ગુજરાતના મુખ્યમંત્રીઓ અને તેમની નોંધપાત્ર કામગીરી | Chief Ministers of Gujarat

    04-Jun-2021
કુલ દૃશ્યો |

Chief Ministers of Gujara
 
 
Chief Ministers of Gujarat | ગુજરાતે તેની સ્થાપ્નાનાં છ દાયકામાં વિવિધ ક્ષેત્રોમાં શું પ્રગતિ કરી તેની નોંધ લેવાઈ રહી છે ત્યારે ગુજરાતની નેતાગીરીએ રાજ્યનાં વિકાસમાં શું યોગદાન આપ્યું તેની નોંધ પણ લેવી રહી. અત્રે પ્રસ્તુત છે, ગુજરાતના સૌપ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાથી માંડી વર્તમાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સમય સુધીનાં મુખ્યમંત્રીઓની નોંધપાત્ર કામગીરીનાં લેખાં જોખાં...

ડો. જીવરાજ મહેતા | Jivraj Mehta

 
ગુજરાતના સૌપ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતા 1 મે, 1960 થી 3 માર્ચ, 1962 સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યાં હતાં. બૃહદ મુંબઈ રાજ્યમાંથી નવા નવા છૂટા પડેલા ગુજરાતની સામે અનેક રાજકીય અને પ્રશાસનિક પડકારો હતાં. તેવા સમયે પણ તેઓશ્રીએ ખૂબ જ ધૈર્યપૂર્વક ગુજરાતનો વહીવટ સંભાળ્યો હતો. તેઓએ ખૂબ જ ઓછા સંસાધનો સાથે રાજ્યતંત્રનું સંચાલન કર્યંુ હતું. તત્કાલીન ગુજરાતમાં કોઈ વિધાનગૃહ ન હોવાથી અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં ઑ.પી.ડી. બિલ્ડિંગમાં વિધાનસભા ઊભી કરી અને આંબાવાડીમાં આવેલ પોલિટેકનિક કાલેજ બિલ્ડિંગમાંથી સચિવાલયની પડકારરૂપ કામગીરી નિભાવી હતી.

શ્રી બળવંતરાય મહેતા | Balwant Rai Mehta

શ્રી બળવંતરાય મહેતા 19 સપ્ટેમ્બર, 1963થી 20 સપ્ટેમ્બર, 1965 (તેમનાં મૃત્યુ સુધી) ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા હતાં. તેઓ પંચાયતી રાજના જનક હોવાથી તેમના શાસનમાં આ ક્ષેત્રે સારી કામગીરી થઈ હતી. તેમના શાસનકાળ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું અને ગુજરાત સરહદી રાજ્ય હોવાથી ગુજરાત પણ અસરગ્રસ્ત હતું. ત્યારે તેઓ પત્ની સરોજીની મહેતા સાથે ગુજરાતના સરહદી જિલ્લા કચ્છની સરહદ પર ભારતીય સૈનિકોનો જુસ્સો વધારવા ગયા જ્યાં પાકિસ્તાની વિમાનો દ્વારા કચ્છના નખત્રાણાખાતે તેમના વિમાન પર હુમલો કરતા શહીદ થયા હતા.

શ્રી હિતેન્દ્ર દેસાઈ | Hitendra Desai

તેઓશ્રી 1965 અને 1971 સુધી ગુજરાતના મુખ્યમંત્રી બન્યાં હતાં. ગુજરાતનાં આ ત્રીજા મુખ્યમંત્રીની પ્રતિભાને કારણે ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ દૈનિકે તેઓને ‘સી. એમ. વીથ રીગલ લુક’નું બિરુદ આપ્યું હતું. તેમનાં શાસન દરમિયાન રાજ્યમાં મફત કન્યા શિક્ષણની શરૂઆત થઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ભાવનગર યુનિવર્સિટી જેવી શૈક્ષણિક સંસ્થાઓની શરૂઆત કરવામાં આવી. આમ તેમના શાસન દરમિયાન ગુજરાતમાં શૈક્ષણિક ક્ષેત્રમાં નોંધપાત્ર પગલાં લેવાયાં હતાં.
 

શ્રી ઘનશ્યામભાઈ ઓઝા | Ghanshyam Oza

 
17 માર્ચ, 1972થી 13-3-1973 સુધી ગુજરાતના મુખ્યમંત્રીપદે રહ્યાં. તેમના શાસન વખતે ગુજરાતમાં વિકાસને લગતા અનેક પગલાં લેવાયા હતાં. સમગ્ર રાજ્યમાં મફત માધ્યમિક શિક્ષણ શરૂ કરવામાં આવ્યું. શહેરી ટોચ મર્યાદાનો કાયદો તથા પર્યાવરણ અંગે કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર વતી કેન્દ્રીય કાયદો ઘડવાની સત્તા આપતો ઠરાવ વિધાનસભામાં પસાર કરવા સહિતનાં અનેક નીતિગત નિર્ણયો લેવામાં આવ્યાં હતાં.

શ્રી ચીમનભાઈ પટેલ | Chimanbhai Patel

શ્રી ચીમનભાઈ પટેલ સૌપ્રથમ 17 જુલાઈ, 1973માં મુખ્યમંત્રી બન્યાં, પરંતુ 1974માં તેમની સરકાર નવનિર્માણ આંદોલનને કારણે તુટી ત્યારબાદ ફરી 1990માં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યાં. પોતાને છોટે સરદાર તરીકે ઓળખાવતા શ્રી ચીમનભાઈ પટેલે નર્મદાના નીર ગુજરાતમાં લાવવા માટે અનેકવિધ સંનિષ્ઠ પ્રયાસો કર્યા હતાં. તેઓએ આ ભગીરથ કાર્ય માટે સર્વે પક્ષો તથા સાધુ - સંતોને એક મંચ પર લાવી નર્મદાનાં નીરનો પ્રશ્ર્ન સમગ્ર ગુજરાતનો પ્રશ્ર્ન બનાવી દીધેલો, પરંતુ ગુજરાતમાં નવનિર્માણ આંદોલન શરૂ થતાં 9-2-74ના રોજ તેમને રાજીનામં આપવું પડેલુ. ગુજરાતના રાષ્ટ્રપતિ શાસન લદાયું.

શ્રી બાબુભાઈ જશભાઈ પટેલ | Babubhai Jashbhai Patel

18 જૂન, 1975 થી 12 માર્ચ, 1976 અને 11 એપ્રિલ, 1977 થી 17 ફેબ્રુઆરી, 1980 એમ બે વખત ગુજરાતનાં મુખ્યમંત્રી બન્યાં હતાં. તેઓએ તેમના શાસનકાળમાં 1952થી કરેલાં મંત્રીઓનાં રૂ. 1,100/-ના માસિક પગારમાં 10 ટકા કાપ કરકસરયુક્ત વહીવટ પર ભાર મૂક્યો. તેઓએ રાજ્યનાં 60 વર્ષથી ઉપરની નિરાધાર મહિલાઓ અને 65 વર્ષથી ઉપરના પુરુષો માટે પેન્શનની યોજના શરૂ કરી. નવનિર્માણનાં આંદોલન દરમિયાન નુકસાન સહન કરનાર પરિવારોને સહાયની યોજના શરૂ કરી અને બંધ મિલો ચાલુ કરાવી. આ ઉપરાંત દરેક જિલ્લામાં દૂધની ડેરીઓની સ્થાપ્ના કરી. નમ્ર અને બહુશ્રુત વ્યક્તિત્વ ધરાવતા શ્રી બાબુભાઈ જશભાઈ પટેલને નર્મદા યોજના પરત્વે ખૂબ જ લગાવ હતો. 1960માં નહેરુકાળ દરમિયાન નર્મદા યોજના શરૂ થયા બાદ અટકી ત્યારે તેને પુન: શરૂ કરાવવા માટે તેઓશ્રીએ ખૂબ મહેનત કરી હતી. ચીમનભાઈ પટેલની સરકારમાં તેઓએ લોક સ્વરાજ્ય મંચનાં ધારાસભ્ય હોવા છતાં ચીમનભાઈના આગ્રહથી નર્મદા યોજનાની કામગીરી હાથમાં લીધી અને યોજનાને આગળ ધપાવી. ગાંધીનગરને અત્યાધુનિક પાટનગર બનાવવામાં તેમની સિંહ ભૂમિકા રહેલી છે.

શ્રી માધવસિંહ સોલંકી | Madhavsinh Solanki

તેઓશ્રી 24 ડિસેમ્બર, 1976થી 10 એપ્રિલ, 1977, ત્યારબાદ 11 માર્ચ, 1980થી 6 જુલાઈ 1985 સુધી અને 10 ડિસેમ્બર, 1989થી 4 માર્ચ, 1990 સુધી એમ ત્રણ વખત ગુજરાતનાં મુખ્યમંત્રી રહ્યાં હતાં. તેઓ સારા વાચક અને પત્રકાર હતાં. તેમના શાસનમાં સૌપ્રથમ વખત ગુજરાતમાં પ્રાથમિક શાળામાં ભણતાં બાળકોને મફત મધ્યાહન ભોજન આપવાનો આરંભ થયો. તેઓએ બાળવર્ગથી માંડી યુનિવર્સિટી સુધીનું શિક્ષણ કન્યાઓ માટે મફત કરી દીધું.
 
શાળામાં બાળકોને અંગ્રેજી શિક્ષણ 5 થી આપવું કે 8 થી નો લાંબા સમયથી ચાલતા વિવાદનો અંત લાવી 5 મા ધોરણથી અંગ્રેજી વિષય ભણાવવાનો નિયમ દાખલ કર્યો. પછાત જાતિઓના વિકાસ માટે બક્ષીપંચ બોર્ડ, માલધારી બોર્ડ તથા ગોપાલક બોર્ડની રચના કરી, સાહિત્ય અકાદમીની નવેસરથી રચના કરી અને ગુજરાતની ખેતી માટેની ટૂંકી જમીન તથા તેના પર વધતી જતી વસતીનું ભારણ વગેરેને લક્ષ્યમાં લઈ બેકારી નિવારણ અને આર્થિક વિકાસ માટે જિલ્લે - જિલ્લે ઉદ્યોગ કેન્દ્રોની સ્થાપ્ના કરી. તેઓએ ‘ફૂડ ફાર વર્ક’ની યોજના, વહીવટીતંત્રમાં એક બારી(‘સિંગલ વિન્ડો’)ની પદ્ધતિ, પંચાયતો સ્વભંડોળમાંથી અમુક રકમ પોતાને અનુકૂળ કામમાં વાપરી શકે તેવી યોજનાઓ શરૂ કરાવી હતી. તેઓએ ગરીબ પુરુષોને ધોતિયા તો મહિલાઓને મફત સાડી આપવાની યોજના અમલી બનાવી હતી. પરંતુ તેમના સમયમાં ગુજરાતમાં થયેલાં હુલ્લડો તથા લગાતાર કરફ્યુના દિવસોની યાતના ગુજરાતે ભોગવી.

શ્રી અમરસિંહ ચૌધરી | Amarsinh Chaudhari

સિવિલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કરનાર શ્રી અમરસિંહ ચૌધરી 6 જુલાઈ, 1985થી 9 ડિસેમ્બર, 1989 સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યાં હતાં. તેમનાં સમયમાં રાજ્ય 1985, 1986 અને 1987 સુધી ભયંકર દુષ્કાળની ચપેટમાં સપડાયું હતું, જેનો તેઓએ કુશળતાપૂર્વક સામનો કરી સફળ મુખ્યમંત્રી તરીકે પોતાની જાતને સાબિત કરી હતી. સતત ત્રણ વર્ષના દુષ્કાળ છતાં પણ ગુજરાતમાં એક પણ વ્યક્તિ ભૂખનાં કારણે મૃત્યુ પામી ન હતી. પશુધનને જીવાડવા માટે તેઓએ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને વિનંતી કરી શેરડી કાપીને ઘાસના ભાવે રાહતદરે ખવડાવી મહામૂલા પશુધનને બચાવી લીધું હતું. રાજકોટ જેવાં વિસ્તારોમાં પાણીની ગંભીર કટોકટી સર્જાતા છેક ગાંધીનગર અને હળવદથી ટ્રેન અને ટેન્કરો મારફતે પાણી પૂરું પાડ્યું હતું. પરિણામે રાજકોટ સહિતનાં દુષ્કાળ પ્રભાવિત અનેક વિસ્તારના લોકો હિજરત કરતા અટક્યા હતાં...

Chief Ministers of Gujara 

શ્રી કેશુભાઈ પટેલ | Keshubhai Patel

શ્રી કેશુભાઈ પટેલ 14 માર્ચ, 1995થી 21 આક્ટોબર, 1996 અને 4 માર્ચ, 1998થી 6 આક્ટોબર, 2001 સુધી બે વખત ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યાં હતાં. તેઓ તેમનાં બંને વખતના મુખ્યમંત્રીકાળ દરમિયાન કુશળ વહીવટકર્તા સાબિત થયા હતાં. તેઓએ રાજ્યમાં ગુંડાગીરી નાબૂદ કરવા ‘પાસા’ (pasa) જેવો કડક કાયદો બનાવ્યો પરિણામે અચ્છા અચ્છા ગુંડાઓ સીધા દોર થઈ ગયા હતાં. તેઓએ ગોકુળગ્રામ યોજના શરૂ કરી તંત્રને ગ્રામલક્ષી બનાવ્યું, જેની નોંધ સમગ્ર દેશમાં એક નવતર પ્રયોગ તરીકે લેવાઈ. તેઓએ વનવાસી અને બક્ષીપંચની કન્યાઓને મફત સાયકલ આપતી સરસ્વતી સાધના નામની યોજના શરૂ કરી હતી, જેના પરિણામે કન્યા કેળવણીમાં વધારો થયો. તેઓએ વર્ષોથી બંધ કાપડ મિલોનાં કામદારોના બાકી પડતા લેણાં અંગે કેન્દ્ર સરકાર સાથે વાટા-ઘાટો કરી તેમના માટે વળતર રિન્યુઅલ ફન્ડની યોજના તૈયાર કરી તેને અમલી બનાવી અને મિલોના સેંકડો કામદારોને નોકરીના નિવૃત્તિનાં નાણાંકીય લાભો આપ્યાં. નર્મદા યોજના અંગે સુપ્રીમ કોર્ટમાં ચાલતા કેસમાં અસરકારક રજૂઆત કરી ચૂકાદો ગુજરાતની તરફેણમાં લેવડાવ્યો. પરિણામે બંધની ઊંચાઈ 85 મીટરથી વધારી 90 મીટર સુધી લઈ જવાની પરવાનગી મળતા નર્મદાના નીર ગુજરાતમાં વહેતાં થયાં. તેમના શાસનમાં ગુજરાતમાં વિક્રમજનક એક લાખ ચોંત્રીસ હજાર ચેકડેમો બંધાયાં. તેઓએ 25 ટકા લોકફાળાથી રાજ્યભરના 1 હજાર જેટલા જૂના તળાવો ખોદાવી ઊંડા કર્યા, તેઓએ મહી - પરીએજ, કોતરપુર, રાસ્કા, વગેરે પાણી યોજના થકી રાજ્યના આંતરિયાળ ગામો સુધી પાણી પહોંચાડ્યા. તેઓએ ખેડૂતોને હકપત્ર અને નાગરિકોને અધિકાર પત્ર રાહત દરે અનાજ વિતરણની યોજના અમલમાં મૂકી. તેમના શાસનકાળમાં સૌથી મહત્ત્વનું કાર્ય આક્ટ્રોય નાબૂદીનું થયું હતું.

શ્રી શંકરસિંહ વાઘેલા | Shankersinh Vaghela

શ્રી શંકરસિંહ વાઘેલા 23 આક્ટોબર, 1996થી 27 આક્ટોબર, 1997 દરમિયાન ગુજરાતનાં મુખ્યમંત્રી પદે રહ્યાં હતાં. તેમના શાસન દરમિયાન ચાલુ નોકરીએ અવસાન પામનાર કર્મચારીઓનાં આશ્રિતને રહેમરાહે નોકરી મળવામાં જે મુશ્કેલીઓ હતી તે દૂર કરવામાં આવી. પરિણામે એક સાથે 100થી પણ વધુ આશ્રિતોને નોકરી મળી. તેઓએ વહીવટને વધુ સરળ બનાવવા લોકલાગણીને ધ્યાનમાં રાખી કેટલાક નવા જિલ્લા અને તાલુકા પણ બનાવ્યાં. તેમના શાસન દરમિયાન રાજ્યમાં વીજળીની તંગીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો.

શ્રી નરેન્દ્રભાઈ મોદી | Narendra Modi

7 આક્ટોબર, 2001 થી...... ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પાછલી ચાર ટર્મથી ગુજરાતનાં મુખ્યમંત્રી પદે છે અને સતત ત્રણ વખતથી ગુજરાત વિધાન સભામાં પક્ષને ભારે બહુમતીથી જીતાડતા આવ્યા છે, તે જ બાબત તેમના કાળમાં ગુજરાતે વિકાસ, શાંતિ સદ્ભાવના અને સુશાસનના નવા વિક્રમો કાયમ કર્યા હોવાની સાબિતી છે. તેમનાં શાસનમાં ગુજરાતનો જી.ડી.પી. 10%થી વધુ રહ્યો છે. કુંવરબાઈનું મામેરું, પ્રગતિપથ, વિકાસપથ, પ્રવાસીપથ, કિસાનપથ અને ગૌરવપથના નામે 1 લાખ કિલોમિટર જેટલાં રસ્તાઓનું શ્રેષ્ઠ નેટવર્ક, નર્મદા કેનાલની ઊંચાઈ 121 મીટર સુધી પહોંચી, કન્યા કેળવણી, ગરીબ કલ્યાણ મેળા, ઈ ગ્રામ, બેટી બચાવો, સેઝ, જ્યોતિગ્રામ જેવી અનેક મહત્ત્વની યોજનાઓ અમલી બનાવીને, તેઓએ ગુજરાત ગ્લાબલ સમિટનું આયોજન કરી ગુજરાતને વિશ્ર્વ વ્યવસાયના ફલક પર મૂકી દીધું છે.
 

આ મહાનુભાવો પણ ગુજરાતનાં મુખ્યમંત્રી રહ્યાં હતા

 
આ ઉપરાંત પણ ગુજરાતનાં મુખ્યમંત્રીપદે છબીલદાસ મહેતા (17 ફેબ્રુઆરી, 1994 થી 14 માર્ચ 1995), શ્રી સુરેશભાઈ મહેતા (21 આક્ટોબર, 1995થી 19 સપ્ટેમ્બર, 1996) શ્રી દિલીપભાઈ પરીખ આક્ટોબર, 1997થી માર્ચ 1998 સુધી જેવા મહાનુભાવો આરૂઢ રહ્યાં હતાં. જોકે આ મહાનુભાવોએ પણ તેમનાં પુરોગામી મુખ્યમંત્રીશ્રીઓ દ્વારા ગુજરાતનાં વિકાસની પરંપરાને સંવર્ધિત કરવાનાં સફળ પ્રયાસો કર્યા હતાં. જેને પરિણામે પાંચ દાયકામાં ગુજરાતની વિકાસયાત્રા ક્યારેય મંદ પડી ન હતી....
 
નરેન્દ્રભાઈ મોદી પછી ગુજરાતને આગળ વધારવાનું કામ થોડા વર્ષ આનંદીબહેન પટેલે સંભાળ્યુ અને પછી શ્રી વિજયભાઈ રૂપાણીએ આગળ વધાર્યુ. કોરોના હોય કે કુદરતી આપત્તિ હોય કે ગુજરાતના વિકાસનું કામ હોય આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને ખૂબ માવજત પૂર્વક તેમાથી ઉગાર્યુ. અત્રે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને પણ કેમ ભૂલી શકાય. ગુજરાતની રાજનીતિનો ઇતિહાસ લખાશે ત્યારે તેમની નોંધ પણ સુવર્ણ અક્ષરે લખાશે…અને હવે વિજયભાઇએ પણ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે અને ભૂપેન્દ્રભાઇ પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે...