બોધ કથા । પાણીની બોટલ | અને સફળતા મુસાફરના હાથમાં આવેલી પાણીની બોટલની જેમ સરકી જાય છે.

ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…

    ૧૦-જુલાઇ-૨૦૨૩
કુલ દૃશ્યો |

bodh katha
 
 
૧૫ વર્ષનો એક કિશોર રેલવે સ્ટેશન પર પાણીની બોટલ વેચી પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક દિવસ ટ્રેનમાં બેઠેલા એક મુસાફરએ તેને બોલાવી કહ્યું, ભાઈ, આ પાણીની બોટલનું શું રાખ્યું ?
 
કિશોરે જવાબ આપ્યો, ૧૦ રૂપિયા સાહેબ.
 
મુસાફરએ મોં બગાડતાં કહ્યું, આટલા બધા હોતા હશે, બોલ, સાત રૂપિયામાં આપવી છે?
 
કિશોર થોડુ હસ્યો અને પાણીની બોટલ પાછી લઈ ચાલતો થયો. આ આખો ઘટનાક્રમ ટ્રેનમાં જ બેઠેલા એક સંત જોઇ રહ્યા હતા. પેલો છોકરો હસ્યો કેમ હશે ? એ જાણવા સંત ટ્રેનમાંથી ઊતરી તેની પાસે પહોંચ્યા અને કહ્યું, બીજું બધું તો ઠીક, પરંતુ પેલા મુસાફરએ જ્યારે પાણીનો ભાવતાલ કરી રહ્યા હતા. ત્યારે તું હસ્યો કેમ એ ન સમજાયું.
 
કિશોરે કહ્યું કે, મહારાજ, હકીકતમાં માણસને તરસ લાગી જ ન હતી. એમને તો માત્ર બોટલની કિમત જ જાણવી હતી. આ સાંભળી સંતે આશ્ચર્યથી પૂછ્યું, એની તને કેવી રીતે ખબર પડી ?
 
કિશોરે જવાબ આપ્યો, કારણ કે જે માણસ ખરેખર તરસ્યો હોય તે બોટલ ખોલી તરત જ પાણી પી લે, ત્યાર બાદ તેની કિમત પૂછે. તેમણે પહેલાં કિમત પૂછી, મતલબ તેમને તરસ લાગી જ ન હતી. સંત કિશોરની વાતનું ગૂઢ રહસ્ય સમજી ગયા.
 
આ પ્રસંગનું પાથેય એ કે, કોઈપણ વ્યક્તિના જીવનમાં કાંઈક ધ્યેય તો હોય જ છે. જે લોકો તર્ક-કુતર્ક કર્યા વગર પોતાના એ ધ્યેયને સિદ્ધ કરવામાં લાગી જાય છે તેમને સફળતા મળીને જ રહે છે, જ્યારે જે લોકો પરિસ્થિતિઓને દોષ દઈ વિચાર કરવામાં જ સમય બરબાદ કરી નાખે તેવા લોકો પોતાના ધ્યેય સુધી ક્યારેય પહોંચી શકતા નથી અને સફળતા મુસાફરના હાથમાં આવેલી પાણીની બોટલની જેમ સરકી જાય છે.
 
 
 
ટૂંકી વાર્તા, બોધ કથા, મહાનુભાવોના જીવનચરિત્ર, જીવન ઉપયોગી અને પ્રેરણાત્મક સુવિચાર, સ્ટોરી, લેખ વાંચવા અમારી સાથે જોડાયેલા રહો…
 

Facebook Page - https://www.facebook.com/sadhanasaptahik

Instagram - https://www.instagram.com/sadhanasaptahik/

Youtube - https://www.youtube.com/SadhanaSaptahik