દેવતાઓની ભૂમિ ગણાતા કેરળના વાયનાડમાં પ્રકૃતિએ ભારે તારાજી સર્જી છે. અતિ ભારે વરસાદને કારણે કેરળના વાયનાડમાં ભૂસ્ખલન એટલે કે જમીન ધસી પડવાને કારણે આ લખાય છે ત્યાં સુધીમાં (તા. ૩૦-૭-૨૦૨૪, સાંજે ૯ વાગે) ૧૭૫થી વધુ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે, ૧૩૦ કરતા વધારે લોકો હોસ્પિટલમાં છે અને ૨૨૦થી વધારે લોકોનો હજી પણ કોઈ જ અતો પતો નથી. ૩૦ જુલાઈ રાત્રે આવેલી આ આફત બાદથી જ રાહત- બચાવ કાર્ય ચાલુ છે. NDRF સેના અને વાયુ સેનાની મદદથી લગભગ ૪૦૮૦થી વધારે લોકોને બચાવવામાં આવ્યા છે. પ્રાકૃતિક આપદાને કારણે ૩૦૦૦થી વધારે લોકો વિસ્થાપિત બનતાં તેઓને રાહત શિબિરમાં રાખવામાં આવ્યાં છે.
સંઘ (RSS)ના સ્વયંસેવકો પીડિતોની વ્હારે
પ્રત્યેક કુદરતી હોનારતની જેમ આ વખતે પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો પીડિતોની મદદ કરવા ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ઠેર-ઠેર સંઘ સ્વયંસેવકો પીડિતોની મદદ કરતા જોવા મળી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા જરૂરિયાતમંદોને ભોજનવિતરણથી માંડી દવાના છંટકાવ સહિતની કામગીરી કરી રહ્યા છે. આ કુદરતી આપત્તિ બાદ 'સેવા ભારતી'ના નેજા નીચે રા. સ્વ. સંઘના સ્વયંસેવકો અગ્રિમ પંક્તિમાં રહીને પીડિતોની ચિકિત્સા, ભોજનથી લઈને જીવનજરૂરી અન્ય સહાયતા અને મૃતકોના અગ્નિસંસ્કાર સુધીનાં કામો હાથ ધર્યાં છે.
ઉલ્લેખનીય છે કે, આ એજ વાયનાડ છે જ્યાંથી વિપક્ષના નેતા રાહુલ ગાંધી સતત બે વખત ભારે બહુમતીથી ચૂંટાઈ આવ્યા છે. અને આ વખતે રાયબરેલીથી ચૂંટાયા બાદ તેઓએ આ બેઠક છોડી દીધી છે. સતત બે વખતથી જે જનતાએ તેમને ભારે મતોથી ચૂંટ્યા હતા તેજ વાયનાડની જનતાને રાહુલ ગાંધીએ તેમના હાલ પર છોડી દીધી છે અને હજુ સુધી ત્યાં ડોકાવા પણ ગયા નથી. જરા વિચાર કરો આવું ભાજપ શાસિત રાજ્યમાં થયું હોત તો? તો રાહુલ અને વિપક્ષ રાજકારણ રમવા મચી પડ્યું હોત. આ લોકો રાજકારણ કરવા તરત સ્થળે પણ પહોંચી જાત. હકીકત એ છે કે, નાની-નાની વાતો પર ટ્વીટોની વણઝાર લગાવી દેનાર રાહુલ ગાંધીએ વાયનાડવાસીઓ માટે સંવેદનાના બે શબ્દો પણ લખ્યા નથી. બીજી બાજુ માનવતાને આગળ રાખી રા.સ્વ.સંઘના સ્વયંસેવકો મોટી સંખ્યામાં તન-મન-ધન-જીવન લગાવી પીડિતોની રાહતસેવાના કામમાં રાત-દિન જહેમત ઉઠાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિપક્ષ સંઘની આલોચના કરી રહ્યું છે ત્યારે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે કહ્યું છે કે " RSS રાષ્ટ્ર સેવામાં લાગેલું સંગઠન છે, તેની આલોચના કરવી બંધારણની આલોચના કરવી સમાન છે"
વિપક્ષ દ્વારા મોતો પર રાજકારણ
આઘાતજનક રીતે કેરળમાં ઇન્ડિ ગઠબંધનની સરકાર છે અને તેમની ઘોર નિષ્ફળતાને ઢાંકવા માટે વિપક્ષ સામૂહિક રીતે દેશમાં એવો ભ્રમ ફેલાવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર દ્વારા આ મુદ્દે કેરળને અગાઉથી કોઈ પણ પ્રકારની ચેતવણી આપવામાં આવી નહોતી. પરંતુ વિપક્ષ દ્વારા ફેલાવાઈ રહેલા આ ભ્રમનો ભાંડો ફોડતાં ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે રાજ્યસભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે અગાઉથી જ ભૂ-સ્ખલનને લઈ ‘અર્લી વોર્નિંગ’ આપી હતી. કેન્દ્ર સરકારે ૨૩મી તારીખે જ કેરળ સરકારને ચેતવણી આપી હતી. પરંતુ કેરળ સરકાર દ્વારા ચેતવણીને ધ્યાને લેવામાં આવી નહોતી. ત્યારબાદ ૨૪, ૨૫ અને ૨૬ જુલાઈએ પણ કેન્દ્ર સરકારે ભૂ-સ્ખલન અંગે ચેતવણી આપી હતી, છતાં કેરળ સરકારે આ મુદ્દો ગંભીરતાથી લીધો ન હતો. પરિણામે આટલી મોટી જાનહાનિ થઈ હતી.
ગૃહમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, આજે સરકાર સામે સવાલો ઊઠી રહ્યા છે, પરંતુ અગાઉ ગુજરાત અને ઓરિસ્સા સરકાર જેવી અનેક રાજ્ય સરકારોએ કેન્દ્ર સરકારની ચેતવણી ગંભીરતાથી લીધી હતી, જેને કારણે એક પણ મૃત્યુ થયું ન હતું.
આમ, હાલ એક તરફ કેરળ રાજ્યનું વાયનાડ કુદરતી પ્રકોપનો ભોગ બની ડૂસકાં ખાઈ રહ્યું છે; ત્યારે રા.સ્વ.સંઘના કાર્યકર્તાઓ દેવદૂત બની ખડે પગે બચાવ અને સેવામાં લાગેલા છે. સાંસદ રાહુલ ગાંધી ક્યાંય નજરે ચડી રહ્યા નથી. અને વિપક્ષો ‘ઉલટા ચોર કોટવાલને દંડે’ની નીતિ અપનાવી કેન્દ્ર સરકાર પર જ દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. આમ, કેરળની આ આપદાએ ઇન્ડિ ગઠબંધનના કુશાસન અને રાજરમતનો કુરૂપ ચહેરો દેશ સમક્ષ લાવી દીધો છે.