ભારત પર અમેરિકી 'રિપોર્ટ' કે પ્રોપગેન્ડા? USCIRFના જૂઠાણાંનો જડબાતોડ જવાબ
અમેરિકાની એક સંસ્થા ‘યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઑન ઇન્ટરનેશનલ રિલીજિયસ ફ્રીડમ’, એટલે કે USCIRFએ તેના ૨૦૨૬ના વાર્ષિક રિપોર્ટમાં ભારતને લઈને એ જ જૂના આરોપપત્રને ફરી સામે મૂક્યો છે – ભારતમાં ધાર્મિક સ્વતંત્રતા બગડી રહી છે, હિંદુ રાષ્ટ્રવાદી જૂથો ‘લઘુમતીઓ’ પર હુમલા કરી રહ્યાં છે, સરકાર પક્ષપાતી કાયદા બનાવી રહી છે અને હવે તો વાત ત્યાં સુધી પહોંચાડી દેવામાં આવી છે કે ભારતને ‘કન્ટ્રી ઑફ પર્ટિક્યુલર કન્સર્ન’ જાહેર કરવામાં આવે અને RSS અને RAW જેવી સંસ્થાઓ પર અમેરિકી પ્રતિબંધો લગાવવા પર વિચાર કરવામાં આવે.
મહારાષ્ટ્રમાં ઇસ્લામી હિંસા અને અમેરિકી પ્રોપગેન્ડા
આ રિપોર્ટમાં સૌથી પહેલી વાત મહારાષ્ટ્રની એક ઘટનાની કરવામાં આવી છે. USCIRFએ ઔરંગઝેબની કબર હટાવવાની માંગના સંદર્ભમાં હિંસા થઈ તે વાતને રેખાંકિત કરી છે અને તેને લગભગ એ રીતે રજૂ કરી છે કે હિંદુ સંગઠનોની ઉગ્રતા જ મુખ્ય કારણ હતી. પરંતુ એ પણ જાણવું જરૂરી છે કે હિંસા પહેલાં કુરાનના અપમાનની અફવા વ્યાપક રીતે મુસ્લિમો દ્વારા જ ફેલાવવામાં આવી હતી, પોલીસ અને મહારાષ્ટ્ર સાયબર સેલે પછીથી કહ્યું હતું કે, આવું કોઈ મજહબી લેખનવાળું કપડું બાળવામાં આવ્યું નથી અને ન તો કુરાનની પ્રત બાળવામાં આવી છે. સાથે એવું પણ કહ્યું હતું કે, ઉશ્કેરણીજનક ઑનલાઇન પોસ્ટની તપાસ પણ કરવામાં આવી હતી.
મૂળ હકીકત એ છે કે આમાં હિંદુઓ જ પીડિત છે. તણાવ અફવાઓ પછી ભડક્યો હતો એ હકીકત છે. અફવાની આડમાં મુસ્લિમ ટોળાં રઘવાયાં થઈને રસ્તા પર ઊતરી આવ્યાં હતાં. પોલીસ પર પથ્થરમારો થયો, આગચંપી થઈ અને પ્રશાસને તરત જ કર્ફ્યુ લગાવ્યો. તેનો અર્થ એ નથી કે કોઈ પક્ષ આપમેળે નિર્દોષ જાહેર થઈ જાય, અર્થ માત્ર એટલો જ છે કે USCIRFએ ઘટનાક્રમની તે કેન્દ્રીય કડીને દબાવી દીધી છે જેમાં અફવા, ભીડ અને પોલીસની પછીની તપાસ સામેલ છે. જ્યારે કોઈ રિપોર્ટ આ મહત્વના અનુક્રમને અવગણીને સીધું ‘હિંદુ રાષ્ટ્રવાદી હિંસા’ની છબી ઘડે છે, ત્યારે તે તથ્ય કરતાં વધુ પ્રોપગેન્ડા રચી રહ્યો હોય છે.
રિપોર્ટમાં તો એવું કહેવામાં આવ્યું કે, ‘હિંદુ રાષ્ટ્રપ્રેમીઓ’એ મુસ્લિમ ‘લઘુમતીઓ’ પર હિંસક હુમલો કર્યો હતો. હકીકત તો એ છે કે આ તથાકથિત લઘુમતી જ હિંદુ વિસ્તારમાં ઘૂસી આવી હતી અને પથ્થરમારો, આગચંપી, ગાળાગાળી અને વાહનોમાં તોડફોડ કરવા લાગી હતી. પછીથી એ પણ સામે આવ્યું હતું કે એ વિસ્તારમાં રહેતા મુસ્લિમોનાં ઘરોને આ મજહબી ટોળાએ સહેજ પણ નુકસાન કર્યું નહોતું. પ્રત્યક્ષદર્શીઓએ કહ્યું હતું કે ઇસ્લામી ભીડ હિંદુઓનાં મકાનોને શોધી-શોધીને ટાર્ગેટ કરી રહી હતી. જે ઘરમાં તુલસી દેખાય એ ઘરમાં હુમલો કરવામાં આવતો હતો. વધુમાં ઘરની બહાર રહેલાં વાહનોની પણ તોડફોડ કરવામાં આવી હતી.
મતાંતરણવિરોધી કાયદાઓને લઈને પણ બળતરા
રિપોર્ટમાં મતાંતરણવિરોધી કાયદાને લઈને પણ બળતરા ઠાલવવામાં આવી છે. રિપોર્ટ એન્ટી-કન્વર્ઝન કાયદાઓને દમનકારી ગણાવે છે, જાણે તેનું અસ્તિત્વ જ ધાર્મિક સ્વતંત્રતાની વિરુદ્ધ હોય. પરંતુ તાજેતરના ન્યાયિક ઘટનાક્રમોને જોઈએ તો અનેક રાજ્યો આ કાયદાઓને બળ, છેતરપિંડી, પ્રલોભન અને લવ જેહાદથી થતા મતાંતરણને રોકવાનું સાધન માને છે.
ગેરકાયદે ઘૂસણખોરો
રિપોર્ટનો બીજો મોટો સ્તંભ છે ગેરકાયદે ઘૂસણખોરી, રોહિંગ્યા અને આસામ કે ગુજરાત જેવાં સ્થળોમાં થયેલી પ્રશાસનિક કાર્યવાહીને ધાર્મિક ઉત્પીડનની જેમ રજૂ કરવી. અહીં સ્પષ્ટ વાત એ છે કે, ભારત કોઈ ખુલ્લી ધરમશાળા નથી કે જ્યાં કોઈ પણ ગેરકાયદે રીતે પ્રવેશ કરે, વસાહતો સ્થાપે, દસ્તાવેજો વગર રહે અને પછી કોઈપણ સરકારી કાર્યવાહીને ‘ઉત્પીડન’ જાહેર કરી દેવામાં આવે. સર્વોચ્ચ ન્યાયાલયના આદેશો અને ભારતની કાનૂની વ્યવસ્થામાં એ સ્પષ્ટ છે કે જે બાંગ્લાદેશી ગેરકાયદે પ્રવાસીઓની ઓળખ અને બાંગ્લાદેશી રાષ્ટ્રીયતા પુષ્ટ થઈ જાય તેમને કાયદેસર પ્રક્રિયા પછી પરત મોકલી શકાય છે. ૩૦ જાન્યુઆરી, ૨૦૨૫ના સુપ્રીમ કોર્ટના આદેશમાં પણ ગેરકાયદે બાંગ્લાદેશી પ્રવાસીઓના સત્યાપન અને ડિપોર્ટેશનની પ્રક્રિયા નોંધાયેલી છે. એટલે કે આ વિષય માત્ર ફાંકા ફોજદારીનો નહીં પણ કાનૂની અને રાષ્ટ્રીય સુરક્ષાનો છે.
અમદાવાદના ચંડોળા વિસ્તારમાં થયેલી કાર્યવાહીને પણ આ જ સંદર્ભમાં જોવી જોઈએ. એ હકીકત છે કે ત્યાં મોટાપાયે બાંગ્લાદેશી ઘૂસણખોરોની વસાહતો પર કાર્યવાહી કરવામાં આવી, ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ અને કસ્ટડીની પ્રક્રિયા ચાલી અને ગુજરાત હાઈકોર્ટે પણ એ સ્પષ્ટ કર્યું છે કે જો તપાસમાં ગેરકાયદે બાંગ્લાદેશી મળે તો તેમની સામે કાયદા મુજબ કાર્યવાહી થઈ શકે છે. આ આખા પ્રસંગ પર અસહમતી, માનવ અધિકાર, ન્યાયી પ્રક્રિયા અને પુનર્વસનની ચર્ચા પોતાની જગ્યાએ છે, પરંતુ તેને માત્ર એટલા માટે ધાર્મિક ઉત્પીડન કહેવું કે પ્રભાવિત વસ્તીમાં મુસ્લિમો હતા, તે તથ્ય અને કાયદા બંનેનું વિકૃતિકરણ છે. રાજ્યની કાર્યવાહીનું મૂલ્યાંકન ‘શું તે કાનૂની હતી, શું પ્રક્રિયાનું પાલન થયું’ના આધારે થવું જોઈએ, નહીં કે ‘પ્રભાવિત થનારા મજહબ’ના આધારે. USCIRF અહીં પણ એ જ કરે છે જે તે વારંવાર કરતું આવ્યું છે. ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટને સાંપ્રદાયિક ઉત્પીડનમાં ફેરવી દે છે.
આ જ પ્રશ્ન રોહિંગ્યાના મામલામાં પણ ઊભો થાય છે. ભારતમાં રોહિંગ્યાનો મુદ્દો માત્ર માનવીય નથી, સુરક્ષા-સંબંધિત પણ રહ્યો છે. આ અંગે રાજ્ય અને કેન્દ્ર સરકારે બંને સ્તરે સમયે-સમયે ચિંતા વ્યક્ત કરી છે. તેથી ભારતની આવી કાર્યવાહીને અમેરિકાની કોઈ સંસ્થા પડકારે એ તો મૂર્ખામી અને દંભ ગણાય અને આ એ જ અમેરિકા છે જેનું પોતાનું રાજકારણ ગેરકાયદે પ્રવાસન પર અત્યંત કડક ભાષા અને પગલાંઓથી ભરેલું રહ્યું છે. તાજેતરમાં જ ટ્રમ્પ પ્રશાસને હજારોની સંખ્યામાં ઘૂસણખોરોને તોતિંગ વિમાનોમાં ઘરભેગા કર્યા હતા. જે દેશ પોતાની દક્ષિણી સીમા પર દીવાલ, ડિટેન્શન, નિર્વાસન અને કડક વીઝા/પ્રવાસ નિયંત્રણને સાર્વભૌમ અધિકાર માને છે, તે જ હવે ભારતને ઘૂસણખોરી પર ઉપદેશ આપે છે, આ નરી અનૈતિકતા છે. બેવડા વલણવાળી ચોખ્ખી દોગલાઈ છે.
વક્ફ સુધારા
USCIRFએ વક્ફ કાયદાઓ અને ઉત્તરાખંડના સ્ટેટ ઑથોરિટી ફોર માઈનોરિટી એજ્યુકેશન એક્ટ જેવાં પગલાંને પણ એ રીતે નોંધ્યાં છે જાણે રાજ્યનો દરેક કાયદો સ્વાભાવિક રીતે ધાર્મિક શત્રુતાથી પ્રેરિત હોય. વક્ફ સુધારા પર સરકારનો પક્ષ પારદર્શિતા, સંપત્તિ-વ્યવસ્થાપન, કથિત દુરુપયોગને અટકાવવા અને વિવાદિત દાવાઓના નિરાકરણ પર કેન્દ્રિત હતો. અને એ પણ બંધારણીય દૃષ્ટિએ તોય અમેરિકી સંસ્થાને તેમાં ‘લઘુમતી સામે અન્યાય’ દેખાઈ આવે છે.
RSS - રૉ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ
હવે આવીએ તે ભાગ પર, જ્યાં આ અહેવાલ માત્ર પક્ષપાતી નથી રહેતો, પરંતુ એક ખુલ્લો રાજકીય દસ્તાવેજ બનીને સામે આવે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (R&AW) પર ‘ટાર્ગેટેડ સેન્ક્શન્સ’ લગાવવાની ભલામણ. વિચારો, એક વિદેશી આયોગ ભારતના સૌથી મોટા સામાજિક-સાંસ્કૃતિક સંગઠન અને દેશની બાહ્ય ગુપ્ત એજન્સી (જે સીધી દેશની સુરક્ષા રચનાનો ભાગ છે) બંનેને એક જ શ્વાસમાં પ્રતિબંધોના દાયરામાં લાવવાની વાત કરે છે. આ માત્ર ‘ધાર્મિક સ્વતંત્રતા’ પર ચિંતા વ્યક્ત કરવા જેવું નથી, આ સીધું-સીધું ભારતની આંતરિક સંસ્થાઓ અને રણનીતિક માળખાને આંતરરાષ્ટ્રીય દબાણ દ્વારા નિશાન બનાવવાની ભાષા છે.
અને આ જ આ રિપોર્ટની અસલ સમસ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઑન ઇન્ટરનેશનલ રિલીજિયસ ફ્રીડમે જે રીતે RSS અને RAWને એક જ ફ્રેમમાં મૂકી દીધા, તેનાથી સ્પષ્ટ દેખાય છે કે, તેણે સામાજિક-સાંસ્કૃતિક સંગઠનો, રાષ્ટ્રીય સુરક્ષા તંત્ર અને રાજકીય અસહમતી, ત્રણેયને એક જ વૈચારિક ચશ્માથી જોવાનું શરૂ કર્યું છે. આ વિશ્લેષણ નથી પરંતુ પોતાના મનઘડંત નેરેટિવને નાટકીય રીતે આગળ કરવાનો પ્રયાસ છે.
હકીકતમાં તો જ્યારે કોઈ વિદેશી આયોગ કોઈ લોકશાહી દેશની સુરક્ષા એજન્સી પર પણ પ્રતિબંધની ભલામણ કરવા લાગે, ત્યારે આ માત્ર માનવ અધિકાર વિમર્શ નથી રહેતો. આ તે દબાણની રાજનીતિનો ભાગ બની જાય છે જેમાં વૈશ્વિક મંચોનો ઉપયોગ કોઈ દેશની નીતિઓ, સંસ્થાઓ અને તેની વૈચારિક ધારાને હાનિ પહોંચાડવા માટે કરવામાં આવે છે. આ દૃષ્ટિકોણથી જોઈએ તો આ રિપોર્ટ ધાર્મિક સ્વતંત્રતા પર નિષ્પક્ષ આકલન કરતાં ભારત વિરુદ્ધનો એક રાજકીય દસ્તાવેજ વધુ છે, જેમાં આલોચનાની ભાષાની પાછળ એક સ્પષ્ટ વૈચારિક એજન્ડા દેખાઈ આવે છે.
ભારતનું મૂલ્યાંકન કરનારું અમેરિકા કોણ?
આ આખા વિવાદમાંથી એક વાત સ્પષ્ટ થાય છે કે ભારતને એ માનવાની કોઈ ફરજ નથી કે કોઈ અમેરિકી આયોગ (જે વારંવાર એક નક્કી વૈચારિક ફ્રેમમાં ભારતને રજૂ કરે છે) આપણી જટિલ સામાજિક વાસ્તવિકતાઓ, ન્યાયિક માળખાં, સીમા-સુરક્ષાના પડકારો અને કાયદાઓનો અંતિમ નિર્ણાયક બની જાય. અમેરિકાના આ રિપોર્ટને ધ્યાનથી વાંચીએ તો તેમાં સૌથી સ્પષ્ટ બાબત ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની નિષ્પક્ષ ચિંતા નથી, પરંતુ ભારતની લોકશાહી જટિલતાઓને એક રાજકીય આરોપપત્રમાં ફેરવી દેવાની જૂની અને જાણીતી પશ્ચિમી પ્રવૃત્તિ દેખાય છે.
મહારાષ્ટ્રની ઘટના હોય, એન્ટી-કન્વર્ઝન કાયદાઓનો મુદ્દો હોય, રોહિંગ્યા અને ઘૂસણખોરીનો પ્રશ્ન હોય, વક્ફ સાથે જોડાયેલા સુધારા હોય કે હિંદુ સંગઠનોનું ચિત્રણ-લગભગ દરેક જગ્યાએ રિપોર્ટમાં તે જ ઉદાહરણો પસંદ કરવામાં આવ્યાં છે જે તેના અગાઉથી પૂર્વગ્રહના કારણે નક્કી કરેલા નિષ્કર્ષને મજબૂત કરે. જે તથ્યો તસવીરને જટિલ અથવા બહુસ્તરીય બનાવી શકે તેને કાં હાંસિયે મૂકી દેવામાં આવ્યાં છે અથવા તો બિલકુલ ઉલ્લેખથી બહાર રાખવામાં આવ્યાં છે. ખરેખર તો આ જ પ્રોપેગેન્ડાની સૌથી વધુ ઘાતક શૈલી છે.
હવે ભારતે એ પણ એટલી જ સ્પષ્ટતાથી કહેવું જોઈએ કે, પસંદગીપૂર્વકની ઘટનાઓ, અડધા સંદર્ભો અને વૈચારિક ભાષાથી બનેલાં અમેરિકી ચોપાનિયાં ભારતને ન તો નૈતિક રીતે શરમાવી શકે છે, ન તો રણનીતિક રીતે ઝુકાવી શકે છે. જે દેશ પોતે ઘૂસણખોરી, વંશ, ધાર્મિક ઘૃણા, વિદેશી હસ્તક્ષેપ અને બેવડાં વલણોથી મુક્ત નથી, તે ભારતને સભ્યતા, સહિષ્ણુતા અને સાર્વભૌમત્વનું પ્રમાણપત્ર વહેંચવાની સ્થિતિમાં નથી. ભારત અંગેનો નિર્ણય ભારતની જનતા, ભારતનું બંધારણ, ભારતનાં ન્યાયાલયો અને ભારતની લોકશાહી સંસ્થાઓ કરશે, અમેરિકા કે બીજાં બાહ્ય પરિબળોનો સ્હેજ પણ અધિકાર બનતો નથી.