ખુલ્લી જીપમાં, એશિયાઇ સિંહોને નજીકથી જોવા આ રજાઓમાં સાસણગીર જઇ આવો!

પોતાના ઘરમાં મસ્ત મજાની ખુમારીથી રહેતા, અલમસ્ત- મુક્તપણે વિહરતા અને પોતાના સામ્રાજ્યમાં ખલેલ પહોંચાડનારને ગર્જનાથી દૂર રહેવાની ચેતવણી આપતા સિંહને નજીકથી જોવા હોય તો અહીં પહોંચી જાવ...

    ૨૦-એપ્રિલ-૨૦૨૩
કુલ દૃશ્યો |

sasan gir  
 
 
# જંગલના રાજાના ‘શાસન’ને જોવા માટેનું સ્થળ એટલે ‘ સાસણ’ ગીર | Sasan Gir
# સાસણગીર “સિંહદર્શને” જવાનું વિચારો છો? તો આ લેખ તમારા માટે છે...!!
# સાસણગીરમાં એશિયાઇ સિંહોને તેમના અલમસ્ત અંદાજમાં નજીકથી નિહાળવાનો લહાવો મળે છે
# સિંહ ઉપરાંત અનેક લુપ્તપ્રાય પ્રજાતિઓ માટેનું એક મહત્વપૂર્ણ ક્ષેત્રમાંનુ એક છે
# આ અભ્યારણ્યમાં 600થી વધુ એશિયાઇ સિંહ, 300 થી વધુ દીપડાં, 425 થી વધુ પ્રકારના વિવિધ પક્ષીઓ, 24 પ્રકારના વિવિધ પ્રજાતિના સરિસૃપ તેમજ 40 પ્રકારના સસ્તન પ્રાણીઓ વસવાટ કરે છે
# આ અભ્યારણ્યની સ્થાપના પાછળનો ઇતિહાસ પણ રસપ્રદ છે
 
એશિયાઇ સિંહોનું નિવાસ સ્થાન એટલે સાસણ ગીર. પોતાના ઘરમાં મસ્ત મજાની ખુમારીથી રહેતા, અલમસ્ત- મુક્તપણે વિહરતા અને પોતાના સામ્રાજ્યમાં ખલેલ પહોંચાડનારને ગર્જનાથી દૂર રહેવાની ચેતવણી આપતા સિંહને નજીકથી જોવા હોય તો જૂનાગઢથી 65 કિલોમીટર દૂર આવેલા સાસણ ગીર નેશનલ પાર્કની મુલાકાત ચોક્કસથી લેવી જોઇએ. આ વિસ્તારને સરકાર દ્વારા આરક્ષિત જાહેર કરવામાં આવ્યો છે.
 

sasan gir  
 
સાસણગીર અભ્યારણ્યમાં જોવાલાયક શું છે?
 
1,412 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલા આ અભ્યારણ્યમાં 600થી વધુ એશિયાઇ સિંહ, 300 થી વધુ દીપડાં, 425 થી વધુ પ્રકારના વિવિધ પક્ષીઓ, 24 પ્રકારના વિવિધ પ્રજાતિના સરિસૃપ તેમજ 40 પ્રકારના સસ્તન પ્રાણીઓ વસવાટ કરે છે, અહીં તમે વન્યજીવોને તેમના પ્રાકૃતિક અંદાજમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ મુક્તપણે વિહરતા જોવાનો લહાવો લઇ શકશો. મુલાકાતીઓ માટે અહીં જીપ સફારીની વ્યવસ્થા ઉપલબ્ધ છે.
 

sasan gir  
 
ક્યારે જવું શ્રેષ્ઠ
 
અહીંની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય છે, ડિસેમ્બરથી માર્ચ. જો કે વેકેશનમાં પણ પ્રવાસીઓ વન્યસૃષ્ટિને જોવા માટે આ સ્થળની મુલાકાત લેવાનું પસંદ કરતા હોય છે. અહીં પ્રાણીઓ ખાસ કરીને વહેલી સવારે અને સમી સાંજે નીકળે છે તેથી તેમને જોવાનો શ્રેષ્ઠ સમય સવાર અને સાંજનો છે. અહીં સફારી માટેનો સમય સવારે 6.45 વાગેથી 9.45 વાગે સુધી તેમજ 8.30 વાગેથી 11.30 વાગે સુધી, જ્યારે સાંજે 3 વાગેથી સાંજે 6 વાગે સુધીનો છે. જંગલ સફારીની મુલાકાત લેવા માટે મુલાકાતીઓ માટે વનવિભાગની અધિકૃત વેબસાઇટ પર પહેલાથી બુકિંગ કરાવવું આવશ્યક છે. સાથે સરકાર માન્ય ઓળખપત્ર રાખવું ફરજિયાત છે. ઉલ્લેખનીય વાત એ છે કે અહીં જિપ્સી સફારી માટે તમને જે સમય ફળવાયો હોય તે સમય કરતા ૧ કલાક વહેલા પહોંચવું ખૂબ જરૂરી છે. જો તમે થોડા પણ મોડા પડ્યા તો ઓનલાઇન બૂકિંગ રદ્દ થઈ જાય છે.
 

sasan gir  
અભ્યારણ્ય ક્યારે બંધ હોય
 
ચોમાસાની સિઝન દરમિયાન સિંહ સહિત અન્ય પ્રાણીઓનો સંવનનકાળ હોવાથી આ સિઝનમાં પ્રવાસીઓ માટે અભ્યારણ્ય બંધ રાખવામાં આવે છે.
 
ગીર નેશનલ પાર્ક કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું
 
આફ્રિકા ઉપરાંત સાસણગીર એ એક માત્ર એવું સ્થળ છે, જ્યાં સિંહને ખુલ્લા ફરતા જોઇ શકાય છે. એશિયાઇ સિંહોને સંરક્ષિત કરવા આ અભ્યારણ્યની સ્થાપના 18 સપ્ટેમ્બર 1965ના રોજ કરવામાં આવી હતી. 19મી સદીમાં ભારતના રાજવીઓ દ્વારા બ્રિટિશ શાસકોને શિકાર માટે આમંત્રિત કરવામાં આવતા. જેના પરિણામે વર્ષ 1913માં આખા ભારતમાં અને એ પણ માત્ર ગીરના જંગલમાં 20 સિંહ બચ્યા. ક્રમશ: સિંહોની આ વસ્તી આખા એશિયામાંથી ઓછી થતી જોવા મળી. આથી જૂનાગઢના નવાબ સર મહમદ મહાબતખાનજીએ ગીરના વિસ્તારને સિંહો માટે આરક્ષિત જાહેર કર્યો અને સિંહના શિકાર પર પ્રતિબંધ લગાડ્યો. જેને કારણે ગીરમાં સિંહોની વસતી સલામત રહી શકી. ત્યારબાદ વનવિભાગ દ્વારા પણ સિંહની સુરક્ષા માટે અનેક પગલાં ઉઠાવવામાં આવ્યા. જે અંતર્ગત વર્ષ 2015માં સિંહની સંખ્યા 523 નોંધાઇ, વર્ષ 2020માં તેમાં 29 ટકાનો વધારો નોંધાતા, હવે તે સંખ્યા 674 પર પહોંચી છે.
 

sasan gir  
 
ગીરમાં શું કરશો
 
ગીર જંગલ ટ્રેઇલ સફારી ઉપરાંત અહીં દેવળિયા સફારી પાર્ક કનકાઇ સફારી પાર્ક ઉપરાંત દુર્લભ પક્ષીઓને જોવા મળતા હોવાથી બર્ડ વોચિંગ પણ પ્રવાસીઓને અનેરો રોમાંચ આપે છે.
 

sasan gir  
 
ગીર નેશનલ પાર્ક કેવી રીતે પહોંચશો
 
એશિયાઇ સિંહોને જોવા માટે સમગ્ર દેશમાંથી અનેક પ્રવાસીઓ અહીં આવે છે. અમદાવાદ અને રાજકોટ જેવા મોટા શહેરથી ટ્રેન દ્વારા અહીં જૂનાગઢ સુધી પહોંચી શકાય છે. જૂનાગઢથી સાસણગીર રાષ્ટ્રીય ઉદ્યાન સુધી પહોંચવા માટે દોઢ કલાક સુધીનો સમય લાગે છે.
 
રાજકોટથી ગીર નેશનલ પાર્ક: રાજકોટ ટ્રેન ઉપરાંત રાજકોટ સુધી હવાઇ માર્ગ સેવા ઉપલબ્ધ છે. રાજકોટથી જૂનાગઢ શહેર લગભગ 105 કિલોમીટર દૂર છે અને આ અંતર કાપવામાં અઢીથી ત્રણ કલાકનો સમય લાગે છે. જૂનાગઢથી બસ અને કેબ સેવા દ્વારા પણ મુસાફરી કરી શકાય છે.
 
સોમનાથથી ગીર નેશનલ પાર્ક : સોમનાથથી ગીર નેશનલ પાર્ક વચ્ચે 50 કિલોમીટર જેટલું અંતર છે. આ અંતર કાપવામાં લગભગ 1 કલાકનો સમય લાગે છે. બંને શહેરો વચ્ચે GSRTC બસ અને ખાનગી બસ સેવા ચાલે છે.
 
અન્ય શહેરોમાંથી સાસણગીર તરફનું અંતર
 
અમદાવાદથી 410 કિલોમીટર
રાજકોટથી 160 કિલોમીટર
જૂનાગઢથી 55 કિલોમીટર
સોમનાથથી 50 કિલોમીટર
 
 
- જ્યોતિ દવે 
 
 
 
 
ગુજરાતના આ સ્થળો વિશે પણ જાણવું તમને ગમશે...