બોધકથા । જીવન જીવવા માટે સારા જગતનું નિર્માણ કરવું હોય તો પોતાની જાતને, પોતાના મન અને વિચારને બદલો દુનિયા આપો આપ બદલાઈ જશે..!!

14 Mar 2023 11:31:41

Bodh Katha 
 
એક રાજકુમાર હતો. રાજાના અવસાન પછી આ રાજકુમાર ખૂબ નાની ઉમરે રાજા બની જાય છે. રાજકુમાર હોવાથી અનેક સગવડોની વચ્ચે તેમનું જીવન પસાર થયું હતું. પણ હવે તે રાજા બન્યા. તે જિંદગીમાં ક્યારેય રાજમહેલની બહાર ગયો ન હતો. પોતાના રાજ્ય વિશે પણ તે કઈ જાણતો ન હતો. એટલે આ યુવાન રાજકુમારે રાજા બનવાની સાથે પહેલા આખા રાજ્યનો પ્રવાસ કરવો એવું નક્કી કર્યુ.
 
એક દિવસ તે પગપાળા રાજ્યના એક વિસ્તારમાં નીકળે છે. આખો દિવસ પગપાળા ફર્યા પછી તેઓ મહેલમાં પાછા ફરે છે. મહેલમાં આવીને જોવે છે તો તેમના પગના તળીએ ફોડલા પડી ગયા હોય છે. રાજકુમાર પહેલીવાર મહેલની બહાર નીકળ્યા હતા એટલે આવું થવું સ્વભાવિક છે પણ રાજાને આ ગમ્યું નહી એટલે તેઓ તરત હુકમ કરે છે કે મારે હજી ખૂબ પ્રવાસ કરવાનો છે. આખા રાજ્યમાં ફરવાનું છે એટલે રાજ્યના તમામ રસ્તાઓને ચામડાથી મઢી દેવામાં આવે. રાજાનો આ હુકમ સાંભળી રાજ્યના વહીવટદારો અને સૈનિકો ચિંતામાં પડી જાય છે. તેઓ જાણતા હતા કે આ કામ પૂર્ણ કરવામાં અનેક પ્રાણીઓના ચામડાની જરૂર પડશે. કેવી રીતે કામ પૂર્ણ થશે. પણ રાજાને કોઇ કહી શકતું ન હતું.
 
આવામાં એક સૈનિક આગળ આવે છે અને રાજાને કહે છે કે …
 
મહારાજ શા માટે આટલો બધો ખર્ચ કરો છો? આખા રાજ્યના રસ્તાઓને ચામડાથી મઢવાની જગ્યાએ એક નાનકડાં ચામડાનો ટૂંકડો તમે જ પગ નીચે કેમ પહેરી લેતા નથી?!
 
વફાદાર સૈનિકની આ સહાલ સાંભલી રાજા તો થોડી વાર માટે સ્તબ્ધ થઈ ગયા. સૈનિકની આ કિંમતી સલાહ રાજાને ખૂબ ગમી અને બૂટ-ચપ્પલની શોધ થઈ.
 
બોધપાઠ:
 
ઉપરોક્ત વાર્તામાંથી એક ખુબ જ મુલ્યવાન સંદેશ મળે છે કે જીવન જીવવા માટે સારા જગતનું નિર્માણ કરવું હોય તો પોતાની જાતને, પોતાના મન અને વિચારને બદલો દુનિયા આપો આપ બદલાઈ જશે..!! દુનિયા સુધારવાની જરૂર નથી બસ આપણે સુધરવાનું છે. લોકોને કહેવાનું નથી કે આ કરો અને આ ન કરો બસ આપણે તેનું અનુસરણ કરવાનું છે. કરીને બતાવવાનું છે.
 
 
Powered By Sangraha 9.0