ખંડેરાવ હવે સતત અહલ્યાબાઈનો વિચાર કરતા હતા. એ બદલાવા માંગતા હતા પણ વરસોથી લાગેલી લત એમ કેવી રીતે છૂટે? એ નશો ન કરવાનો નિર્ધાર કરતા પણ નશા વિના તો એમની રગે રગ તૂટવા માંડતી હતી. એ તરફડિયાં મારવા લાગતા હતા. આખરે ન રહેવાતાં મદ્યપાન કરી લેતા. એવું જ સ્ત્રીઓની બાબતમાં ય હતું. એ ચાહીને પણ સ્ત્રીઓથી દૂર નહોતા રહી શકતા. એમનું મન શાંત હોય તો સ્ત્રીઓ આવીને એમને ઉશ્કેરતી અને મદ્યપાનમાં પાછા ડુબાડી દેતી.
સમય પસાર થવા લાગ્યો હતો. ખંડેરાવ હજુ દારૂ કે સુંદરીને ત્યાગી નહોતા શક્યા. પણ એમનું મન ત્યાગવામાટે તરફડી રહ્યું હતું એ નક્કી હતું. હા, આ બધું એ ઓછું જરૂર કરી શક્યા હતા. એક વખત તો તેમણે હદ કરી નાંખી. કુલ ચાર દિવસ સુધી ઉપવાસ કર્યા. દારૂને હાથ સુધ્ધાં ના લગાડ્યો. અને પછી અહલ્યાબાઈને કહેણ મોકલ્યું. અહલ્યાબાઈએ પુછાવ્યું કે ઉપવાસ કર્યા છે? તો જ આવું? ખંડેરાવે હા કહેવડાવી. અહલ્યાબાઈને વિશ્વાસ નહોતો. એમને તો હતું કે, પતિ પાછો નશામાં ધૂત હશે. પણ પતિનો આદેશ હતો એટલે જવું પડે તેમ હતું. તેઓ દારૂની ગંધ અને પતિ દ્વારા થતું અપમાન સહેવાની તૈયારી સાથે ખંડેરાવના ખંડ તરફ ગયાં.
બહાર દાસીને બેસાડી હતી અને નક્કી કર્યુ હતું કે, આજે તો પતિ નશામાં હોય તો તરત જ પાછા વળી નીકળવું છે. પણ તેઓ અંદર ગયાં ત્યારે તેમને ખરેખર આશ્ચર્ય થયું. પતિ ખૂબ જ સહજ હતા. પતિએ એમને સન્માનપૂર્વક બેસાડ્યાં અને તેમની પાસે બેઠાં. આજે દારૂની ગંધ પણ નહોતી આવી રહી. અહલ્યાબાઈ ચમક્યાં. ખંડેરાવ બોલ્યા, `આશ્ચર્ય ના પામશો, મેં ખરેખર મદ્યપાન નથી કર્યું!'
`હેં....! '
`હા, તમને મળવા માટે ચાર દિવસથી ઉપવાસ ઉપર છું. મદ્યપાન, માંસાહાર બધું જ બંધ.'
`સ્વામી, તમને ખબર નથી કે, આ સાંભળી મને કેટલો આનંદ થઈ રહ્યો છે અત્યારે!'
`આનંદ ભલે થાય. પણ સત્ય એ છે કે હું કાયમી રીતે મદ્યપાન કે બીજું છોડી નથી શક્યો. આ ચાર દિવસમાં પણ દારૂ પીવાની તીવ્ર ઇચ્છા થઈ, પણ એ ઇચ્છા કરતાં તમને મળવાની ઇચ્છા વધારે બળવત્તર સાબિત થઈ.'
અહલ્યાબાઈએ પતિની આંખોમાં સ્નેહથી જોયું અને બોલ્યાં, `કંઈ વાંધો નહીં. વરસો જૂનું વ્યસન છે, છૂટતાં વાર લાગે એ હું પણ સમજું છું. પણ તમે આ ચાર દિવસ કરી શક્યા એ ય મોટી વાત છે. જેમ ચાર દિવસ કર્યું એમ ચાલીસ દિવસેય થશે અને ચારસો દિવસે ય થશે.'
`હું પણ એવું ઇચ્છું છું.' ખંડેરાવ પત્નીની નજીક ગયા. અહલ્યાબાઈ બોલ્યા, `બીજી સ્ત્રીઓ તો નથીને આસપાસમાં?'
`ના, હવે શ્વાસોશ્વાસમાં તમે જ છો.'
અહલ્યાબાઈ શરમાઈ ગયાં. આજે પહેલીવાર તેમના સેંથાના સિંદૂરનો અસલી રંગ ઊભરી રહ્યો હતો. પહેલીવાર પતિ માન-સન્માન પૂર્વક પત્ની તરીકેનો દરજ્જો આપી રહ્યો હતો.
એ દિવસ અલ્યાબાઈ માટે ધન્ય દિવસ બની રહ્યો હતો. એમના અંધકારભર્યા જીવનમાં આશાનું એક કિરણ પ્રગટ્યું હતું. આ વાત તેમણે હરકુંવરબા અને ગૌતમાબાને પણ કરી. ગૌતમાબાઈએ કહ્યું, `દીકરી, આ બધું જ તારા બલિદાનનું ફળ છે. તે વરસોથી જ પતિ માટે જે તપ કર્યું છે એનું આ પરિણામ છે. ભગવાન શિવની તારી પૂજા આજે સાર્થક થઈ બેટા!'
હરકુંવરબા બોલ્યા, `હા, બેટા, ખરેખર તેં આટલા વરસો સુધી સહન કર્યું છે એના માટે તને જેટલાં ધન્યવાદ આપીએ એટલાં ઓછાં છે. ભગવાન શિવ અમારા ખંડેરાવને જલદી સુધારી દે અને તમે બંને જણ આ મહેલનો કારભાર તમારા હાથમાં લઈ લો.'
આ વાત જ્યારે સૂબેદાર મલ્હારરાવે જાણી ત્યારે સૌથી વધારે આનંદ તો તેમને થયો. તેમણે અહલ્યાને એટલા બધા ધન્યવાદ પાઠવ્યા કે એની કોઈ સીમા જ ના રહી. તેમણે ભીની આંખે કહ્યું, `દીકરી.. દીકરી... ખંડેરાવે ભલે ચાર જ દિવસ વ્યસનનો ત્યાગ કર્યો હોય. પણ અમારા માટે તો એ બહું મોટું છે. આટલાં વરસોમાં અમે મા-બાપ જે ના કરી શક્યાં એ તેં કરી બતાવ્યું. ખંડેરાવમાં બદલાવની શરૂઆત થાય તેવી કોઈ જ શક્યતાઓ નહોતી. પણ મને વિશ્વાસ હતો કે એ ચમત્કાર તારા સિવાય કોઈ નહીં કરી શકે, અને તેં એ ચમત્કાર કરી બતાવ્યો. ધન્ય છે દીકરી તને.'
***
સમય ચાલ્યો. ખંડેરાવની બૂરી આદતો સંપૂર્ણપણે તો નહોતી જ છૂટતી. પણ ઓછી જરૂર થઈ હતી. આખો દિવસ મદ્યપાનમાં ડૂબવાને બદલે હવે તેઓ માત્ર રાત્રે જ દારૂ પીતા. એમાંય અહલ્યાબાઈને મળવાનું હોય ત્યારે ઉપવાસ પણ રાખતા. અહલ્યાબાઈ અને ખંડેરાવનું લગ્નજીવન સારી રીતે ચાલવા લાગ્યું હતું. ગાડું કેડીએ ચડી ગયું હતું એમ કહીએ તોયે ચાલે.
આખરે ઘણા લાંબા સમયે મહેલમાં ખુશીના સમાચાર દોડ્યા. ૧૭૪૫માં અહલ્યાબાઈ ગર્ભવતી બન્યાં. તેમના સાસુ-સસરા અને ખંડેરાવના આનંદનો પાર નહોતો. અહલ્યાબાઈનાં માતા-પિતા માણકોજી અને સુશીલા માટે આ સમાચાર અત્યંત આનંદદાયક હતા, કારણ કે, તેઓ જાણતાં હતાં કે દીકરીના જીવનમાં પતિસુખ નહિવત્ છે. જ્યારે દીકરીએ પતિના બદલાવની અને આ વાત કરી ત્યારે તેઓ ખુશીથી છલકાઈ ઊઠ્યા હતાં.
હવે અહલ્યાબાઈની દેખરેખમાં પહેલાં કરતાં વધારે દાસીઓ લાગી ગઈ હતી. તેમનાં બંને સાસુ મા તો એમની એટલી બધી દેખભાળ કરતાં કે ક્યાંય નીચે પગ પણ ના મૂકવા દેતાં. હોળકર વંશમાં એક નવા મહેમાનનું આગમન થવાનું હતું એની ખુશી આખાયે મહેલના કણે કણમાંથી ઊભરી રહી હતી.
નવ માસ વીતી ગયા. અહલ્યાબાઈએ ૧૭૪૫ના એક શુભ દિને પુત્રરત્નને જન્મ આપ્યો. આખો યે મહેલ એની કિલકારીઓથી ગુંજી ઊઠ્યો. ચારે તરફ આનંદના અબીલ અને ગુલાલ ઊડવા માંડ્યા. ખંડેરાવ પણ આજે તો ખૂબ ખુશ હતા. પુત્રજન્મની ખુશીમાં તેમણે નિશ્ચય કર્યો કે, ગમે તે થઈ જશે તો પણ તેઓ એક સપ્તાહ સુધી મદ્યપાન કે માંસાહાર નહીં કરે. તેઓ અહલ્યાબાઈને મળ્યા અને પ્રેમથી કહ્યું, `અહલ્યા, આપનો આભાર! અમને જીવન જીવવા માટેનો એક સહારો અને બહાનું મળી ગયું. આપના દ્વારા પુત્ર પ્રાપ્ત કરીને અમે ધન્ય થઈ ગયા છીએ. કયા શબ્દોમાં ધન્યવાદ આપું તે જ સમજાતું નથી.' અહલ્યાબાઈએ હસીને સ્વામી સામે જોયું.
દીકરાના જન્મની ખુશીમાં મહેલમાં બે દિવસનો એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો. અહલ્યાબાઈનાં માતા-પિતા પણ પોતાના દોહિત્ર માટે ભેટ સોગાદો લઈને આવી પહોંચ્યાં. પુત્રના નામકરણની વિધિ થઈ. પુત્રનું નામ રાખવામાં આવ્યુ માલેરાવ.
સમય પસાર થવા લાગ્યો. હવે આનંદ સ્વયં નાના નાના પગલે મહેલમાં દોડવા લાગ્યો હતો. ત્રણ વર્ષ વીતી ગયાં. ૧૭૪૮માં અહલ્યાબાઈએ પુત્રીને જન્મ આપ્યો. એનું નામ રાખવામાં આવ્યું મુક્તાબાઈ.
મહેલના કાંગરે કાંગરા પર ખુશી દોડી રહી હતી. બધું જ સરસ ચાલી રહ્યું હતું. બસ એક વાતનું દુઃખ એ હતું કે હજુ ખંડેરાવ નશામાંથી સંપૂર્ણ બહાર નહોતા નીકળી શક્યા. આ માટે અહલ્યાબાઈના પ્રયત્નો ચાલુ જ હતા. પણ એમને ખબર નહોતી કે વિધાતાએ તો હવે કંઈક જુદું જ ધારીને રાખ્યું હતું. એમના જીવનમાં ઊથલપાથલ સર્જાવાના એંધાણ વરતાવા લાગ્યા હતાં.
***
(ક્રમશઃ)