૧૦૦ ઊંટ અને એક વ્યક્તિની સમસ્યા….એક ખૂબ સરસ પ્રેરણાત્મક બોધકથા

ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…

    ૨૪-માર્ચ-૨૦૨૩
કુલ દૃશ્યો |

hundred camels motivational story in gujarati
 
 
એક ગામ હતું. ગમમાં એક વ્યક્તિ હતો જેને લાગતું હતું કે તે હંમેશાં કોઇને કોઇ મુશ્કેલીથી ઘેરાયેલો જ રહે છે. એને લાગતું કે એક મુશ્કેલી દૂર થાય છે અને બીજી તરત આવી જાય છે. આનાથી તે વ્યક્તિ ખૂબ દુઃખી પણ રહેતો હતો.
 
એક દિવસ તેના ગામમાં એક સંત આવ્યા. એણે નક્કી કર્યું કે મારી આ મુશ્કેલીઓ માટે હું સંત જોડે વાત કરીશ અને ઉપાય જણાવાનું કહીશ…
 
સાંજે ગામમાં સંત આવ્યા પણ નવાઈની વાત એ છે કે તેમની સાથે ૧૦૦ ઊંટ પણ હતા. આથી પેલો વ્યક્તિ સંત પાસે પહોંચે છે અને પોતાની વાત સંતને કહે છે. પેલા વ્યક્તિએ સંતને કહ્યું કે “હું મારા જીવનમાં આવતી સમસ્યાઓથી ખૂબ દુઃખી રહું છું. સમસ્યા મારો પીછો છોડતી જ નથી. એક સમસ્યા જાય એટેલે બીજી તરત આવી જ જાય છે. શું આપની પાસે આનો કોઇ ઉપાય છે?”
 
આ સાંભળી સંતે કહ્યું કે હું તમારી સમસ્યા સમજી ગયો છું. તમારી સમસ્યાનો ઉકેલ મારી પાસે છે પણ એ ઉપાય હું તમને કાલે સવારે જણાવીશ પણ આ માટે તમારે મારું એક કામ કરવું પડશે..!
 
ઉકેલ મળશે એ વાતની ખુશી સાથે તે સંતનું કામ કરવા તૈયાર થઈ ગયો. સંતે કહ્યું જો મારી પાસે ૧૦૦ ઊંટ છે મારે કાલે તે આગળના ગામમાં એક વ્યક્તિને પહોંચાડવાના છે. આજે આખી રાત તે અહીં જ રહેવાના છે. તમારે આખી રાત આ ઊંટોનું ધ્યાન રાખવાનું છે. ધ્યાન એટલું રાખવાનું છે કે આ ૧૦૦ ઊંટ બેસી જાય પછી જ તમારે સૂવાનું છે ત્યાં સુધી નહી!
 
આટલું કહીને સંત તો જ્યા નિવાસસ્થાન હતું ત્યાં જતા રહ્યાં. પેલો વ્યક્તિ ઊંટોનું ધ્યાન રાખવા લાગ્યો. અને બધા ઊંટ બેસી જાય એની રાહ જોવા લાગ્યો.
 
રાત પસાર થઈ ગઈ એટલે બીજા દિવસે સવારે સંત પેલા વ્યક્તિ પાસે આવ્યા અને કહ્યું કે રાત્રે ઊંઘ તો બરાબર આવી હતી ને?
 
આ સાંભળી પેલો વ્યક્તિ બોલ્યો, હું તો આખી રાત સૂતો જ નથી. મેં અનેક પ્રયત્નો કર્યા કે આ બધા જ ઊંટ એક સાથે બેસી જાય પણ મારા બધા પ્રયાસ નિષ્ફળ રહ્યા. કેટલાંક ઊંટ એની જાતે બેસી ગયા, કેટલાંક ઊંટ મારા અનેક પ્રાયાસ પછી પણ ન બેઠા, કેટલાંક ઊંટ બેસી ગયા તો બીજા બેઠેલા ઊંટ ઊભા થઈ ગયા…૧૦૦ ઊંટ એક સાથે બેઠા નહી અને આમાં ને આમા આખી રાત પસાર થઈ ગઈ…
 
આ સાંભળી સંતે જે સલાહ આપી તે જ પેલા વ્યક્તિની સમસ્યાનો ઉપાય છે…!
 
સંત બોલ્યા કે,
 
કાલે રાત્રે તમારી સાથે શું થયું?
 
કેટલાંક ઊંટ તેની જાતે જ બેસી ગયા…
 
કેટલાંક તમારા પ્રયત્નો પછી પણ બેઠા…
 
કેટલાંક ઊંટ તમારા પ્રયત્નો પછી પણ ન બેઠા…
 
કેટલાંક ઊંટ બેસી ગયા તો બાજુમાં બેઠેલા ઊંટ ઉભા થઈ ગયા…!
 
કાલે તમારી સાથે આ જ થયું ને…!
 
પેલા વ્યક્તિએ તરત કહ્યું કે હા…કાલે રાત્રે આવું જ થયું.
 
સંત બોલ્યા કે બસ તમારી સમસ્યાનો ઉકેલ આમા જ છે. જીવનમાં આવતી સમસ્યા પણ આવી જ હોય છે…
 
કેટલીક સમસ્યાઓ તેની જાતે જ દૂર થઈ જાય છે…
 
કેટલીક સમસ્યાઓ પ્રયત્નો કરવાથી દૂર થઈ જાય છે…
 
કેટલીક સમસ્યાઓ પ્રયત્નો કરવા છતાં દૂર થતી નથી…
 
એટલે સમજવાની વાત એ છે કે આ જીવન છે અને સમસ્યા વગરનું જીવન શક્ય નથી…સમસ્યાને સમય પર છોડી તો તેનો ઉપાય તેની જાતે જ તમને મળી જશે…સમસ્યાઓ તેની જાતે જ દૂર થઈ જશે. સમસ્યા જીવનો ભાગ છે. કેટલીક હંમેશાં રહેશે અને કેટલીક સમય જતા દૂર થઈ જશે. એક સમસ્યા દૂર થશે તો અન્ય કોઇ સમસ્યા પણ આવી જશે…! આ સમસ્યાઓની સાથે જ માનવે આગળ વધવાનું છે. બસ સમસ્યાઓને આપણા મન પર હાવી થવા દેવાની નથી…
 
 
ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…
 
 

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - https://www.youtube.com/SadhanaSaptahik