પ્રકરણ - ૯ । હોળકરોના કુળને આમ સ્મશાનવત્ બનાવીને ના જા, દીકરી! હું તારા પગે પડું છું

`પિતાજી, આ સૌની ઇચ્છાને હું માન્ય રાખું છું. મને પણ લાગે છે કે, સતી થવા કરતાં સમાજ અને રાજ્યના ભલા માટે કામ કરવું વધારે જરૂરી છે. હું મારો નિર્ણય પાછો ખેંચું છું."

    ૦૩-ઓગસ્ટ-૨૦૨૪   
કુલ દૃશ્યો |

ahilyabai
 
 
સેવકો મહેલે આવ્યા ત્યારે ગૌતમાબાઈ, હરકુંવરબાઈ અને અહલ્યાબાઈ દાદારાવજી સન્મુખ ઊભાં હતાં. સૌ ચિંતા કરી રહ્યાં હતાં કે શું થશે? એટલીવારમાં સેવક આવી ગયો. એનો ચહેરો પડેલો હતો. આંખોમાં આંસુ હતાં. કાળજા પર પથ્થર મૂકીને એણે કહ્યું, `શ્રીમંત, માઠા સમાચાર છે. ખંડેરાવ હવે નથી રહ્યા. જેજાળાની ગોળી વાગતાં તેમનું મૃત્યુ થયું.'
 
આ સમાચારે જાણે બધાના હૈયા પર ભારે ભરખમ રથ ફેરવી દીધો. માતાઓ અને અહલ્યાબાઈએ મહેલની દીવાલોને ફાડી નાંખે તેવું રુદન આદર્યું. થોડી જ વારમાં આખાયે માળવામાં ખબર ફેલાઈ ગઈ કે, દુશ્મનોએ દગાથી ખંડેરાવને મારી નાંખ્યા છે. તેઓ સંસાર છોડી ગયા છે.
 
થોડીવારમાં મલ્હારરાવ અને સેનાપતિ આવી ગયા. પાછળથી સેવકો ખંડેરાવનો લોહીલુહાણ દેહ લઈને આવ્યા.
 
અહલ્યાબાઈએ પતિના પાર્થિવ દેહ પર પડતું મૂક્યું, `સ્વામી, મારા સ્વામી.... આ શું થઈ ગયું. તમારે રણમોરચે જવાની શી જરૂર હતી? તમે અમારા માટે શૂરવીર જ છો અને રહેશો. હે મારા સ્વામી, મને એકલી મૂકીને તમે ક્યાં ચાલ્યા ગયા! તમારા વિના હવે મારું શું થશે?' અહલ્યાબાઈના આક્રંદથી જાણે આકાશ હમણાં જ ફાટી પડશે તેવું લાગતું હતું.
 
આવું જ આક્રંદ ગૌતમાબાઈ અને હરકુંવરબાઈ પણ કરી રહ્યાં હતાં. તેમણે એવી પોક મૂકી હતી કે, ભલભલાનાં હૃદય બેસી જાય. સૌના અંતઃકરણ વિષાદથી ભરાઈ ગયાં. ખંડેરાવની અન્ય દસ પત્નીઓએ પણ આક્રંદ કરી મૂક્યું હતું. વૃક્ષો, આકાશ, પહાડો બધું સૂનમૂન થઈ ગયું હતું. સૌનાં હૈયાં જાણે કાળના કાળા કાળા પંજામાં સપડાઈ ગયાં હતાં.
 
સ્ત્રીઓને માંડ માંડ સમજાવીને એક તરફ બેસાડવામાં આવી. ખંડેરાવની અંતિમવિધિની તૈયારીઓ શરૂ થઈ. મલ્હારરાવ તો સુધબુધ ખોઈ બેઠા હતા. સાવ ઢગલો થઈ ગયા હતા. એમનો રાજ-પાટ લુંટાઈ ગયો હતો.
 
થોડી જ વારમાં અંતિમવિધિની તૈયારીઓ થઈ ગઈ. સાથે સાથે ખંડેરાવની બધી પત્નીઓ પણ સતી થવા માટે તૈયાર થઈ ગઈ. એ વખતના રિવાજ પ્રમાણે પતિની પાછળ બધી સ્ત્રીઓ સતી થતી હતી. આથી ખંડેરાવની પત્નીઓ પ્રીતાબાઈ, પાટાબાઈ, સુરતાબાઈ, પોપાબાઈ વગેરેએ સતીનાં વસ્ત્રો ધારણ કરી લીધાં હતાં. સ્વયં અહલ્યાબાઈએ પણ સતી બનવાની તૈયારીઓ કરી દીધી હતી.
 
મલ્હારરાવ હોળકર અત્યારે વાવાઝોડામાં તૂટી પડેલાં કદંબના વૃક્ષ જેવા નિઃસહાય અને નિસ્તેજ લાગી રહ્યા હતા. એમને ચિંતા થઈ આવી હતી કે, હવે પોતાનો વંશ ખતમ થઈ ગયો. પૌત્ર માલેરાવ મોટો થાય ત્યાં સુધી અહલ્યા સિવાય કોઈ ન બચ્યું, જે આ વંશને આગળ વધારે. એ અહલ્યા વિશે વિચાર કરી રહ્યા હતા, ત્યાં જ સતીવેશમાં સજ્જ અહલ્યા તેમની સન્મુખ આવીને ઊભાં રહ્યાં. તેમણે નવવારી સફેદ સાડી પહેરી હતી. હાથમાં શ્રીફળ હતું અને કપાળે ચંદનનું તિલક. તેમનો આ વેશ જોઈને મલ્હારરાવનું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. આંખોમાંથી વહેતી આંસુની ધાર વધારે તેજ થઈ.
 
અહલ્યાબાઈએ સસરાજીના ચરણ-સ્પર્શ કર્યા, `મામંજી, મને આશીર્વાદ આપો. હું સતી થઈ રહી છું'
 
મલ્હારરાવ પોક મૂકીને રડી પડ્યા, `ના, દીકરી ના! તારે સતી નથી થવાનું.'
 
અહલ્યાબાઈએ મક્કમ અવાજે કહ્યું, `મામંજી, પતિ સાથે સહગમન કરવું એ તો પત્નીનો ધર્મ છે. આપણી પરંપરા છે. હળદર-કંકુ સાથે સૌભાગ્યવતીની જેમ ચિતા પર ચડવું એ તો અમારા પ્રારબ્ધમાં નથી. અમારા ભાગ્યમાં આવા કોરા લલાટે પતિના મસ્તકને ખોળામાં લઈને આ પૃથ્વીલોકની યાત્રા સમાપ્ત કરવાનું જ લખાયું હશે. ભોળા શંભુની આવી જ ઇચ્છા હશે બીજું શું! હવે શંભુએ જે ધાર્યું છે તે મને કરવા દો. અનુમતિ આપો!'
 
`ના, બેટા ના!'
 
`આપ તો વડીલ છો. સતીધર્મ જાણો છો. અટકાવો નહીં.' અહલ્યાબાઈના શબ્દો સાંભળીને સૌ ગદ્ગદિત થઈ ગયાં. દાદાસાહેબે મલ્હારરાવ પાસે આવીને એમને દૂર લઈ જવાનો પ્રયત્ન કર્યો. પણ મલ્હારરાવ ત્યાંથી ખસ્યા નહીં. તેમણે અહલ્યાબાઈને બે હાથ જોડી વિનંતી કરી, `દીકરી, ધર્મ તો હું બધા જાણું છું. પણ કેટલીક વાર પરંપરાઓને બાજુમાં મૂકવી પડે છે. ખંડેરાવ વિના હવે અમારો કોઈ આધાર રહ્યો નથી. માલેરાવ હજુ નાના છે. હું અને તારાં સાસુ તો હવે ચાર દિવસના મહેમાન. હવે હોળકર પરિવારનો વંશવેલો તારે જ સાચવવાનો છે દીકરી. ખંડેરાવ તો ચાલ્યો ગયો, હવે તું અમારા ઘરડાંઓનો આધાર બન. વૃદ્ધત્વમાં આમ અમને એકલાં મૂકીને ના જા. સતી તું બનીશ, ચિતામાં તારો દેહ હોમાશે પણ ભડભડતી આગમાં બળીશું અમે, અને એય આખી આયુષ્ય. તું રહીશ તો હું માનીશ કે, ગઈ તે અહલ્યા અને જીવંત તે ખંડેરાવ. હું પુત્રના મૃત્યુનો શોક પણ નહીં કરું, તું જ હવે અમારો પુત્ર. તું અમારો ખંડેરાવ. હોળકરોના કુળને આમ સ્મશાનવત્ બનાવીને ના જા, દીકરી ના જા! હું તારા પગે પડું છું.'
 
અહલ્યાબાઈ ભીના કંઠે બોલ્યાં, `મામંજી, આવું બોલીને મને શરમમાં ના નાંખો. મને જવા દો. મને મારો પતિધર્મ નિભાવવા દો.'
 
અહલ્યાબાઈએ બે હાથ જોડીને કહ્યું, એ કરગર્યાં પણ મલ્હારરાવ ના માન્યા. એ એક જ જીદ લઈને બેઠા હતા, ` દીકરી, તારે સતી થવાનું નથી.'
 
અહલ્યાબાઈએ ફરીવાર એમને સમજાવ્યું, `મામંજી, આપે જ લગ્ન સમયે કહ્યું હતું ને કે, અહલ્યા, મારો પુત્ર ચંચળ છે, હઠધર્મી છે, તોફાની છે. એને તારી સાત્ત્વિક આંખોથી ક્યારેય દૂર ના કરીશ. એને આજીવન તારે જ સંભાળવાનો છે. મામંજી, તમે તો મારા પિતા છો. તમને પણ ખબર છે કે, છત્રપતિ શાહુ મહારાજે સ્વયં લગ્ન સમયે મારા મોંમાં સાકર નાંખતાં કહ્યું હતું કે, આ સાકર જે રીતે તારા મુખમાં એક રસ થઈને શરીરમાં ઘોળાઈ ગઈ એવી જ રીતે તું પણ તારા પતિના જીવનમાં એકરસ થઈ જશે. પિતાજી, હું અત્યારે એ જ કરી રહી છું. પતિના જીવનમાં એકરસ થઈ ગઈ હતી અને આજે એમના મૃત્યુ સમયે અગ્નિમાં એક રસ થવા જઈ રહી છું.'
 
`ના, અહલ્યા ના....! તારે સતી નથી થવાનું. આ રાજ્યની ધુરા સંભાળવાની છે. પત્ની સતી થાય એ સર્વસાધારણ નિયમ છે, પણ તું એમાં અપવાદ છે. તારું કર્તવ્ય, તારું ગાંભીર્ય, તારી આકલન શક્તિ, સાત્ત્વિક તેજ આ બધું આગમાં ભસ્મ થઈ જવા માટે નથી. મારો ખંડેરાવ પણ છેલ્લે તો પસ્તાતો હતો. એને પણ આ રાજ્ય માટે કંઈક કરવું હતું. પણ દુર્ભાગ્યે એ કરી ના શક્યો. તું એની ઇચ્છા તો પૂરી કર. માળવાની ધરતીને, માળવાની પ્રજાને તારી આવશ્યક્તા છે દીકરી....!'
 
મલ્હારરાવ આટલું બોલ્યા ત્યાં જ દૂર ઊભેલા પ્રજાજનોએ એક સૂરમાં જોરથી કહ્યું, `હા, મા અમને તમારી જરૂર છે. તમે સતી ના થશો. માતાજી, અમને છોડીને ના જશો... ના જશો.... રોકાઈ જાવ...'
 
મલ્હારરાવે ભીના કંઠે કહ્યું, `સાંભળ દીકરી... સાંભળ... પ્રજાનો અવાજ સાંભળ. કોઈ તારા સતી થવામાં રાજી નથી.'
હરકુંવરબાઈ આગળ આવ્યાં અને બોલ્યાં, `દીકરી, જીદ ના કર.'
 
ગૌતમાબાઈએ કહ્યુ, `બેટા, તું ભલે સતી થવા આગળ વધી. પણ જે આગળ વધ્યું એ તારું શરીર છે. તારા આત્માને પૂછ! શું તું સતી થાય એ યોગ્ય છે? શું તારો આત્મા પણ આ રાજ્યનું ભલું નથી ઇચ્છતો? બે ઘડી તારા ખંડમાં જા અને વિચાર કર. પછી તું જે નિર્ણય લઈશ એ અમને બધાને મંજૂર છે. વિચાર કર દીકરી!'
 
ગૌતમાબાઈની વાત ખૂબ મહત્ત્વની હતી. અહલ્યાબાઈ અટક્યાં અને રોતાં રોતાં પોતાના કક્ષમાં ચાલ્યાં ગયાં. પતિનો વિરહ હૈયામાં ભડભડી રહ્યો હતો અને બીજી તરફ બહુ ગંભીર નિર્ણય પણ કરવાનો હતો. એ શૂન્યમનસ્ક બેઠાં. આંખો મીંચી દીધી. એમની આસપાસ અંધારું છવાઈ ગયું. મન કોઈ એક વિચારમાં સ્થિર નહોતું થતું. અચાનક મન કોઈ બીજું જ સ્વરૂપ ધારણ કરીને સામે આવ્યું. અચાનક જાણે કોઈ બોલ્યું, હવામાં એનો અવાજ પડઘાયો.
 
`શું વિચારે છે અહલ્યા?'
 
અહલ્યા અચાનક ચમક્યાં, `કોણ? કોણ છો તમે ?'
 
`મને ના ઓળખી! હું જીજા માતા. છત્રપતિ શિવાજીની માતા !'
 
`હેં.... જીજા માતા.! તમે અત્યારે ક્યાં છો? સામે કેમ આવતાં નથી?'
 
`બેટા, હું તો હવામાં ભળેલી છું. તારા વિચારોમાં મારો વાસ છે. તેં મારા વિશે ખૂબ સ્મરણ કર્યું છે એટલે તારી સાથે વાત કરવા આવી છું.'
 
`કહો માતા, શું આજ્ઞા છે!'
 
`કહું છું, ધ્યાનથી સાંભળીશ ને? પછી મારી આજ્ઞા ઉથાપીશ તો નહીં ને?'
 
`ના, જીજામાતા! તમારી આજ્ઞા કેવી રીતે ઉથાપાય? તમે તો મહાન સન્નારી છો. આપ કહો એ ખોટું હોઈ જ ના શકે. આપ તો છત્રપતિ શિવાજી જેવા મહાન પુત્રની માતા છો. આપ શ્રેષ્ઠ પત્ની પણ છો, શ્રેષ્ઠ નારીઓમાં આપની ગણના થાય છે અને આપ શ્રેષ્ઠ રાષ્ટભક્ત પણ છો. તમારી તો હજુ દુહાઈઓ અપાય છે. '
 
`તો ધ્યાનથી સાંભળ દીકરી અહલ્યા! વિચાર કર કે શું સ્ત્રી ફક્ત એક પત્ની જ છે! સ્ત્રી જો માત્ર પત્નીધર્મ નિભાવે તો પછી એનો માતૃધર્મ, સ્ત્રીધર્મ અને એના રાષ્ટ્રધર્મનું શું? શું તું ઇતિહાસ ભૂલી ગઈ છે? અતીતને વીસરી ગઈ છે?
 
યાદ કર.... મારો ઇતિહાસ યાદ કર. જે તું જ બધાંને કહેતી હતી. યાદ કર, જ્યારે મારા પતિ શાહજીરાજેનું મૃત્યુ થઈ ગયું હતું ત્યારે હું પણ તારી જેમ જ પત્નીધર્મ નિભાવવા માટે આગળ વધી હતી. હું પણ સતી થવા માટે જીદ કરી રહી હતી. એવા વખતે મારા પુત્ર શિવબાએ મારા ચરણોમાં પડીને મને સ્વરાજ્યના શપથ અપાવીને સતી થતાં રોકી અને હું પાછી વળી ગઈ હતી. તને શું લાગે છે, કે હું ફક્ત મારા પુત્ર માટે, એની જીદ આગળ ઝૂકીને પાછી વળી હતી? શું પુત્રપ્રેમે મને પાછી ખેંચી હતી? ના, અહલ્યા, ના! હું માત્ર પુત્ર માટે પાછી નહોતી વળી. હું તો મૃતપ્રાય થઈને, દીન-હીન બનીને, અત્યાચારમાં પિસાઈ રહેલા સમાજના ઉત્થાન માટે, એવા લોકોમાં પરાક્રમની આગ પ્રજ્વલિત કરવા માટે, તેમનામાં જાગૃતિ લાવીને રાષ્ટ્રના નિર્માણનું સપનું પૂર્ણ કરવા માટે મારા સતીધર્મથી પાછી હટી હતી.
 
વિચાર અહલ્યે, ભારતીય સ્ત્રી અબળા કે માત્ર ભોગદાસી નથી, એ તો તેજસ્વી માતૃશક્તિ છે. એનું જીવન ફક્ત એનું પોતાનું નથી હોતું. યાદ કર સતી સીતાને, માતા કુંતીને, તેજસ્વી દ્રૌપદીને! શું આ મહાન નારીઓએ કદી માત્ર પોતાના સુખનો વિચાર કર્યો હતો ખરો? ભારતીય નારીની ઉજ્જવળ પરંપરા જો ખંડિત થઈ જશે તો રાષ્ટ્રનું ઉત્થાન ક્યારેય નહીં થઈ શકે અહિલ્યે! દેવી, સતી થવું એટલે માત્ર પતિ સાથે ચિતામાં સળગવું નહીં. અહિલ્યે, સાચું સતીવ્રત તો દિવ્યદાહક છે. રૂંવાડે રૂંવાડે બળીને સમાજને પ્રકાશમય બનાવવાનો આ ધર્મ છે. આ જ ભારતીય સ્ત્રીની પરંપરા છે. હું પણ આ જ મહાન પરંપરાને યાદ કરીને સતી થવામાંથી પાછી આવી હતી અને મારું કર્તવ્ય નિભાવ્યું હતું. અને હવે એ જ ઉજ્જવળ પરંપરા તારે પણ જાળવી રાખવાની છે. ભારતીય નારીના સતીત્વને અમર બનાવવાનું છે. તારે આ કાર્ય કરવું જ પડશે. અહિલ્યે, આ જ મારી આજ્ઞા છે. તારે સતી નથી થવાનું. તું આ રાજ્યના અને પ્રજાજનોના ભલા માટે કામ કર!'
 
હવામાં આટલા શબ્દો પડઘાયા અને પછી અવાજ શાંત થઈ ગયો. અહલ્યાબાઈને થોડીવાર તો સમજાયું નહીં કે, ખરેખર જીજામાતા બોલતા હતાં, બીજુ કોઈ કે, એમનું મન? પણ આખરે એ સમજી ગયાં કે, ખુદ જીજામાતાનો પાવન આત્મા જ કોઈક ને કોઈ સારા વિચાર રૂપે એમને અટકાવી રહ્યો હતો. અને આખરે અહલ્યાબાઈએ મક્કમપણે નિર્ધાર કર્યો કે, તેઓ સતી નહીં થાય. તેમણે બે હાથ જોડ્યા અને મનોમન બોલ્યા, `હે જીજામાતા! આપે મને રાહ ચીંધ્યો એ માટે આપનો નતમસ્તકે આભાર વ્યક્ત કરું છું. જો મહાદેવની એ જ ઇચ્છા હોય કે, અહલ્યાનું જીવન કલ્યાણાર્થે સમર્પિત થાય તો હું મારો સતી થવાનો વિચાર ત્યાગી દઉં છું.'
 
મનોમન આમ બોલીને તેઓ બહાર ગયાં. મલ્હારરાવ તથા સાસુમાની આગળ ઝૂકીને પ્રણામ કરીને બોલ્યાં, `પિતાજી, આ સૌની ઇચ્છાને હું માન્ય રાખું છું. મને પણ લાગે છે કે, સતી થવા કરતાં સમાજ અને રાજ્યના ભલા માટે કામ કરવું વધારે જરૂરી છે. હું મારો નિર્ણય પાછો ખેંચું છું.'
 
મલ્હારરાવ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડતાં બોલ્યા, `ધન્ય છે, અહલ્યા ધન્ય છે તને. મને વિશ્વાસ છે કે, મારા પુત્રની ઇચ્છા તું જરૂર પૂરી કરીશ. મને વિશ્વાસ છે કે, તું પોતાના વ્યવહારથી સમગ્ર સમાજમાં એક આદર્શ સ્થાપિત કરીશ. આવનારી પેઢીઓ તારા ત્યાગ, કર્તવ્ય, ધૈર્ય અને માનવતાની યશોગાથા ગાશે. તું સતી ન થઈને પણ સતી કહેવાઈશ દીકરી. ધન્ય છે તને.'
અહલ્યાબાઈ રડી પડ્યાં અને પછી તો ત્યાં હાજર એક એક વ્યક્તિ રડી પડી. વાતાવરણ ભીનું થઈ ગયું. પછી ખંડેરાવની અંતિમવિધિ માટે સૌ નીકળ્યા. ચંદન અને સુખડનાં લાકડાંમાં તેમનો પાર્થિવ દેહ મૂકવામાં આવ્યો અને માલેરાવના હસ્તે અગ્નિદાહ અપાયો. સૌના આક્રંદ વચ્ચે ખંડેરાવ પંચમહાભૂતોમાં વિલીન થઈ ગયા.
 
***
 
(ક્રમશઃ)
 
 
પ્રકરણ –  ૮ । આક્રંદ કરતાં કરતાં તેમણે ખંડેરાવનું લોહીથી લથપથ શરીર ખોળામાં લીધું…!! 

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.