પ્રકરણ – ૧૧ । .... અને માલેરાવના રાજ્યારોહણની તૈયારીઓ શરૂ થઈ ગઈ

સગુણાએ કહ્યું, `સાચી વાત છે તારી. માલેરાવ અને સૂબેદારી એટલે તો જાણે લીમડાના ઝાડ પર કારેલું. પ્રજા પહેલાંથી જ એમનાથી દુઃખી છે. એ રાજકુંવર તરીકે આટલો બધો જુલમ કરતા હતા તો રાજા તરીકે તો શું નહીં કરે!"

    ૦૨-સપ્ટેમ્બર-૨૦૨૪
કુલ દૃશ્યો |

ahilyabai holkar jivankatha
 
મલ્હારરાવના મૃત્યુનો શોક ઘણા દિવસ ચાલ્યો. જાણે માળવાના દીવડા બુઝાઈ ગયા હોય, એમ અંધારું છવાઈ ગયું હતું. પણ જીવનધર્મ તો બધાએ નિભાવવો જ પડે છે. તેમ ધીમે ધીમે બધું જ સરખું કરવું પડ્યું.
 
મલ્હારરાવ હવે નહોતા એટલે તેમના સીધા વારસ તરીકે ખંડેરાવ અને અહલ્યાબાઈના પુત્ર માલેરાવનું નામ જ આગળ આવે. ગાદીના ખરા વારસદાર એ જ હતા. નગરજનો બોલતા નહોતા પણ માલેરાવ ગાદીએ બેસે એવું એ લોકો જરાય ઇચ્છતા નહોતા, કારણ કે માલેરાવ બાળપણથી જ તુંડમિજાજી હતા. હવે તો સૂરા અને સુંદરીનો શોખ પણ લાગ્યો હતો. એમના પિતા જેમ એ પણ ચોવીસેય કલાક મદ્યપાનના નશામાં અને ગણિકાઓ સાથે જ રહેતા હતા. મલ્હારરાવનું કુળ ઉજાળે તેવું એક પણ લક્ષણ તેમનામાં નહોતું. તેમની ઉંમર માત્ર એકવીસ વર્ષની થઈ હતી પણ એટલી ઉંમરમાં તો જાણે બધા જ પ્રકારનાં વ્યસનો તેમણે અપનાવી લીધાં હતાં.
 
અહલ્યાબાઈ સ્વયં આ બાબતે અત્યંત દુઃખી હતાં. તેમણે માલેરાવને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કરેલો પણ તેઓ સુધર્યા નહીં. સમય અને સંજોગ એવા આવ્યા હતા કે, માલેરાવ જ હવે હોળકર સંસ્થાનના એક માત્ર વારસ બચ્યા હતા. મલ્હારરાવના મૃત્યુના ચારેક મહિના બાદ ૨૩મી ઓગસ્ટ - ૧૭૬૬ના રોજ માલેરાવને પેશવાએ સૂબદારીનાં વસ્ત્રો મોકલ્યાં. મલ્હારરાવની જેમ જ માલેરાવ પણ પેશવાની સેવા નિષ્ઠાપૂર્વક કરે અને હોળકરના વિશાળ અને સુખી-સંપન્ન પ્રદેશની રક્ષા કરે તેવી અપેક્ષા સાથે શુભેચ્છા પાઠવતો પત્ર અને વસ્ત્રો આવ્યાં હતાં. રાજપુરોહિતજી સ્વયં આ બધું લઈને આવ્યા હતા અને આજે હોળકરની સત્તાનો દોર માલેરાવના હાથમાં સોંપાવાનો હતો.
 
***
 
માલેરાવનો રાજ્યારોહણ દિવસ હતો. કલાક પછીનું શુભ મુર્ત હતું. બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી. અહલ્યાબાઈ ચિંતામાં હતાં કે માલેરાવ સવાર-સવારમાં નશો કરીને ના આવે તથા કોઈ શરારત ના કરે તો સારું. કારણ કે તેમને બાળપણથી જ આદત હતી કે, કોઈ મહેમાન આવે કે શાસ્ત્રાર્થ માટે બ્રાહ્મણો કે પુરોહિતો આવે તો એમને હેરાન પરેશાન કરી મૂકતા. કોઈ દિવસ એમની થેલીમાં સાપ મૂકી દેતા તો કોઈ દિવસ એમની પાઘડીમાં વીંછી.
 
આજે માલેરાવ માટે કેટલો મોટો દિવસ હતો એનું એમને ભાન નહોતું. એમનું બધું ધ્યાન તોફાન-મસ્તી અને મોજ-શોખમાં જ જતું હતું. તેઓ આજે હોળકર શાસનના સિંહાસને બેસવાના હતા એનું એમને મન કોઈ મૂલ્ય જ નહોતું. અહલ્યાબાઈ ભારે ચિંતામાં હતાં કે, બધું સમુંસૂતરું પાર પડે તો સારું.
 
***
 
માળવાની પ્રજામાં જરાય ઉત્સાહ નહોતો કે મહેલના સેવકોને પણ આનંદ નહોતો. કારણ કે બધા જ જાણતા હતા કે, માલેરાવ તો એકદમ તુંડમિજાજી અને ક્રૂર છે. એ રાજગાદી પર આવશે તો પ્રજાનું શોષણ જ થશે. આથી ચોરે ને ચૌટે બધે એ દિવસે એમની બૂરાઈ જ થઈ રહી હતી.
 
મંજુલા અને સગુણા નામની બે દાસીઓ મહેલના ખૂણે ઊભી ઊભી વાતો કરી રહી હતી. મંજુલા બોલી, `આપણાં નસીબ કેટલાં ફૂટેલાં છે કે, માલેરાવ જેવા તુંડમિજાજી માણસ આપણા રાજા બનશે.'
 
સગુણાએ કહ્યું, `સાચી વાત છે તારી. માલેરાવ અને સૂબેદારી એટલે તો જાણે લીમડાના ઝાડ પર કારેલું. પ્રજા પહેલાંથી જ એમનાથી દુઃખી છે. એ રાજકુંવર તરીકે આટલો બધો જુલમ કરતા હતા તો રાજા તરીકે તો શું નહીં કરે!'
 
`હા, જોને એમને મન ફાવે ત્યારે મન ફાવે તેવી સજાઓ કરે છે. સાવ સામાન્ય ભૂલ હોય તો પણ હજાર કોડા ફટકારવાની સજા. અને નાડું તો સાવ ઢીલું. કોઈની રૂપાળી બૈરી કે બહેન - દીકરી જોઈ નથી કે ઉઠાવી નથી.'
 
`આપણાં કરમ ફૂટેલાં બહેન, બીજું શું. મને તો બહુ બીક લાગે છે.'
 
`બહેન! સાવચેતી રાખજે પણ ડરતી નહીં. કારણ કે માલેરાવ તો માત્ર નામના સૂબેદાર બનવાના છે. રાજ્યનું પૂરેપૂરું કામકાજ તો માતોશ્રી અહલ્યાબાઈ જ જોશે. આ તો શું વંશપરંપરા અનુસાર તેમને સૂબેદાર બનાવવા પડે એટલે બનાવે છે. માતોશ્રી કહેતાં હતાં કે, કદાચ સૂબેદારીની પાઘડી માથે મુકાય અને જવાબદારીની ભાવના જાગે તો કામ થઈ જાય. માલેરાવ સુધરી પણ જાય કદાચ.'
 
`બહેન, એવું થાય તો તો સારું, પણ લાગતું નથી કે, આ કારેલામાંથી મીઠાશ પ્રગટે.'
 
વાતો ચાલતી હતી ત્યાં જ એક બીજી દાસીનો અવાજ આવ્યો. `સગુણા.... ચાલો હવે માનવસ્ત્ર લેવાનો અને માલેરાવના રાજ્યારોહણનો સમય થઈ ગયો છે. માતોશ્રી તમને યાદ કરે છે.'
 
બહારથી અવાજ આવતાં જ બંને દાસીઓ દોડી ગઈ.
 
***
 
માલેરાવના રાજ્યારોહણની વિધિ શરૂ થઈ. નવાં વસ્ત્રોમાં સજ્જ માલેરાવ મહેલના મુખ્ય ખંડમાં પધાર્યા. એક તરફ હરકુંવરબાઈ તથા બીજી તરફ અહલ્યાબાઈ બેઠાં હતાં. દૂર બેઠેલા વાદ્યકારોએ વાદ્યો પર મંગળ ધ્વનિ શરૂ કર્યો. બ્રાહ્મણો મંગળ મંત્રો ઉચ્ચારી રહ્યા છે. ઘણા સમયે આજે મહેલમાં જાણે સુખનો દિવસ આવ્યો છે.
 
માલેરાવના ચહેરા પર અપાર અભિમાન છલકાઈ રહ્યું છે.
 
વાતાવરણમાં `સદાનંદાચા યેલકોટ... સૂબેદાર માલેરાવ કી જય'ના પડઘા પડી રહ્યા છે. બધા જ નવા સૂબેદારનો જય જયકાર કરી રહ્યાં છે. બ્રાહ્મણ બોલી રહ્યા છે, `સૂબેદારજીને કુમકુમ અક્ષતનું તિલક કરો. સોનાનું કડું અર્પણ કરો, પાલખીનું માન આપો, હાથીનો અધિકાર આપો... લો આવી ગયા રાજપુરોહિતજી. પેશવા તરફથી સૂબેદારીનાં વસ્ત્રો લઈને આવેલા રાજપુરોહિતજીનું સ્વાગત છે. વાહ.... કેટલી સુંદર જરીવાળી શાલ છે.'
 
રાજપુરોહિતે આનંદ સાથે મંગલ મંત્રો સાથે સૂબેદારીનાં વસ્ત્રો અર્પણ કર્યાં. ફરીવાર માલેરાવની જયથી વાતાવરણ ગુંજી ઊઠ્યું. એ પછી રાજપુરોહિતના સન્માન માટે તેમને સ્વયં માલેરાવજીએ એક પાઘડી પહેરાવી.
 
પાઘડી માથે પહેરીને રાજપુરોહિત બેઠા. થોડી જ વારમાં એમને માથામાં કંઈક ડંખ લાગ્યો. એ ઊભા થઈ ગયા. દર્દથી રાડો પાડવા લાગ્યા. મોટી ચીસ પાડીને પાઘડીનો ઘા કર્યો. તરત જ એક વીંછી ઊછળીને એમના માથામાંથી બહાર પડ્યો અને સડસડાટ કરતો ચાલ્યો ગયો. અહલ્યાબાઈ, હરકુંવરબાઈ, મંત્રીઓ બ્રાહ્મણો બધાં જ ઊભાં થઈ ગયાં.
 
રાજપુરોહિતજી જમીન પર ફસડાઈ પડ્યા હતા. તેઓ દર્દથી ચીખી રહ્યા હતા, `બચાવો... બચાવો.... મને કંઈક કરડ્યું છે.' બીજી તરફ માલેરાવ ખડખડાટ હસવા માંડ્યા, `વાહ, મજા પડી ગઈ. કેવી રાડો નાંખે છે.'
 
અહલ્યાબાઈ સમજી ગયાં કે માલેરાવે જ રાજપુરોહિતની પાઘડીમાં વીંછી મૂક્યો છે. એ હતાશ થઈને નીચે બેસી ગયાં. બે સેવકો તરત જ રાજવૈદ્યને બોલાવવા માટે દોડી ગયા.
  
***
 
માલેરાવની હરકતથી અહલ્યાબાઈ સાવ તૂટી ગયાં હતાં. રાજવૈદ્ય રાજપુરોહિતને લઈને સારવાર માટે ચાલ્યા ગયા. અહલ્યાબાઈ મહેલના મંદિરે આવીને ભગવાન શંકરની મૂર્તિ સમક્ષ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યાં. તેઓનું હૃદય તૂટી ગયું હતું. એ ભગવાન સમક્ષ બે હાથ જોડીને પોતાનું હૃદય ઠાલવી રહ્યાં હતાં, `હે ભોળાનાથ! તમારી પૂજામાં મારી એવી તે કઈ ભૂલ રહી ગઈ હતી, કમી રહી ગઈ હતી કે, તમે મારી કૂખે આવા પુત્રને જન્મ આપ્યો. ભગવાન, તમે જાણો છો કે, આ મહેલ જ નહીં મારું જીવન પણ છેલ્લા કેટલાયે દિવસથી દુઃખોના અંધારામાં હતું. મોટા સૂબેદારજીના મૃત્યુ પછી જાણે આખું માળવા જ ઉદાસ થઈ ગયું હતું. મલ્હાર બાબા, પહાડ જેવા મારા સસરાજી, માળવા પર અપાર માયા-મમતા દાખવનારા મારા મામંજી, મને - અહલ્યાને આ દિવસ જોવા એકલી છોડીને ચાલ્યા ગયા... અને ભગવાન, તમેય મારો સાથ ના આપ્યો. મામંજીએ કેટલા પ્રેમથી મારા માથે હાથ ફેરવીને પૂછ્યું હતું કે, દીકરી, મારી પુત્રવધૂ બનીશ ને? મારા ખંડેરાવને સંભાળીશ ને? કેટલા સુંદર હતા એ બાળપણના દિવસો. ન કોઈ ચિંતા, ન કોઈ ક્લેશ.
 
સીના નદીના કિનારે લહેરાતા ખેતરોમાં, પહાડ પર ઊગેલાં જંગલી ફૂલોની સુગંધ વચ્ચે નાચવા કૂદવાનું, રખડવાનું, રમવાનું અને થાકીને બાપુના ખોળામાં સૂઈ જવાનું. બાપુ કહેતા કે, મારી અહલ્યા તો દેવીનું રૂપ છે. સાક્ષાત્ અંબાબાઈનો પ્રસાદ છે. પછી તમે જ મારા જીવનના લેખો ફેરવી નાંખ્યા ભગવાન. મને આ મહેલે મોકલી. ત્યારેય બાપુ તો કહેતા જ હતા કે મારી અહલ્યા રાજ કરશે રાજ. ભગવાન, તમે જ મને ત્યાંથી દૂર કરીને આ મહેલમાં મોકલી. મને સપનાં દેખાડ્યાં. મેં કેટકેટલાં સપનાં જોઈને આ મહેલમાં પગ મૂક્યો હતો પણ કશું જ ના મળ્યું. મારાં બધાં જ સપનાં ચકનાચૂર થઈ ગયાં. બાપુ મને દેવીનું સ્વરૂપ કહેતા, પણ ભગવાન, તમે એ ખોટું સાબિત કર્યું. હું દેવી હોત તો મારી કૂખે આ અસુર પેદા ના થાત. ભગવાન, મેં બધું જ સહન કરી લીધું છે; એ તમને પણ ખબર છે. પણ હવે મારાથી આ સહન નથી થતું કે મારો પુત્ર આટલો અસંસ્કારી હોય. મારાથી સહન નથી થતું કે, માલેરાવ માળવાની આબરૂ પર કાળું ટીલું લગાડે.
 
આજે ઘણા સમય પછી હર્ષની થોડી ક્ષણો આવી હતી, એને પણ માલેરાવે બગાડી નાંખી. મને એમ હતું કે, માથે સૂબેદારની પાઘડી આવશે એટલે સુધરી જશે પણ મારી ધારણા વ્યર્થ હતી.'
 
અહલ્યાબાઈ સવારથી ભગવાનના ચરણોમાં બેસીને રડી રહ્યાં હતાં. બપોર ચડી ગયા હતા. હરકુંવરબા પણ એમના ઓરડામાં રડી રહ્યાં હતાં. કોણ કોને સંભાળે એવી સ્થિતિ હતી. છેક મોડી બપોરે દાસી મંજુલા મંદિરમાં પ્રવેશી. અહલ્યાબાઈ હજુ પણ રડી રહ્યાં હતાં. મંજુલાએ કહ્યું, `માતોશ્રી... ઓ માતોશ્રી ઊઠો.... મહેલે ચાલો.'
 
`મારા પગ ભાંગી ગયા છે. હવે કેવી રીતે ચાલું!' અહલ્યાબાઈએ રડતાં રડતાં જ કહ્યું.
 
મંજુલા બધું સમજતી હતી પણ એણે વાત ટાળવાનો પ્રયાસ કર્યો, `માતોશ્રી... ચાલો, હું આપને લઈ જાઉં છું.'
 
અહલ્યાબાઈ હસ્યાં અને બોલ્યાં, `મંજુલા, રાજપુરોહિતજીને કેમ છે હવે?'
 
`જરાય ચિંતાની વાત નથી. વૈદ્યરાજે કહ્યું છે કે, એમને જલદી સારું થઈ જશે. વીંછીનું ઝેર શરીરમાં પ્રસરે એનાં પહેલાં જ જડીબુટ્ટી આપી દીધી છે.'
 
`મંજુલા, જીવનના વીંછીનું ઝેર ઉતારે એવા કોઈ વૈદ્યરાજ કે જડીબુટ્ટી હોત તો કેટલું સારું!' અહલ્યાબાઈ રડતાં રડતાં બોલ્યાં. મંજુલા કંઈ બોલી નહીં. થોડીવાર પછી અહલ્યાબાઈએ જ કહ્યું, `મંજુલા, તું જા! મને અહીં જ બેસવા દે.'
 
`માતોશ્રી, આપ ચિંતા ના કરો. મારી સાથે મહેલે ચાલીને આરામ કરો.'
 
અહલ્યાબાઈ મર્માળુ હસ્યાં, `ચિંતા? અરે હવે તો અહલ્યાનું જીવન જ ચિતા બની ગયું છે. સૂરા, સુંદરીનું વ્યસન માલેરાવના પિતા ખંડેરાવજીને પણ હતું. પરંતુ એ પોતાનામાં મસ્ત રહેતા હતા. કદી બીજા કોઈને હેરાન-પરેશાન નહોતા કરતા. એમનું દુઃખ માત્ર મારા સુધી સીમિત હતું. જ્યારે માલેરાવે તો હદ વટાવી દીધી છે. એના લીધે આખું માળવા અને આવનારા-જનારા બધા જ લોકો હેરાન થાય છે. આટલી નાની ઉંમરમાં એણે વ્યસનો સાથે સાથે બીજા અનેક દુર્ગુણો પણ અપનાવી લીધા છે. હવે શું થશે આ ઘરાનાનું, આ મહેલનું.... આ રાજ્યનું?'
 
`માતોશ્રી, શાંત થઈ જાવ. તમે સવારથી અહીં બેસીને રડી રહ્યાં છો. કંઈ ખાધું નથી, પાણી પણ પીધું નથી. માસીજીએ પણ કંઈ નથી ખાધું. ત્યાં મેં સગુણાને મોકલી છે. માતાજી કંઈ ચિંતા ના કરો. બધું જ સારું થઈ જશે. તમે બસ તમારું ધ્યાન રાખો. માળવાને તમારી જરૂર છે. લો થોડું ખાઈ લો....!'
 
`હા, મંજુલા પુત્રના પાપનું પ્રાયશ્ચિત્ત માતાએ જ કરવું પડે છે.'
 
`માતાજી, હવે વિચારવાનું બંધ કરી દો. લો આ દૂધ પી લો અને ફળ ખાઈ લો...!'
 
`મંજુલા... મંજુલા.... આજે અહલ્યાને દૂધ નહીં વિષના ઘૂંટડા ભરવા પડે છે. તું ફળની વાત કરે છે. ભગવાનને મારી કૂખમાં કડવું ફળ શા માટે નાંખ્યું એ જ મને તો સમજાતું નથી. આવું ફળ હોય તો જીવન કે મોં કંઈ મીઠું કેવી રીતે થઈ શકે?'
 
મંજુલા બિચારી દાસી હતી. એ કેટલુંક બોલી શકે. એણે ખૂબ આગ્રહ કર્યો પણ એ દિવસે અહલ્યાબાઈને આઘાત જ એટલો હતો કે, કંઈ ખાવાની ઇચ્છા જ નહોતી. તેમણે કહ્યું, `મંજુલા, મને ગંગાજળ નાંખેલું થોડું પાણી અને તુલસીપત્ર આપી દે. બસ મારું ભોજન થઈ જશે.'
 
મંજુલાએ તેમના હુકમનું પાલન કર્યું. પછી એ જવા લાગી. જતાં જતાં અહલ્યાબાઈએ કહ્યું, `મંજુલા, આજે મારા ભાઈ પણ આવવાના છે. રાત્રે ભોજનમાં માલેરાવ એમના મામા સાથે ઉપસ્થિત રહેશે ને? જરા પૂછી જોજે. ભૂલી ના જતી.'
 
`મેં તપાસ કરી લીધી છે માતોશ્રી. નાના સૂબેદારજીએ કહ્યું છે કે, તેઓને શિકાર પર જવાનું છે. આપ અને મામાજી ભોજન લઈ લેજો.'
 
અહલ્યાબાઈ વ્યથિત અવાજે બોલ્યાં, `હું બધું જ જાણું છું કે માલેરાવ કયા શિકાર પર જવાના છે. મારી ફૂલ જેવી બે પુત્રવધૂઓ છે પણ માલેરાવને એમની બિલકુલ કદર નથી. હશે, દુર્ભાગ્ય મારું. બીજું શું....! પણ હવે એમ નહીં ચાલે. તું જલદી કાગળ અને કલમ લઈ આવ અને હું લખાવું એ સંદેશ માલેરાવને નામે લખ. તું ભણેલી છે એ મારા માટે ખૂબ ઉપયોગી છે!' અહલ્યાબાઈ બોલ્યાં,
 
મંજુલા દોડતી કાગળ કલમ લઈ આવી. અહલ્યાબાઈએ માલેરાવના નામે સંદેશ લખાવ્યો, `સૂબેદાર માલેરાવ, માતોશ્રીના આશીર્વાદ. આપને નિવેદન છે કે, હવે આપે સૂબેદારીનાં વસ્ત્રો ધારણ કરી લીધાં છે. આ માત્ર વસ્ત્રો નથી પણ એક મોટી જવાબદારી છે. તેથી તેના માટે ગંભીર બનશો. આપના દાદાજી મલ્હારરાવની ઉજ્જ્વળ કારકિર્દી અને કીર્તિને યાદ કરીને રાજકાજમાં લાગી જશો અને સૌનું ભલું કરશો. હવે તમારા બાળપણના દિવસો ચાલ્યા ગયા છે, એ પણ યાદ રાખશો. દાદાજી હવે આપણી વચ્ચે નથી ત્યારે તેમના આત્માને દુઃખ પહોંચે તેવું કશું જ ના કરશો. આપણા વંશની અપકીર્તિ થાય તેવું કશું જ ના કરશો. સંયમ અપનાવીને પ્રજાના હિતની રક્ષા કરશો. ગંગાધર તાત્યાની સલાહથી રાજકાજનું કામ શરૂ કરી દેશો. શેષ કુશળ. માતોશ્રી!'
 
પત્ર પૂરો કરીને અહલ્યાબાઈએ મંજુલાને કહ્યું, `મંજુલા, આ પત્ર હાલ ને હાલ જ માલેરાવ સુધી પહોંચાડી દેજે.'
 
`જી, માતોશ્રી!' બોલીને મંજુલા ચાલી ગઈ. અહલ્યાબાઈ ત્યાં જ એમના પ્રારબ્ધને કૂટતાં બેસી રહ્યાં.
 
***
 
(ક્રમશઃ)
 
 
આગળના પ્રકરણ : - 
 
પ્રકરણ – ૮ । આક્રંદ કરતાં કરતાં તેમણે ખંડેરાવનું લોહીથી લથપથ શરીર ખોળામાં લીધું…!!
પ્રકરણ - ૯ । હોળકરોના કુળને આમ સ્મશાનવત્ બનાવીને ના જા, દીકરી! હું તારા પગે પડું છું
પ્રકરણ – ૧૦ । ત્રીસ વર્ષની ઉજ્જવળ કારકિર્દીથી દેદીપ્યમાન એવા મલ્હારરાવના જીવનનો અંત આવ્યો