ભુજ...ભુજિયો ડુંગર અને અહીંના ઐતિહાસક જોવાલાયક સ્થળો...!

ઐતિહાસિક ધરોહર અને ખુમારીનું સરનામું એટલે ‘ભુજ’ | શહેરમાં ઇતિહાસને સાચવી બેઠેલા સ્થળો છે, તો કુદરતી સૌદર્યથી અભિભૂત કરે તેવા અનેક સ્થળો પ્રવાસના રોમાંચને બેવડો કરે છે

    ૨૧-એપ્રિલ-૨૦૨૩
કુલ દૃશ્યો |

bhuj visit place
 
 
# પ્રાચીન કિલ્લાની વચ્ચે વસેલું આ શહેર ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે
# કોતરણી ધરાવતા મહેલો, મંદિરો, પાંચ ગઢના નાકા તેમજ છઠ્ઠી બારી, શહેરના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે
# રાજ્યનું સૌથી જૂનું મ્યુઝિયમ અહીં આવેલું છે
# 2001ના ધરતીકંપ બાદ ફિનિક્સ પક્ષીની જેમ બેઠું થયેલું આ શહેર કચ્છીમાડુઓના ખમીરની ઝલક દર્શાવે છે
# ધરતીકંપ પછી બેઠું થયેલું અદ્યતન ભુજ એ ભારતની પશ્ચિમ સીમાનું સંરક્ષણ કેન્દ્ર પણ છે
 
 
પ્રાકૃતિક સૌંદર્ય અને ઐતિહાસિક વારસો સાચવીને બેઠેલા અનેક સ્થળો ગુજરાતમાં છે, જ્યાં કુદરતે છુટા હાથે સુંદરતા વેરી હોય, તેમજ ઐતિહાસિક સ્થાપત્યો, સમૃદ્ધ ઇતિહાસના સાક્ષી બનીને આપણને અભિભૂત કરતા હોય, ગુજરાતમાંઆવા સ્થળોની યાદી જોઇએ તો કચ્છ જિલ્લાના ભુજ શહેરનો તેમાં ચોક્કસપણે સમાવેશ થાય.આવો જાણીએ ભુજ શહેરના જોવાલાયક સ્થળો વિશે.
 
ભુજ શહેરનું નામ કેવી રીતે પડ્યું
 
કચ્છ જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ દેશનો સૌથી મોટો જિલ્લો છે. જેમાં ભુજ શહેરએ ભુજિયા ડુંગરની તળેટીમાં વસેલું જિલ્લાનું સૌથી મોટું શહેર છે, ભુજિયા ડુંગર પરથી શહેરનું નામ ભુજ પડ્યું હોવાનું મનાય છે.
 

ભુજના જોવાલાયક સ્થળો | Best Places to Visit in Bhuj Gujarat

 
ભુજિયો ડુંગર | Bhujiyo Dungar
 
કચ્છના પાટનગર ભુજની શોભા સમાન ભુજિયો કિલ્લો ભુજિયા ડુંગર પર આવેલો છે. શહેરના રક્ષણ માટે આ કિલ્લો જાડેજા રાજવીઓ દ્વારા બાંધવામાં આવ્યો હતો. ગોળજી પહેલાએ ઇ.સ. 1715માં આ કિલ્લાનું બાંધકામ શરૃ કરાવેલું, દેશલજી પહેલાના સમયમાં ઇ.સ. 1741માં પૂરું થયું. આ કિલ્લો 1700થી 1800ના વર્ષોમાં કચ્છના રાજપૂત શાસકો અને સિંધના આક્રમણખોરો અને ગુજરાતના મોગલ શાસકો વચ્ચે થયેલા 6 યુદ્ધોનું સાક્ષી બન્યું છે.
 

bhuj visit place 
 
ભુજિયા ડુંગર પાછળ જોડાયેલી છે દંતકથા
 
દંતકથા અનુસાર, કચ્છ પર નાગ લોકોનું શાસન હતું. શેષપટ્ટનની રાણી સાગાઇએ ભેરિયા કુમારની સાથે મળીને નાગ લોકોના વડા ભુજંગ સામે બળવો કર્યો. તે સંઘર્ષ પછી ભેરિયાનો પરાજય થયો સાગાઇ સતી થઇ. ભુજંગ જ્યાં રહેતો હતો તે ટેકરી ભુજિયા ડુંગર તરીકે જાણીતી થઇ અને નજીકનું શહેર ભુજ તરીકે ઓળખાયું. ભુજંગની પૂજા નાગદેવતા તરીકે કરવામાં આવે છે અને ત્યાં તેનું મંદિર બાંધવામાં આવ્યું છે. દર વર્ષે શ્રાવણ સુદ પાંચમ એટલે કે નાગપંચમીના દિવસે અહીં મેળો ભરાય છે અને નાગ દેવતા તે દિવસે કોઇપણ સ્વરૃપે દર્શન આપે છે તેવી માન્યતા પણ છે.
 
- પાકિસ્તાનની સરહદ નજીક હોવાથી સ્વતંત્રતા બાદ આ કિલ્લો ભારતીય સેના હેઠળ હતો, વર્ષ 2001ના ધરતીકંપ બાદ ભારતીય સેનાએ આ કિલ્લો ખાલી કરીને નવી જગ્યા અપનાવી છે. લોકવાયકા અનુસાર ભુજિયા ડુંગરથી જામનગર સુધીના ભોંયરા હોવાનું મનાય છે.
 

bhuj visit place 
 
પ્રાગ મહેલ | Prag Mahal
 
વાસ્તુકળાનો બેનમૂન નજરાણાં સમાન આ મહેલના બાંધકામની શરૂઆત રાવ પ્રાગમલજી (ત્રીજા)એ ૧૮૬૫માં કરાવી હતી. આની સંરચના કર્નલ હેનરી સેંટ વીલ્કીન્સ દ્વારા ઈટાલિયન ગોથીક શૈલિમાં કરવામાં આવી હતી. મહેલના બાંધકામનો ખર્ચ તે સમયે ૩૧ લાખ રુપિયા આવ્યો અને તેનું બાંધકામ ૧૮૭૯માં ખેંગારજી (ત્રીજા)ના રાજમાં પૂર્ણ થયું.
મહેલમાં મુખ્ય ખંડ, દરબાર ખંડ, કોરીન્થીયન થાંભલા, યુરોપીયન વનસ્પતિઓ અને પ્રાણીઓના કોતરકામ વાળું જાળી કામ, તેમજ સુંદર નક્શીકામ કરેલા પત્થરોથી જડિત મંદિર જોવાલાયક છે. અહીં ઘણી બોલિવૂડ ફિલ્મોના શૂટિંગ થયા છે.
 

bhuj visit place 
છતેડી  |  Chhatedi 
 
અહીંની સ્થાનિક ભાષામાં છતેડી એટલે છત્રી. આ ભુજનું જોવાલાયક શિલ્પ સ્થાપત્ય છે. છતેડી 1770માં શાહી પરિવારની સમાધિને ગૌરવ આપવા તેમજ તડકા અને છાંયડાથી રક્ષણ આપવા બંધાઇ હોવાનું મનાય છે.
 

bhuj visit place 
 
રામકુંડ  | Ramkund Bhuj
 
ભુજના હમીરસર તળાવની પાછળ આવેલો 300 વર્ષથી પણ વધુ પુરાણો આ કુંડ એક ખાસ પ્રકારનો જળસ્રોત છે. આ કુંડની બાંધણી એ પ્રકારે કરવામાં આવી છે કે, હમીરસર તળાવના પાણીની સપાટી મુજબ રામકુંડમાં પાણીની સપાટી રહે છે, એ રીતે ભૂગર્ભમાંથી પાણીની આવક રામકુંડના તળિયામાં રહેલા કૂવામાં આવે છે અને રામકુંડ ભરાતો જાય જયારે હમીરસર પૂરું ભરાઇ જાય અને ઓગની જાય ત્યારે આ રામકુંડમાં છેક ઉપર સુધીની સપાટી એ પાણીથી ભરાઇ જાય છે.
 

bhuj visit place 
 
હમીરસર તળાવ  |  Hamirsar Lake 
 
હમીરસર તળાવ એ પ્રત્યેક ભુજવાસીઓની શાન સમાન છે. અહીંની ઉત્સવપ્રિય જનતા માટે આ તળાવ એ ઉત્સવ મનાવવાનું સ્થળ છે. ખાવાના શોખીનો માટે તળાવની આસપાસ ખાણીપીણી બજાર સહિત અનેક આકર્ષણો છે. ચોમાસામાં અહીં તળાવ છલકાય ત્યારે તળાવ ઓગનાયું કહીં અહીંના રાજવી દ્વારા તેની પૂજા કરવામાં આવે છે તેમજ મેઘલાડુનું જમણ રાખવામાં આવે છે. માન્યતા છે કે, કચ્છમાં વર્ષો પૂર્વે પાણીની તંગી હોવાથી અહીં વરસાદથી તળાવ છલકાવું એ એક મોટી ઘટના ગણાતી આથી જ જ્યારે તળાવ ઓગનાય ત્યારે આજે પણ અહીં ઉત્સવનો માહોલ જામે છે.
 

bhuj visit place 
 
આઇના મહેલ | Aina Mahal
 
અનેક પ્રકારના અરીસાથી બનેલ આ મહેલ 18મી સદીમાં કચ્છના મહારાવ લખપતજી દ્વારા બંધાવવામાં આવ્યો છે. જો કે પાછળથી કચ્છના છેલ્લા મહારાવ મદનસિંહજીએ અંગત રસ લઇ સંગ્રહ કરાવેલી બેનમૂન કચ્છી ચીજવસ્તુઓને સુરક્ષિત રાખવા માટે આયના મહેલમાં સ્થાયી મ્યુઝિયમની સ્થાપના કરી હતી. 1947માં આઝાદીના અવસરે ખુલ્લુ મુકાયેલ આ મ્યુઝિયમ 1977માં પુનર્ગોઠવણી પામતાં તેને ‘મદનસિંહજી મ્યુઝિયમ’ નામ અપાયું
 

bhuj visit place 
 
સ્મૃતિ વન | Smritivan
 
રૃપિયા 375 કરોડના ખર્ચે નિર્મિત, 175 એકર વિસ્તારમાં વિકસાવવામાં આવેલું આ વન કચ્છીજનોની પીડા પ્રતિબિંબિત કરે છે. અહીં 2001ના વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનારા 12 હજારથી વધુ દિવંગતોના નામ કોતરવામાં આવ્યા છે. અહીં એક ખાસ મ્યુઝિયમ પણ બનાવાયું છે. જેમાં ભૂકંપની ક્ષણને જીવંત કરવામાં આવી છે. લોકોને નવું શીખવા મળે, ભૂસ્તર વિજ્ઞાનમાં લોકોને રસ ઊભો થાય તે હેતુથી અહીં ભૂસ્તર શાસ્ત્રને લગતી વિવિધ માહિતીઓને પ્રદર્શિત કરવામાં આવી છે.
અહીં ધ્રુજારી, ધ્વનિ અને પ્રકાશના સંયોજનથી ભૂકંપ જેવી સ્થિતિનો અનુભવ કરાવતા સ્ટિમ્યુલેટરને વિકસાવવામાં આવ્યું છે.
કુદરતના ખોળામાં વિહરતા માંગતા પ્રકૃતિ પ્રેમી સહેલાણીઓ માટે આ શહેરમાં હીલ વિસ્તાર,ટપકેશ્વરી વિસ્તાર તેમજ જાદુરાના ડુંગર જેવા વણખેડાયેલા અદ્ભુત પ્રાકૃતિક સ્થળો આવેલા છે, ચોમાસાની સિઝનમાં આ ત્રણેય સ્થળોની મુલાકાત સહેલાણીઓના પ્રવાસની મજાને બમણી કરાવે છે. તો પ્રી એન્ડ આફ્ટર વેડિંગ શૂટિંગ અને ફોટોગ્રાફી માટે ખારી નદીએ ફેવરિટ સ્પોટ બનતું જાય છે.
 
 
કેવી રીતે પહોંચવું
 
માર્ગ દ્વારા – અમદાવાદથી 330 કિલોમીટરના અંતરે આવેલ ભુજ શહેર સુધી જવા – આવવા એસ.ટી. વિભાગ અને ખાનગી કંપનીઓની નિયમિત બસ સેવા ચાલે છે.
 
ટ્રેન દ્વારા- અમદાવાદ વાયા ભુજથી મુંબઇ અને ભુજ- દિલ્હી સુધીની ટ્રેન દરરોજ દોડે છે. ભુજથી આશરે 80 કિલોમીટર દૂર આવેલ ગાંધીધામ, પુના, બેંગ્લોર, ત્રિવેન્દ્રમ વગેરે જેવા શહેરોને જોડતી સાપ્તાહિક ટ્રેનોની સેવા પણ ઉપલબ્ધ છે. તાજેતરમાં અમદાવાદને ભુજ જોડે જોડતી ભુજ-સાબરમતી સમર સ્પેશિયલ ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરવામાં આવી છે.
 
હવાઇ માર્ગ- અમદાવાદથી ભુજ સુધીની હવાઇ સેવા પણ ઉપલબ્ધ છે. તાજેતરમાં ભૂજ-દિલ્હી વચ્ચેની ફ્લાઇટ પણ શરૃ કરાઇ છે.
 
- જ્યોતિ દવે
 
 
 
ગુજરાતના આ સ્થળો વિશે પણ જાણવું તમને ગમશે...