બોધકથા । જિંદગી “બહુ ગઈ થોડી રહી, થોડા માટે કેમ કંલકિત કરવી…”

ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…

    ૨૪-એપ્રિલ-૨૦૨૩
કુલ દૃશ્યો |

Bodh Katha
 
 
એક ખૂબ મોટી ઉંમરનો રાજા હોય છે. તેને લાગે છે કે હવે હું વધારે જીવવાનો નથી. આથી તેને ઇચ્છા થાય છે કે જીવનાનો અંત આવે એ પહેલા રાજ્યની સર્વશ્રેષ્ઠ નૃત્યાંગનાનું મારે નૃત્ય જોવું છે. રાજ્યની સર્વશ્રેષ્ઠ નૃત્યાંગના બોલાવવામાં આવે છે. રાજા તેના દરબારના ઋષિ, રાજકુમારી અને રાજકુમારને જ આ નૃત્ય જોવા બોલાવે છે અને કહે છે કે તમને જો નૃત્ય ગમે તો નુત્યાંગનાને રાજ્યના ખજાનામાંથી ઇનામ આપજો.
 
નૃત્યાંગના તેના એક તબદાવાદક સાથે આવે છે. આખી રાત તેને રાજા સામે નૃત્યકરવાનું હોય છે. તબલાવાદક તબલા વગાડવાનું શરૂ કરે છે અને નૃત્યાંગના નૃત્ય કરવાનું. આખી રાત નૃત્ય ચાલે છે. બસ ૩૦ મિનિટની વાર હોય છે સવાર પડવામાં. પણ આ દરમિયાન તબલાવાદકને ખૂબ ઊંઘ આવે છે. તેની આંખો બંધ થવા લાગે છે. આ જોઇ નૃત્યાંગનાને લાગે છે કે, આ જો સૂઈ જશે તો આખી રાતની મહેનત પાણીમાં જશે. થોડા માટે કંલક લાગશે. આથી નૃત્યાંગના નૃત્ય કરતા કરતાં કહે છે કે “બહુ ગઈ થોડી રહી, થોડા માટે કેમ કંલકિત કરવી…”
 
આ સાંભળીને તબલાવાદકની ઊંઘ તો ઉડતી નથી પણ તે તબલા વગાડો રહે છે પણ નૃત્યાંગનાનું આ વાક્ય સાંભળી નૃત્ય જોવા બેઠેલા રાજાના દરબારના ઋષિ પોતાની પાસે જેટલા સોના મહોર હોય છે તે નૃત્યાંગનાને આપી દે છે. થોડીવાર બાદ તબલાવાદકને જોઇ નૃત્યાંગના ફરી બોલે છે કે “બહુ ગઈ થોડી રહી, થોડા માટે કેમ કંલકિત કરવી…”
 
આથી રાજકુમારી પણ આ સાંભળી પોતાનો અમૂલ્ય હાર નૃત્યાંગનાને આપી દે છે.
 
થોડીવાર બાદ તબલાવાદકને જોઇ નૃત્યાંગના ફરી બોલે છે કે “બહુ ગઈ થોડી રહી, થોડા માટે કેમ કંલકિત કરવી…”
 
…આ સાંભળી રાજકુમાર પણ પોતાનો કિંમતી સોનાનો મુગટ આપી દે છે.
 
આ જોઇ રાજાને નવાઈ લાગે છે. તે કહે છે કે બસ બંધ કરો નૃત્યને. નૃત્ય બંધ થતા તે ઋષિ, રાજકુમારી અને રાજકુમારને કહે છે કે આ તમે શું કરો છો? આ નૃત્યાંગના એક જ વાક્ય વારંવાર બોલીને તમને લૂંટી રહી છે. તમે બધુ જ એકવાક્યમાં લૂંટાવી રહ્યા છો!
 
રાજાની આ વાત સાંભળી ઋષિ, રાજકુમારી અને રાજકુમાર જે કહે છે તેમા જીવનનો ખૂબ મોટો બોધ છે…
 
ઋષિ કહે છે કે,
 
મેં આખી જિંદગી જંગલમાં તપસ્યા કરી અને મોક્ષ માટેનો સમય આવ્યો ત્યારે તમારી સાથે હું આ દરબારમાં આવી પહોંચ્યો. આખી જિંદગી તપ કર્યું. થોડા માટે કલકિંત થયો. નૃત્યાંગનાના આ વાક્યમાં હું બધું સમજી ગયો… “બહુ ગઈ થોડી રહી, થોડા માટે કેમ કંલકિત કરવી…”
 
રાજકુમારી કહે છે કે,
 
મારી ઉંમર થઈ ગઈ છે છતાં તમે મારા લગ્ન નથી કરાવતા. આથી આજે રાત્રે હું રાજ્યના મહાવત સાથે ભાગી જવાની હતી. પણ નૃત્યાંગના આ શબ્દો સાંભળ્યા “બહુ ગઈ થોડી રહી, થોડા માટે કેમ કંલકિત કરવી…” અને હું બધું સમજી ગઈ…થોડા માટે હવે તમારા પર કલંક નથી લગાડવો…!
 
રાજકુમારે કહ્યું કે,
 
આજે રાત્રે હું તમારો વધ કરવાનો હતો. તમારી ઉંમર થઈ ગઈ છે છતાં તમે મને રાજા બનાવતા નથી. પણ નૃત્યાંગના આ શબ્દો સાંભળ્યા “બહુ ગઈ થોડી રહી, થોડા માટે કેમ કંલકિત કરવી…” અને હું બધું સમજી ગયો…થોડા માટે હવે કલંકિત નથી થવું.
 
આ સાંભાળી રાજા ફરીવાર નવાઈ પામ્યો. તેણે તરત કહ્યું કે મને જ્ઞાન થઈ ગયું છે.
 
રાજાએ રાજકુમારીને કહ્યું કે, રાજ્યમાં તારે જેની સાથી લગ્ન કરવા હોય તેની સાથે કરી લે. હું સહમત છું. રાજકુમારને કહ્યું કે આજથી નહી પણ અત્યારથી જ તું આ રાજ્યનો રાજા છે. લે આ મુગટ અને ઋષિમુનિને કહ્યું કે ચાલો તમે એકલા જ નહી હું પણ તમારી સાથે જંગલમાં આવું છુ…
 
 
ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…
 
 

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - https://www.youtube.com/SadhanaSaptahik