પશ્ચિમ બંગાળની રાજનીતિમાં આજે જે મોટું પરિવર્તન દેખાઈ રહ્યું છે, તે કોઈ અકસ્માત નથી પણ જનતાના લાંબા સમયના આક્રોશનું પરિણામ છે. ૧૫ વર્ષના શાસન પછી 'દીદી'નો કિલ્લો કેમ ધ્વસ્ત થયો? ચાલો સમજીએ એવા ૧૦ કારણો જેણે બંગાળમાં મમતા સરકારની હાર અપાવી...!
૧. ૧૫ વર્ષની 'એન્ટી-ઈન્કમ્બન્સી' અને ભ્રષ્ટાચાર
કોઈપણ પક્ષ માટે ૧૫ વર્ષ સત્તામાં રહ્યા પછી જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવું અઘરું હોય છે. શિક્ષક ભરતી કૌભાંડથી લઈને રાશન કૌભાંડ સુધીના ગંભીર આક્ષેપોએ જનતામાં એવો સંદેશ આપ્યો કે સરકારમાં રહેલા લોકો સામાન્ય માણસના હકની ચોરી કરી રહ્યા છે.
૨. 'ભાઇપો ટેક્સ' અને સિન્ડિકેટ રાજનો ત્રાસ
બંગાળમાં 'કટમની' (લાંચ) અને ગેરકાયદે વસૂલાત સામાન્ય વાત બની ગઈ હતી. ઈંટ-સિમેન્ટ જેવી પાયાની વસ્તુ લેવા પર પણ જે ગેરકાયદે ટેક્સ ચૂકવવો પડતો, તેને લોકો 'ભાઇપો ટેક્સ' કહેવા લાગ્યા હતા. આ 'તોડબાજી' એ સામાન્ય વેપારી અને મધ્યમ વર્ગની કમર તોડી નાખી હતી.
૩. અભયા કાંડ અને નારીશક્તિનો પ્રચંડ આક્રોશ
આર.જી. કર મેડિકલ કોલેજની ઘટનાએ બંગાળની આત્માને હચમચાવી દીધી. એક મહિલા મુખ્યમંત્રીના શાસનમાં મહિલા ડૉક્ટર સાથે થયેલી ક્રૂરતા અને ત્યારબાદ પુરાવા નષ્ટ કરવાના કથિત પ્રયાસોએ મહિલા મતદારોને સરકારની સામે કરી દીધા. સુરક્ષાના મુદ્દે દીદી પરનો વિશ્વાસ તૂટી ગયો.
૪. સંદેશખાલી: આત્મસન્માનની લડાઈ
સંદેશખાલીમાં સ્થાનિક ટીએમસી નેતાઓ દ્વારા મહિલાઓ પર થયેલા અત્યાચારના અહેવાલોએ ગ્રામીણ બંગાળમાં ભય અને રોષનું વાતાવરણ પેદા કર્યું. મહિલાઓએ નક્કી કર્યું કે હવે તેઓ માત્ર યોજનાઓના પૈસા (લક્ષ્મી ભંડાર) નહીં, પણ સુરક્ષા અને સન્માન ઈચ્છે છે.
૫. મજબૂત હિન્દુ વોટબેંકનું એકત્રીકરણ
તુષ્ટિકરણની રાજનીતિએ હિન્દુ મધ્યમ અને ગરીબ વર્ગમાં અન્યાયની લાગણી જન્માવી હતી. લઘુમતી બજેટમાં તોતિંગ વધારો અને મુસ્લિમ બાહુબલીઓના વર્ચસ્વ સામે પોતાના અસ્તિત્વ અને સંસ્કૃતિને બચાવવા હિન્દુ મતદારો મજબૂત રીતે ભાજપ તરફ વળ્યા.
૬. મતદાર યાદીનું શુદ્ધિકરણ અને ઘૂસણખોરી પર લગામ
ચૂંટણી પંચે યાદીમાંથી અંદાજે ૯૦ લાખ જેટલા બોગસ નામો દૂર કર્યા. આ એવા મતો હતા જે વર્ષોથી ટીએમસી માટે 'સુરક્ષિત વોટબેંક'નું કામ કરતા હતા. આ શુદ્ધિકરણથી ટીએમસીના પરંપરાગત વોટિંગ ગણિતમાં મોટું ગાબડું પડ્યું.
૭. સંઘનું શતાબ્દી વર્ષ અને 'રાષ્ટ્રીયતા'નો પવન
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષને કારણે છેવાડાના ગામડાઓ સુધી રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જાયો. બંગાળી મતદારો આ વખતે પ્રાંતવાદની સીમાઓ ઓળંગીને 'નેશન ફર્સ્ટ' (રાષ્ટ્ર પ્રથમ) ના વિચાર સાથે જોડાયા, જેનો સીધો લાભ ભાજપને મળ્યો.
૮. આર્થિક પછાતપણું અને બેરોજગારી
ઉદ્યોગોના અભાવે બંગાળનો યુવાન બીજા રાજ્યોમાં મજૂરી કરવા મજબૂર થયો છે. ભાજપના 'ડબલ એન્જિન સરકાર'ના વાયદાએ યુવાનોમાં રોજગાર અને ઔદ્યોગિક વિકાસની નવી આશા જન્માવી, જે પરિવર્તનનું મોટું કારણ બન્યું.
૯. વિપક્ષનું પતન અને મતોનું વિભાજન અટક્યું
કોંગ્રેસ અને ડાબેરી પક્ષો નબળા પડતા ચૂંટણી સીધી 'ભાજપ વિરુદ્ધ ટીએમસી' બની ગઈ. ટીએમસી વિરોધી મતો હવે ક્યાંય વહેંચાયા વગર સીધા ભાજપની ઝોળીમાં પડ્યા.
૧૦. રેકોર્ડબ્રેક ૯૩% મતદાન: પરિવર્તનની લહેર
જ્યારે સામાન્ય જનતા આટલી મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળીને મતદાન કરે, ત્યારે તે પ્રસ્થાપિત વ્યવસ્થા પ્રત્યેનો આક્રોશ દર્શાવે છે. ઐતિહાસિક મતદાન હંમેશા સત્તા પરિવર્તનનો સંકેત હોય છે, જે આ વખતે મમતા બેનર્જી માટે કાળોતરો સાબિત થયો.
બંગાળની જનતાએ આ વખતે ડર છોડીને 'સોનાર બાંગ્લા'ના સપનાને હકીકત બનાવવા માટે મતદાન કર્યું છે. ભ્રષ્ટાચાર અને અરાજકતા સામે રાષ્ટ્રીયતા અને વિકાસની જીત થઈ હોય તેવું સ્પષ્ટ દેખાય છે.