈએ (CIA) દ્વારા કેટલાક દસ્તાવેજો સાર્વજનિક કરવામાં આવ્યા, ત્યારે પહેલીવાર સત્તાવાર રીતે 'એરિયા 51' નામનો ઉલ્લેખ થયો. તે દસ્તાવેજો મુજબ, 1955માં અહીં 'U-2' જાસૂસી વિમાનનું પરીક્ષણ થતું હતું. પત્રકાર એની જેકબસને પણ તેમના પુસ્તકમાં દાવો કર્યો છે કે અહીંની ગુપ્તતા એલિયન્સના કારણે નહીં, પરંતુ પરમાણુ પરીક્ષણો અને ગુપ્ત હથિયારોના વિકાસ માટે હતી. બીજી તરફ, 'પ્રોજેક્ટ બ્લુ બુક' એ અમેરિકી વાયુસેના દ્વારા 1950 અને 60ના દાયકામાં યુએફઓ જોવાની 12,000થી વધુ ઘટનાઓની તપાસ માટે ચલાવવામાં આવેલો એક પ્રોજેક્ટ હતો. જોકે 1969માં આ પ્રોજેક્ટ બંધ કરી દેવાયો હતો, પણ લોકોનો વિશ્વાસ અડગ રહ્યો કે હજુ ઘણું બધું પડદા પાછળ ચાલી રહ્યું છે.
આ લશ્કરી મથક સાથે જોડાયેલી અન્ય થિયરીઓ પણ ખૂબ રસપ્રદ છે. કેટલાક માને છે કે નીલ આર્મસ્ટ્રોંગ ક્યારેય ચંદ્ર પર ગયા જ ન હતા અને આખા 'મૂન લેન્ડિંગ'નું શૂટિંગ એરિયા 51ના રણમાં જ કરવામાં આવ્યું હતું. વળી, કેટલાક લોકો અહીં 'ટાઇમ ટ્રાવેલ' એટલે કે સમયના મુસાફરી પર પણ સંશોધન થતું હોવાનો દાવો કરે છે. એરિયા 51 શું છે તે વિશેના સત્ય અને કલ્પના વચ્ચેની રેખા ખૂબ પાતળી છે. જ્યાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલા આદેશ મુજબ ફાઈલો સંપૂર્ણપણે જાહેર ન થાય, ત્યાં સુધી એરિયા 51 માત્ર એક લશ્કરી બેઝ નહીં, પરંતુ રહસ્યોનો એક અખૂટ ભંડાર બની રહેશે. દુનિયા હવે એ ક્ષણની રાહ જોઈ રહી છે જ્યારે સત્તાવાર રીતે એ સાબિત થશે કે શું આપણે આ બ્રહ્માંડમાં એકલા છીએ કે પછી કોઈ બીજી સભ્યતા સાથે આપણો સંપર્ક વર્ષોથી છુપાયેલો છે.