પ્રકરણ - ૫ । ખંડેરાવ અને અહલ્યાના લગ્નનું રૂડું ટાણું આવી પહોંચ્યું...

આ ઐતિહાસિક લગ્નમાં કુલ પ્રવાસ અને સામાન પેટે રૂપિયા ૨૭૯૫ રૂપિયાનો ખર્ચ થયો હતો. એ જમાનામાં આ ખર્ચ એટલે અત્યારનો કરોડો રૂપિયાનો ખર્ચ. એ વખતે સોનું માત્ર ૧૩ રૂપિયાને ૧૦ આનાનું તોલો મળતું હતું. મલ્હારરાવ હોળકરના પુત્રના હાર માટે કુલ ૨૦૦ તોલા સોનું અલગથી ખરીદાયેલું અને વર-વધૂને વરઘોડા સમયે ૪૦૨ રૂપિયાની અધધ ભેટ મળી હતી.

    ૨૯-જૂન-૨૦૨૪   
કુલ દૃશ્યો |

ahilyabai holkar
 
 
ઈ.સ ૧૭૩૩નું વર્ષ હતું. માણકોજીની દીકરી અહલ્યા અને સૂબેદાર મલ્હારરાવ હોળકરના દીકરા ખંડેરાવના લગ્નની પૂરજોશ તૈયારી ચાલી રહી હતી. શ્રીમંત માધવરાવ પેશવા અને મલ્હારરાવ હોળકર વચ્ચે માલિક અને સરદારના સંબંધો કરતાં પણ વધારે સંબંધો મિત્રતાના હતા. એટલે શ્રીમંત ખુદ આ લગ્નમાં રસ લઈ રહ્યા હતા. ગોર મહારાજે શ્રેષ્ઠ મુર્ત જોઈ દીધાં હતાં. લગ્નને અઠવાડિયાની જ વાર હતી.
 
મલ્હારરાવનો દરબાર ભરાયો હતો અને ગોર બાપાએ લગ્નની કંકોતરીનું પઠન કર્યું, `અખંડિત લક્ષ્મીથી અલંકૃત રાજમાન્ય મલ્હારરાવજી હોળકરના દંડવત્ પ્રણામ. ચિરંજીવ ખંડેરાવના શુભ લગ્ન જેઠ સુદ - સાતમના શુભ દિને નક્કી થયેલ છે. તો આપને લગ્નમાં પધારી વર-વધૂને આશીર્વાદ આપવા અને પ્રસંગની શોભા વધારવા માટે આગ્રહભરી વિનંતી. અવશ્ય પધારજો.'
 
ખરીદી પણ પૂરજોશમાં ચાલી રહી હતી. સૂબેદારનો પુત્ર પરણી રહ્યો હતો એટલે એકથી એક વસ્ત્રોના વેપારીઓ અવનવાં રેશમી વસ્ત્રો લઈને મહેલે આવી રહ્યા હતા. ભોજન માટે પણ એવી જ તૈયારીઓ થઈ હતી.
 
ગણેશસ્થાપનાનો દિવસ આવી ગયો. આખો મહેલ ફૂલોથી શણગારાયો હતો. શ્રીમંત માધવરાવ પેશવા સ્વયં આ લગ્નમાં પધાર્યા હતા એના પરથી જ માળવાના લોકોને સૂબેદાર મલ્હારરાવની અપાર શક્તિનો અંદાજ આવી ગયો હતો. ઢોલ-નગારાં, શરણાઈ, નાચગાન ચાલુ થયાં.
 
ચોંડી ગામમાં પણ આવી જ ભવ્ય તૈયારીઓ કરવા માટે મલ્હારરાવે સેવક મોકલી આપ્યા હતા. આખું ગામ શણગારાયું હતું. દિવસે ફૂલોથી અને રાત્રે દીવાઓથી ઝગમગતું ગામ જોવા અને માત્ર ગુલાબનાં ફૂલોથી બનેલો મંડપ જોવા માટે આસપાસના ગામના લોકોનાં ટોળાં ઊમટતાં હતાં.
 
આખરે બે દિવસ રંગે-ચંગે પૂર્ણ થયા. ઝાઝેરી જાન ચોંડી ગામના આંગણે આવી પહોંચી. સાજન-માજનનાં સ્વાગત થયાં અને આખરે ઇતિહાસમાં અમર બની જનારા આ લગ્ન સંપન્ન થયાં. આઠ વર્ષની અહલ્યા અને દસ વર્ષના ખંડેરાવ સાત ફેરા ફરીને સાત જન્મો માટે એક થઈ ગયા. અહલ્યા માતા-પિતાના આશીર્વાદમાં નર્યા સંસ્કાર લઈને સાસરિયે ચાલી નીકળી.
 
આ ઐતિહાસિક લગ્નમાં કુલ પ્રવાસ અને સામાન પેટે રૂપિયા ૨૭૯૫ રૂપિયાનો ખર્ચ થયો હતો. એ જમાનામાં આ ખર્ચ એટલે અત્યારનો કરોડો રૂપિયાનો ખર્ચ. એ વખતે સોનું માત્ર ૧૩ રૂપિયાને ૧૦ આનાનું તોલો મળતું હતું. મલ્હારરાવ હોળકરના પુત્રના હાર માટે કુલ ૨૦૦ તોલા સોનું અલગથી ખરીદાયેલું અને વર-વધૂને વરઘોડા સમયે ૪૦૨ રૂપિયાની અધધ ભેટ મળી હતી.
 
રંગે ચંગે લગ્ન પૂર્ણ થયાં. અહલ્યા પતિને પહેલીવાર મળી. તેમના ચરણસ્પર્શ કર્યા. પણ પતિ તો ઉદ્દંડ હતો. એણે અહલ્યા સાથે ખૂબ ખરાબ વ્યવહાર કર્યો, `જો છોકરી, તું આજે પગમાં પડી છે એમ જ પગમાં પડ્યા રહેવાનું સમજી? આપણે તો મોજમજા અને મસ્તી કરવાના. મારાં મા-બાપને હું તોફાની લાગું છું. જો મારી કોઈ ફરિયાદ એમને કરી છે તો આવી બનશે તારું.'
દસ વર્ષના પતિએ આઠ વર્ષની પત્નીને ખખડાવી નાંખી. નાનકડી અહલ્યા ત્યારે ડઘાઈ ગઈ હતી. એણે સાસુમાને વાત કરી કે, `તેઓ તો મને વઢે છે.'
 
સાસુમા બાળકને સમજાવે એમ સમજાવી દીધુ,`જો, બેટા એ તો નવું નવું છેને એટલે એવું ચાલે. એ તારા જેટલો હોશિયાર નથી એટલે આવું થાય. તું તો ડાહી દીકરી છે. એને સરસ રીતે સખાની જેમ રાખજે અને સમજાવજે. એની સેવા કરજે, મદદ કરજે એટલે એ રાજી થશે.'
 
અહલ્યાના સંસ્કાર પ્રમાણે એણે તો સાસુનું વાક્ય બ્રહ્મવાક્ય માની લીધું અને પતિદેવની સેવા કરવા લાગી. પણ પતિદેવ કંઈ રાજી થાય તેવું લાગ્યું નહીં. ઘણા દિવસો પછી ય એમનામાં કોઈ ફેર ના પડ્યો. એમાં આ મહેલમાં પણ અહલ્યાનું મન ચોંટતું નહોતું. સુખી-સંપન્ન રાજવી હોળકર કુટુંબમાં, અપાર ધન-વૈભવ, સુખ-સાહ્યબીમાં સરળ સ્વભાવની અહલ્યા મૂંઝારો અનુભવતી હતી. એમાંય ખંડેરાવ એની સાથે બરાબર વાત ના કરતો. એની હરકતો પણ એને ગમતી નહોતી. એ પંખીઓને મારતો, મિત્રોને ધમકાવતો અને ન ખાવાનું ખાતો હતો. ભગવાનની પૂજાને અને એને તો જાણે આડવેર જ હતું.
 
અહલ્યા થોડા દિવસ સાસરિયામાં રહી એ પછી અહલ્યાને એનાં માતા-પિતા પગફેરો કરવા માટે તેડી ગયા. હજુ ઉંમર નાની હતી એટલે હવે અહલ્યાને ચોંડી ગામે જ રાખવાની હતી. વારે-તહેવારે અને પ્રસંગે અહીં આવે તેવું નક્કી થયું હતું.
 
સમય વહેવા લાગ્યો. આઠ વર્ષની અહલ્યા વારે તહેવારે સાસરિયામાં આવતી, ત્યાં મન ફાવે ત્યાં સુધી રોકાતી અને પછી માતા-પિતા પાસે ચાલી જતી. પાંચેક વર્ષ વીતી ગયાં હતાં. હવે અહલ્યા તેર વર્ષની થઈ ગઈ હતી અને ખંડેરાવ પંદર વર્ષનો. આ પાંચ વર્ષ દરમિયાન સાસરિયાના સહવાસમાં અહલ્યા એટલું પામી ગઈ હતી કે, પોતાનો પતિ સાવ ઉદ્દંડ અને અસંસ્કારી છે. લાગણી નામે એનામાં છાંટોય નથી. અને બીજી વાત એ પામી ગઈ હતી કે, પોતાનાં સાસુ ગૌતમા, બીજાં સાસુ હરકુંવરબા અને સસરા મલ્હારરાવ હોળકર ખૂબ પ્રેમાળ અને સંસ્કારી છે. નણંદ ઉદાબાઈ પણ ખૂબ ડાહી છોકરી છે. બધાને પોતાના પ્રત્યે અપાર સ્નેહ છે, પણ ખંડેરાવ દિવસે ને દિવસે બગડતા જાય છે. એમને સુધારવા માટે અહલ્યા પર જ બધાં આધાર રાખીને બેઠાં છે.
 
અહલ્યા પ્રયત્નો કરતી પણ કંઈ વળતું નહોતું. ફરી પાછો સમય વહેતો ગયો. બીજાં ત્રણેક વર્ષ વીતી ગયાં.
 
હવે અહલ્યા સોળ વર્ષની યુવાન બની હતી. એનું રૂપ બરાબર નિખર્યું હતું. એ વાત કરતી ત્યારે એવું લાગતું કે, જાણે મહેલની આરસની ફર્શ પર ચાંદીની ઘૂઘરીઓ વેરાઈ રહી છે. એનું સૌંદર્ય ફૂલી-ફાલી વનરાજી જેવું બન્યું હતું. એ સ્હેજ શ્યામ હતી પણ ઘાટ એવો કે ભલભલા જોતા જ રહી જાય. દાડમની કળી જેવા દાંત અને ગુલાબની પાંદડી જેવા હોઠ. છેક નિતંબ સુધી લંબાયેલો ચોટલો અને અણિયાળું નાક. રૂપની દેવી એના પર બરાબર રીઝ્યાં હતાં.
 
ખંડેરાવ પણ હવે અઢાર વર્ષના થઈ ગયા હતા. મહેલના અપાર સુખ વચ્ચે તેઓ પણ પડછંદ બન્યા હતા. નવી નવી ફૂટેલી મૂછને એવી રીતે વળ ચડાવીને રાખતા જાણે વીંછીનો કાંટો હોય. ઊંચાઈ પણ એવી કે તાડ જેવા લાગે અને શરીર પણ કસાયેલું.
 
બધું બરાબર હતું પણ એમનો સ્વભાવ બદલાયો નહોતો. એ વધારે અસંસ્કારી બન્યા હતા. ખંડેરાવને અહલ્યાબાઈ જેવી આદર્શ પત્ની, મલ્હારરાવ જેવાં આદર્શ પિતા અને ગૌતમાબાઈ અને હરકુંવર જેવા સ્નેહાળ માતા મળ્યાં હોવા છતાં તેમનું વ્યક્તિત્વ બધાંથી વેગળું જ રહ્યું હતું. તેમના સ્વભાવ પર આ બધાના સદ્ગુણોની કોઈ જ અસર હજુ સુધી થઈ નહોતી. હવે તો તેઓ મદ્યપાનના વ્યસની બન્યા હતા અને સુંદરીઓનો પણ છંદ લાગ્યો હતો. મહેલમાં રોજ નવી નવી નાચનારીઓ આવતી અને ખંડેરાવ અઢાર વર્ષની નાની ઉંમરે દારૂ પીને રંગરેલિયાં કરતા હતા. આટલા સદ્ગુણી પરિવારનો પુત્ર કુસંગી અને વ્યસની હોય એ વિધિની વક્રતા જ હતી.
 
અહલ્યાની ઉંમર હવે લગ્નજીવનના તમામ ધર્મોના પાલન માટેની થઈ ગઈ હતી. હવે એને કાયમ માટે સાસરે તેડી જવાની હતી. મલ્હારરાવ, ગૌતમાબાઈ અને હરકુંવર ખુદ ચોંડી ગામે અહલ્યાને તેડવા આવ્યાં હતાં.
 
અત્યાર સુધીમાં અહલ્યાના માતા-પિતાને પણ પોતાના જમાઈના અસંસ્કાર વિશે ખ્યાલ આવી ગયો હતો. તેમણે મોઘમમાં વાત કરી, `મારી દીકરીને બધી વાતે સુખ છે પણ પતિસુખ મળે એ જોજો!'
 
હરકુંવરબાઈ બોલ્યાં, `તમારી દીકરીમાં જાદુ છે વેવાઈ. તમારો ઇશારો અમે સમજી ગયાં છીએ. પણ અમને તમારી દીકરી પર વિશ્વાસ છે. એ ખંડેરાવને જરૂર બદલી દેશે. એને આશીર્વાદ આપો.'
 
`અમારા આશીર્વાદ સદા એની સાથે જ છે.'
 

ahilyabai holkar 
 
***
 
અહલ્યા સાસરે આવી. આજે ખંડેરાવ સાથે એની પ્રથમ રાત્રી હતી. એ સોળે શણગાર સજીને શયનખંડમાં બેઠી હતી. છેક રાત્રીના બે પ્રહર ભાંગ્યા ત્યારે ખંડેરાવ શયનખંડમાં પધાર્યા. પલંગ પાસે આવતાં જ એમને લથડિયું આવી ગયું. એ મદ્યના નશામાં ચકચૂર હતા. અહલ્યા પલંગ પરથી બેઠી થઈ ગઈ. આખો ઓરડો દારૂની ગંધથી ખદબદી ઊઠ્યો.
 
ખંડેરાવ બોલ્યો, `મારી રાણી, આજે આપણી પ્રથમ મુલાકાત છે.'
 
`હા, અને તમે એને દારૂનો દાગ લગાવી દીધો.'
 
`અરે, એને દારૂ ના કહે. સૂરા કહે. શૂરવીરોનું ઘરેણું છે આ તો.'
 
`સાચો શૂરવીર સૂરા ના પીવે. મને આની ગંધથી નફરત છે.'
 
`તો હવે આ ગંધને સુગંધ માની લે સમજી. ટેવાઈ જજે, નહીંતર પસ્તાઈશ.'
 
`વ્યસન જરાય સારું નહીં. છોડી દો આ બધું.'
  
`અરે, પાગલ! સૂરા અને સુંદરી સાથે જ શોભે! મેં કહ્યું ને કે ટેવ પાડી લે! હું તો રોજ પીઇશ અને પીને પછી....'
 
પછીનાં વાક્યો સાંભળી અહલ્યાના કાનના પરદા ફાટી ગયા. એ સ્વમાની હતી. તરત જ દરવાજા તરફ ચાલી, ખંડેરાવે ત્રાડ નાંખી, `એય, છોકરી ક્યાં જાય છે. ખબરદાર જો બહાર નીકળી છે તો.'
 
`સૂરા અને સુંદરી બેમાંથી એક જ મળશે. પસંદગી તમારી. કાલે વાત કરજો. આજે તમે વાત કરવાને લાયક પણ નથી.'
`નપાવટ, પતિ સામે જીભ ચલાવે છે. તારા જેવી તો સત્તર રોજ મારી આગળપાછળ આંટા મારે છે. જતી હોય તો જા! ' હાથ ઉગામીને, દારૂથી લથડતી જીભે આટલું બોલીને ખંડેરાવ નીચે પછડાયા. ધડામ દઈને અવાજ આવ્યો. એમને માથામાં બહુ વાગ્યું હતું. અહલ્યા આખરે તો પત્ની હતી. એ તરત જ દોડી ગઈ અને એમનું માથું પોતાના ખોળામાં લઈ લીધું. દારૂની અતિશય ગંધ આવતી હોવા છતાં એણે એની પરવા કર્યા વિના પતિને ઊભા કર્યા અને પલંગમાં સુવરાવ્યા. આખી રાત એ પતિની પાસે બેસી રહી.
 

ahilyabai holkar 
 
***
 
બીજા દિવસે સવારે હરકુંવરબાઈ અને ગૌતમાબાઈ બેઠાં હતા. અહલ્યા તૈયાર થઈને એમની પાસે આવી અને ચરણસ્પર્શ કર્યા. હરકુંવરબા આટલાં વર્ષોમાં અહલ્યાની બહેનપણી જેવાં બની ગયાં હતાં. તેમણે હસતાં હસતાં પૂછ્યું, `દીકરી, બધું બરાબર છે ને? મને તો વિશ્વાસ છે કે ખંડેરાવ તારી સાથે રહેશે એટલે મોહીને બીજું બધું છોડી દેશે.'
 
`ના, કશું બરાબર નથી.' સ્પષ્ટ કહેવા ટેવાયેલી અહલ્યાએ કહ્યુ, `અને મારાથી મોહીને એ કશું છોડવાના પણ નથી, હમણાં તો નહીં જ!'
 
બંને માતાઓને ધ્રાસકો લાગ્યો.
 
ગૌતમાબાઈ બોલ્યા, `શું થયું દીકરી? કેમ આમ બોલે છે?'
 
`મા, તમારાથી શું છુપાવું! કાલે અમારી પહેલી રાત હતી. પણ એ કાલે પણ દારૂ વિના ના રહી શક્યા. પુષ્કળ મદ્યપાન કરીને આવ્યા હતા. આખો ઓરડો ગંધાતો હતો. મેં એમને નશો ના કરવાનું કહ્યું તો મને કહે એ તો ચાલુ જ રહેશે. તારા જેવી સુંદરીઓ તો સત્તર મળશે. એટલો બધો નશો કર્યો હતો કે ફર્શ પર પડ્યા અને ઊંઘી ગયા. હું આખી રાત એમનું ધ્યાન રાખવા જાગી છું. મારાથી દારૂની ગંધ જરાય સહન થતી નથી. ઊલટી થાય છે. અરે, એમણે તો મારા પર હાથ પણ ઉગામ્યો! કશું સમજાતું નથી.'
 
આખરે ગૌતમાબાઈના લાડ પ્યારને લીધે જ ખંડેરાવ બગડ્યો હતો. એમણે અત્યારેય દીકરાનું પલડું જ ભારે રાખવાની કોશિશ કરી. તેમણે કહ્યું, `જો દીકરી સાચું કહું. તું સંસ્કારી છે, સારી છે એમાં ના નહીં. પણ છે તો પત્ની જ ને, છે તો આખરે સ્ત્રી જ ને. આપણે બધી સ્ત્રીઓએ પતિને અનુરૂપ થઈને રહેવું પડે.'
 
`પણ આ દારૂની ગંધ...!'
 
`દીકરી, જીવનમાં સુખ પ્રાપ્ત કરવું હોય તો ફૂલોની સેજ પર ફૂલોની સુગંધ સાથે ગંધ પણ સહન કરવી પડે. દીકરી અહીં સૂબેદારપણાની ભવ્યતા છે તો એની દાહકતા પણ છે જ. એટલે બંને સહન કરવાં પડશે. હોળકર એટલે તો સૂરજ બેટા.... તેજ અને આગ બંને હોય....!'
 
અહલ્યાએ દૃઢતાથી કહ્યુ,`માતા, આપની વાત સાચી છે. પણ મેં બાળપણથી જ સાંબ સદાશિવની અર્ચના કરી છે. ધરતી જ્યારે સૂરજને પ્રેમ કરવા માંડે છે, એની આસપાસ ફરે છે, ત્યારે સૂરજની દિવ્યતા સાથે એની દાહકતાને સહન કરવાનું સામર્થ્ય રાખે જ છે. પરંતુ સૂરજ પૃથ્વી સિવાય બીજી કોઈ તારિકાઓથી ઘેરાયેલો નથી રહેતો. અહીં તમારો સૂરજ તો દારૂની સાથે સાથે નર્તકીઓ અને સુંદરીઓથી ઘેરાયેલો રહે છે!'
 
ગૌતમાએ કહ્યું, `તારી વાત પણ ખોટી નથી. પરંતું ગૃહસ્થધર્મમાં પ્રવેશ સમયે થોડું ચલાવી લેવું પડે. વિશેષ કરીને આવા મોટા મહેલોમાં પત્ની બનીને રહેનારી સ્ત્રીઓએ તો સમજી જ લેવું જોઈએ કે, પતિ બધું જ કરવાનો છે. તું મને જ જોને દીકરી, હરકુંવર માસી તમારા સસરાની પત્ની છે. પણ અમે બંને બહેનો જેમ રહીએ છીએ કે નહીં. અમને ખબર છે કે ખંડેરાવ થોડો ચંચળ સ્વભાવનો છે. પણ બેટા, મને તારા પર વિશ્વાસ છે કે તારો મૃદુ સ્વભાવ, મધુર વ્યવહાર અને સાત્ત્વિક તેજ ખંડેરાવમાં જરૂર પરિવર્તન લાવશે.'
 
અહલ્યાએ આંખમાં તરી આવેલાં આંસુઓને લૂછીને દૃઢતાથી કહ્યું, `હું આપના વિશ્વાસને તૂટવા નહીં દઉં. હું મારા સાધનામય જીવનથી તેમનામાં સુખદ પરિવર્તન જરૂર લાવીશ. હું જ હોળકર ઘરાનાનું નામ અને કામ ઉજ્જ્વળ કરીશ. મને આશીર્વાદ આપો મા!'
 
`આયુષ્યમાન ભવ યશસ્વી ભવઃ.... સૌભાગ્યવતી ભવ'
 
***
 
(ક્રમશઃ)
 
 
 
પ્રકરણ – ૪ | ક્યાં રાજા ભોજનો કુંવર અને ક્યાં ગંગુ તેલીની દીકરી, સૂબેદાર સાહેબને જ તકલીફ પડશે 

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.