હિંદુ શા માટે ? ...પણ સમાજનું આચરણ વ્યક્તિના નિર્માણથી બદલાશે...!

આ શ્રેણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે ભારતભરમાંથી પધારેલા પ્રબુદ્ધજનો અને સમાજના વિવિધક્ષેત્રના અગ્રણીઓને કરેલ ત્રિદિવસીય પ્રવચન (૧૭/૧૮/૧૯/ સપ્ટેમ્બર ૨૦૧૮) અને સંવાદનું સંકલન છે.

    ૧૯-એપ્રિલ-૨૦૨૩
કુલ દૃશ્યો |

Rashtriya Swayamsevak Sangh Ideology  
 
 
ભવિષ્યનું ભારત - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દૃષ્ટિકોણ | ભાગ –૪
 
સંપૂર્ણ હિંદુ સમાજને સંગઠિત કરવા માટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની એ સમયે સ્થાપના થઈ.આ હિંદુ શબ્દ કેમ આવ્યો ? આ ઘણો મોટો પ્રશ્ન સમાજમાંથી આવે છે, આજે પણ આવે છે. તો સંઘની સ્થાપનાના મૂળમાં જે વિચાર છે તેના ત્રણ ભાગ છે. એક મેં જણાવ્યો, સમાજનું પરિવર્તન થવાથી આ બધી વ્યવસ્થાઓ સફળ થાય છે. વ્યવસ્થા સારી છે, વ્યક્તિ ખરાબ છે તો વ્યવસ્થા બગડે છે. વ્યક્તિ સારી છે, વ્યવસ્થા ખરાબ છે તો વ્યક્તિને બગાડી નાખે છે. બંને સારા હોવા જોઈએ અને પ્રારંભ સમાજથી થાય છે કારણ કે વ્યવસ્થાઓને બદલનારા વ્યવસ્થાના લોકો ક્યારેય હોઈ શકતા નથી, તે તો વ્યવસ્થામાં છે. તે બદલશે તો તેમના પર જ જોખમ છે. સમાજનું દબાણ વ્યવસ્થાઓને બદલે છે તેથી દરેક પરિવર્તનની પાછળ કોઈ ને કોઈ સમાજ જાગૃતિ છે, દુનિયામાં ગમે ત્યાં જઈને જોઈ લો. પણ સમાજનું આચરણ વ્યક્તિના નિર્માણથી બદલાશે.
 
હવે આ બધામાં સમાજને સંગઠિત કરવામાં એક મુખ્ય મુશ્કેલી છે, કે આ સમાજ એક ભાષા બોલનારો સમાજ નથી, તેમની ભાષાઓ અલગ અલગ છે. એકની ભાષા બીજાને સમજાતી નથી, એવી સ્થિતિ પણ છે. એક હિંદીની જ એટલી બોલીઓ છે. પહેલી વાર જ્યારે મને બિહારમાં મોકલવામાં આવ્યો, તો પ્રવાસ કર્યો, બધા જ બ્લોક્સ સુધી જઈને આવ્યો. એકવાર મુઝફ્ફરપુર પહોંચ્યો. પૂર્ણિયા તરફથી લાંબો પ્રવાસ કરીને આવ્યો હતો. એ સમયની બસો વગે૨ે, એ સમયના રસ્તા, સવારે નીકળ્યો તો સાંજે પહોંચ્યો. થાકી ગયો હતો. કપડાં પર ધૂળ પણ ખૂબ હતી. અમારા ત્યાંના પ્રચારક હતા તેમણે કહ્યું શું આપનો પાયજામો ખીંચ લઉં ? તો હું ડરી ગયો, પહેલી વાર પહોંચ્યો છું અને આ આવી વાત કરી રહ્યો છે. શું થયું, મારી શું ભૂલ થઈ ગઈ ? પછી ધ્યાનમાં આવ્યું કે ધોવાને ‘ફીંચના’ કહે છે અને વાત કરતા-કરતા ફીંચનું ખીંચ થઈ જાય છે. હવે હિંદી તેમને પણ આવડે છે, મને પણ આવડે છે.
 
ભાષાઓની આટલી વિવિધતા, દેવી-દેવતાઓનું શું કહીએ ? ૩૩ કરોડ તો પહેલેથી જ છે. નવા-નવા આવતા રહે છે. સાંઈ બાબા પહેલા ક્યાં હતા. પહેલા નહોતા. ભગવાનને ન માનનારા પણ ભારતના સંપ્રદાય છે. કેટલી વિવિધતા છે. દર્શનમાં પરસ્પર વિરોધ પણ છે. આ સમાજને જોડીએ કેવી રીતે ? ખાન-પાન, રીતિ-રિવાજ અલગ-અલગ છે. ક્યાંક માત્ર રોટલી ખવાય છે તો ક્યાંક માત્ર ચોખા ખવાય છે. ક્યાંક અમુક પ્રકારના શાક, ક્યાંક મરચું વધારે, ક્યાંક ગળ્યુ વધારે. કોઈપણ વાતમાં એક જેવી સમાનતા ભારતમાં ક્યાંય નથી. અને કમનસીબે આમાંથી કેટલીક વિવિધતાઓને લઈને આપણે પોતાના ભેદ બનાવ્યા છે. એક બીજાને એકબીજાથી અલગ કર્યા. ઊંચ-નીચ પણ કર્યા અને પાછળથી વિદેશીઓએ પણ તેનો લાભ લીધો. એ તિરાડોને વધારે પહોળી કરી. તો કેવી રીતે જોડવામાં આવે ? જોડનારું કોઈ સૂત્ર છે કે ? એવો કોઈ વિચાર છે જે બધા પ્રકારની ઉપાસનાઓને, પૂજાઓને, દેવતાઓને માને છે. બધાને સત્ય કહે છે. જે કોઈ એક ભાષાનો આગ્રહ નથી રાખતા, બધી ભાષાઓનો જેમાં સ્વીકાર છે, ખાન-પાન, રહેણી-કરણીની વિવિધતાના બધા પ્રકાર જેમાં સ્વીકાર્ય છે ?  (ક્રમશઃ)
 
 
- ડૉ. મોહનરાવ ભાગવત (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક )
 
( આ શ્રેણીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત દ્વારા નવી દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે ભારતભરમાંથી પધારેલા પ્રબુદ્ધજનો અને સમાજના વિવિધક્ષેત્રના અગ્રણીઓને કરેલ ત્રિદિવસીય પ્રવચન (૧૭/૧૮/૧૯/ સપ્ટેમ્બર ૨૦૧૮) અને સંવાદનું સંકલન છે. સાહિત્ય સાધના ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત "ભવિષ્યનું ભારત - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો દૃષ્ટિકોણ" પુસ્તિકામાંથી સાભાર...)