પ્રકરણ ૬ : ગુલાલ, યુ આર ઇન લવ વિથ મી !

    ૨૦-ઓગસ્ટ-૨૦૧૮   
ગુલાલના ચહેરા પરથી ગુલાબી રંગ ઊડી ગયો હતો. ત્રણ દિવસ પહેલાં મલ્હારને એક બ્લેન્ક મેઈલ મોકલ્યો હતો. પણ એનો કોઈ જવાબ આવ્યો નહોતો. ન તો એણે મેઈલ કર્યો હતો, ન તો ફેઈસબૂક પર કંઈ લખ્યુ હતું કે ન તો એ ચેટિંગ પર આવ્યો હતો. મલ્હાર સાથે મેઈલ મુલાકાત થયે માત્ર થોડાક જ દિવસો પસાર થયા હતા. પણ કોણ જાણે કેમ ગુલાલને હવે એના વગર ફાવતું નહોતું. મલ્હાર નામ સાંભળીને એના કાનની બુટ લાલ થઈ જતી હતી. જાણે કોઈએ એના ફિયાન્સનું નામ લઈ લીધું હોય એમ એના ગાલ પર શરમની પીંક પીંછી ફરી વળતી. ત્રણ-ત્રણ દિવસથી મલ્હારનો કોઈ કોન્ટેકટ ના થયો હોવાથી એ મૂડ વગર રહેતી હતી. એને અવનવા વિચારો આવી રહ્યા હતા. ક્યાં ગયો હશે? શું થયું હશે? મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હશે કે શું? એટલે મારી સાથે વાત નહીં કરતો હોય? એને ખબર પણ નહોતી રહી તેમ તેનું અસ્તિત્વ મલ્હારમાં ડૂબી ચૂક્યું હતું. આટલી મોટી સાયબર કંપનીની સીઈઓ સોશિયલ મીડિયા પર મળેલા એક અજાણ્યા યુવાનમાં બરાબર ઓતપ્રોત થઈ ગઈ હતી. હવે એ અલ્લડ રોમેન્ટિક યુવતી બની બિહેવ કરી રહી હતી. કદાચ આજે પ્રેમ હતો અને આજ યુવાની હતી.
 
ગુલાલ ફેઈસબૂક પર મલ્હારનો ફેઈસ જોવામાં તલ્લીન હતી ત્યાં જ અંતરા અંદર દાખલ થઈ, ‘ગુડ મોર્નિંગ મેડમ!’
‘તને કેટલી વાર કહ્યું છે યાર મને મેડમ નહીં કહેવાનું, ફક્ત ગુલાલ કહીને બોલાવવાનું.’
એક તો આટલી નાની ઉંમરમાં આટલી મોટી જવાબદારી અને ઉપરથી આખો દિવસ મેડમ મેડમ સાંભળવાનું. હવે જો તું મને મેડમ કહીશ તો હું ખરેખરી મેડમ બનીને તને કાઢી મૂકીશ. ગુલાલે બનાવટી ગુસ્સા સાથે કહ્યું. ગુલાલ અને અંતરા એક જ સ્કૂલમાં હતાં. ખાસ બહેનપણી. પછી કોલેજ બદલાઈ ગઈ પણ ફ્રેન્ડશિપ જેમની તેમ જ રહી હતી. ગુલાલના પપ્પાના અવસાન પછી ગુલાલ પર કંપનીની મોટી જવાબદારી આવી પડતાં એણે અંતરાને એની સેક્રેટરી બનાવીને એની પાસે બોલાવી લીધી હતી, જેથી ઓફિસમાં એને કંટાળો ના આવે. અને આમ પણ અંતરાની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી એટલે એને આર્થિક મદદ પણ મળી રહે. ગુલાલનો હંમેશાં પ્રયત્ન રહેતો હતો કે અંતરા એની ફ્રેન્ડ જેમ જ વર્તે પણ અંતરા એને મેડમ જ કહ્યા કરતી. પણ હવે અંતરાએ માન્યા વગર છૂટકો જ નહોતો.’
‘ઓ.કે ગુલાલ.. હવે ભૂલ નહીં થાય!’
‘બોલ, શું કામ હતું?’
‘અરજન્ટ મીટિંગ છે. નિખિલ સરે તાત્કાલિક તમને કોન્ફરન્સ હોલમાં બોલાવ્યાં છે,
‘એક તો આ મીટિંગો મારી જાન લઈ લેશે. બોલતાં બોલતાં ગુલાલ જવા માટે ઊભી થઈ. એ વખતે એના કોમ્પ્યુટર પર ઓફિસિયલ અને પર્સનલ બંને મેઈલ એકાઉન્ટ ઓપન જ હતા. પણ ગુલાલને એની ફિકર નહોતી, કારણ કે અંતરા પર એને અપાર વિશ્વાસ હતો. અંતરા જોડે એનો પાસવર્ડ પણ હતો. ગુલાલની કોઈ વાત અંતરાથી ખાનગી નહોતી. ત્યાં સુધી કે જ્હોનથી માંડીને મલ્હાર સાથેના ચેટિંગથી પણ અંતરા વાકેફ જ હતી. અંતરા જોઈ રહી હતી કે ગુલાલ આ વખતે બહુ સિરિયસ છે. મલ્હારના દિલમાં એણે લાગણીનું અકાઉન્ટ ખોલાવી દીધું છે.
 
ગુલાલ બે ડગલાં ચાલી. અંતરાએ જોયુ કે બંને મેઈલ ઓપન છે એટલે એણે એને રોકીને પૂછ્યુ, ‘મેડમ, એટલું તો કહેતાં જાવ કે ફક્ત ઓફિસિયલ મેઈલ્સના જવાબ આપું કે પર્સનલ મેઇલ્સના પણ જવાબ આપી દઉં?’ આ વખતે અંતરાએ કંઈક જુદા જ સંદર્ભે ‘મેડમ’ કહ્યું હતું. ગુલાલે હસીને જવાબ આપ્યો, ‘યુ નો અંતરા, ધેર ઈઝ નથીંગ પર્સનલ બિટવીન યુ એન્ડ મી.’
‘મલ્હાર તો પર્સનલ જ છે ને! તું એને મારી સાથે થોડો શેર કરીશ ?’ અંતરાએ આંખ મિચકારી. ગુલાલ બનાવટી ગુસ્સા સાથે લાલઘૂમ ચહેરો કરતી ચાલી ગઈ, ‘મીટિંગ પતવા દે પછી તારી વાત છે... યુ નોટી.’
 
***
 
અમદાવાદથી સાડા પાંચસો કિલોમીટર દૂર. મુંબઈના બોરીવલીના પરાવિસ્તારમાં આવેલા એક ખખડધજ સાયબર કાફેમાં મિડલ ક્લાસ બોય્ઝ અને ગર્લ્સ જેટ એરવેજની ઝડપે નેટી થતી જતી દુનિયા સાથે તાલ મિલાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. સાયબર કાફેમાં લગભગ પચ્ચીસ બોકસ હતા. બધાં પેક હતાં. બોય્ઝ અને ગર્લ્સ સાથે અનેક નોકરિયાતો પણ હતાં. કોઈ એજ્યુકેશનને લગતી કોઈ સાઈટ ખોલીન્ બેઠું હતું, કોઈ ગવર્નમેન્ટના ફોર્મ ભરતું હતું, કોઈ ફેઈસબૂકમાં હતું તો કોઈ અગત્યના મેઈલ કરતું હતું, આ બધાંમાં બે-ચાર જણ એવા હતા જે ખરેખર માસ્ટર માઇન્ડ હતા. સાયબરની દુનિયાના માંધાતાઓનેય ટપી જાય એવું એમનું વર્ક હતું. એમાં એક મલ્હાર પણ હતો.
 
આજે ત્રણ દિવસે એ અહીં આવ્યો હતો. એ એના પીએચ.ડીના થિસિસ માટે સર્ચ કરવા અહીં આવતો હતો. પણ બે-ત્રણ દિવસ માટે અચાનક બહાર જવાનું થયું હોવાથી એ ત્રણ દિવસથી અહીં આવ્યો નહોતો. આવીને તરત જ એણે એનું મેઈલ અકાઉન્ટ ઓપન કર્યું. ગુલાલ તરફથી આવેલો બ્લેન્ક મેઈલ જોઈ એ મનમાંને મનમાં હસ્યો. એણે તરત જ મેસેજ ટાઈપ કર્યો, ‘સોરી, ગુલાલ, ત્રણ દિવસ માટે બહાર ગયો હતો એટલે કોઈ કોન્ટેક્ટ ના કરી શકયો. તારી સાથે ચેટ કર્યા વગર ચેન નહોતું પડતું. એકેય કામમાં જીવ નહોતો લાગતો. શું તને એવું થતું હતું? અને ગુલાલના આઈ.ડી પર સેન્ડ કરી દીધો. પછી એ એના પીએચ.ડીના સર્ફિંગમાં ડૂબી ગયો. અલબત, મેઈલ અકાઉન્ટ મિનીમાઈઝ કરીને જ.
 
***
સાયબર વર્લ્ડ પ્રા. લિ. કંપનીના કોન્ફરન્સ હોલમાં ચાર જણ બેઠા હતા. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મિ. નિખિલ ભટ્ટ, સી.ઈ.ઓ ગુલાલ જોશી, અનિકેત અને નયનેશ. કંપનીમાં ચાલતી સોફ્ટવેરની ચોરી કોણ કરે છે એ શોધી કાઢવા માટે લગભગ મહિના પહેલાં અનિકેત અને નયનેશને એપોઇન્ટ કરવામાં આવ્યા હતા, પણ હજુ સુધી કોઈ પરિણામ આવ્યું નહોતું. નિખિલ અનિકેત અને નયનેશને પૂછી રહ્યો હતો, ‘ફ્રેન્ડઝ, યુ હેવ ઓલરેડી વેસ્ટ મચ ટાઈમ, બટ, રિઝલ્ટ ઈઝ ઝીરો! દોઢ મહિનો થઈ ગયો. નથી હજુ તો એ સાઈબર ચોર પકડાયો કે નથી એને લગત તો કોઈ સુરાગ મળ્યા.
 
‘સર, ચોર પકડાયો નથી એ વાત સાચી છે પણ તમે એ કેમ નથી જોતા કે આ દોઢ મહિનામાં તમારા એક પણ સોફ્ટવેર પ્રોડકટની ચોરી થઈ નથી.’
 
‘ઈટ્સ ગુડ, બટ! જ્યાં સુધી ચોર નહીં પકડાય ત્યાં સુધી ચોરી નહીં જ થાય એવું ના કહી શકાય. આપણા માટે ચોરી અટકાવવી એના કરતા ચોરને પકડવો વધારે ઈમ્પોર્ટન્ટ છે.’ ગુલાલે અનિકેતને ઉદેશીને જવાબ આપ્યો.
‘આપની વાત સાચી છે. થોડો સમય આપો. અમે ચોરને જરૂર પકડી પાડીશું. પણ એક વાત કહું. મને યકિન છે કે જે માણસ આ કામ કરતો હશે એને અમારા વિશેની ખબર પડી ગઈ છે અને એ ચેતી ગયો છે. એને માહિતી મળી ગઈ લાગે છે કે અમે અહીં જોબ કરવા નહીં પણ ચોરને પકડવાના કામે આવ્યા છીએ. હવે એ તમારે વિચારવાનું રહ્યું કે એના સુધી કોણે આ વાત પહોંચાડી હશે. તમે ભલે કહો કે આપણા સિવાય આ વાત કોઈ જાણતું નથી પણ મને વિશ્વાસ છે કે આપણા સિવાય પણ કોઈ પાંચમું છે જે આ વાત બહુ સારી રીતે જાણે છે. તમે યાદ કરો કે તમે કોઈને આ વાત કરી છે કે નહીં!’
 
અનિકેતની વાત સાંભળીને ગુલાલ અને નિખિલ ચૂપ થઈ ગયા. ગુલાલ અને નિખિલની આંખો સામે બે જુદી જુદી વ્યક્તિઓના ચહેરા તરવરવા લાગ્યા. એ વ્યક્તિના ચહેરાઓ જેમને એમણે આ વાત કરી હતી. બંનેના મનમાં અત્યારે એક જ પ્રશ્ર્ન ઘુમરાઈ રહ્યો હતો. શું એમના વિશ્વાસુ વ્યક્તિએ વિશ્વાસઘાત કર્યો હશે ?
  
***
 
ગુલાલ મીટિંગ પતાવીને કેબિનમાં આવી ત્યારે અંતરા એના કોમ્પ્યુટર પર બેઠી બેઠી મેઈલ ચેક કરી રહી હતી. ગુલાલને જોતાં જ એણે ઊભા થઈને ખુરશી ખાલી કરી અને શરારત કરતાં કહ્યું, ‘ગુલાલ, તમારા બોયફ્રેન્ડનો મેઈલ આવ્યો છે. લો જાતે વાંચી લો..’
‘તું નહીં સુધરે એમ ને.... એ માત્ર ફ્રેન્ડ છે, બોયફ્રેન્ડ નહીં સમજી ?’ ગુલાલે ચેર પર બેસતાં કહ્યું. અંતરાએ ફરીવાર શરારતી અવાજમાં કહ્યું, ‘તો પછી આમ શરમાઈને શું કામ બોલે છે ? મારી આંખોમાં આંખો પરોવીને બોલને કે તું એના પ્રેમમાં નથી પડી.’
 
‘યુ...! ચાલ જા અહીંથી, મને મારું કામ કરવા દે.’ ગુલાલ આંખો ના મિલાવી શકી. અંતરા હસતાં હસતાં બહાર ચાલી ગઈ. ટી શર્ટની પાછળ છુપાયેલી ગુલાલની છાતી જોર જોરથી ધડકી રહી હતી. અંતરાએ એની સામે અરીસો ધરી દીધો હતો. હજુ તો એ પોતે એની જાત સમક્ષ સ્વીકારી નહોતી શકી કે એ મલ્હારને ચાહે છે અને અંતરાએ ચોખ્ખું ને ચટ કહી દીધું હતું. હજુ તો એને પોતાને પણ ખબર નહોતી પડતી કે દિલમાંથી ઊઠતી આ લાગણીઓને પ્રેમ જ કહેવાય કે બીજુ કંઈ ? અને અંતરાએ સર્ટિફિકેટ આપી દીધું હતું! એની પાસે અત્યારે વધારે વિચારવાનો સમય નહોતો. એણે ફટાફટ મલ્હારનો મેઈલ ઓપન કર્યો, ‘સોરી, ગુલાલ, ત્રણ દિવસ માટે બહાર ગયો હતો એટલે કોઈ કોન્ટેકટ ના કરી શક્યો. તારી સાથે ચેટ કર્યા વગર ચેન નહોતું પડતું. એકેય કામમાં જીવ નહોતો લાગતો. શું તને એવું થતું હતું ?’
 
ગુલાલને ખબર પણ ના રહી અને એની આંગળીઓ કી-બોર્ડ પર ઘૂમવા લાગી, ‘ના, હું તો પથ્થર છું! મને કાંઈ નહોતું થતું. ખબર નથી પડતી કે ક્યાંય જઈએ તો કહીને જવું જોઈએ! પણ લાગે છે કે તને કોઈની પડી જ નથી. કોઈ ભલેને તારા મેઈલની રાહ જોતાં જોતાં રાતોની રાતો બેસી રહે તોયે તારે શું? તારા માટે તો મેઈલ અને ચેટિંગ ફક્ત ટાઈમ પાસ જ છે ને? પણ મારા માટે એ ટાઈમ પાસ નથી. આઈ એમ સિરિયસ! બટ, તું નહીં સમજે. નાઉ, લીવ મી અલોન!’ મેસેજ લખીને ગુલાલે સેન્ડ કરી દીધો.
 
તરત જ મેસેન્જર પર મલ્હારનો મેસેજ આવ્યો, ‘ઓહ, માય ગોડ... ગુલાલ યુ આર ઈન લવ વિથ મી...’ ગુલાલ ધ્રૂજી ઊઠી. એણે એવું તે શું લખી નાંખ્યું હતું કે મલ્હાર ડાયરેક્ટ આ રીતે વાત કરતો હતો. એણે તરત જ ટાઇપ કર્યો, ‘નો!’
‘યેસ, આ પ્રેમ જ છે. એ સિવાય કોઈ આ રીતે રાહ જુએ જ નહીં. કોઈ કોઈને આટલું બધું મિસ કરે જ નહીં.’
‘કેમ, ફ્રેન્ડશિપ હોય તો ના કરે?’ ગુલાલ એનેસ્થેશિયા પછી ભાનમાં આવતા દર્દી જમે ધીમે ધીમે પડખું ફરી રહી હતી.
‘ના, ફ્રેન્ડશિપની અને પ્રેમની વાત જુદી છે.’
 
‘એ જ કહું છું. આ પ્રેમ નહીં દોસ્તી છે. મને તારી સાથે બહુ ક્લોઝ ફ્રેન્ડશિપ થઈ ગઈ છે એટલે આટલી ચિંતા થાય છે, આટલી કેર કરું છું અને હા, તેં કહ્યું હતું કે તું મેઈલ પર તારી ઉંમર જણાવીશ. કેમ ના જણાવી? ગુલાલ સંપૂર્ણ ભાનમાં આવી ગઈ હતી. વાત બદલીને ધીમે ધીમે એ વેરાયેલું વીણી રહી હતી.
‘ અરે, પાગલ છોકરી. મારી સ્ટાઈલ જો. મારો મેઈલ આઈ.ડી. વાંચ. એમાં મારી એઈજ છુપાયેલી છે. અને હા, મારી ઉંમર જાણવાની આટલી ઉત્સુકતા પણ પ્રેમ જ છે હેં ?’
 
ગુલાલે તરત જ મલ્હારનો મેઈલ આઈ.ડી. જોયો. [email protected] ગુલાલ સમજી ગઈ. મલ્હારની ઉંમર છવ્વીસ વર્ષ હતી. પણ હવે એણે ભૂલ ના કરી. ભાનમાં રહીને જ મેસેજ લખ્યો,
‘ફ્રેન્ડ તારી ઉંમર પૂછી એને તું પ્રેમ ગણતો હોય તો તારા જેવો મૂર્ખ બીજો કોઈ નથી.’
‘ઓકે. ધેન વેઈટ! સમય જ કહેશે કે આ પ્રેમ છે કે દોસ્તી!’ મલ્હાર પાક્કો હતો. એણે કાળદેવતાના હાથમાં જ બાજી સોંપી દીધી.
 
‘ઓ. કે. સમયે જોયું જશે! બોલ, બીજું શું હતું? ક્યાં ગયો હતો ત્રણ દિવસ ?’ ગુલાલે પણ વાત પૂરી કરી દીધી.
‘મારા પીએચ.ડી સંશોધન માટે બહાર ગયો હતો.’
‘કયા સબજેક્ટ પર પીએચ.ડી કરે છે એ તો તેં મને કહ્યું જ નથી!’
‘અને કહીશ પણ નહીં. એ સિક્રેટ છે. આમ ચેટિંગ પર ના કહેવાય. સાયબર ક્રાઈમ કેટલા વધી ગયા છે એ તને ખબર છે ને ! આપણું આ કોમ્યુનિકેશન બીજું કોઈ વાંચતું હોય એમ પણ બને. તને રૂબરૂ મળીશ ત્યારે જ કહીશ.’
‘ઓ.કે!’
‘શું ઓ.કે. ? મને એમ કે મારી આવી વાત સાંભળી તરત જ તું મળવાનું કહીશ! પણ તેં તો મારી ઇચ્છાઓ પર પાણી ફેરવી દીધું. યાર, મારે તને મળવું છે. કલાકો સુધી તારી સાથે વાતો કરવી છે. તને ટગર ટગર જોયા કરવી છે. મારા જીવનની બધી વાતો કરવી છે તને. પ્લીઝ એકવાર મળને મને.... પ્લીઝ...
 
ગુલાલે તો કહેવું હતું કે, ‘યાર, તેં જે શબ્દો લખ્યા એને પણ પ્રેમ જ કહેવાય. યુ આર ઈન લવ વિથ મી.’ પણ એ હવે ચેતી ગઈ હતી. એને ઇન્તજારની મજા લેવી પણ હતી અને મલ્હારને કરાવવી પણ હતી. એણે મેસેજ ટાઇપ કર્યો, ‘મળવાનું પણ આપણે સમય ઉપર જ છોડી દઈએ. સમય મળાવશે ત્યારે મળીશું. બાય...મારે કામ છે.’ ગુલાલે જાણી જોઈને ચેટિંગ બંધ કર્યું.
 
અહીં અમદાવાદની ઓફિસમાં બેઠેલી ગુલાલ અને ત્યાં મુંબઈના ખખડધજ સાયબર કાફેની ખુરશીમાં બેઠેલો મલ્હાર, બંનેનાં શરીરમાં અત્યારે રોમાન્સનાં રોઝિસ ડાઉનલોડ થઈ રહ્યાં હતાં.
ક્રમશ:
 
પ્રકરણ ૧ની લિંક...