પ્રકરણ - ૬ । સૂબેદારની શમશેર પર શત્રુના રક્તનાં ચિહ્નો હોય છે, જ્યારે તમારી શમશેર પર તો મદ્યનાં ચિહ્નો છે

`કેમ સાચું કહ્યું એટલે કડવું લાગ્યું? સત્યનો નશો આવો હોય છે, એ ભલભલા નશા ઉતારી દે. તમે તમારા કૂળ માથે કલંક છો એ યાદ રાખજો.".

    ૦૯-જુલાઇ-૨૦૨૪   
કુલ દૃશ્યો |

ahilyabai
 
 
મલ્હારરાવના મહેલના કાંગરા પર બેઠેલાં પંખીઓની પાંખ પર બેસીને સમય ઊડી રહ્યો હતો. ઘણો સમય થઈ ગયો હતો. અહલ્યાબાઈ પોતાના પતિમાં જરાય પરિવર્તન નહોતાં કરી શક્યાં. થોડા જ સમય બાદ ખંડેરાવે બીજી રાણીઓ ય બનાવી હતી. આ ઘટનાએ અહલ્યાના હૈયા પર કારમો ઘા કર્યો હતો. અહલ્યાબાઈનું લગ્નજીવન ખંડેરાવના અસંસ્કારી અને વ્યસનીપણાને કારણે સાવ અંધારમય બની ગયું હતું. ખંડેરાવ એટલે અહલ્યાબાઈના જીવનનો એક અંધારો ખૂણો. દસ-દસ રાણીઓના સાનિધ્યમાં અને બીજી નર્તકીઓ અને સુંદરીઓમાં જ એ ગળાડૂબ રહેતા હતા. અતિશય મદ્યપાનને કારણે પોતાના શરીરને પણ તેઓ સંભાળી શકતા નહોતા. સ્ત્રી એમની મોટી નબળાઈ હતી.
 
એમના સંસર્ગમાં આવતી સ્ત્રીઓમાં યવન સ્ત્રીઓ પણ રહેતી હતી. આમ એ સુધરવાને બદલે વધારે ને વધારે સ્વછંદી, ઉડાઉ અને વ્યસની બની ગયા હતા. અહલ્યાબાઈને એ વારે વારે ધુત્કારતા, ગમે તેમ બોલતા અને અપમાન કરતા હતા. હા, પત્નીને પામવાની ઇચ્છા હોય ત્યારે સામેથી બોલાવતા અને વ્યવહાર પણ સારો કરતા. આમ પતિ તરફથી કોઈ પણ પ્રકારનું સુખ અહલ્યાબાઈને પ્રાપ્ત થતું નહોતું, છતાં અહલ્યાબાઈ પોતાનું બધું જ સ્વમાન ગીરવે મૂકીને સહન કરતાં હતાં.
 
ખંડેરાવના આ વર્તનથી બધાંને ખૂબ દુઃખ થતું. સૌથી વધારે દુઃખી હતા મલ્હારરાવ હોળકર. એક દિવસ ખંડેરાવે અહલ્યાને ખૂબ કડવાં વેણ કહ્યાં. અહલ્યા રડતાં રડતાં પોતાના કક્ષમાં ચાલ્યાં ગયાં. મલ્હારરાવની આંખોમાં પણ આ જોઈને આંસુ આવી ગયાં. તેઓ અહલ્યા પાસે ગયા. એમને જોઈને અહલ્યાબાઈએ માથે છેડો તાણ્યો અને પલંગ પરથી ઊભાં થઈ ગયાં.
મલ્હારરાવ ડૂમા ભરેલા અવાજે બોલ્યા, `દીકરી અહલ્યા, સાચું કહું! તારું આ અપમાન, તારું આ દુઃખ જોવાતું નથી. મને અફસોસ છે કે, હું કાંઈ કરી શકતો નથી. એ માનતો નથી. હું શું કરું?'
 
અહલ્યાબાઈ બોલ્યાં, `મામંજી (સસરાજી), આપ શા માટે વ્યથિત થાઓ છો? દુઃખી થાઓ છો?'
 
`દુઃખી તો થાઉં જ ને દીકરી! તારા અરમાનો, આકાંક્ષાઓ, સુખી લગ્નજીવનનાં સપનાંઓ, બધું જ મારે કારણે અધૂરું રહી ગયું છે.'
 
`આપ એનો ખેદ ન કરો મામંજી.'
 
`દીકરી, ખેદ તો થાય જ, પણ એ ખેદ દૂર કરવાનો રસ્તો મળતો નથી.'
 
`એ મારે કરવાનો છે!'
 
`હવે મને કોઈ આશા નથી!'
 
`પણ મને છે. હું આપને વચન આપું છું કે હું એમને સુધારીને જ રહીશ. આટલાં વર્ષો નિષ્ફળતા મળી છે એનો અર્થ એવો નથી કે હજુ પણ નિષ્ફળ જ જઈશ.'
 
`બસ, દીકરી! તો તો મારા જેટલો આનંદ કોઈને નહીં થાય. હું તો બસ તારી માફી માંગવા આવ્યો હતો.'
 
`મામંજી, મને પાપમાં ના પાડો. તમારા સહારે જ હું અહીં ટકી શકી છું. તમે છો એટલે તો મને મારા પિતા પણ યાદ નથી આવતા.'
 
`સુખી થા બેટા!' મલ્હારરાવે આશીર્વાદ આપ્યા અને ત્યાંથી ચાલ્યા ગયા.
 
 
***
 

ahilyabai 
 
 
અહલ્યાબાઈને પીડા તો ખૂબ હતી. હૈયામાં આગનો ભડકો હતો પણ એ સાસુ કે સસરા સામે વ્યક્ત કરીને એમને દુઃખી કરવા નહોતાં માંગતાં. આથી તેમની આગળ એ શાંત થઈ જતાં અને ઊલટાનું એમને જ આશ્વાસન આપતાં હતાં. અહલ્યાબાઈની પીડા ભયંકર હતી. એમને દામ્પત્યજીવનના અભાવ કરતાં પણ પોતાનો પતિ પરાક્રમી નથી એનું ભારે દુઃખ હતું. એમના હૈયામાં હંમેશાં પીડા રહેતી કે પોતાનો પતિ વ્યસની છે. એમને વેદના થતી કે, પોતાના પતિમાં એક પણ એવો ગુણ નથી કે એ બાપ-દાદાનું નામ ઉજાળે. આ દુઃખ, પીડા, વેદના હૈયામાં અતિશયપણે વધી જતું ત્યારે એ સાસુ-સસરાને તો ના કહી શકતાં પણ અંબાદાસને જરૂર કહેતાં.
 
હોળકરોને ત્યાં વર્ષોથી શાસ્ત્રો વાંચતા અંબાદાસ પુરાણિક પાસે શાસ્ત્રો અને પુરાણો સાંભળવા બેસવાનો અહલ્યાબાઈનો નિત્યક્રમ હતો. અહલ્યાબાઈ શાસ્ત્રો સાંભળી લીધા બાદ પિતા સમાન અંબાદાસ સમક્ષ પોતાનું હૈયું ખોલતાં. એ એક સરનામું એવું હતું જ્યાં તેઓ મન ખોલીને વાત કરી શકતાં. પોતાની અવ્યક્ત લાગણીઓ, ઇચ્છાઓ, પીડા બધું જ ઠાલવીને હળવાં ફૂલ બની જતાં. અંબાદાસ પણ સ્વભાવે લાગણીશીલ અને ખૂબ જ મુત્સદ્દી હતા. એ પોતાની નિર્મળ વાણીથી હંમેશાં અહલ્યાબાઈના હૈયાને ઠંડક આપતા. આમ અહલ્યાબાઈનું જીવન ચાલી રહ્યું હતું.
 
***
 
પશ્ચિમાકાશે સૂરજ ડૂબી ચૂક્યો હતો. એવી જ રીતે ખંડેરાવ પણ નશામાં ડૂબી ચૂક્યા હતા. સુંદરીઓ એમને મદ્યપાન કરાવી રહી હતી અને તેઓ આવેગ અને આવેશમાં આવી ચૂક્યા હતા. અચાનક ઘણા દિવસે તેમને પત્નીની યાદ આવી. આજે પત્ની સાથે સંસર્ગ કરવાનું મન થયું. તરત જ તેમણે નશામાં લથડતા અવાજે સેવકને બોલાવ્યો અને અહલ્યાબાઈને સેવામાં હાજર થવાનું કહેણ મોકલ્યું.
  
ખંડેરાવ જેવા હતા એવા પણ અહલ્યાબાઈના પતિ હતા. અહલ્યાબાઈ પતિધર્મ નિભાવવામાં ક્યારેય ચૂક ના કરતાં. કહેણ આવ્યું હતું એટલે જવું તો પડે જ. અંધારું ખાસ્સું થઈ ગયું હતું એટલે તેઓ મશાલચીને લઈને ખંડેરાવના ઓરડા તરફ જવા નીકળ્યા. મનમાં ખંડેરાવના વિચારો ચાલી રહ્યા હતા. તેમને વિચાર આવ્યો કે, ખંડેરાવ તો અત્યારે નશામાં હશે અને કદાચ તેમની આસપાસ ગણિકાઓ પણ હોઈ શકે છે. આથી તેઓ અટક્યાં અને થોડો વિચાર કરીને અનસૂયા નામની દાસીને બોલાવીને એને એક સંદેશો લઈને ખંડેરાવ પાસે મોકલી.
 
અનસૂયા દાસી પહેરેગીરોની રજા લઈને અહલ્યાબાઈનો સંદેશ પહોંચાડવા માટે ખંડેરાવના રૂપમહેલમાં પહોંચી. એ વખતે ખંડેરાવની આસપાસ ત્રણ રૂપાંગનાઓ બેઠી હતી. તેમનાં વસ્ત્રો વેરવિખેર હતાં. એમાંની એક રૂપાંગના ખંડેરાવને ચાંદીના ગ્લાસમાં દારૂ પાઈ રહી હતી. દાસી અનસૂયા નીચું મસ્તક કરીને ઊભી રહી અને બોલી, `મહારાજ!'
 
દાસીને જોતાં જ ખંડેરાવ બરાડ્યા, `અરે, તું અહીં શું કરી રહી છે મૂર્ખ! મેં અહલ્યાને કહેણ મોકલ્યું હતું. એને મારી સેવામાં હાજર થવાનું છે. સંદેશ આપનાર હરામખોરે ભૂલ કરી લાગે છે. બોલાવો એને. અને તું ભાગ અહીંથી!'
 
દાસી નીચું જ મોં રાખીને ગભરાતાં ગભરાતાં બોલી, `મહારાજ, બાઈસાહેબ આવ્યાં છે.'
 
`તો પછી અંદર કેમ નથી આવતાં ? હાજર થવામાં આટલો વિલંબ કેમ?'
 
`જી, તેઓએ એક સંદેશ મોકલ્યો છે!'
 
`શું છે બકવા માંડ જલદી.'
 
`બાઈસાહેબે કહેવડાવ્યું છે કે, તમારી આસપાસ જેટલી પણ સ્ત્રીઓ હોય એમને બહાર મોકલી દો.'
 
`પણ શા માટે?'
 
`કારણ કે તેઓમહારાણી છે, તમારાં પત્ની છે અને આ બધી તો....' દાસી ગભરાતાં ગભરાતા બોલી અને છેલ્લા શબ્દો ગળી ગઈ.
 
ખંડેરાવ પણ ઢીલા પડ્યા. અહલ્યાબાઈના કહેવા પ્રમાણે તેઓએ બધી રૂપાંગનાઓને કહ્યું, `જાઓ, બધાં બહાર ચાલ્યાં જાઓ.'
 
પછી દાસીને કહ્યું, `જાઓ, તમારાં મહારાણીને કહી દો કે હવે અમે એકલા જ છીએ. સેવામાં હાજર થાય.'
દાસી અનસૂયાએ બહાર આવીને અહલ્યાબાઈને બધી વાત કરી. તેના ચહેરા પર ખિન્નતા પ્રસરેલી હતી. તે દરવાજા બહાર જ બેસી રહી.
 
અહલ્યાબાઈએ માથા પરનો પાલવ સરખો કર્યો અને ઘૂંઘટો તાણ્યો. બે તેજસ્વી આંખો ઘૂંઘટમાં સમાઈ ગઈ. પોતાના સેંથાના સિંદૂર પર પણ હાથ ફેરવી લીધો. વ્યથિત થતાં તેમણે હાથથી પરદો બાજુમાં ખસેડીને અંદર પગ મૂક્યા. ધીરે ધીરે અંદર પ્રવેશ્યાં . એમને જોઈને ખંડેરાવ ગેલમાં આવી ગયા, `આવો, મારાં મહારાણી આવો. હું તમારી જ રાહ જોતો હતો.' એ નશામાં ધૂત હતા. ઊભા થયા અને લથડિયાં ખાતાં ખાતાં અહલ્યાબાઈ પાસે આવ્યા. તેમના મુખમાંથી આવતી દારૂની વાસ અહલ્યાબાઈના નાક અને મસ્તકમાં પ્રવેશી. તેમના શરીરમાં ઝણઝણાટી થઈ ગઈ. પણ સાસુમાએ ઘણા સમય પહેલાં કહેલી વાત હજુ યાદ હતી કે, બધું જ સહન કરવું પડશે.
 
તેમણે વાસને સહન કરી લીધી અને પતિને શરણે થયાં. પતિદેવે હાથ પકડ્યો અને અંદરના ખંડ તરફ તેમને દોરી ગયા. અંદર જઈને અહલ્યાબાઈને પોતાની પાસે બેસાડતાં કહ્યું, `મારાં રાણી, જુઓ મેં તમારી ઇચ્છા પ્રમાણે બધી જ સ્ત્રીઓને ખંડમાંથી બહાર કાઢી મૂકી છે.'
 
અહલ્યાબાઈ તરત જ બોલ્યાં, `ખંડમાંથી બહાર કાઢી મૂકો એટલું પૂરતું નથી, જીવનમાંથી કાઢશો ત્યારે મને ખરો આનંદ થશે.'
 
અત્યારે ખંડેરાવ પર અહલ્યાને પામવાનો નશો હતો એટલે એમણે એની વાતને ટાળી દીધી અને શૃંગારરસ તરફ વળી ગયા, `શું તમે પણ રાણી! વ્યર્થની વાતો કરો છો. આ સમય આપણો છે. જુઓ, અહીં કોઈ નથી. હવે કોઈ સંકોચ રાખવાની જરૂર નથી.'
 
`તમારા મુખમાંથી આવતી દારૂની વાસની ધાર મારા શરીરને ચીરી રહી છે. મને સૂગ આવે છે.'
 
`અરે, તમે આ શું માંડ્યું છે? કહેવા શું માંગો છો?'
 
ખંડેરાવે થોડા ખિજાઈને કહ્યું. જવાબમાં અહલ્યાબાઈએ સ્પષ્ટ કહી દીધું, `સ્વામી, આપ પણ જાણો છો કે પંદર દિવસે - મહિને મારી યાદ આવે ત્યારે તમે મને બોલાવો છો. એને હું યાદ કહું છું એ પણ ખોટું છે. તમને મારી નહીં, મારા આત્માની નહીં, મારા શરીરની ભૂખ જાગે છે ત્યારે તમે મને બોલાવો છો. બાકી તો હંમેશાં પેલી દસ રાણીઓ અને બીજી રૂપલલનાઓ અને મદ્યથી ઘેરાયેલા રહો છો. તમને મારી નહીં પણ એ વેશ્યાઓ અને દારૂની જરૂર વધારે છે. તમારે ધર્મપત્ની જોઈએ છે કે ફક્ત શરીરસુખ આપનારી સ્ત્રી? નક્કી કરો. હું તો ધર્મપત્ની છું અને ધર્મપત્ની તરીકે જ રહીશ. '
 
`અરે, એ દસ સ્ત્રીઓ સાથે તો મેં લગ્ન કર્યાં છે!'
 
`એ સ્ત્રીઓ કેવી છે અને એ લગ્ન કેવાં હતાં એ આખો મલક જાણે છે!'
 
`તમે હવે વધારે પડતું બોલી રહ્યાં છો.'
 
`પણ તમે તો વધારે પડતું કરી રહ્યા છો. દસ-દસ સ્ત્રીઓ હોવા છતાં તમારે બીજી રૂપલલનાઓની ય જરૂર પડે છે. ચોવીસે ય કલાક માત્ર દારૂ અને સ્ત્રી! એક મહાન રજવાડાના રાજકુંવરને આ શોભે છે? જરા તો વિચાર કરો!'
 
`મને શું શોભે છે અને શું નહીં એ તમારે મને કહેવાની જરૂર નથી.' ધીમે ધીમે ખંડેરાવનો બધો નશો ઊતરી ગયો હતો.
 
અહલ્યાબાઈ બોલ્યાં, `તો પછી મને પણ એ જ કરવા દો જે મને શોભે! હું સૂબેદાર મલ્હારરાવ હોળકરની પુત્રવધૂ છું. આ ઘરની પહેલી વહુરાણી છું. તમારી પહેલી ધર્મપત્ની છું.'
 
`બકવાસ બંધ કરો અને ચાલ્યાં જાવ અહીંથી.' ખંડેરાવે ગુસ્સાથી કહ્યું.
 
`કેમ સાચું કહ્યું એટલે કડવું લાગ્યું? સત્યનો નશો આવો હોય છે, એ ભલભલા નશા ઉતારી દે. તમે તમારા કૂળ માથે કલંક છો એ યાદ રાખજો.'
 
`ધડ્ડામ.....અ....મ....' ખંડેરાવે મોટી ફુલદાનીનો જોરથી ઘા કર્યો. અને ત્રાડ પાડી, `અમે રાજકુમાર છીએ, અમને આવા શબ્દો સાંભળવાની ટેવ નથી. બહાર નીકળી જાવ અહીંથી.'
 
`બસ, આટલું જ આવડે છે તમને! સાચું બોલનારને અટકાવી દેવાનો! એને કાઢી મૂકવાનો. અરે, તમે સૂબેદારના પુત્ર છો અને ભવિષ્યમાં તમારે જ સૂબેદાર બનવાનું છે એ યાદ રાખો!'
 
`સમય આવે એ પણ બની જઈશું! તમારે સલાહ આપવાની જરૂર નથી.'
 
`હંઅઅ.... સૂબેદાર એમ ને એમ નથી બનાતું સ્વામી. એના માટે મહેનત કરવી પડે, લડવું પડે. સમાજમાં નામના કરવી પડે. સૂબેદારની શમશેર પર શત્રુના રક્તનાં ચિહ્નો હોય છે, જ્યારે તમારી શમશેર પર તો મદ્યનાં ચિહ્નો છે. તમે કોણ છો, તમારું કર્તવ્ય શું છે એની તમને ખબર જ નથી! આનાં પરિણામો અમારે પણ સહન કરવાનાં ને!'
 
`પત્ની અપમાન કરે એ અમારાથી સહન નથી થતું!'
 
પણ અહલ્યાએ તંત છોડ્યો નહીં, એમણે છેલ્લું તીર છોડ્યું, `સ્વામી, અપમાન અને સ્વમાનની ભાષા આપને શોભતી નથી. તમે જો લાકડી લઈને ઘેટાં ચરાવતા હોત તો આ મદ્યપાન અને સ્ત્રીઓની આદત કદાચ ચાલી જાત. પણ તમે તો હોળકર વંશના સ્તંભ છો. તમારા માથે માત્ર પરિવાર કે કોઈ એક રાજ્યની નહીં, ઉત્તરથી દક્ષિણ સુધીના સીમાડાઓની જવાબદારી છે. સુધરી જાવ કાં તો આ રાજપાટ છોડીને ભરવાડનો ધંધો કરો! ઘેટાં-બકરાં ચરાવો.'
 
ખંડેરાવથી હવે જરાય સહન ના થયું. એ બરાડ્યા, `ચૂપ, હોળકરની સંપત્તિ અને રાજ્ય સંભાળવાની સમજ અને શક્તિ બંને અમારામાં છે જ. અમને તમારી સલાહની કોઈ જરૂર નથી. હાલ ને હાલ ચાલ્યાં જાવ અહીંથી, નહીંતર અમારો હાથ ઊપડી જશે.'
 
`અમે તમને એ પાપ નહીં કરવા દઈએ. અને તમે ના કહો તો પણ હું ચાલી જ જવાની છું. મને આજ્ઞાની કોઈ જ જરૂર નથી. મને લાગે છે કે, મદ્યથી ભીંજાયેલ આ શમશેરને દુશ્મનોના રક્તથી તરબોળ કરવા માટે મારે જ જવું પડશે. અને હા, હવે અમને સેવામાં હાજર થવાનું કહેતા પહેલાં બે દિવસ ઉપવાસ કરજો પછી જ આજ્ઞા કરજો. હું તમારી સેવામાં હાજર થઈ જઈશ! ધર્મપત્ની તરીકે મારી બધી જ ફરજો નિભાવીશ.'
 
આટલું બોલીને અહલ્યાબાઈ બહાર નીકળી ગયાં.
 
ખંડેરાવનો બધો જ નશો ઊતરી ગયો હતો. એ જડ જેમ બેસી રહ્યા. આજે અહલ્યાબાઈએ થોડાક કડક અવાજે વાત કરી હતી. આટલાં વરસો સુધી એ કાકલૂદી કરી સમજાવતાં જ રહ્યાં હતાં, પણ ખંડેરાવે કદી તેમની વાતને કાનસરો આપ્યો નહોતો. પણ આજે એમના અવાજમાં દર્દ સાથે સાથે કડપ પણ હતો. આજ સુધી ક્યારેય ખંડેરાવે આ બાબતે વિચાર નહોતો કર્યો, પણ કોણ જાણે કેમ પણ આજે એમનું મન એમને ટપારી રહ્યું હતું. એમનું મન બોલી રહ્યું હતું, `ખંડેરાવ, તારી આખી જિંદગી સુરા અને સુંદરીઓમાં જ વીતી છે. હવે તો ઉંમર થઈ. મા-બાપનું તો તેં કદી માન્યું નથી. પત્ની પણ વરસોથી સમજાવી રહી છે. શું તું આખી જિંદગી આવો જ રહીશ? શું અહલ્યાની વાત ખોટી છે? તારી શમશેરમાં કાટ નથી લાગી ગયો? તેં કદી એને ધર્મપત્ની તરીકે માનથી બોલાવી છે? તું આખી જિંદગી આમ ને આમ જ રહીશ તો પછી હોળકર વંશ દારૂના પ્યાલામાં ડૂબી જશે.'
ખંડેરાવના મનમાં વિચારોનું તુમૂલ યુદ્ધ જામ્યું હતું. વરસો સુધી અહલ્યાબાઈએ આપેલી એક એક શિખામણ આજે યાદ આવી રહી હતી. એ વિચારતા હતા ત્યાં જ અહલ્યાબાઈ પાછાં ખંડમાં આવ્યાં. બેમાંથી કોઈ કંઈ બોલ્યું નહીં. તેમણે આસપાસ નજર કરી અને ખૂણામાં પડેલી શમશેર લઈને ચૂપચાપ મક્કમ ચાલે બહાર નીકળી ગયાં. તેમની ચાલ જ કહેતી હતી કે અહલ્યા હવે સિંહણ બનવાની હતી.
 
ખંડેરાવ ધ્રૂજી ઊઠ્યા. એમનું મન પાછું બોલી ઊઠ્યું `ખંડેરાવ, તારી ઇજ્જત તો સાવ નીકળવાની હવે. આ સ્ત્રી જો યુદ્ધના મેદાને ઊતરશે અને શમશેરને દુશ્મનોના લોહીથી રંગશે તો લોકો તારી ઉપર થૂંકશે. ઇતિહાસમાં તારું નામ કાળા અક્ષરે લખાશે.'
 
અને ખંડેરાવે માથું પકડી લીધું. એ જોરથી બરાડ્યા, `ના... ના... ના હું એવું નહીં થવા દઉં!'
 
***
 
(ક્રમશઃ)
 
 
 
પ્રકરણ – ૪ | ક્યાં રાજા ભોજનો કુંવર અને ક્યાં ગંગુ તેલીની દીકરી, સૂબેદાર સાહેબને જ તકલીફ પડશે
 

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.