પ્રકરણ – ૮ । આક્રંદ કરતાં કરતાં તેમણે ખંડેરાવનું લોહીથી લથપથ શરીર ખોળામાં લીધું…!!

27 Jul 2024 15:55:00

ahilyabai
 
 
# સૂબેદાર મલ્હારરાવ સાહેબ સેનાપતિને અને કારભારીને કહેતા હતા કે, મને નથી લાગતું કે મારો પુત્ર ખંડેરાવ હવે કોઈ કામ કરી શકશે. એ એના નશામાંથી બહાર આવે તેવું લાગતું નથી. માટે મારા માટે તો અહલ્યા જ ખરો પુત્ર છે.

# હું એની સુષુપ્ત શક્તિઓ અને ક્ષમતાઓથી માહિતગાર છું. એ રણમાં અને જીવનમાં બંનેના યુદ્ધમાં વિજયી બનશે...!'
 
સમગ્ર માળવા પર જાણે મહાદેવની મહેર વરસી રહી હતી. ખંડેરાવ પણ ધીમે ધીમે સુધરી રહ્યા હતા અને મહેલમાં બીજી કોઈ મુસીબત નહોતી. આ બધો યશ અહલ્યાબાઈને જતો હતો. મલ્હારરાવ હોળકર, ગૌતમાબાઈ અને હરકુંવરબાઈ જ નહીં, પરંતુ બધા ય નગરવાસીઓ કહેતા હતા કે ખંડેરાવમાં જેટલો પણ સુધારો છે એ માત્ર અહલ્યાબાઈને કારણે જ છે.
ખંડેરાવ ખરેખર સુધરી રહ્યા હતા. તેમની ભાષા સૌમ્ય બની ગઈ હતી. તેઓ પોતાની મહારાણી અહલ્યાબાઈને ચાહતા હતા, તેમને સન્માન આપતા હતા. એમનો પડ્યો બોલ ઝીલતા હતા. માતા-પિતાની આજ્ઞાનું પાલન કરતા હતા અને ગરીબ, નિરાધારને મદદ કરતા હતા.
 
***
 
ખંડેરાવના પુત્ર માલેરાવ અને પુત્રી મુક્તાબાઈ પણ મોટાં થઈ રહ્યાં હતાં. અહલ્યાબાઈ બંને સંતાનોને સારા સંસ્કાર આપતા હતા, તમામ વિદ્યાઓ શીખે તે માટેના પ્રયત્નો કરતા હતા. સંતાનો પાંચ વર્ષના થઈ ગયાં હતાં. હવે સમજાઈ રહ્યું હતું કે, પાંચ વર્ષના સંસ્કારોની કેટલી અને કેવી અસર થઈ હતી. પાંચ વર્ષમાં બંનેના લક્ષણો પરખાઈ ગયા હતા. પુત્ર માલેરાવ એના પિતા પર ગયો હતો અને પુત્રી માતા પર. માલેરાવ ખૂબ તોફાન કરતો, એનું વર્તન પણ તોછડું હતું અને માતા-પિતા કે દાદા-દાદીની એક પણ વાત માનતો નહી. સામે મુક્તાબાઈ અદ્દલ અહલ્યાબાઈ જેવી. કહ્યાગરી, સંસ્કારી અને બધું જ ઝડપથી શીખીને ગ્રહણ કરી લેનારી હતી.
 
અહલ્યાબાઈ બહાર દેખાડતાં નહીં પણ અંદરખાને ભયંકર પીડા અનુભવી રહ્યાં હતાં. પતિની દારૂની ટેવ હજુ નહોતી છૂટી અને પુત્ર પણ તોફાની હતો એ બાબતે તેઓ સતત ચિંતિત રહેતાં હતાં. એક વાર મલ્હારરાવે એમને આશ્વાસન આપતાં કહ્યું, `બેટા, ચિંતા ના કર. બંને એમનો સમય આવે સુધરી જશે.'
 
જવાબમાં અહલ્યાબાઈ માત્ર ફિક્કું હસ્યાં અને બોલ્યા, `મામંજી, હવે તો પુત્ર પણ નવ વર્ષનો થવા આવ્યો. એ સુધરે તેવું લાગતું નથી.'
 
મલ્હારરાવ મૌન થઈ ગયા.
 
આ તરફ ખંડેરાવ વળી કંઈક બીજી જ પીડા હૃદયમાં સંઘરીને બેઠા હતા. છેલ્લા થોડાક સમયથી તેમના મનમાં જુદી જ ગડમથલે જન્મ લીધો હતો. મલ્હારરાવ અહલ્યાબાઈને અપાર માન આપતા એ એમને ગમતું નહીં. એમાંય કાન ભંભેરણી કરનારાઓ પીડાની એ આગને વધારે હવા આપતા.
 
એક વખત એક ચમચાએ તેમના માતા-પિતા વિરુદ્ધ તેમના કાન ભંભેરતાં કહ્યું, `ખંડેરાવજી તમારી આ ઘરમાં કોઈ કિંમત જ નથી.' સૂબેદાર મલ્હારરાવ સાહેબ સેનાપતિને અને કારભારીને કહેતા હતા કે, મને નથી લાગતું કે મારો પુત્ર ખંડેરાવ હવે કોઈ કામ કરી શકશે. એ એના નશામાંથી બહાર આવે તેવું લાગતું નથી. માટે મારા માટે તો અહલ્યા જ ખરો પુત્ર છે. અનાયાસે મને કંઈ થઈ જાય તો રાજનો બધો કારભાર અહલ્યાને સોંપજો. હું બધી વ્યવસ્થા કરતો જ જઈશ. પણ આપને વાત કરી રાખું છું. મારી પુત્રવધૂ અહલ્યા છે પણ નીડર. યુદ્ધમાં જવાનું થશે તો પણ પાછી પાની નહીં કરે. હું એની સુષુપ્ત શક્તિઓ અને ક્ષમતાઓથી માહિતગાર છું. એ રણમાં અને જીવનમાં બંનેના યુદ્ધમાં વિજયી બનશે...!'
 
આ શબ્દો સાંભળી ખંડેરાવના રૂંવે રૂંવે આગ ચંપાઈ ગઈ. એ પણ અહલ્યાને પ્રેમ કરતા હતા, પણ એના લીધે પોતાની નાનપ થાય એ તો એમનાથી કેમ સહન થાય? એમાંય ચમચાએ પછી તો ભેળસેળ કરીને એમને એટલું બધું કહ્યું કે, એમનું મન જ વિચલિત થઈ ગયું. એ કંઈ બોલ્યા નહીં. ચમચો એનું કામ કરીને ચાલ્યો ગયો.
 
ખંડેરાવ દિવસ-રાત વિચારતા હતા કે માતા-પિતા અને પત્નીની નજરમાં ઊંચા ઊઠવા શું કરી શકાય? દારૂ બંધ કરવો તો શક્ય નહોતો પણ કંઈક એવું કાર્ય કરવાનું હતું કે ચારે તરફ પોતાની વાહ વાહી થઈ જાય અને પિતાજી એમને જ શ્રેષ્ઠ માનવા લાગે.
 
વર્ષ હતું ૧૭૫૪નું. આ જ અરસામાં માળવાના કુંભેરીના કિલ્લા પર દુશ્મનોએ ચડાઈ કરી દીધી.
 
આ તકરાર સૂરજમલ જાટ સાથે મહેસૂલ વસૂલીની બાબતમાં ઘણા સમય પહેલાંથી ચાલતી આવતી હતી. ભયંકર યુદ્ધ થયું. દિવસો ઉપર દિવસો વીતતા જતા હતા. પણ મલ્હારરાવ કે તેમની સેના ફાવતી નહોતી. આમ ને આમ દોઢ મહિનો વીતી ગયો. કુંભેરી કિલ્લો જીતવા માટે રઘુનાથરાવ, મલ્હારરાવ તેમજ અન્ય મરાઠા સરદારો અસફળ રહ્યા હતા.
 
કુંભેરી કિલ્લા પર દુશ્મનોની ચડાઈના સમાચાર ખંડેરાવને પણ મળ્યા. તેમના મનમાં ભારે ગડમથલ ચાલુ થઈ. તેમનું મન કહેવા લાગ્યું, `ખંડેરાવ, રાજ્યમાં આટલું મોટું યુદ્ધ છે, છતાં તારા પિતાજીએ કે સેનાપતિએ તને જાણ સુધ્ધાં કરી નથી. આ જ છે તારી કિંમત. સમજી લેજે. તને અહીં કોઈ ગણતું જ નથી. ગણાવું હોય, પૂજાવું હોય તો આ જ એક તક છે, ઝડપી લે. શમશેર લઈને મેદાને ઊતર. દુશ્મનોના માથાં વાઢીને પાછો આવ. પછી અહલ્યાનું નહીં, તારું સન્માન થશે. તારા પિતા માટે તું શૂરવીર યોદ્ધો, સુપુત્ર બની જઈશ.'
 
ખંડેરાવ વિચારતાં વિચારતાં દારૂ પી રહ્યા હતા. દારૂ પીધા પછી તો હિંમત ઓર વધી ગઈ. તેઓ કોઈને પણ જાણ કર્યા વિના, શમશેર લઈને બહાર નીકળ્યા અને ઘોડા પર ચડી નીકળી પડ્યા.
 
એ વખતે સાંજ ઢળવામાં થોડીક જ વાર હતી. ખંડેરાવ આ રીતે બહાર નીકળ્યા છે એ જાણીને એક સેવક તરત જ મહારાણીના ખંડ તરફ દોડી ગયો. ગૌતમાબાઈના શમિયાણામાં હરકુંવરબાઈ અને અહલ્યા પણ બેઠાં બેઠાં આ યુદ્ધની જ ચિંતા કરતાં હતાં.
 
સેવકે જઈને તરત કહ્યું, `બાઈ સાહેબ, ખંડેરાવ મહારાજ મોરચા પર જવા નીકળ્યા છે. ઊંધા પડવામાં છે. તેઓ હોશો-હવાસમાં નથી. ખૂબ નશો કર્યો છે. ઘોડા પર પણ માંડ માંડ બેસી શકતા હતા. બાઈસાહેબ, આપ ગમે તેમ કરીને તેમને રોકો, નહીંતર અનર્થ થઈ જશે!'
 
`સારું, તું જલદી રથ કઢાવ.....' ગૌતમાબાઈએ સેવકને સૂચના આપી અને પછી હરકુંવરબાઈ તરફ ફરીને બોલ્યા, `હરકુંવર, તું પણ સાથે ચાલ. એ મારું નહીં માને. ખંડેરાવ પર તારી ધાક વધારે છે.'
 
`બાઈસાહેબ, મારે પણ આવવું છે. એમને ગમે તેમ રોકવા જ પડશે.' અહલ્યાબાઈએ કહ્યું.
 
ગૌતમાબાઈ બોલ્યાં, `ના, બેટા, તું ના આવીશ. તું આવીશ તો એ ભડકશે. રોકાતો હશે તોયે નહીં રોકાય. હું એની મા છું. એનું મન જાણું છું.'
 
આટલું બોલી ગૌતમાબાઈ અને હરકુંવરબાઈ બહાર નીકળ્યાં. ગૌતમાબાઈ અને હરકુંવરબાઈ ઝડપથી રથમાં આગળ વધ્યાં. ખંડેરાવનો ઘોડો હજુ ઠીચુક ઠીચુક ચાલી રહ્યો હતો, એ બહુ આગળ નહોતો વધ્યો. ખંડેરાવને પોતાનું કે ઘોડાનું કંઈ ભાન નહોતું. ગૌતમાબાઈ અને હરકુંવરબાઈ થોડી જ વારમાં ખંડેરાવને આંબી ગયા. તેમને અટકાવ્યા. હરકુંવરબાઈ બોલ્યા, `પુત્ર, ખંડેરાવ, આ શું કરો છો દીકરા, અત્યારે તમારી લડવાની શક્તિ નથી, ચાલો ઘરે પાછા!'
 
ખંડેરાવ ખિજાયા, `શું કહ્યું? મારામાં લડવાની શક્તિ નથી? તમે બધાં મને આવો નમાલો જ સમજો છો. આજે તો હું કરી બતાવીશ.'
 
હરકુંવરબાઈને લાગ્યું કે, કટાણે ખોટા શબ્દો બોલાઈ ગયા છે. તેઓ ચૂપ થઈ ગયાં. હવે ગૌતમાબાઈ બોલ્યાં, `મારા શૂરવીર દીકરા, મને ખબર છે કે તું સો દુશ્મનોનાં માથાં વાઢીને સોંસરવો નીકળી જાય તેમ છે. પણ હાલમાં સ્વાસ્થ્ય સારું નથી. આમ પણ સાંજ ઢળી ગઈ છે, યુદ્ધ પૂરું થઈ ગયું છે. તમને મારા સોગંદ છે. ચાલો, દીકરા! પાછા ચાલો.'
 
ગૌતમાબાઈએ દીકરાને ખૂબ વિનંતી કરી. આખરે ખંડેરાવ પાછા વળ્યા. નશો ખૂબ ચડ્યો હતો એટલે આવીને સીધા તેમના ખંડમાં સૂઈ ગયા.
 
***
 
બીજા દિવસની સાંજ ઢળી રહી હતી. ૨૪મી માર્ચ ૧૭૫૪નો દિવસ હતો. દાદાસાહેબના તંબુમાં સૂબેદાર મલ્હારરાવ હોળકર, અંતાજી કાણકેશ્વર, શિંદેજી અને અન્ય સરદારો જાટને પરાસ્ત કરવાની યુક્તિ-પ્રયુક્તિઓની બાબતમાં ચર્ચા-વિચારણા કરી રહ્યા હતા.
 
`મહારાજ, જાટ હાથીની જેમ અડીખમ ઊભો છે. સમય ઘણો થઈ ગયો. આપણા પૈસા, સમય અને સૈન્ય બરબાદ થઈ રહ્યાં છે.' સેનાપતિ બોલ્યા.
 
`કંઈક તો વિચારવું પડશે. વગર કારણે આપણા આટલા બધા સૈનિકો મરે એ યોગ્ય નથી જ.' સૂબેદાર સાહેબ બોલ્યા.
 
વાત ચાલતી હતી ત્યાં જ એક સેવક દોડતો દોડતો દરવાજે આવી ઊભો રહ્યો અને અંદર આવવાની રજા માંગી. મહારાજે રજા આપી એટલે એ હાંફતો હાંફતો સામે આવીને નીચી મુંડી કરીને ઊભો રહ્યો.
 
મહારાજ ખિજાયા, `અલ્યા, મોઢામાં મગ ભર્યા છે કે શું? બોલતો કેમ નથી!'
 
સેવક ભયભીત હતો. એ ગભરાયેલા અવાજે બોલ્યો, `મહારાજ, ક્ષમા કરજો. ખંડેરાવ મહારાજ આજે ફરીવાર નશામાં ચકચૂર થઈને મોરચા પર જવા રવાના થયા છે. જેજુરીના કિલ્લા પાસે પહોંચી ગયા છે.'
 
`અરે મૂર્ખ, તો તમે બધા સેવકો શું કરતા હતા. એમને રોક્યા કેમ નહીં? ભાન વિનાનાઓ. તમને શેના માટે રાખ્યા છે!' દાદાસાહેબ અકળાયા.
 
સેવક બોલ્યો, `અમે, એમને રોકવાના ખૂબ પ્રયત્નો કર્યા. પણ એમણે અમારી સામે શમશેર વીંઝી. ત્રણ સેવકોના હાથ પર સમશેરના ઘા પણ થયા છે. વધારે રોકત તો તેઓ અમારાં માથાં વાઢી નાંખત એટલા ગુસ્સામાં હતા.'
 
`તો માથું વઢાવી નંખાવવું'તું, પણ જવા નહોતા દેવા.' દાદાસાહેબને ખરેખર ખૂબ જ ગુસ્સો ચડ્યો હતો.
 
આખરે સૂબેદાર મલ્હારરાવ બોલ્યા, `દાદાસાહેબ, ગુસ્સે ના થાવ. સેવકોએ બિચારાએ એમનું કામ કર્યું જ છે. તમારી વ્યથા હું સમજું છુ, પણ આપ પણ જાણો છો કે ખંડેરાવ કોઈનું માને તેમ નથી.'
 
`પણ મહારાજ, આપણા કુંવર નશામાં છે અને જાટ દુશ્મનો એનો ગેરફાયદો ઉઠાવશે. કુંવર છે બહાદુર પણ નશામાં સંતુલન નહીં રાખી શકે અને દુશ્મન પ્રામાણિક નથી. એ મહારાજની આવી હાલત જોશે એટલે વધારે તોરમાં આવી જશે. યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કરશે. એમાંય એને ખબર પડશે કે ખંડેરાવ તો આપના પુત્ર છે એટલે એ....'
 
દાદાસાહેબ અટકી ગયા. એમણે ગળેલા શબ્દો પાછળ ભયંકર ભય છુપાયેલો હતો. ભય તો મલ્હારાવને પણ ખૂબ લાગી રહ્યો હતો; દીકરા માટે. તેમણે કહ્યુ, `દાદાસાહેબ, તમારો ભય હું સમજી શકું છું. પણ હવે કરવું શું?'
 
`સૂબેદાર, સ્થિતિ કપરી છે. ખંડેરાવનો જીવ જોખમમાં છે. આવી સ્થિતિમાં મારું સૂચન એ છે કે આપ સ્વયં જઈને એમની રક્ષા કરો.'
 
`હા, એ જ બરાબર છે. હું જ જાઉં છું.' બોલીને મલ્હારરાવ સ્વયં ઊભા થયા. પોતાની માનીતી તલવાર કમરે ખોસી અને બહાર જઈને ઘોડો પલાણ્યો અને મારી મૂક્યો. તેમની પાછળ પાછળ તેમના રક્ષકો અને અન્ય સૈનિકોનો કાફલો પણ દોડી ગયો.
એમાંય અંધારું છવાયેલું હતું. દીકરાને બચાવવા માટે મલ્હારરાવ વાયુવેગે ઘોડો દોડાવી રહ્યા હતા. થોડી જ વારમાં તેમને ખંડેરાવનો ઘોડો દેખાયો. તેમને હાશકારો થયો.
 
તેમણે પોતાના ઘોડાને વધારે ઝડપથી દોડાવતાં દૂરથી જ હાક મારી, `ખંડેરાવ, ઊભા રહો..... એ દુશ્મનની છાવણી છે. અટકી જાવ પુત્ર.'
  
ખંડેરાવે કંઈ સાંભળ્યું નહીં.
 
મલ્હારરાવે ફરીવાર વધારે જોરથી સાદ પાડ્યો, `ખંડેરાવ.... ઓ ખંડેરાવ..... મારા દીકરા.... અટકો. થોભી જાવ પુત્ર!'
અને એ સાદ સાથે જ બીજો એક અવાજ પણ હવામાં ભળ્યો.
 
`ધાંય.....' દુશ્મનના કિલ્લા તરફથી એક ગોળી છૂટી. હવાને ચીરતી એ ગોળી આવી અને ખંડેરાવની છાતીને ચીરી ગઈ. ખંડેરાવે આકાશને ધ્રુજાવી દે તેવી ચીસ પાડી. મલ્હારરાવ હેબતાઈ ગયા. તેમની આંખો ફાટી ગઈ. ઘોડો ધીમો પડી ગયો. તેમણે જોયું કે ખંડેરાવ ધડામ દઈને નીચે પછડાયા છે. બે ઘડી તો મલ્હારરાવની સુધ ગુમ થઈ ગઈ. એમની છાતી બેસી ગઈ હોય એવું લાગ્યું. ત્રીજી ઘડીએ તેઓએ ઘોડાને પવનવેગે દીકરા તરફ મારી મૂક્યો. ખંડેરાવ નીચે પડ્યા હતા. તેમની પાસે જઈને તેઓ ઘોડા પરથી નીચે ઊતર્યા. કોઈ ગરનાળામાંથી જળનો ધોધ ભખ....ભખ કરતો બહાર નીકળી રહ્યો હોય એમ ખંડેરાવની છાતીમાંથી લોહીનો ધોધ વહી રહ્યો હતો. મલ્હારરાવે ગગનભેદી ચીસ નાંખી, `પુત્ર,... ઓ પુત્ર ખંડેરાવ.. મારા લાલ.... મારા વીર આંખો ખોલો.' આમ આક્રંદ કરતાં કરતાં તેમણે ખંડેરાવનું લોહીથી લથપથ શરીર ખોળામાં લીધું. તેમના મસ્તકને ખોળામાં લઈને પસવારવા લાગ્યા. પુત્રનું રક્ત નીતરતું શરીર જોઈને મલ્હારરાવનું હૃદય ચિરાઈ રહ્યું હતું. ખંડેરાવમાં હજુ જીવ હતો.
 
સૈનિકો આવી પહોંચ્યા હતા. સેનાપતિએ કહ્યુ, `મહારાજ, સમય વ્યતીત ના કરો. ખંડેરાવજીને વૈદ્ય પાસે લઈને ચાલો.'
મલ્હારરાવ બોલ્યા, `હા, હા ચાલો... જલદી કરો.'
 
ત્યાં જ કણસતા અવાજે ખંડેરાવ બોલ્યા, `ના, પિતાજી. મારે ક્યાંય નથી જવું. મારે તમારા ખોળામાં જ ઊંઘવું છે. મારી આ છેલ્લી નીંદર મારે ઘોડાની પીઠ પર કે રથમાં નથી લેવી. તમારા સાનિધ્યમાં લેવી છે.'
 
મલ્હારરાવ રડી પડ્યા, `પુત્ર, એવું ના બોલ. તને કંઈ નહીં થવા દઈએ. ચાલ જલદી.'
 
`ના, પિતાજી. હવે નહીં ચલાય. મારું જીવન પૂરું થયું. મેં તમને આખી જિંદગી ખૂબ હેરાન કર્યા. મને માફ કરજો. મારી બંને માતાઓને અને અહલ્યાને પણ કહેજો કે મને માફ કરે.'
 
`ઓ.... પુત્ર! તું આ શું બોલી રહ્યો છે.'
 
`હા, પિતાજી હું નમાલો નથી, હું ય વીરનો દીકરો વીર જ છું.'
 
`હા, બેટા હા. તું વીર જ છે.'
 
`બધાને હવે તમે વટથી કહેજો કે તમારો દીકરો રણભૂમિમાં છાતી પર ગોળી ખાઈને શહીદ થયો છે. પિતાજી, દુશ્મને છુપાઈને વાર ના કર્યો હોત અને સામી છાતીએ આવ્યો હોત તો તમનેય ખબર પડત કે તમારો પુત્ર કેટલો વીર છે. એકેયના ધડ પર માથું ના રહેવા દેત.' ખંડેરાવની જીભે લોચા વળતા હતા, હવે નશો નહોતો પણ લોહી વહી જવાને કારણે બોલાતું નહોતું.
 
`બસ, દીકરા બસ! હવે ઝાઝું બોલ નહીં. જો લોહી બહુ નીકળી રહ્યું છે.'
 
`માને યાદ આપજો.... મહાદેવ હર....' ડચકાં ખાતાં આટલું બોલીને ખંડેરાવે પોતાનું મસ્તક પિતાના ખોળામાં ઢાળી દીધું. મલ્હારરાવની છાતી ફાટી ગઈ. એમણે આખું માળવા હલબલી જાય એવું આક્રંદ કર્યું.
 
સેનાપતિએ માંડ માંડ એમને સંભાળ્યા અને મહેલ તરફ લઈ ગયા. તેમની આગળ સેવકો અને સૈનિકોએ ઘોડા મારી મૂક્યા હતા.
 
***
 
(ક્રમશઃ)
 
 
પ્રકરણ – ૪ | ક્યાં રાજા ભોજનો કુંવર અને ક્યાં ગંગુ તેલીની દીકરી, સૂબેદાર સાહેબને જ તકલીફ પડશે
પ્રકરણ - ૫ । ખંડેરાવ અને અહલ્યાના લગ્નનું રૂડું ટાણું આવી પહોંચ્યું...
પ્રકરણ - ૬ । સૂબેદારની શમશેર પર શત્રુના રક્તનાં ચિહ્નો હોય છે, જ્યારે તમારી...
પ્રકરણ – ૭ । હોળકર વંશમાં એક નવા મહેમાનનું આગમન થવાનું હતું 
Powered By Sangraha 9.0