બોધકથા । માનવીનું મૂલ્ય । મનુષ્ય તરીકેનું મૂળભૂત મૂલ્ય

19 Jul 2023 12:07:54

bodh katha 
 
એક શહેરમાં જાણીતા સંત પ્રવચન કરવાના હોઈ સમગ્ર હોલ શ્રોતાઓથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. પ્રવચનનો વિષય હતો ‘માનવીનુ મૂલ્ય’.
 
સંતે પ્રવચનની શરૂઆતમાં ખિસ્સામાંથી 1,000ની નોટ કાઢી અને કહ્યું, હું આ નોટ તમારામાંથી કોઈ એકને આપવા માગું છું. કોને જોઈએ છે? બધા જ હાથ ઊંચા થઈ ગયા. સ્વામીજીએ એ નોટને મસળી દડા જેવી બનાવી દીધી અને કહ્યું હવે કોને જોઈએ છે? પહેલાં જેટલી જ સંખ્યામાં હાથ ઊંચા થયા. હવે સ્વામીજીએ એ નોટને પગની નીચે બરાબર કચડી નાખી, ત્યાર બાદ પૂછ્યું - હવે કેટલાને જોઈએ છે? આગળની સંખ્યા જેટલા પ્રમાણમાં જ હાથ ઊંચા થયા.
 
સંતે શ્રોતાઓને કહ્યું, ભક્તો, મેં આ 1000ની નોટ વાળી - પગની નીચે મસળી ગંદી-ગોબરી બનાવી દીધી છતાં તે તમારે તમામને જોઈએ છે, કારણ એના કોઈપણ સ્વરૂપમાં તેના મૂલ્યમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થતો નથી.
 
બરોબર આવી જ રીતે આપણે આપણી જિંદગીમાં સાચા-ખોટા નિર્ણયો લઈએ છીએ. આપણા માર્ગમાં આવતા વિપરીત સંજોગો નીચે કચડાઈએ છીએ, નીચે પછડાઈએ છીએ ત્યારે હીણપતની લાગણી અનુભવીએ છીએ, પરંતુ આપણે હંમેશા એ યાદ રાખવું જોઈએ કે કોઈપણ સંજોગોમાં આપણે પેલી 1000ની નોટના મૂલ્યની માફક આપણું એક મનુષ્ય તરીકેનું મૂળભૂત મૂલ્ય ગુમાવતા નથી.
 
મનુષ્યમાં રહેલી શક્તિઓનું મૂલ્ય અમૂલ્ય છે. આ બધી શક્તિઓને કામે લગાડી આપણે આપણી જિંદગીનો રાહ સુપેરે કંડારી આગળ વધવું જોઈએ. સ્વામીજીના આટલા શબ્દો બાદ સમગ્ર હોલ ભક્તોના ૐ... ૐના નાદથી ગુંજી ઉઠ્યો.
 
Powered By Sangraha 9.0