પ્રકરણ - પ : એક એન્ટર અને ક્રાઈમની દુનિયામાં પ્રવેશ…

    ૧૯-ઓગસ્ટ-૨૦૧૮   

 
 
ગુલાલ ઊઠી ત્યારે એની આંખોમાં ગઈ રાતનો ઉજાગરો ડોકિયાં કરતો હતો. આંખો અને ચહેરો બંને ગુલાબી રંગે રંગાઈ ગયાં હતાં. એ નીચે આવી. ડ્રોઇંગમની ડાબી તરફ મંદિર હતું. તીણી ઘંટડી સાથે ધીમા અને સૂરીલા અવાજે એનાં મમ્મી કૃષ્ણભજન ગાઈ રહ્યાં હતાં. કૌશલ્યાબહેન અત્યંત આધુનિક અને વેલ એજ્યુકેટેડ હતા. પતિ હતા ત્યારે ખભે ખભા મિલાવી સાયબર વર્લ્ડ કંપનીનું કામ સંભાળતા. એમના ગયા પછી ગુલાલનાં આગ્રહને વશ થઈને કંપનીના માલિક તરીકે તેમનું નામ રહ્યું હતું અને ગુલાલ પોતાની કંપની હોવા છતાં સીઈઓ તરીકે રહી હતી. કૌશલ્યાબહેન કમ્યૂટર સોફ્ટવેરના એક્સપર્ટ હતા, પરંતુ તેમને હવે કમ્પ્યૂટર સોફ્ટર કરતાં કૃષ્ણ સેવામાં વધારે રુચી હતી. કંપનીના માલિક હતા પણ કામ બિલકુલ છોડી દીધું હતું. તમામ નિર્ણયો ગુલાલ અને નિખિલને સોંપી દીધા હતા.
 
એમણે ઘરમાં જ એક મોટું મંદિર બનાવડાવ્યું હતું. મંદિરના દરવાજા ચાંદીના પતરાથી મઢેલા હતા. અંદર ચારે તરફ આરસ હતો. સામે રાધા-કૃષ્ણની મૂર્તિ અને આજુબાજુ હનુમાનજી, ગણેશજી. ગુલાલ ઈશ્વરમાં માનતી હતી પણ એને રોજ સવારે હાથમાં આરતી લઈને ભગવાનનાં ગાણાં ગાવામાં બિલકુલ રસ નહોતો. એનું માનવું હતું કે ભગવાનની સ્તુતી બસ મનમાં કરીએ તો પણ ચાલે. રોજ મંદિરે જઈને અડધો કલાક બેસવું એના કરતાં સમય મળે ત્યારે આંખો બંધ કરી ભગવાન સમક્ષ પોતે કરેલા કે પોતાનાથી થઈ ગયેલા ગુનાઓની માફી માગવી અને પ્રાયશ્ચિત કરવું એ જ સાચી ભક્તિ. પણ કૌશલ્યાબહેનની વિચારસરણી એકદમ જુદી અને જૂની હતી. એ પૂજાપાઠમાં તો માનતાં જ પણ દાન-ધરમમાં એનાથી પણ વધારે માનતાં. એ દર મહિને - બે મહિને અનાથ બાળકો, વિધવાઓ, અપંગો વગેરે માટે દાનનો કાર્યક્રમ અવશ્ય કરતાં. રોજ સવારે છ વાગ્યાથી લઈને આઠ - સાડા આઠ સુધી કૌશલ્યાબહેન મંદિરના ગોખમાં પુરાઈ રહેતાં અને રાધા-કૃષ્ણનાં ભજન કરતાં.
 
ગુલાલ ફ્રેશ થઈને બહાર આવી. આજે એણે ફોર્મલ વેર ન પહેરતાં બ્રાન્ડેડ ડાર્ક બ્લ્યુ જિન્સ અને પિન્ક ટિશર્ટ પહેર્યું. નીચે આવી ત્યારે કૌશલ્યાબહેન એના પપ્પાની હાર ચડાવેલી છબી સામે હાથ જોડીને ઊભા હતાં. ગુલાલની નજર પણ તસવીર પર પડી. મન ઢીલું થાય એ પહેલાં જ એણે નજર હટાવી લીધી અને બોલી, ‘ગુડમોર્નિંગ મોમ!’
‘જય શ્રીકૃષ્ણ બેટા!’
‘ચાલ, ફટાફટ નાસ્તો આપી દે, મારે ઓફિસ જવું છે.’
‘પણ હજુ તો વાર છે, બેટા!’
‘કાંઈ વાર નથી. મારે આજે મીટિંગ છે.’ ગુલાલ જૂઠ્ઠું બોલી, હકીકતમાં એ ગાડીમાં બેસીને મલ્હાર સાથે ચેટિંગ કરવા માંગતી હતી. ફટાફટ નાસ્તો કરીને એ નીકળી. ગાડીની બેક સીટમાં ગોઠવાઈ. ગાડી એના શાહીબાગ સ્થિત બંગલેથી નીકળીને ઇન્દિરા બ્રિજ પર ચડી. એ દરમિયાન એણે ફેઈસ બુક પર મલ્હારનો કોઈ મેસેજ નહોતો. તરત એણે જી-મેઈલ એકાઉન્ટ ઓપન કર્યુ. મેઈલ આઈ.ડી. ટાઈપ કર્યુ. પાસવર્ડ નાંખવાનો બાકી હતો.ત્યાંજ એનો સેલ રણકી ઊઠ્યો. કોણ છે વળી સવાર સવારમાં. એણે કંટાળાના ભાવ સાથે સેલની સ્ક્રિન પર નજર સ્થિર કરી. સ્ક્રિન પર મિ. આહુજાનું નામ ડિસ્પલે થઈ રહ્યું હતું. મિ. આહુજા એમના દિલ્હીના એક મોટા ક્લાયંટ હતા. એમના તરફથી ગુલાલની કંપનીને મિનિમમ પાંચેક કરોડ રૂપિયાનો કોન્ટ્રેક્ટ મળતો હતો. ગુલાલની અનિચ્છા હોવા છતાં એણે એમનો કોલ રિસિવ કરવો પડ્યો, ‘હેલો, મિ. આહુજા! ગુડમોર્નિંગ..’
‘વેરી ગુડ મોર્નિંગ, મિસ. ગુલાલ!’
‘બોલીયે.. બોલીયે.. આહુજાજી...! સુબહ સુબહ કૈસે યાદ કિયા. ગુલાલને ખબર હતી કે આહુજાને ગુજરાતી નથી આવડતું એટલે એણે હિન્દી અને અંગ્રેજીમાં જ વાત શરૂ કરી.
 
‘મેડમ, ઈસ બાર ઓર્ડર બહુત બડા હૈ... ઔર સમય કમ હૈ. ટાઈમ પર ડિલિવરી તો હો જાયેગી ના?’
‘યેસ, અફકોર્સ! યુ નો મિ. આહુજા, વી આર ધી બેસ્ટ એટ અવર પ્રોડક્ટ એન્ડ અવર ડિલિવરી શેડ્યુલ. યુ ડોન્ટ વરી! હમને વક્તકે અંદર પ્રોડક્ટકી ડિલિવરી નહીં કી હો ઐસા કભી હુઆ હૈ ક્યા ?’
‘નહીં! ઐસા હુઆ તો નહીં, લેકિન ઈસ બાર મામલા જરા પેચીદા હૈ. અગર આપ સે થોડી સી ભી ગલતી હો ગઈ તો હમારા ઔર આપકા કરોડોંકા નુકસાન હો જાયેગા.’
‘બી પોઝિટિવ મિ. આહુજા!’
‘અચ્છા ઠીક હૈ, લેકિન મૈં આપસે એક દૂસરી બાત ભી કરના ચાહતા હૂં! અગલી બાર આપને જો સિકયુરિટીઝ કંપની કે લિયે જો સોફ્ટવેર દિયે થે વો.....’
મિ. આહુજા કોલ પર જુદા જુદા સોફ્ટવેરની વાતો કરતા રહ્યા. ગુલાલને કંટાળો આવી રહ્યો હતો પણ એ ફોન ડિસ્કનેક્ટ પણ નહોતી કરી શકતી. આખરે પૂરી ચાલીસ મિનિટ પછી મિ. આહુજાએ સેલ ડિસ્કનેક્ટ કર્યો ત્યારે ગુલાલની ગાડી એની કંપનીના પાર્કિંગમાં પ્રવેશી રહી હતી.
ગુલાલ આજે થોડી વહેલી હતી. માંડ ચારેક લોકો જ આવ્યા હતા. એ એક પછી એક ક્યુનિકલ્સના બોકસ પર નજર દોડાવતી એની કેબિન તરફ આગળ વધી. એ વખતે પટાવાળો ધવલ એની કેબિનમાં હતો અને કોમ્પ્યુટર સાફ કરી રહ્યો હતો. કેબીનની બહારના બોક્સમાં એની સેક્રેટરી કમ ફ્રેન્ડ અંતરા બેઠી હતી. પણ ગુલાલ તરફ એનું ધ્યાન નહોતું. એ પણ એના કોમ્પ્યુટર પર કંઈક કરવામાં મશગૂલ હતી. ગુલાલ ડોર ઓપન કરીને અંદર પ્રવેશી ત્યારે એનું ધ્યાન એના પર પડ્યું.
ગુલાલને જોતાં જ ધવલે કહ્યું, ‘ગુડ મોર્નિંગ મેડમ!’
‘વેરી ગુડ મોર્નિંગ! મજામાં ?’ ગુલાલને ધવલ સાથે બહુ બનતું. એ બોસ હતી અને અને ધવલ પ્યૂન પણ બંને વચ્ચે મજાકનો પણ સારો એવો સંબંધ.
‘હા, મેડમ!’ ધવલે જવાબ આપ્યો.
‘શું કરે છે તારો દીકરો?’
‘બસ, મોટો થાય છે.’ ધવલે ટીખળ કરી. ગુલાલે પણ એવો જ જવાબ આપ્યો, ‘બહુ સરસ કહેવાય. મને તો ડર હતો કે એ તારી જેમ નાનો ને નાનો જ ના રહી જાય.’
‘હે...હે....હે...’ ધવલ હસ્યો
‘કેટલું ભણે છે?’
‘રોજ કલાક તો ખરો જ!’
આ વખતે ગુલાલને પણ હસવું આવી ગયું, ‘ચાલ જા હવે, મારા માટે એક ગરમાગરમ કોફી લઈ આવ.’
ધવલ બહાર ગયો. ગુલાલે ફટાફટ કમ્પ્યુટર ઓન કર્યું.
ઈનબોક્સમાં આવેલા ન્યૂ મેઈલ્સ પર એક નજર દોડાવી લીધી. મલ્હારનો એકેય મેસેજ નહોતો. પણ એ કંઈ વિચારે એ પહેલાં જ ફેઈસબૂકની ચેટિંગ વિંડોમાં મેસેજ આવી ગયો. ‘હાય, ગુલાલ ગુડ મોર્નિંગ! મલ્હારના મેસેજથી ગુલાલની મોર્નિંગ ખરેખર ગુડ થઈ ગઈ હતી. પણ ગુલાલે મેસેજનો જવાબ આપવામાં જાણી જોઈને વાર કરી. મલ્હાર એના મનની અધિરતા જાણી ન જાય એટલા માટે જ. એણે એના મનના ઉમંગને દાબી દેતાં સાવ ખોટો પ્રતિભાવ આપ્યો, ‘હેલ્લો !’
‘ગઈ કાલે હું તમને ખૂબ મિસ કરતો હતો!’
‘યા!’ ગુલાલે તો લખવું હતું કે મારી જેટલું મિસ તે નહીં કર્યું હોય. પણ એ ના લખી શકી, એણે ફરીવાર કોરોધાકોર પ્રતિભાવ આપ્યો.
‘એક વાત પૂછુ ?’ મલ્હારે ક્વેશ્ચન કર્યો.
‘હા, પૂછોને!
‘તમારા એફબી પર તમારી ડિટેઈલ નથી. તમે શું કરો છો? તમારું હોમ ટાઉન કયું છે?’
‘હું અમદાવાદમાં રહું છું. સાયબર વર્લ્ડ પ્રા.લિ. નામની કંપનીમાં સી.ઈ.ઓ. છું!’ એેને ખબર હતી કે ચેટિંગ કે મેઈલ પર અજાણ્યા લોકોને પોતાની સાચી માહિતી આપવાનું ખતરનાક સાબિત થઈ શકે છે એટલે જ એણે મલ્હાર સાથે હજુ એનો મોબાઈલ નંબર શેર નહોતો કર્યો, પણ કોણ જાણે કેમ ગુલાલ આ વખતે ખુદને રોકી ના શકી. એણે મલ્હારને એની સાચી માહિતી આપી દીધી.’
 
‘ઓ બાપ રે. ’સી.ઈ.ઓ. !’ મલ્હારે મોં ફાડેલું સ્માઈલી મોકલ્યું.
‘હા, પણ તમારા વિશે પણ કંઈક જણાવો. કારણ કે તમારા એફબીમાં પણ તમારા શહેર મુંબઈ અને સ્ટુડેન્ટ સિવાય કોઈ ડિટેઈલ નથી. એ પણ સાચી છે કે ખોટી ભગવાન જાણે.’
‘એ ડિટેઈલ સાચી જ છે. હું મુંબઈમાં જ રહું છું. અને પી.એચ.ડી. કરું છું.’
‘ફાઈન !’
‘બીજી એક વાત પૂછું ?’
‘યેસ, ફ્રેન્ડશિપમાં વળી પૂછી પૂછીને પૂછવાનું ના હોય!’
‘આઈ નો ધેટ! બટ, જ્યારે ફ્રેન્ડ કોઈ ગર્લ હોય અને એને એની ઉંમર વિશે પૂછવાનું હોય ત્યારે વિચાર કરવો પડે કે નહીં? શું કહેવું છે તમારું?’ મલ્હારે બહુ ચતુરાઈપૂર્વક ગુલાલને એની ઉંમર પૂછી લીધી હતી. સામે ગુલાલને પણ મજાક કરવાનું મન થયું, ‘કંપનીની સી.ઈ.ઓ છું! ધારી લોને!’
‘તમારો પ્રોફાઈલ ફોટો સાચો હોય તો પચ્ચીસ નહીંતર પચાસ પણ હોઈ શકે. મલ્હારના મેસેજમાંથી પણ એનો નિસાસો સંભળાઈ રહ્યો હતો.
‘યુ.આર આઈટ ! ઓન્ટલી ટ્વેન્ટી ફાઈવ. એન્ડ યેસ મારો ફોટો પણ સાચો છે.’
‘વાઉ!’ મલ્હારનો ઉમળકો મેસેજમાંય છતો થઈ ગયો. પણ એણે એને પાછો વાળવાની જરાય કોશિશ ના કરી, એણે મેસેજ મોકલ્યો, ‘સારું થયું તમે પચ્ચીસના છો. પચાસેક વર્ષનાં હોત તો મારો તો મૂડ ખરાબ થઈ જાત. મને મોટી ઉંમરની સ્ત્રીઓ સાથે બહુ ફાવતું નથી.’
‘કેમ ?’
‘રિશ્તેદારી હંમેશાં બરાબર વાલોં મેં હોતી હૈ! ઉંમરના સંદર્ભે કહું છું.’ મલ્હારે ડાયલોગ ફટકાર્યો.
સામેથી ગુલાલનો મેસેજ આવ્યો, ‘તમે મારી ઉંમર પૂછી લીધી. પણ તમારી ઉંમર તો કહી જ નહીં.
‘એફબી પર મારો ફોટો ય સાચો છે. એના પરથી અંદાજ લગાવી લો અને તો યે ખબર ના પડે તો મારી એઈજ તમને મારા મેઈલ પરથી મળી જશે!’ મારી પાસે તમારું મેઈલ આઈ.ડી. છે. હું તમને મેઈલ કરીશ. ઓ.કે બાય!’ મલ્હારે અચાનક વાત પર પૂર્ણ વિરામ મુકી દીધું. ગુલાલે ઘણી વાત કરવી હતી પણ એ કંઈ કહી ના શકી. એણે પણ ‘બાય’ કહીને વાત પૂરી કરી દીધી. હવે ઈન્તજાર હતો મલ્હારના મેઈલનો.
 
***
 
એ પછી આખો દિવસ મલ્હાર તરફથી ગુલાલને કોઈ મેસેજ ના મળ્યો. એ ચેટિંગ પર પણ ઓન લાઈન નહોતો થયો. એ રાત પણ ગુલાલે ફેઈસબૂક પર ફ્રેન્ડઝ સાથે જ વિતાવી દીધી. રાત્રે ત્રણ વાગે ઊંઘી ત્યાં સુધી મલ્હાર તરફથી કોઈ મેઈલ કે મેસેજ નહોતો. બીજા દિવસે સવારે આંખોમાં ઉજાગરો આંજીને ઓફિસ આવી. એ આવી તરત જ અંતરા ડેઈલી વર્કના લિસ્ટની ડાયરી લઈને એની કેબિનમાં ઘૂસી ગઈ,
‘ગુડ મોર્નિંગ મેડમ!’
‘કેટલી વાર કહ્યું મેડમ નહીં કહેવાનું!’
‘સોરી પણ ફાવતું નથી.’
‘ફવડાવવાનું! બોલ શું કામ હતું?’
‘બસ આજની મિટિંગ્સ અને કેટલાક ઈમ્પોર્ટન્ટ કોલ્સ આવ્યા હતા એ રિમાઈન્ડ કરાવવાનું હતું.
‘ઓ.કે કન્ટીન્યુ!’
અંતરાએ પાંચ જ મિનિટમાં મિટિંગ્સ અને કોલ્સની યાદી આપી અને એ ચાલી ગઈ. ગુલાલે મેઈલ ઓપન કર્યું. એમા મલ્હારનો પણ મેઈલ હતો.રાતે સાડા ત્રણ વાગે મલ્હારે એને મેઈલ કર્યો હતો. એનો મતલબ એ થયો કે ગુલાલની યાદમાં એને પણ ઊંઘ નહોતી આવતી. ગુલાલે ફટાફટ એ ઓપન કર્યો. મેઈલ લેટર એકદમ કોરો હતો. મલ્હારે લેટરના ખૂણામાં નીચે એના નામ સિવાય એક પણ શબ્દ નહોતો લખ્યો. ગુલાલ વિચારવા લાગી. ગમે તે હોય છોકરામાં સ્ટાઈલ તો છે. એણે કંઈ જ ના કહીને ઘણું બધું કહી દીધું હતું. આ પત્રનો જવાબ હવે કેવી રીતે આપવો એ વિચારી રહી હતી. થોડાક જ થિંકિંગ પછી એણે કોરા કાગળનો જવાબ કોરા કાગળથી આપવાનું પસંદ કર્યુ. એણે તરત જ કંપોઝ બોક્સમાં માત્ર એનું નામ લખીને સેન્ડ પર એન્ટર મારી દીધું. પણ એને ખબર નહોતી કે આ એન્ટર મારીને એ સાઇબર ક્રાઇમની વ્હાઇટ ગુનાખોરીની દુનિયામાં એન્ટર થઈ ચૂકી હતી.
 
(ક્રમશ:)
 
પ્રકરણ ૧ની લિંક.... 
 
પ્રકરણ ૨ની લિંક....
 
પ્રકરણ ૩ની લિંક....
 
પ્રકરણ ૪ની લિંક....