પ્રકરણ-૩ । આપ્ટે સંઘના સક્રિય કાર્યકર્તા બની ગયા. થોડા સમય પછી સંઘ કાર્યાલય એમનું ઘર બની ગયું.

યાદવરાવને સંઘજીવનનો પહેલો ગણવેશ બાબાસાહેબે જ બનાવી આપ્યો હતો.

    ૧૦-માર્ચ-૨૦૨૩
કુલ દૃશ્યો |

Babasaheb Apte Jivani  
 

પ્રથમ પ્રચારક બાબાસાહેબ આપ્ટે । Babasaheb Apte Jivani । પ્રકરણ - ૩

૧૯૨૫માં વિદ્યાર્થીમંડળની નિશ્રામાં ‘ગીતા જયંતી’નો કાર્યક્રમ કરવાનું નક્કી થયું. યુવાનોને ગીતા સંબંધી આકર્ષણ તો થતું હતું. દેશના મોટા ભાગના ક્રાંતિકારીઓ બલિદાન દેતી વખતે ગીતાને હૃદય સાથે ચાંપી હસતાં હસતાં ફાંસીને માંચડે ચઢી ગયા હતા.
 
શ્રી આપ્ટેની સલાહ પ્રમાણે આ કાર્યક્રમ માટે ડૉ. હેડગેવારને અતિથિ તરીકે આમંત્ર્યા હતા. આ પહેલાં ડૉ. હેડગેવાર અને આપ્ટે વચ્ચે થોડોઘણો પરિચય થયો હતો. ડૉ. હેડગેવારે અનુરોધ માની લીધો. આ પછી જ કાર્યક્રમ થયો એ અત્યંત ઉત્સાહવર્ધક સાબિત થયો. યુવાનોને ડૉ. હેડગેવારનું પ્રવચન અત્યંત સ્ફૂર્તિપ્રદ લાગ્યું. એમણે ખૂબ આસ્થાપૂર્વક વિદ્યાર્થી મંડળના કામકાજ અંગે પૂછપરછ કરી. એ જ રીતે એમણે તાજેતરમાં જ સ્થાપેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે અમને માહિતી આપી.
 
સંઘના લોકો સાલુબાઈ મોહિતેના વાડામાં એકત્રિત થાય છે એવી માહિતી મળતાં કેટલાક લોકોએ ત્યાં જઈ સંઘકાર્યને નજીકથી જોવાનું શરૂ કર્યુ. આપ્ટેજીનો પણ ડૉ. હેડગેવાર સાથે સંપર્ક વધતો ગયો. તેઓ ડૉ. હેડગેવારના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં ભળી ગયા. આપ્ટેજીનો રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત ભાવ, હિન્દુઓને સંગઠિત થવાની આવશ્યકતા તથા વિદ્યાર્થીઓ સાથે એમના અત્યધિક સ્નેહાળ વ્યવહારને કારણે અમને લાગતું હતું કે દેશ અને યુવકોની બધી આકાંક્ષાઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પૂરી થઈ શકે એમ છે, આથી વિદ્યાર્થીમંડળનું કોઈ અલગ અસ્તિત્વ ન રાખતાં અમે બધા સંઘમાં જોડાઈ ગયા. આપ્ટે સંઘના સક્રિય કાર્યકર્તા બની ગયા. થોડા સમય પછી એમણે સમગ્ર જીવન જ સંઘને સમર્પી દીધું. સંઘ કાર્યાલય એમનું ઘર બની ગયું.
 
શ્રી મનોહરરાવ ઓક નાના ભિશિકરના સહપાઠી. નાનાને લીધે જ તેઓ બાબાસાહેબના સંપર્કમાં આવ્યા. વિદ્યાર્થીમંડળમાં તેઓ પણ બાબાસાહેબ પાસેથી દેશભક્તિના પાઠો ભણ્યા. નાગપુરના સીતાબર્ડીમાં આવેલ રાજારામ વાચનાલયમાં મંડળના સાર્વજનિક કાર્યક્રમો થતા. એક વાર ત્યાં સંત શ્રી પાચલેગાંવકર મહારાજનું પ્રવચન થયું. આ કાર્યક્રમ દરમિયાન કેટલાક તરુણ વિદ્યાર્થીઓ સાથે બાબાસાહેબે ‘તુમ્હી આમ્હી સકળ હિન્દુ બંધુ બંધુ’ ગીત ગાયું હતું. શ્રી મનોહરરાવ ઓકે આનો વિશેષ ઉલ્લેખ કર્યો છે. આ જ રીતે એમણે એક બીજો વિશેષ ઉલ્લેખ કર્યો છે. સીતાબર્ડીના સાર્વજનિક ગણેશ ઉત્સવમાં કહેવાતા અસ્પૃશ્ય બંધુઓનો પ્રવેશ નિષેધ હતો. બાબાસાહેબે એમને પ્રવેશવા દેવાની માગણી કરી. એમને કહેવામાં આવ્યું કે આ માટે સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળની સાધારણ સભામાં આ અંગે પ્રસ્તાવ પસાર થાય એ જ‚રી છે. આ પછી બાબાસાહેબે અનેક વ્યક્તિઓને મંડળમાં સભ્ય થવા માટે પ્રેર્યા. સામાન્ય સભાની બેઠક થઈ. મંડળના ગણેશ ઉત્સવમાં અસ્પૃશ્યોને ભાગ લેવા દેવાની અનુમતિ આપતો પ્રસ્તાવ સ્વાભાવિકપણે પસાર થઈ ગયો. પાછળથી એમની પ્રત્યક્ષ ભાગીદારીનું સહર્ષ સ્વાગત કરવામાં આવ્યું. દેશભક્તિ અને હિન્દુ સંગઠન વિશે બાબાસાહેબનો આવો સક્રિય ઉત્સાહ હતો. ડૉ. હેડગેવાર સાથે પરિચય થયા પછી ધીરે ધીરે બાબાસાહેબની સંપૂર્ણ જીવનધારા જ બદલાઈ ગઈ.
 
તમે દાસબોધ વાંચો છો ?
 
મેટ્રિક પરીક્ષા પહેલાં કેટલાંક વર્ષ સુધી યાદવરાવજી બાબાસાહેબ સાથે જ રહેતા હતા. અહીં જ અભ્યાસ કરતા હતા. કાર્યાલયમાં આવતા નાના મોટા સ્વયંસેવકો સાથે બાબાસાહેબ ટોળટપાં કરતા. બાબાસાહેબને શ્રી સમર્થ રામદાસ સ્વામીનો ‘દાસબોધ’ ગ્રંથ અત્યંત પ્રિય. એમનો અભિપ્રાય એ હતો કે કાર્યકર્તાનો વ્યવહાર કેવો હોય, વ્યક્તિઓને કેવી રીતે જોડવા જોઈએ, એમને અભીષ્ટ કાર્ય તરફ કેવી રીતે વાળવા જોઈએ વગેરે સંબંધી દાસબોધમાં અત્યંત ઉત્કૃષ્ટ માર્ગદર્શન આપ્યું છે. તેઓ કહેતા કે સ્વયંસેવકોએ દાસબોધ અવશ્ય વાંચવો જોઈએ. સ્વયંસેવકોના વિકાસમાં દાસબોધનું અધ્યયન અત્યંત સહાય કરશે એમ તેઓ માનતા હતા. એક વાર એમણે યાદવરાવજી (પછીથી યાદવરાવજી સંઘના પ્રચારક અને અખિલ ભારતીય અધિકારી બન્યા હતા.) અને એમના મિત્રોને પૂછ્યું, ‘તમે દાસબોધ વાંચો છો ?’ બધાએ નકારમાં ડોક હલાવી. જવાબ મળ્યો કે અમારી પાસે દાસબોધ નથી. બાબાસાહેબ પાસે દાસબોધની એક જ નકલ હતી. આ સમસ્યાનું સમાધાન કરવા બાબાસાહેબ વહેલી સવારના ત્રણ વાગ્યે ઊઠવા લાગ્યા. ઊઠ્યા પછી દાસબોધનો એક અધ્યાય લખી નાખતા. યાદવરાવ મળે કે તુરત જ એમને કહેતા, ‘આ તમે વાંચો અને પછી તમારા મિત્રોને વાંચવા આપો.’ આ ક્રમ કેટલાય દિવસ ચાલતો રહ્યો. સ્વયંસેવકો પ્રત્યે આત્યંતિક પ્રેમ અને એમના વિકાસની અત્યંત તીવ્ર ઇચ્છા વિના કોઈ આટલું કષ્ટ શા માટે વેઠે ?
 
યાદવરાવ એક બીજું હૃદયસ્પર્શી સંસ્મરણ સંભળાવે છે. એમની મેટ્રિકની પરીક્ષા હતી. પરીક્ષા સવારના સાત વાગ્યે શ‚ થતી. યાદવરાવ નાહી-ધોઈ પરીક્ષા માટે બહાર આવે એ પહેલાં જ બાબાસાહેબ શીરાની થાળી એમની સામે મૂકી દેતા. એ શીરો ખાઈ, બાબાસાહેબના વાત્સલ્ય-ભાવથી તૃપ્ત બની યાદવરાવ પ્રસન્ન મને પરીક્ષા આપવા જતા. સ્વયંસેવકો પ્રત્યે આ જ વાત્સલ્યભાવ, આ જ આત્મીયતા ! આગળ જતાં સમગ્ર દેશમાં પ્રવાસમાં બાલ-કિશોર સ્વયંસેવકોને આ નિર્ભેળ સ્નેહ અને વાત્સલ્યનો અનુભવ થતો હતો. ભરયુવાનીમાં પણ તેઓ એમની ઉંમર કરતાં વધુ મોટા દેખાતા હતા. એના કારણે સ્વયંસેવકોને એમનો આ વાત્સલ્યભાવ બહુ સરસ લાગતો હતો. યાદવરાવને સંઘજીવનનો પહેલો ગણવેશ બાબાસાહેબે જ બનાવી આપ્યો હતો. યાદવરાવ કહેતા, ‘બાબાસાહેબ એક સાથે માતા અને ગુરુ એમ બંને ભૂમિકા ભજવતા હતા.’
 
ડૉક્ટરજીને આ પસંદ ન હતું....
 
સમય જતાં સંઘના વરિષ્ઠ અધિકારી બનેલ શ્રી કૃષ્ણરાવ મોહરીરે આ પ્રસંગ કહ્યો હતો. બાબાસાહેબ અત્યંત આગ્રહી સ્વભાવના હતા. ૧૯૩૦, સત્યાગ્રહ આંદોલન પહેલાંનો સમય. બાબાસાહેબ પોતે તકલી પર સૂતર કાંતતા હતા. એમણે દાઢી પણ વધારી હતી. ડૉક્ટરજીને આ પસંદ ન હતું. એનાથી માણસ બીજા કરતાં અલગ દેખાય છે. આથી ડૉક્ટર સાહેબને થતું કે સામાન્ય માણસની જેમ રહેવું જોઈએ, પણ કોઈને એકદમ ‘આ કરો, આ ન કરો’ કહેવાનો એમનો સ્વભાવ ન હતો. આ વાત એમની કાર્યપદ્ધતિને અનુકૂળ ન હતી. તેઓ યોગ્ય અવસરની રાહ જોઈ રહ્યા હતા. વિજયાદશમીના ઉત્સવ ‚પે એ અવસર આવી ગયો. વિજયાદશમીની પૂર્વસંધ્યાએ શસ્ત્ર-પૂજન અને બીજે દિવસે સવારના સંચલનનો કાર્યક્રમ હતો. ડૉક્ટરજીએ બાબાસાહેબને પૂછ્યું, ‘ઉત્સવમાં તો આપ ગણવેશમાં જ ઉપસ્થિત રહેશો ને ?’ આપટેજીએ તરત જ હા કહી દીધી. ‘પણ ગણવેશમાં તમારી આ દાઢી નહીં ચાલે. એ કઢાવી નાખવી પડશે.’ શસ્ત્રપૂજનના કાર્યક્રમમાં આપટેજીએ દાઢી કઢાવી ન હતી. રાતના બધાની સાથે સાથે બાબાસાહેબે પણ ગણવેશની તૈયારી કરી. સવારના ત્રણ વાગ્યે કહે, ‘હવે દાઢી કરાવવી પડે.’ એ દિવસોમાં માધવ નામનો એક હજામ ગેસની બત્તી સળગાવી આખી રાત દુકાન ઉઘાડી રાખતો હતો. બાબાસાહેબે એની પાસે જઈ દાઢી કરાવી અને બીજા સ્વયંસેવકોની જેમ ગણવેશ પહેરી પંક્તિમાં ઊભા રહી ગયા. ડૉક્ટર સાહેબ પણ એમને તરત તો ઓળખી શક્યા નહીં. સંઘમાં પ્રવેશ કરતાંની સાથે જ એમને પાકો પાઠ મળી ગયો હતો કે પોતાના આગ્રહો બાજુએ રાખી અનુશાસનનું પાલન કરવું જોઈએ. આ અનુભવથી ડૉક્ટર સાહેબને ખૂબ જ સંતોષ થયો.
 
આ આંદોલનકાળની બે ઘટનાઓનો ઉલ્લેખ કરતાં શ્રી કૃષ્ણરાવ મોહરીરે કહ્યું, ‘ડૉક્ટરજીનો બાબાસાહેબ પર કેટલો વિશ્ર્વાસ હતો અને એ કેટલો સાર્થક હતો, એની આ ઘટનાઓ સાક્ષી છે. ડૉક્ટરજીએ પોતે જંગલ સત્યાગ્રહમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો અને એ પણ વ્યક્તિગત ‚પે. એમણે સરસંઘચાલકની જવાબદારી હંગામી ધોરણે ડૉ. લ . વા. પરાંજપેને સોંપી, પરંતુ શાખાકાર્ય પ્રત્યે ધ્યાન આપવાની જવાબદારી બાબાસાહેબને ભળાવી. એ દિવસોમાં નાગપુરને બાદ કરતાં વિદર્ભમાં ૬૦ શાખાઓ હતી. ડૉક્ટર સાહેબના નવ મહિનાના જેલવાસ દરમિયાન બાબાસાહેબે આ બધી શાખાઓનો પ્રવાસ કર્યો અને ક્યાંય કોઈ ઊણપ આવવા દીધી નહીં. એમણે બધે જ કાર્યવૃદ્ધિની પ્રેરણા આપી. નાગપુરનું સંઘકાર્ય તો ડૉક્ટરજીની અનુપસ્થિતિમાં વધી ગયું હતું. ડૉ. પરાંજપે દર મહિને ડૉક્ટર સાહેબને જેલમાં મળતા અને કાર્ય વિશેની બધી માહિતી આપતા.
 
કૃષ્ણરાવ કહે છે :  
 
કૃષ્ણરાવ કહે છે : આંદોલનના આ સમય દરમિયાન અમારી સ્વયંસેવકોની સત્યાગ્રહમાં ભાગ લેવાની અત્યંત તીવ્ર ઇચ્છા હતી. ડૉક્ટરજીએ પોતે સત્યાગ્રહમાં ભાગ લીધો એ પછી તો અમને લાગતું હતું કે અમે પણ એમાં કૂદી પડીએ. એક દિવસ મેં બાબાસાહેબને કહ્યું, ‘આપણે પણ સત્યાગ્રહીઓની એક ટુકડી બનાવીએ અને સત્યાગ્રહ કરી જેલમાં જઈએ એવી ઇચ્છા થાય છે.’ મારી આ વાત સાંભળી બાબાસાહેબે ખૂબ શાંતિથી કહ્યું, ‘ઠીક છે પહેલાં ૬૦ થેલી તૈયાર કરો. આ પછી આપણે પ્રત્યેક શાખા પર જઈ કહીશું, ‘ડૉક્ટરજી તો જેલમાં ગયા છે. હવે અમે પણ એ જ રસ્તે જવાના છીએ, આથી શાખાનો ધ્વજ આ થેલીમાં મૂકી દો. આ રીતે બધી શાખાઓ બંધ કરી દઈશું, આ પછી આરામથી જેલમાં જઈશું.’ બાબાસાહેબના આ વ્યંગ્યાત્મક શબ્દોનો આશય તુરત જ સમજાઈ ગયો. ડૉક્ટર સાહેબે અમને કાર્ય વધારવાની અને શાખાઓ વ્યવસ્થિત ચલાવવાની જવાબદારી સોંપી હતી, શાખાઓ બંધ કરી જેલમાં જવાની નહીં. આ પ્રસંગને કારણે સંઘશાખા પ્રત્યેનો બાબાસાહેબનો ગાઢ આગ્રહ, ચિંતન અને નેતૃત્વ પ્રત્યેનો નિષ્ઠાનો અનુભવ અમને સૌને થયો.
 
(ક્રમશ:)