પ્રકરણ – ૧૦ । ત્રીસ વર્ષની ઉજ્જવળ કારકિર્દીથી દેદીપ્યમાન એવા મલ્હારરાવના જીવનનો અંત આવ્યો

આખું ય માળવા એમના અંતિમ સંસ્કારમાં ઊમટ્યું હતું. રડતી-આક્રંદ કરતી વિશાળ મેદની વચ્ચે તેમની અંતિમ વિધિ સમાપ્ત થઈ. મલ્હારરાવનો દેહ પંચમહાભૂતોમાં વિલીન થઈ ગયો.

    ૧૪-ઓગસ્ટ-૨૦૨૪   
કુલ દૃશ્યો |

ahilyabai 
 
 
૨૪મી માર્ચ, ૧૭૫૪નો દિવસ. એટલે કે ખંડેરાવના મૃત્યુનો દિવસ. અહલ્યાબાઈ માટે જીવનનો સૌથી વિષાદપૂર્ણ દિવસ. આ દિવસ હવે આખી જિંદગીનો વિષાદ લઈને આવ્યો હતો. આ દિવસથી તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જવાનું હતું. આ દિવસે ખંડેરાવનો જીવનપ્રવાસ સમાપ્ત થઈ ગયો. એ પંચતત્ત્વોમાં વિલીન થઈ ગયા હતા, પરંતુ અહલ્યાબાઈના જીવનનો દુઃખમય, આગ ઝરતો, પીડામય અને દાહક પ્રવાસ હવે જ શરૂ થયો હતો. સસરા મલ્હારરાવને આપેલા વચન પ્રમાણે તેમણે સતી થવાનું મુલતવી રાખ્યું અને સમગ્ર જીવન માળવાને સોંપવાનો દૃઢ નિશ્ચય કર્યો હતો. તેમણે હવે પોતાનું સમગ્ર જીવન હોળકર વંશ, મરાઠાશાહી, માળવાની આન-બાન અને શાન, તેમજ સમગ્ર ભારતને ઉજ્જ્વળ કરવામાં વિતાવવાનું હતું. સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ માટે તેમણે હવે પોતાના શેષ જીવનનો કણે કણ સમર્પિત કરવાનો હતો.
 
અહલ્યાબાઈનું સ્વરૂપ હવે બદલાઈ ગયું હતું. તેમના શણગાર તો સ્વાભાવિક જ ઊતરી ગયા હતા પણ વ્યક્તિત્વ પણ વધુ ધારદાર, મક્કમ અને તેજ બન્યું હતું. સફેદ નવવારી સાડી, માથે ચંદનનું તિલક, ગળામાં તુલસીની માળા અને હાથમાં રૂદ્રાક્ષની માળા હવે તેમની ઓળખ હતી. તેઓ સતત ભગવાન શિવનું સ્મરણ કરીને ખંડેરાવના આઘાતને વિસરાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. પણ એમ કંઈ દર્દ ઘટતું નહોતું.
 
મલ્હારરાવનું નામ બહુ મોટું હતું. ઉત્તરથી લઈને દક્ષિણના છેડા સુધી તેમનું માન-સન્માન હતું. જેમ જેમ લોકોને તેમના પુત્રના અવસાનની ખબર પડતી ગઈ તેમ તેમ શોકતપ્ત આશ્વાસન આપવા આવતા હતા. સાથે સાથે એ વખતની પરંપરા મુજબ આશ્વાસન રૂપે વસ્ત્રોથી માંડીને પરગણાંઓ સુધી આવતું હતું. યુદ્ધમાં મૃત્યુ પામેલા ખંડેરાવને આશ્વાસનરૂપે મોગલ બાદશાહે ૨૪ જુલાઈ, ૧૭૫૬ના રોજ તેમના પુત્ર માલેરાવને અંબાડ પરગણું અને અહલ્યાબાઈને વેરૂળ પરગણું આપ્યાં હતાં. અન્ય અનેક ગણમાન્ય રાજકુળોએ હોળકર સંસ્થાનના આ દુઃખમાં સહભાગી થવાની ભાવના વ્યક્ત કરી. અનેક શોક-સંદેશાઓ પણ આવ્યા. જેની સાથે આ યુદ્ધ ચાલતું હતું એ સૂરજમલ જાટે પણ શોક વ્યક્ત કરવાની સાથે સહાનુભૂતિરૂપે મલ્હારરાવ તેમજ તેમના પૌત્ર માલેરાવ માટે વસ્ત્રો મોકલ્યા હતા.
 
સમય પસાર થઈ રહ્યો હતો. અહલ્યાબાઈ માટે આ દુઃખ વિસારવું કાઠું હતું. મલ્હારરાવના હૃદયમાં પણ જે ઘા પડ્યા હતા એ કદી રૂઝાય તેમ નહોતા. પણ જીવન અને જવાબદારી તો વ્યતીત કરવાં જ પડે છે. એક દિવસ મલ્હારરાવ, ગૌતમાબાઈ અને હરકુંવરબાઈ અહલ્યાબાઈ પાસે ગયાં. ઉદાસ ચહેરે બેઠેલાં અહલ્યાબાઈ સફેદ સાડીનો છેડો સ્હેજ આઘેરો ખેંચીને ઊભાં થઈ ગયાં અને ત્રણેયના ચરણસ્પર્શ કર્યા.
 
મલ્હારરાવે બેસીને વાત કરી, `બેટા, અહલ્યા! તારા ચહેરા પરથી ઉદાસીનાં વાદળો હજુ હટતાં નથી.'
 
`એ વાદળો તો આજીવન લખાઈ ગયાં પિતાજી.'
 
`બેટા, તેં અમારા કહેણ પર સતી થવાનું મુલતવી રાખ્યુ પણ આ સ્થિતિ તો સતી થવા કરતાં પણ વધારે કપરી છે. તું જીવતી લાશ બનીને રહીશ તો આ રાજ્યનું શું થશે? સમય ઘણો પસાર થઈ ગયો છે દીકરી. ખંડેરાવ અંતિમ સમયે આ રાજ્યનું કામકાજ હાથમાં લઈને વિકાસ કરવા માંગતો હતો. હવે એની અંતિમ ઇચ્છા પૂરી કરવામાં લાગી જા બેટા. રાજ્યની સ્થિતિ પણ ધીમે ધીમે બગડી રહી છે.'
 
ગૌતમાબાઈએ અહલ્યાબાઈના માથે હાથ ફેરવ્યો, `હા, દીકરી, તું જ અમારો ખંડેરાવ છે. આ રાજ્ય અને હિન્દુ સંસ્કૃતિનો બધો જ દોર તારા હાથમાં છે. તું આવી ઢીલી રહીશ તો નુકસાન આપણી આખી પેઢીને અને રાજ્યના એક એક નાગરિકને થશે.'
 
`હા, દીકરી! અને કહેવાશે કે અહલ્યાબાઈના રાજ્યમાં આ રાજ્ય બરબાદ થયું!' હરકુંવરબાઈએ વાત પૂરી કરતાં કહ્યું.
એ દિવસે ત્રણેએ અહલ્યાબાઈને ખૂબ સમજાવ્યાં. તેમને પોતાને પણ લાગ્યું કે, આમ આજીવન શોકમાં ડૂબી રહેવાથી કોઈનું ભલું થવાનું નથી. હજુ તો પોતાના સંતાનોને પણ મોટાં કરવાનાં છે. એમાંય માલેરાવ અસંસ્કારી અને તોફાની છે. એને પણ સુધારવાનો છે અને રાજ્ય વહિવટ શીખવાડવાનો છે. આમ વિચારીને તેમણે કહ્યું, `આપની જેવી આજ્ઞા ! બધો વહિવટ આપ કરજો. હું આપની પાસેથી શીખીશ. પછી જ બધું કરીશ.'
 
`તારો ખૂબ ખૂબ આભાર બેટા! હું તો હવે બહુ ઓછા દિવસનો મહેમાન છું. તને બધું જ શીખવી દઈશ. પણ તું એમ જ સમજજે કે, આ રાજ્યની ખરી ધુરા તારા હાથમાં જ છે. તું જ મલ્હારરાવ અને તું જ ખંડેરાવ છે.'
 
અહલ્યાબાઈએ ફરીવાર ત્રણેયના ચરણસ્પર્શ કર્યાં.
 
એ પછી અહલ્યાબાઈએ બધું જ દર્દ પોતાના હૃદયમાં સમાવી દીધું અને દુઃખ વિસારે પાડીને કાર્યમાં લાગી ગયાં. સસરા મલ્હારરાવે અહલ્યાબાઈની સુષુપ્ત શક્તિઓને જગાડવા માટેનું અને એ શક્તિઓને રાષ્ટ્રહિત માટે કાર્યાન્વિત કરવાનું અભિયાન આદર્યું. અહલ્યાબાઈ સસરા મલ્હારરાવ પાસેથી રાજ્ય વહિવટની કળાઓ શીખવામાં સમય વિતાવવા લાગ્યાં. મલ્હારરાવે પોતાના પ્રચંડ કારભારનાં સૂત્રો સંભાળવાનું શિક્ષણ અહલ્યાબાઈને આપવા માંડ્યું. તેઓ ત્વરાથી રાજકારણના વિવિધ પાઠ ગ્રહણ કરવા લાગ્યાં. થોડા જ સમયમાં તેમણે સસરા પાસેથી વહીવટીની નીતિ-રીતિ અને યુદ્ધનીતિના પાઠ આત્મસાત્ કરી લીધા.
 
***
 
ખંડેરાવના મૃત્યુને છ એક વર્ષ પસાર થઈ ગયાં હતાં. અહલ્યાબાઈ હવે રાજકાજ ચલાવવા માટે એકદમ તૈયાર થઈ ગયાં હતાં. મલ્હારરાવ એમની પ્રગતિથી ખૂબ જ ખુશ હતા. બસ એમને એક જ ચિંતા હતી કે પોતાનો પૌત્ર માલેરાવ એના પિતા ખંડેરાવના રસ્તે જ આગળ વધી રહ્યો હતો. માલેરાવની ઉંમર એ વખતે ૧૬ વર્ષની હતી. આટલી નાની ઉંમરમાં એ પણ નાનાં-મોટાં વ્યસનો કરવા માંડ્યો હતો. પોતે રાજ પરિવારનું ફરજંદ છે એનું પણ એને ભાન નહોતું. આખો દિવસ તોફાન, મસ્તી, જુગાર અને મારધાડ કરવામાં સમય વિતાવતો હતો. મલ્હારરાવની હવે ઉંમર થઈ રહી હતી. તેઓ અત્યંત દુઃખી રહેતા હતા. તેમનો વિચાર હતો કે, પોતાની હયાતીમાં જ પૌત્ર મોટો થઈ જાય તો પોતે અને પુત્રવધૂ અહલ્યા ભેગાં થઈને એને રાજકાજનું જ્ઞાન આપી શકે. પણ એ કદી દાદા કે માતા પાસે બેસતો જ નહીં. વર્તન પણ એટલું તોછડું કરતો કે સામેવાળાનું હૈયું ચિરાઈ જાય.
 
અહલ્યાબાઈના જીવનમાં તો જાણે કૂવામાંથી માંડ બહાર નીકળ્યા ત્યાં જ ખાઈમાં પડવાનું થયું હતું. આખી જિંદગી પતિ ખંડેરાવના અસંસ્કાર, વ્યસનો, તોછડાઈ સહન કર્યાં. તેમને સુધારવામાં જીવન આખું વ્યતીત કરી દીધું. કદી પતિસુખ નામનો છાંટો માંડ જોયો ત્યારે જ પતિદેવ અધવચ્ચે છોડીને ચાલ્યા ગયા. પુત્ર પર ભરોસો હતો. પણ ફરી એ જ પીડા સામે આવીને ઊભી રહી. બાપ એવો બેટો થયો. માલેરાવ પિતાની જેમ વ્યસની, અસંસ્કારી અને તોછડો થયો. જતી ઉંમરે વિધવાપણાના બોજ નીચે દબાયેલાં અહલ્યાબાઈના માથે હવે પુત્રને સુધારવાની મોટી જવબાદારી ય આવી પડી હતી. ઘણીવાર તો એ ભોળા શંભુ આગળ રડી પડતાં કે હે, ભોળાનાથ, મારા જીવનમાં જ આવાં દુઃખો શા માટે લખ્યાં તે? પણ ભગવાન થોડા કંઈ જવાબ આપે?
 
***
 
૧૭૬૧નું વર્ષ હતું. અહમદશાહ નામનો દુશ્મને મરાઠાઓનું ધનોત-પનોત કાઢી નાંખવા માટે મોટી સેના લઈને તેમના પર ચડી આવ્યો. પાણીપતનું ત્રીજું યુદ્ધ જામ્યું. એ યુદ્ધમાં મરાઠાઓની કારી ફાવી નહીં, તેઓની હાર થઈ.
 
આ વાતની ખબર માળવામાં પહોંચી. મલ્હારરાવ આ સમાચાર જાણીને અત્યંત દુઃખી થઈ ગયા. તેઓ તાત્કાલિક શ્રીમંત માધવરાવ પેશવાને મળવા ગયા. શ્રીમંત, સેનાપતિ મંત્રી અને જાણકારોની બેઠક મળી. મલ્હારરાવે દુઃખ વ્યક્ત કર્યું, `અરે, મારા વીર મરાઠાઓ હારી ગયા! બહું જ આઘાતજનક.'
 
`સૂબેદાર, આપણે અહીં ખરખરો કરવા ભેગા નથી થયા! કોઈ ઉપાય હોય તો કહો. હજુ અબ્દાલી હાકલા પડકારા કરી રહ્યો છે. આપણા બીજા વિસ્તારો પર હુમલો કરવાની તૈયારીમાં છે.' એક કડવા સેનાપતિ બોલ્યા.
 
સૂબેદાર મલ્હારરાવને માઠું લાગ્યું પણ તેઓ દુઃખ ગળી ગયા અને બોલ્યા, `મને લાગે છે કે, આપણે અબ્દાલી સાથે મેદાની યુદ્ધમાં કદી નહીં જીતી શકીએ. એની સાથે શાબ્દિક કે બૌદ્ધિક રીતે જ લડવું જોઈએ. તો જ આપણો વિજય થશે.'
સેનાપતિના મનમાં મલ્હારરાવ માટે દ્વેષ હતો. તેમણે કહ્યું, `મલ્હારરાવ, તમે હવે ખરેખર બુઢ્ઢા થઈ ગયા છો. સઠિયાઈ ગયા છો. શાબ્દિક અને બૌદ્ધિક યુદ્ધ તે કદી હોતાં હશે? આપણે તો લડીશું, મેદાનમાં જ લડીશું અને જીતીશું પણ ખરા. તમારામાં લડવાની શક્તિ ના હોય તો ના પાડી દો, પણ આવી ખોટી સલાહો ના આપો.'
 
શ્રીમંત બોલ્યા, `સેનાપતિ, યોગ્ય રીતે વાત કરો. આ તમને શોભતું નથી.'
 
`પણ શ્રીમંત, મારી વાત સ્પષ્ટ છે. જો એમને ના લડવું હોય તો આપણે એમને આગ્રહ નહીં કરીએ.'
 
`હું લડીશ... જરૂર લડીશ....!' સૂબેદાર મલ્હારરાવે ટૂંકમાં જ કહ્યું.
 
મલ્હારરાવની વાત બિલકુલ સાચી હતી, પરંતુ સેનાપતિ અને અન્ય ગણમાન્ય સરદારોએ એને ધ્યાનમાં લીધી નહીં. પાણીપતનું યુદ્ધ જામ્યું. મલ્હારરાવ પોતે રણમેદાનમાં ઊતર્યા. દુશ્મનો આ વખતે વધારે જોશમાં હતા. એની મલ્હારરાવને પહેલેથી જ ખબર હતી. પણ કોઈ એમ ના કહે કે, છેલ્લે છેલ્લે સૂબેદારે હથિયાર હેઠાં મૂકી દીધાં હતાં, ડરી ગયા હતા એટલે એ લડવા માટે મેદાને પડ્યા હતા. તેમણે એ યુદ્ધ ખૂબ જ શૂરવીરતાપૂર્વક લડ્યું. લડાઈ ઘણા દિવસો સુધી ચાલી. પરંતુ ધીમે ધીમે મરાઠાઓની પીછેહટ થતી ગઈ. મલ્હારરાવ તો આ પહેલેથી જ જાણતા હતા એટલે જ એમણે શાબ્દિક અને બૌદ્ધિક યુદ્ધ કરીને દુશ્મનોને પરાસ્ત કરવાનું સૂચન કર્યું હતું. પણ એ વખતે અભિમાનમાં ચૂર સરદારોએ એમની વાત ના માની અને હવે પાણીપતના યુદ્ધમાં પાણી પાણી થઈ રહ્યા હતા.
 
આખરે દુશ્મનો વધારે ને વધારે ભારે પડવા માંડ્યા. મલ્હારરાવની સેના હારવાની લાગી. સૈનિકો ટપોટપ મરવા માંડ્યા. મલ્હારરાવ ભયંકર આઘાત સાથે લડી રહ્યા હતા. પણ આ વખતે જીત તેમના હાથમાં નહોતી. પાણીપતના યુદ્ધમાં મરાઠાઓનો ભયંકર પરાજય થયો.
 
હવે શ્રીમંત માધવરાવ પેશવાને પણ પસ્તાવો થતો હતો કે, તેમણે પહેલાં જ સૂબેદાર મલ્હારરાવની વાત માની શાબ્દિક અને બૌદ્ધિક યુદ્ધ સ્વીકાર્યુ હોત તો આ દિવસ ના જોવો પડત. પણ હવે બધું જ ખતમ થઈ ગયું હતું.
 
મલ્હારરાવ ભારે મોટી હાર ખાઈને મહેલે આવ્યા. આખું ઇન્દોર આઘાતમાં હતું. મહેલમાં હતાશાનાં અંધારાં હતાં.
અહલ્યાબાઈનું હૃદય દુઃખી થઈ ગયું હતું. તેઓ સસરા પાસે ગયાં અને આશ્વાસન આપ્યું, `પિતાજી, દુઃખી ના થશો. હાર અને જીત તો જીવનનો હિસ્સો છે.'
 
`બેટા, હારનું દુઃખ નથી, જીતી શકતાં હતાં એ બાજી હારી ગયા.'
 
`હોય હવે! ચાલ્યા કરે.'
 
`ચાલ્યા કરે એ બરાબર પણ હવે તારેય વધારે સક્રિય થવાનું છે બેટા!'
 
`હા, પિતાજી! તમારી પુનઃ પ્રતિષ્ઠા માટે હું મારો જીવ દાવ પર લગાવી દઈશ.'
 
`મારી તો ઠીક પણ આખા માળવાની, ઇન્દોરની પ્રતિષ્ઠા દાવ પર કદી દાગ ના લાગે એ જોજે.' મલ્હારરાવે ગળગળા સાદે કહ્યું. એમના અવાજમાં દર્દ છલકાતું હતું. એટલીવારમાં હરકુંવરબા અંદર પ્રવેશ્યાં, `સ્વામી..... તમે ઠીક તો છો ને! મને ખૂબ ચિંતા થતી હતી.'
 
`હા, હું ઠીક છું. મારી ચિંતા ના કરશો.'
 
થોડીવાર વાત ચાલ્યા પછી મલ્હારરાવે પૂછ્યું, `તમે કેમ એકલાં છો. ગૌતમાબાઈ કેમ દેખાતાં નથી?'
 
હરકુંવરબાઈએ ધીમા સૂરે કહ્યું, `સ્વામી, એમની તબિયત જરા ઠીક નથી.'
 
`મારો આટલાં વરસોનો અનુભવ છે કે, તબિયત ઠીક ના હોય તો પણ હું યુદ્ધે જઈને આવું એટલે ગૌતમા આવે જ. મને લાગે છે કે એની તબિયત વધારે ખરાબ હશે. ક્યાં છે એ! મને એની પાસે લઈ જાવ.'
 
મલ્હારરાવ ઊભા થઈ ગયા. ત્રણેત્રણ જણ ગૌતમાબાઈના ખંડમાં ગયાં. ગૌતમાબાઈ વિશાળ પલંગમાં સૂતાં હતાં. તાવથી એમનું શરીર ભઠ્ઠીની જેમ તપી રહ્યું હતું. મલ્હારરાવને જોતાં જ એમણે ઊભા થવાનો પ્રયત્ન કર્યો, પણ ના થઈ શક્યાં. મલ્હારાવે એમના માથે હાથ ફેરવ્યો,`મને ખબર જ હતી કે, તારી તબિયત વધારે જ ખરાબ હશે. શું થાય છે તને?'
ગૌતમાબાઈ કંઈ બોલી ના શક્યાં, માત્ર ફિક્કુ હસ્યાં. અહલ્યાબાઈએ કહ્યું, `પિતાજી, તમે યુદ્ધે ગયા ત્યારથી ચિંતામાં પડી ગયાં છે. એમાંય પરાજયના સમાચાર પછી તો તેમની તબિયત વધારે બગડી છે. વૈદ્યજીને બતાવ્યું છે, પણ જ્વર ઊતરતો નથી.'
મલ્હારરાવ ફરીવાર દુઃખી થઈ ગયા.
 
થોડા દિવસો એમ જ વીતી ગયા. મલ્હારરાવે સ્વયં વૈદ્યજી સાથે વાત કરી. વૈદ્યજીએ કહ્યું, `આ જ્વરનો કોઈ ઉપચાર થાય તેવું લાગતું નથી. હું મારો પ્રયત્ન કરું છું.' ખરેખર એવું જ થયું. કેટલાય દિવસો વીતી ગયા છતાં પણ ગૌતમાબાઈ સાજાં ના થયાં. એ જ વર્ષે ૧૭૬૧માં એક દુર્ભાગી દિવસે ગૌતમાબાઈએ દેહ છોડી દીધો. તેમનું અવસાન થયું.
 
મલ્હારરાવનું તો જતી જિંદગીએ જાણે અરધું અંગ કપાઈ ગયું. અહલ્યાબાઈ માટે તો માતા જ ચાલ્યાં ગયાં અને હરકુંવરબાની જાણે બહેન. સમગ્ર ઇન્દોર એમના અવસાનથી દુઃખી થઈ ગયું.
 
મા સમાન સાસુના મૃત્યુના આઘાતમાં અહલ્યાબાઈ જીવન વિતાવવા લાગ્યાં. સમય પસાર થવા લાગ્યો. ધીમે ધીમે અહલ્યાબાઈ રાજકાજનો ઘણોખરો ભાગ સંભાળવા લાગ્યાં હતાં. પાંચ વર્ષ આંખના પલકારા જેમ વીતી ગયાં.
  
***
 
૧૭૬૬નું વર્ષ હતું. ઉનાળો બરાબર જામ્યો હતો. અલંપુર પાસેના એક ગામમાં મલ્હારરાવ કોઈ કામે આવ્યા હતા. ગૌતમાબાઈના મૃત્યુ પછી તેમની હિંમતે જવાબ દઈ જ દીધો હતો. તેમની તબિયત પણ ઠીક નહોતી રહેતી. એ દિવસ હતો ૨૦મી મેનો. ઉનાળાની કાળઝાળ ગરમી વેરતો સૂરજ હજુ આથમી રહ્યો હતો. સાંજ ઢળી ચૂકી હતી. મલ્હારરાવને બપોરથી જ ઠીક નહોતું લાગતું. ગરમી ઓછી થતાં તેઓ એક વૃક્ષ નીચે વિશાળ પલંગમાં આડા પડ્યા હતા. તેમને ગભરામણ થઈ રહી હતી. આસપાસ સેવકો હતા. બે કલાકથી વધારે સમય પસાર થઈ ગયો. પછી તો એમનો શ્વાસ પણ રૂંધાવા લાગ્યો. સેવકોએ તાત્કાલિક વૈદ્યને બોલાવ્યા, પરંતુ સારવાર શરૂ થાય એ ૫હેલાં જ મલ્હારરાવનું પ્રાણપંખી ઊડી ગયું. ૭૬ વર્ષની વયે તેઓ બધાને છોડીને ચાલ્યા ગયા. પોતાની ત્રીસ વર્ષની ઉજ્જ્વળ કારકિર્દીથી દેદીપ્યમાન એવા મલ્હારરાવના જીવનનો અંત આવ્યો. મરાઠા સમ્રાજ્યનો એક ચમકતો સિતારો ખરી પડ્યો.
 
તાત્કાલિક તેમના પાર્થિવ દેહને ઇન્દોર લઈ જવામાં આવ્યો. એક સેવકે પહેલાં જ સમાચાર આપવા માટે ઘોડો મારી મૂક્યો હતો. ઇન્દોર અને આખા માળવામાં આ સમાચાર પહોંચી ગયા. સમાચાર મળતાં જ રોકકળ શરૂ થઈ ગઈ. જાણે માળવાનો આધારસ્તંભ તૂટી ગયો હોય એવું આક્રંદ મચ્યું. અહલ્યાબાઈના તો પગ તળેથી જમીન સરકી ગઈ. તેમનો એક માત્ર મજબૂત અધાર છીનવાઈ ગયો હતો. જેમના લીધે તેમણે જીવવાનું નક્કી કર્યું હતું એ જ મરી ચૂક્યા હતા. જેમની સાથે ચાલવા માટે તેમણે જિંદગીનો લાંબો પથ પસંદ કર્યો હતો એ જ સફર અધૂરી મૂકીને ચાલ્યા ગયા હતા.
 
અહલ્યાબાઈના જાણે હાથ અને પગ બંને કપાઈ ગયા હતા. તેમનું આક્રંદ તો વળી આસપાસની પહાડીઓનાય ભુક્કા બોલાવી દે તેવું હતું.
 
આખું ય માળવા એમના અંતિમ સંસ્કારમાં ઊમટ્યું હતું. રડતી-આક્રંદ કરતી વિશાળ મેદની વચ્ચે તેમની અંતિમ વિધિ સમાપ્ત થઈ. મલ્હારરાવનો દેહ પંચમહાભૂતોમાં વિલીન થઈ ગયો.
 
***
 
(ક્રમશઃ)
 
 
 
પ્રકરણ – ૮ । આક્રંદ કરતાં કરતાં તેમણે ખંડેરાવનું લોહીથી લથપથ શરીર ખોળામાં લીધું…!!
પ્રકરણ -  ૯ । હોળકરોના કુળને આમ સ્મશાનવત્ બનાવીને ના જા, દીકરી! હું તારા પગે પડું છું 

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.