પ્રકરણ – ૪ | ક્યાં રાજા ભોજનો કુંવર અને ક્યાં ગંગુ તેલીની દીકરી, સૂબેદાર સાહેબને જ તકલીફ પડશે

માણકોજી બોલ્યા, `હા, સૂબેદાર સાહેબ! તમારી અને અમારી કોઈ તુલના જ થાય તેમ નથી. અને મારી દીકરી તો શ્યામ છે, અલ્લડ છે અને બોલકી છે. તમારા રાજમહેલમાં તો કોઈ રૂપાળી અને ભડભાદર કન્યા શોભે! વિચાર કરી લેજો."

    ૨૪-જૂન-૨૦૨૪   
કુલ દૃશ્યો |
 
ahilyabai holkar
 
 
સાંજનો સૂરજ આથમી રહ્યો હતો. માણકોજી અને સુશીલા હજુ હમણાં જ ખેતરેથી આવ્યાં હતાં. સ્નાન કરીને માણકોજી ફળિયામાં ખાટલે બેઠા અને સુશીલાજી રસોડામાં પ્રવેશ્યાં. આઠ વર્ષની અહલ્યા પણ માને મદદ કરવા માટે રસોડામાં પ્રવેશી. ત્યાં જ ડેલી ખખડી અને અવાજ પણ આવ્યો, `માણકોજી, ઓ માણકોજી! દરવાજો ખોલો!' અવાજ પૂજારીજીનો હતો.
 
માણકોજીએ દરવાજો ખોલ્યો. દરવાજામાં પૂજારીજી સાથે બીજા બે પડછંદ પુરુષો ઊભા હતા. એમાંના એકને તો માણકોજી ઓળખતા હતા. એ મલ્હારરાવ હોળકર હતા. માણકોજીના હૈયે એકસામટા અગિયાર દરિયા ઊછળી પડ્યા, `મહાદેવ, મહાદેવ. આ હું શું જોઈ રહ્યો છું. ભારતવર્ષના શ્રેષ્ઠ શૂરવીર, સૂબેદાર મલ્હારરાવ હોળકર આ ગરીબના આંગણે... હે મા અંબે... મા ભવાની... તમારી કૃપા અપરંપાર છે!' એ અધીરા અને અરધા થઈને બોલી રહ્યા હતા. તરત જ સુશીલા અને અહલ્યા બહાર આવ્યાં. અહલ્યા મલ્હારરાવને જોઈને ઓળખી ગઈ કે, આ તો તે દિવસે હતા એ મહેમાન જ છે. પણ માતા-પિતાના સંસ્કારને આધિન અત્યારે મોટેરાઓ વચ્ચે એ કંઈ બોલી નહીં.
 
પૂજારી બોલ્યા, `મુખી, આમ બારણામાં જ ખોડાઈ રહેશો કે પછી અંદર બોલાવશો ?'
 
`અરે, અરે! હું યે કેવો છું. આવો પધારો. મારું ઘર આજે તો પાવન થયું.'
 
મલ્હારરાવ, તેમના મંત્રી અને પૂજારી અંદર પ્રવેશ્યા. ઉતાવળી ચાલે સુશીલા અને અહલ્યાએ ખાટલો ઢાળી એના પર નવું ગોદડું પાથર્યું. મલ્હારરાવ ખાટલે બેઠા અને માણકોજી એમના ચરણ પાસે બેઠા. મલ્હારરાવ તરત જ ઊભા થઈ ગયા અને બોલ્યા, `માણકોજી, નીચે નહીં, ઉપર બેસવાનું છે. આજે હું સૂબેદાર તરીકે નહીં, યાચક તરીકે આવ્યો છું!'
 
માણકોજી કંઈ સમજ્યા નહીં. પૂજારીજીએ સામે જોઈ આંખોથી શાંત રહેવા ઇશારો કર્યો. મલ્હારરાવે પૂજારીજીને મળીને પોતાની બધી ઇચ્છા જણાવી દીધી હતી. થોડી જ વારમાં અહલ્યા પાણી લઈને આવી. મલ્હારરાવે પૂછ્યું, `દીકરી, મને ઓળખે છે કે નહીં?'
 
અહલ્યા તો ક્યારનીયે બોલવા માંગતી હતી પણ તક નહોતી મળતી. હવે જાણે એને છૂટ મળી ગઈ હતી. એ બોલી, `ઓળખું જ ને! કેમ ના ઓળખું. આજે બીજીવાર આપને પાણી પીવરાવી રહી છું.'
 
મલ્હારરાવે એના માથે હાથ ફેરવ્યો અને પ્રેમથી પૂછ્યું, `બેટા, તારા હાથનું પાણી રોજ પીવા મળે એટલે જ અહીં સુધી લાંબો થયો છું. હવે રોજ મારા ઘરનું પાણી ભરીશને બેટા? પુત્રવધૂ બનીશને મારી?'
 
અહલ્યા આઠ વર્ષની હતી પણ બધું જ સમજતી હતી. એ શરમાઈને અંદર ચાલી ગઈ. માણકોજી અચંબિત હતા. રસોડાના થાંભલે ટેકો દઈ ઊભેલી સુશીલા પણ આશ્ચર્યમાં હતી. બંનેને સમજાતું નહોતું કે આ બધું શું થઈ રહ્યું છે.
 
`તમને કશું સમજાતું નહીં હોય કે આ બધું શું ચાલે છે! લો, હું ફોડ પાડું!' પૂજારીજીએ તેમની મૂંઝવણ દૂર કરતાં કહ્યું, વાત એમ છે કે થોડા દિવસો પહેલાં શ્રીમંત માધવરાવ પેશવા અને સૂબેદાર મલ્હારરાવ હોળકર વેશપલટો કરીને નજારો જોવા નીકળ્યા હતા ત્યારે તરસ લાગતાં આપણી અહલ્યાએ એમને પાણી પાયું હતું. એ વખતે અહલ્યાની વાત, એના સંસ્કાર, એની હિંમત જોઈને મલ્હારરાવ એના પર વારી ગયા હતા અને એમણે નિર્ણય કર્યો હતો કે જો આપ હા પાડો તો તેમના દીકરા ખંડેરાવનાં લગ્ન અહલ્યા સાથે કરવા માંગ્ો છે. આજે તેઓ પોતાના દીકરા માટે તમારી દીકરીનો હાથ માંગવા જ આવ્યા છે. માગું લઈને આવ્યા છે તમારે ત્યાં! બોલો માણકોજી, તમારી દીકરીને માળવાની રાજરાણી બનાવવા તૈયાર છો? તમારી દીકરીને ઇન્દોરના રાજકુમાર સાથે પરણાવશો?'
 
`હેં.... મારી દીકરી અને રાણી! હે ભગવાન, આ હું શું સાંભળી રહ્યો છું.' માણકોજીને વિશ્વાસ નહોતો આવતો. સુશીલા પણ બારણે ઊભાં ઊભાં હરખે ઊછળી રહ્યાં હતાં. એ બોલ્યાં, `પૂજારી બાપા, પાંચેય હાથે ગોરમાને પૂજ્યા હોય ત્યારે આવું માગું આવે. પણ એક વાત છે. અમે રહ્યાં ગરીબ માણસ. અમારાથી આટલા મોટા કુંટુબમાં કેવી રીતે બેસી શકાય. ક્યાં રાજા ભોજનો કુંવર અને ક્યાં ગંગુ તેલીની દીકરી. ક્યાં મહેલ અને ક્યાં આ ઝૂંપડું. સૂબેદાર સાહેબને જ તકલીફ પડશે. લોકો વાતો કરશે. અને અમે ય એમની હારોહાર નહીં ઊભાં રહી શકીએ.'
 
માણકોજી બોલ્યા, `હા, સૂબેદાર સાહેબ! તમારી અને અમારી કોઈ તુલના જ થાય તેમ નથી. અને મારી દીકરી તો શ્યામ છે, અલ્લડ છે અને બોલકી છે. તમારા રાજમહેલમાં તો કોઈ રૂપાળી અને ભડભાદર કન્યા શોભે! વિચાર કરી લેજો.'
`મુખી, તમારી દીકરી શામળી છે પણ શામળિયાની ંડી જેવી છે. અને રાણી રૂપથી નહીં ગુણથી શોભે. અમને વિશ્વાસ છે કે, તમારી દીકરી અમારા પુત્રની રાણી બનશે તો આપણા બંનેના વંશનું નામ રોશન કરશે. મેં વિચાર કરી લીધો છે. બસ, તમારા જવાબની વાર છે!'
 
`પણ ક્યાં અમે ઘેટાં-બકરાં ચરાવતા ગરીબ ભરવાડ અને ક્યાં આપ ?!'
 
મલ્હારરાવ હસ્યા અને મંત્રીજીને કહ્યુ, `મંત્રીજી, માણકોજીને આપણો ઇતિહાસ કહો જરા. એ જાણતા લાગતા નથી.'
`જી, મહારાજ!'
 
`ના, ના એવી વાત નથી.'
 
`અરે, સાંભળો તો ખરા. તમનેય થશે કે તમે સરખેસરખા સાથે સંબંધ બાંધી રહ્યા છો. બોલો મંત્રીજી...' મલ્હારરાવ બોલ્યા.
મંત્રીજીએ ઉત્સાહથી મલ્હારરાવનો ઇતિહાસ કહેવા માંડ્યો, `માણકોજી, આપણા સૂબેદાર સાહેબે જે ગરીબી જોઈ છે એવી તો કોઈએ નહીં જોઈ હોય. એ પણ તમારી જેમ ઘેટાં-બકરાં ચરાવીને જ મોટા થયા છે. તેમના પિતાનું નામ કોંડોજી હોળકર. તેઓ હોળ ગામના નિવાસી હતા. પૂના પાસે નીવા નદીના પુલથી પાંચ કોસ દૂર આ ગામ વસેલું હતું. ત્યાં એક આબદાર ખેડૂત તરીકે કોંડાજી હોળકરે ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. પણ કહેવાય છે ને કે બધું એકસરખું કદી નથી ચાલી શકતું. એમ એ ઘરમાં પણ થયું. મલ્હારરાવ સાવ નાના બાળક હતા ત્યારે જ એમના પિતા કોંડોજીનું અવસાન થઈ ગયું. પિતાના અવસાન બાદ તેમનાં માતા તેમને લઈને તેમના ભાઈના ઘરે આવી ગયાં. એ પછી મલ્હારરાવ મોસાળમાં જ મોટા થવા લાગ્યા. એમના મામાનું નામ નારાયણ બારગળ. એમની સ્થિતિ જરાય સારી નહીં. એ પણ મજૂરી કરતાં. મામાને ત્યાં મલ્હાર ઘેટાં-બકરાં ચરાવવાનું કામ કરવા લાગ્યા.'
 
માણકોજીને અને સુશીલાને આ ઇતિહાસની ખબર નહોતી. આ વાત સાંભળીને એ અચંબિત થઈ ગયાં.
 
મંત્રીજી અટક્યા અને બોલ્યા, `મેં કહ્યું હતું ને કે તમે ચોંકી જ જશો. તમારી જેમ એમણે પણ ઘેટા-બકરાં ચરાવવાનું કામ જ કર્યું છે. હજુ સાંભળો આગળ. સ્થિતિ બદલાય છે કેવી રીતે.'
 
મંત્રીજી વાર્તા કહેતા હોય એમ કહેવા લાગ્યા, `એક વખત એવું બન્યું કે નાનકડા મલ્હારરાવ ઘેટાં-બકરાં ચરાવવા ગયા હતા અને એક ઝાડ નીચે બેઠા હતા ત્યારે એમને ઝોકું આવી ગયું. અચાનક એક નાગ આવીને એમના મસ્તક પર બેસી ગયો. નાગ્ો મોટી ફેણ પણ કાઢી હતી. પણ બાળકને ડસ્યો નહીં. જાણે એને છત્રછાયા આપતો હોય એમ બેઠો હતો. આ દૃશ્ય એક જણે જોયું અને તરત જ મામાને બોલાવી લાવ્યો. મામા તો આ દૃશ્ય જોઈને અચંબિત બની ગયા. જોતજોતામાં કેટલાંય લોકો ભેગા થઈ ગયાં. અને બધાંને મામાને કહ્યું, `નારાયણજી, આ બાળક કોઈ સામાન્ય બાળક નથી. આને આ ઘેટાં-બકરાં ચરાવવાના કામમાં ના રોકો. આ તો કોઈ અસામાન્ય બાળક છે. જુઓને, શિવજીની કેટલી કૃપા છે કે આવો કાળોતરોય એને ડસવાને બદલે એનું રક્ષણ કરી રહ્યો છે!' આ વાત મામાને ગળે ઊતરી ગઈ. આ ચમત્કાર પછી મામાએ એમને ઘેટાં-બકરા ચરાવવા મોકલવાનું બંધ કરી દીધું. અને તલવારબાજી, ભાલો, ધનુર્વિદ્યા, ઘોડેસવારી વગ્ોરે શીખવવા માંડ્યા. થોડા સમયમાં જ મલ્હારરાવ બધું શીખી ગયા.
 
એ વખતે મામા સરદાર કદમબાંડીની સેવામાં જોડાયેલા હતા. પછી તેમણે મલ્હારરાવને પણ કદમબાંડીની સૈનિક ટુકડીમાં ભરતી કરી દીધા. મલ્હારરાવ યુવાન થયા ત્યાં સુધીમાં તો તેમણે સારી એવી નામના કમાઈ લીધી હતી. એ વખતે મામાએ તેમની દીકરી ગૌતમાનાં લગ્ન પણ ભાણેજ મલ્હારરાવ સાથે કરાવી દીધાં. ગૌતમાબાઈ પણ એક પરાક્રમી નારી હતાં. મલ્હારરાવના પ્રત્યેક કાર્યમાં તેઓ સહકાર આપતાં. ગૌતમાબાઈના ભાઈને ઉદેપુરના રાજા પાસેથી મંદોસર ગામ પાસે જાગીરમાં એક પરગણું મળ્યું હતું. ભાઈએ એમાંનો અરધો ભાગ બહેન ગૌતમાને કરિયાવરમાં આપી દીધો. ગૌતમાબાઈએ એ પરગણાનું નામ પછીથી પોતાના પતિના નામ પરથી `મલ્હારગઢ' પાડી દીધું.
 
મલ્હારરાવ અને ગૌતમાબાઈનું લગ્નજીવન સુખરૂપ વીતી રહ્યું હતું. ઈ.સ ૧૯૨૩માં તેમને એક પુત્ર જન્મ્યો. એનું નામ પાડવામાં આવ્યું ખંડેરાવ અને ૧૯૨૫માં એક પુત્રી જન્મી એનું નામ પાડવામાં આવ્યું ઉદાબાઈ. એ પછી મલ્હારરાવે હરકુંવરબાઈ સાથે બીજાં લગ્ન પણ કર્યાં.
 
આમ મલ્હારરાવ ધીરે ધીરે સરદાર કદમબાંડી માટે કામ કરી રહ્યા હતા. એમની યશસ્વી કારકિર્દી જોઈને સરદાર કદમબાંડીએ બાજીરાવ પેશવા પાસેથી ૫૦૦ ઘોડેસવારોની એક ટુકડી અપાવી. આથી મલ્હારરાવે કૃતજ્ઞતાપૂર્વક પોતાના ધ્વજ તરીકે સરદાર કદમબાંડીના ભગવા ધ્વજને સ્થાન આપ્યું.'
 
મંત્રીજી અટક્યા. એટલી વાત થઈ ત્યાં સુધીમાં અહલ્યા ગરમ ગરમ દૂધ લઈ આવી હતી. બધાંએ દૂધ પીધું અને મંત્રીજીએ પાછી વાત આગળ ધપાવી, `સરદારે પોતાના બાવડાના બળે ખરેખર ખૂબ જ મોટું કામ કરી બતાવ્યું હતું. તેમણે માળવાને સ્વતંત્ર કરવાના કાર્યમાં પણ ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી. આથી માળવાનો ત્રીજો હિસ્સો તેમજ ઇન્દોર શહેર મરાઠા તરફથી દેખરેખ માટે હોળકરોને મળ્યાં. સને ૧૭૨૮માં મલ્હારરાવને નર્મદા નદીની ઉત્તર દિશામાં ૧૨ પરગણાં અને ૧૭૩૧માં અન્ય ૭૦ પરગણાં પ્રાપ્ત થયાં હતાં. પેશવાએ માળવા પ્રદેશની વ્યવસ્થા પણ મલ્હારરાવને સોંપી દીધી હતી. આમ ૩૦ વર્ષની યશસ્વી કારકિર્દી દરમિયાન મલ્હારરાવ સર્વ મરાઠા સરદારોમાં સૌથી આદરણીય, અગ્રણી અને શૂરવીર સરદાર બન્યા. એમની નીડરતા અને શૌર્યને કારણે જ પેશવાએ તેમને `સૂબેદાર'ની ઉપાધિ આપી છે. `સૂબેદાર' કહેવડાવવાનું સન્માન મરાઠા સરદારોમાં માત્ર મલ્હારરાવજીને જ પ્રાપ્ત થયું છે.
 
ઇન્દોર પરગણું મળ્યા બાદ બેદપતનું એક મંદિર એક મુસ્લિમના તાબામાં હતું. આ વાતની ખબર મલ્હારરાવને પડી. તેમણે આ મુસ્લિમને ઈશ્વરની અત્યાર સુધી કરેલી સેવા માટે એક ઘર તેમજ ખેતીવાડી ભેટમાં આપ્યાં અને મંદિરના પૂજારી તરીકે એક હિન્દુની નિમણૂક કરી. તેમણે આ કાર્ય એવી રીતે પાર પાડ્યું હતું કે, મુસ્લિમ પણ રાજી રહ્યો અને મંદિરની વ્યવસ્થા પણ હિન્દુને મળી. આમ હોળકરના રાજ્યમાં સૌને સુખચેન અને ન્યાય મળી રહેતાં હતાં. ખૂબ જ ઓછા સમયમાં મલ્હારરાવે પ્રજાનો અપૂર્વ વિશ્વાસ જીતી લીધો છે. આજે લોકો એમના માટે જીવ દેવા પણ તૈયાર છે. સાહસિકતા અને શૂરવીરતા મલ્હારરાવના સ્વભાવની એક બાજુ છે તો સહનશીલતા અને દયા બીજી બાજુ. અરે આ તો કંઈ નથી. તેમણે એવાં એવાં યુદ્ધો જીત્યાં છે કે વાત ના પૂછો. હજુ હમણાં જ....'
 
`અરે, બસ બસ મંત્રીજી. મેં ઇતિહાસ કહેવાનું કહ્યું છે, મારાં વખાણ કરવાનું નહીં.' મલ્હારરાવે મંત્રીજીને અટકાવ્યા અને બોલ્યા, `બસ, માણકોજી, મારે તો આ ઇતિહાસ કહીને એટલું જ કહેવું છે કે અમે પણ ઘેટાં-બકરાં ચરાવનારા જ છીએ. આપ માગુ મંજૂર રાખો. બસ એટલું કહીશ કે, તમારી દીકરીને જરાય દુઃખ નહીં પહોંચવા દઉં. નોકર-ચાકરો એની આસપાસ રહેશે. સૂકી સળી પણ ભાંગવી નહીં પડે. એનું બસ એક જ કામ છે. મારા દીકરાને સુધારવાનું. એ જરા ચંચળ અને તોફાની છે. અહલ્યા જેવી સુસંસ્કારી કન્યા મળશે તો એનામાંય થોડા સંસ્કાર આવશે.'
 
માણકોજી બોલ્યા, `એ તો રાજકુંવર કહેવાય. તોફાન તો હોય વળી. અને કુંવર હજુ નાના છે. મોટા થશે એટલે સુધરી જશે.'
 
`તો હું આ સગું પાક્કું સમજું ને?'
 
`હા, પાકું સમજીને અમારા પર મહેરબાની કરો. અમે તો આ સગું પામીને ધન્ય ધન્ય થઈ ગયાં. તમારો ખૂબ ખૂબ આભાર.' માણકોજી ધન્ય ધન્ય થઈ ગયા. એ દિવસે અહલ્યા અને ખંડેરાવનો વિવાહ કરવાનું નક્કી કરવામાં આવ્યું. મલ્હારરાવે તરત જ મંત્રીજીને બહાર મોકલી બહાર રથ ભરીને ઊભેલા સેવકોને બધો સામાન અંદર લાવવાનું કહ્યું. થોડી જ વારમાં સેવકો અનેક ભેટ-સોગદો, વસ્ત્રો, ફળ-ફળાદિ અને સોના-ચાંદીના દાગીના લઈને અંદર પ્રવેશ્યા.
 
સુશીલા બોલી, `અરે, આ બધું શું છે?'
 
`શુકન માટે લાવ્યો છું. ના ન પાડશો!' મલ્હારરાવે બે હાથ જોડ્યા.
 
માણકોજી ભીની આંખે બધું તાકી રહ્યા હતા. એ વિચારી રહ્યા હતા કે, પોતાની દીકરી કેટલાં સારા નસીબ લઈને આવી છે. નાની ઉંમરમાં જ રાણી બની ગઈ. એ મનોમન શિવજીનો અભાર માનવા લગ્યા.
 
પણ શિવજી મનમાં હસી રહ્યા હતા અને બોલી રહ્યા હતા, `માણકોજી, મહેલમાં માત્ર સુખ જ હોય એવું ના ધારશો. અહલ્યાની કિસ્મતમાં રાણી બનવાનું છે, પણ સહન કરવાનુંય કંઈ ઓછું નથી.'
 
(ક્રમશઃ)
 
***
 

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.