બોધકથા | તું એ જ કરે છે જે તું ઇચ્છે છે પણ થાય છે એજ જે હું ઇચ્છું છું!

ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…

    ૨૨-માર્ચ-૨૦૨૩
કુલ દૃશ્યો |

bodh katha
 
 
એવું કહેવાય છે કે એકવાર ભગવાન વિષ્ણુ ગરૂડ પર બેસીને કૈલાશ પર્વત પર પહોંચ્યા. અહીં પહોંચી ગરૂડને વિષ્ણુએ કહ્યું કે તમે અહીં દરવાજે પ્રતિક્ષા કરો હું અંદર શિવજીને મળીને આવું છું. કૈલાસ પર્વત પરનું અદ્ભુત દ્રશ્ય જોઇએ ગરૂડ દંગ રહી ગયું. થોડીવારમાં અહીં ગરૂડની નજર એક ખૂબ સુંદર ચકલી પર પડી. તે ખૂબ સુંદર હતી. ગરૂદ તેને જોતુ જ રહ્યું. તે જ સમયે યમરાજ પણ ત્યાં પહોંચ્યા. યમરાજ શિવજીને મળવા જાય તે પહેલા પેલી ચકલીને નવાઈપૂર્વક જોવે છે. આ જોઇ ગરૂડ સમજી ગયું કે આ ચકલીનો અંત નજીક છે. આ યમરાજ આ ચકલીના પ્રાણ લેવા જ અહીં આવ્યા લાગે છે…!!
 
ગરૂડને ચકલી પર ખૂબ દયા આવે છે. તે આ સુંદર ચકલીને મરતા જોઇ શકે તેમ ન હતું. થોડીવાર વિચાર કર્યા પછી ગરૂડ આ ચકલીને પોતાની પીઠ પર બેસાડી ખૂબ દૂર જંગલમાં એક ઊંચા પહાડ પર મૂકી આવે છે. થોડીવાર પછી યમરાજ શિવજીને મળીને પાછા આવે છે તો ગરૂડ યમરાજને પુછે છે કે તમે ચકલીને નવાઈપૂર્વક કેમ જોઇ રહ્યા હતા?
 
આ સાંભળી યમરાજે કહ્યું કે ચકલીને જોઇને મને ખબર પડી ગઈ તેનો અંત ખૂબ નજીક છે. થોડા સમય પછી જ અહીંથી ખૂબ દૂર એક જંગલમાં એક ઊંચા પર્વત પર એક સાપ આ ચકલીને ખાઈ જશે..!! હું તે ચકલીને જોઇને વિચારી રહ્યો હતો કે આ નાનકડી ચકલી થોડી વારમાં જ ત્યાં પહોંચશે કઈ રીતે? હવે તે અહીં નથી એટલે નક્કી તેનું મૃત્યુ થયું હશે!
 
બોધ…
 
આ વાતનો બોધ એ છે કે, જન્મ અને મરણ નક્કી છે. તે આપણા હાથમાં નથી. જન્મ અને મૃત્યુને ટાળી શકાતું નથી. ભગવાન એટલે જ કહે છે કે તું એ જ કરે છે જે તું ઇચ્છે છે પણ થાય છે એજ જે હું ઇચ્છું છું! તું એ કર જે હું ઇચ્છુ છું પછી થશે એ જે તું ઇચ્છે છે…!!