બે દેશ, બે દિશા: એક તરફ પાકિસ્તાનની લાચારી અને બીજી તરફ ભારતની ખુમારી
તાજેતરમાં રજૂ થયેલા ભારતના બજેટે વિશ્વને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત હવે માત્ર પોતાની રક્ષા કરવા સક્ષમ નથી, પરંતુ તે આધુનિક યુદ્ધ માટે પણ સજ્જ થઈ રહ્યું છે. આ આખી પરિસ્થિતિમાં સૌથી વધુ ચર્ચા પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફના એ નિવેદનની થઈ રહી છે, જેમાં તેમણે જાહેરમાં સ્વીકાર્યું કે, "જે દેશે ઋણ માંગવા જવું પડે છે, તેણે હંમેશા નતમસ્તક રહેવું પડે છે."
આ લેખમાં આપણે સમજીશું કે કેવી રીતે એક તરફ પાકિસ્તાન ભીખ માંગીને પોતાનું અસ્તીત્વ ટકાવા વિશ્વના દેશો સમક્ષ નતમસ્તક થઈ રહ્યું છે અને બીજી તરફ ભારત પોતાના પડોશી દેશોની મદદ કરવાની સાથે સાથે દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર થઈ રહ્યું છે.
પાકિસ્તાને સ્વીકાર્યુ…
“જે ઋણ માંગવા જાય છે તેને માથુ નમાવીને જવું પડે છે” પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે પહેલીવાર જાહેર મંચ પરથી એ વાત સ્વીકારી લીધી છે જે વાત વર્ષોથી દુનિયા જોઈ રહી હતી. પાકિસ્તાની વડાપ્રધાને પોતે માની લીધું છે કે આર્થિક મદદ માંગવા માટે પાકિસ્તાન જ્યારે જ્યારે પોતાના મિત્ર દેશોના દરવાજા ખખડાવી રહ્યું હતું, ત્યારે ત્યારે તેને માથું નમાવવું પડ્યું. આને તમે સદીની સૌથી મોટી કબૂલાત કહી શકો છો. પાકિસ્તાનના વડાપ્રધાનનું નિવેદન એ વાતની પુષ્ટિ કરે છે કે પાકિસ્તાનની સેના અને રાજકારણીઓએ પાકિસ્તાનને આર્થિક રીતે પાયમાલ કરી દીધુ છે. જ્યારે પણ પાકિસ્તાન પોતાના મિત્ર દેશો પાસે મદદ માટે જાય છે, ત્યારે તેણે આત્મસન્માન ગુમાવવું પડે છે. આ પાકિસ્તાનની વર્તમાન અને આવનારી પેઢીઓ માટે એક કડવી હકીકત બની ગઈ છે કે તેમનો દેશ દેવાના ડુંગર નીચે દબાયેલો છે.
ભારતનું 'ધુરંધર' સંરક્ષણ બજેટ
એક બાજુ પાકિસ્તાન આર્થિક સંકટમાં છે, ત્યારે ભારતે નાણાકીય વર્ષ 2027 માટે તેના સંરક્ષણ બજેટમાં 15% નો ધરખમ વધારો કર્યો છે. ભારત સરકારે સંરક્ષણ મંત્રાલય માટે 7.8 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ બજેટમાં નવા હથિયારો ખરીદવા માટેના ભંડોળમાં 21.84% નો વધારો કરવામાં આવ્યો છે.
આ વધારાનો અર્થ એ છે કે ભારત હવે મોટા પાયે નવા ફાઈટર જેટ્સ અને હેલિકોપ્ટર ખરીદશે. મિસાઈલ સિસ્ટમ અને રડારને આધુનિક બનાવશે. ડ્રોન ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પર ભાર મૂકશે. સરહદી વિસ્તારોમાં રસ્તાઓ અને એરબેઝનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરશે.
નિશાન પર પાકિસ્તાન નહીં, પણ ચીન છે
જોકે પાકિસ્તાન આપણો પડોશી દેશ છે, પરંતુ સંરક્ષણ નિષ્ણાતો માને છે કે ભારતનું અસલી લક્ષ્ય હવે ચીન છે. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એવી નથી કે તે ભારત સાથે સીધા યુદ્ધમાં ટકી શકે. પરંતુ ચીન જે રીતે હાઈપરસોનિક મિસાઈલ, લોન્ગ રેન્જ મિસાઈલ અને સ્પેસ ટેકનોલોજીમાં આગળ વધી રહ્યું છે, તેને ધ્યાનમાં રાખીને ભારત પોતાની વાયુસેના અને નૌકાદળને આધુનિક બનાવી રહ્યું છે.
ગલવાન જેવી ઘટનાઓ ફરી ન બને તે માટે ભારત હાઈ-એલ્ટિટ્યુડ (ઊંચાઈવાળા વિસ્તારો) પર લોજિસ્ટિક્સ અને સર્વેલન્સ સિસ્ટમ મજબૂત કરી રહ્યું છે. ભારત હવે 'ટુ-ફ્રન્ટ વોર' (ચીન અને પાકિસ્તાન બંને સાથે એકસાથે યુદ્ધ) ની સ્થિતિ માટે પોતાની જાતને તૈયાર કરી રહ્યું છે.
આધુનિક યુદ્ધ અને ભારતની તૈયારી
આજકાલ યુદ્ધ માત્ર સરહદ પૂરતું મર્યાદિત નથી. સાયબર સ્પેસ, ડ્રોન એટેક અને સોશિયલ મીડિયા દ્વારા પણ યુદ્ધ લડાય છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં આપણે જોયું કે કેવી રીતે હાઈપરસોનિક મિસાઈલોએ આધુનિક ડિફેન્સ સિસ્ટમને પણ પડકાર આપ્યો છે. આ સ્થિતિને સમજીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'સુરક્ષા કવચ' પર ભાર મૂક્યો છે જેથી સામાન્ય નાગરિકોને ડ્રોન એટેક જેવા હુમલાઓથી બચાવી શકાય.
અને છેલ્લે…
ભારતનું આ બજેટ સરકાર દ્વારા લેવાયેલો દેશની સુરક્ષાનો એક સંકલ્પ પણ દર્શાવે છે. એક બાજુ પાકિસ્તાન મદદ માટે હાથ ફેલાવી રહ્યું છે, ત્યારે ભારત પોતાની જરૂરિયાતો પૂરી કરીને પડોશી દેશો (જેમ કે ભૂટાન, નેપાળ વગેરે) ને પણ સહાયતા આપી રહ્યું છે. ભારતનો સંદેશ સ્પષ્ટ છે: "અમે શાંતિ ઈચ્છીએ છીએ, પણ જો કોઈ અમારી સુરક્ષા સામે જોખમ ઊભું કરશે, તો અમારી પાસે તેનો જડબાતોડ જવાબ આપવા માટે પૂરતા અને આધુનિક સાધનો છે." આમ, ભારત હવે રક્ષણાત્મક નહીં પણ આક્રમક રીતે પોતાની સુરક્ષાનું આયોજન કરી રહ્યું છે, જે ચીન અને પાકિસ્તાન બંને માટે ચિંતાનો વિષય છે.